કેરીનો ગોટલો – નયનાબહેન સાથે આ કેરીના ગોટલાનો સંબંધ નાનપણનો છે…અદ્ભુત વાર્તા…

કેરીનો ગોટલો

પીળા રંગની મીઠી-મજેદાર રસભરેલી લાંબા ફળવાળી હાફૂસ નયનાબહેને સ્ટોર રૂમમાં છાપાં પાથરીને વચ્ચે કાંદા મુકીને ગોઠવી હતી. લગભગ પચીસેક કિલો કેરી હતી. ઉનાળાની સીઝન આવે ને નયનાબહેનના ઘરમાં કેરી જ કેરી થઇ જાય..!! વલસાડથી મોટી નણંદ મોકલે ને જુનાગઢથી કાકાજી સીઝનની એકસામટી દસ-બાર પેટી મોકલી આપે. વળી મુંબઈથી રાજેશભાઈના વ્યાપારીઓ મોકલાવે..!! પ્રદેશ-પ્રદેશની કેરીઓ નયનાબહેનના ઘરમાં આવે કે એવી મીઠી-મધુરી રસદાર કેરીઓ જોઇને મન લલચાઈ જાય.. એમાય નયનાબહેનને તો કેરી જીવથીય વધારે વહાલી.. ઉનાળો આવે ને એ કેરીની રાહ જોવે..!!

આજે સવાર સવારમાં જ નયનાબહેને સ્ટોર રૂમ ચોખ્ખો કરી દીધેલો. મુંબઈ ગયેલા રાજેશભાઈ બે-ચાર કેરીની પેટી લઈને જ આવશે એવી તેમને ખાતરી હતી. પોતાના ભીના વાળને અંબોડામાં બાંધતી નયનાબહેનની વહુ નિશ્રુતી સ્ટોર રૂમમાં આવી.. “મમી.. મને વહેલા બોલાવી લેવાય ને? કેમ તમે આટલી બધી તકલીફ લો છો? કેટલી વાર ના કહી છે તમને.. હવે નીચે બેઠા છો તો ઉભા થવામાં કેટલા હેરાન થશો.. આવું ના કરો ને મમી..”


પોતાની લાડકી વહુની લાગણી જોઇને નયનાબહેન ગદગદિત થઇ ગયા. “અરે વહાલા, એમાં કઈ વાંધો નહિ. તમને ખબર છે ને દીકરા આજે તમારા પપ્પા આવશે તો આ સ્ટોરમાં જગ્યા કરવી પડશે.. મારી આંખ જરા વહેલી ખુલી ગઈ તો કામ કરી દીધું. તમે આમેય થાકેલા હતા ને ગઈકાલના..!! હા જો હું પૂછતા તો ભૂલી જ ગઈ.. બેટા, હવે માથું નથી દુખતું ને? ચા કરી દઉં મસાલા વાળી?” નિશ્રુતી પોતાના સાસુ સામે જોઇને જરા હસી અને પછી બોલી..

“મારા મીઠડા મમીજી.. મને હવે એકદમ સારું છે.. તમે મારું ધ્યાન રાખો ને તો એ જોઇને મારું હ્રદય ભરાઈ આવે.. ખરેખર પેલી એકતા કપૂરની સીરીયલ જેવા સાસુ મને મળ્યા હોત તો મારું શું થઇ જાત?? તમારો પ્રેમ એટલે તો અહા..” ને બંને એકસાથે હસી પડ્યા.. ત્યાં જ પાછળથી નયનાબહેનનો દીકરો નિર્મમ આવ્યો અને બંને સાસુ-વહુને સંબોધીને બોલ્યો..

“સવાર-સવારમાં બંનેનો પ્રેમાલાપ શરુ એમ ને?? હેં માં કોઈ વાર તો મને સવાલ થાય હો કે હું તારો દીકરો છું કે જમાઈ? કારણકે નિશ્રુતીને તો તું મારા કરતાય વધારે પ્રેમ કરે છે..” “લે બોલ તે એ તો કરું જ ને દીકરા.. તું કઈ તારું ઘર, માં-બાપ ને સંબંધો છોડીને નથી આવ્યો.. એ આવી છે.. એને જરૂર છે મારી હૂંફની.. પણ તું ચિંતા નાં કર તારા પપ્પા છે ને તને વહાલ કરવાવાળા.. હા.. હા.. હા” ને આ વાત સાથે જ તેમના ઘરમાં હસી-ખુશીની છોળો ઉડતી રહી…!!


નયનાબહેન અને રાજેશભાઈને એક જ દીકરો. નિર્મમ.. તેના માટે છોકરી જોવાની શરુ કરેલી ત્યારે વહુ નહિ પણ દીકરી મેળવવાની આશાએ જ તેઓ દરેક છોકરીને મળતા. ઘઉંવર્ણી, પહેલી જ મુલાકાતમાં આ જમાનામાં સાડી પહેરીને તેમને મળેલી, ચહેરા પર મીઠી મુસ્કાન ધરેલી નિશ્રુતી તેમણે આંખમાં વસી ગઈ.. ને નિર્મમને હ્રદયમાં..!! ત્રણ મુલાકાત પરિવાર સમેત કરી ને પછીની ત્રણ મુલાકાતમાં બંને એકલા મળ્યા.. ને બસ પછી તો શું હતું.. ચટ મંગની ને પટ બ્યાહ થઇ ગયા..!!!

રાજેશભાઈને કાપડનો મોટો બિઝનેસ.. નિર્મમ પણ એમબીએ પૂરું કરીને એમાં જ જોડાયેલો હતો. રાજેશભાઈને અવારનવાર મુંબઈ-બેંગ્લોર ને દિલ્લી જાવાનું થાય.. નિર્મમ પણ દુકાને જ હોય.. ક્યારેક ફેક્ટરીએ જાય.. નયનાબહેન અને નિશ્રુતી.. બંને સાસુ-વહુ ઘરે એકલા જ હોય ત્યારે એકબીજા સાથે સુખદુઃખની વાતો કરે ને ફરવા ય જાય.. એમાં પાછી ઉનાળાની તો ખાસ વિશિષ્ટતા હતી…!!

નયનાબહેનને કેરી બહુ ભાવે.. ઘરમાં છેલ્લા ઘણા વર્ષોથી એટલી બધી કેરીઓ આવે કે એમણે એક નિયમ કરેલો.. પહેલા તો નયનાબહેન એકલા જ જતા પરંતુ નિશ્રુતીના આવ્યા બાદ છેલ્લા બે વર્ષથી તે પણ સાસુમા સાથે જતી.. રોજ બંને સાસુ-વહુ એક પેટી લઈને નીકળે.. લગભગ પચીસેક જેટલી કેરી એ એક પેટીમાં હોય.. રસ્તામાં જે-જે જરૂરીયાતમંદ મળે તેને એક-એક કેરી આપે ને આખી પેટી પૂરી થાય પછી જ ઘરે આવે..!! સંતોષની મુસ્કાન દરેક કેરી ખાનારના ચહેરા પર જોઇને નયનાબહેનની જાણે આંતરડી ઠરે..

ગોગલ્સ પહેરીને તડકામાં, ગાડી લઈને, ડ્રાઈવર સાથે નીકળેલી આ બંને સ્ત્રીઓ જેને કેરી આપતી એ બધા માટે તો ભગવાન જ બની જતી..! ભરબપોરે સારા ઘરની વહુ-દીકરીઓ એસીમાં આરામ કરતી હોય ત્યારે આ બંને સાસુ-વહુ પુણ્યનું ભાથું બાંધવા નીકળી પડે..!! નિશ્રુતી જાણે નયનાબહેનનું નાનું બીબું જ જોઈ લો.. સાસુ-વહુને એકબીજા પ્રત્યે અપાર હેત..!


“અરે ક્યાં છો બધા.. રામુકાકા, ગોવિંદ, રમીલાબહેન આ બધી પેટીઓ ગાડીમાંથી કાઢી લેજો.. આ વખતે તો બધાય વેપારીઓએ પેટી આપી છે.. આઠ-દસ પેટી હશે..” રાજેશભાઈ દરવાજામાંથી અંદર આવતા જ બોલ્યા.. નયનાબહેન ઉભા થઈને એમની પાસે ગયા અને બેગ લઇ લીધી. નિશ્રુતી સસરાજીને આપવા રસોડામાં પાણી લેવા ગઈ અને નિર્મમે તરત હોલનું એસી ચાલુ કરી દીધું..

“આવો પપ્પા.. આજ તો રાતનું ટ્રાવેલિંગ કરીને આવ્યા છો.. થાક લાગ્યો હશે ને? ઓફિસે નહિ આવતા.. આરામ જ કરો ઘરે..!!” નિર્મમ બોલ્યો કે તરત જ નિશ્રુતી પાણી લઈને આવી.. નયનાબહેન પણ ઓરડામાં બેગ મુકીને આવ્યા અને રાજેશભાઈ પાસે બેઠા.. “બહુ કેરીઓ લાવ્યા આ વખતે તો.. સારું કર્યું ચાલો.. આ રવિવારે પેલા બાબુકાકાના વૃધાશ્રમમાં જઈ આવીશું ને કેરીની પેટી આપી આવીશું..!!” નયનાબહેનની વાત સાંભળી રાજેશભાઈ તરત બોલ્યા,

‘લે બોલ. હું તો તારા માટે લાવ્યો છું નયના આ બધી પેટી.. કેરી ખાઈને ગાલના ગલોટિયા વધાર જરા તો છોકરાનેય એમ થાય કે માં કંઇક ખાય છે.. હેં નિર્મમ તને ખબર છે તારી માંને કેરી બહુ ભાવે હો.. જો હું તને એ વાત કહું..” જૂની વાતોને યાદ કરવાના મૂડમાં રહેલા રાજેશભાઈએ નિરાતે સોફા પર લંબાવ્યું.. નયનાબહેન તરત જ હસી પડ્યા ને બોલ્યા, “શું તમેય હવે.. કઈ છોકરાઓને એ કહેવાતું હશે?? એ તો હવે વર્ષો પહેલાની વાત..!!”


હંમેશા ધંધામાં વ્યસ્ત રહેતા પપ્પા આજે સારા મૂડમાં છે તે જોઇને નિર્મમે મોબાઈલથી જ મેનેજરને મેસેજ કરીને કહી દીધું કે તે મોડો આવશે.. નિશ્રુતીએ પણ સસરાજીને બે વર્ષમાં પહેલી વખત આમ ખુલીને હસતા-બોલતા જોયા એટલે એય વાત સાંભળવા બેસી ગઈ.. રાજેશભાઈએ નયનાબહેનનો હાથ પકડ્યો ને પોતાની સામેના સોફામાં બેસાડી.. વળી પાછુ પોતે સહેજ લંબાવ્યું ને વાત શરુ કરી.. “લગ્ન કરીને એને લઇ આવ્યો ત્યારે એપ્રિલ મહિનો ચાલતો હતો.. તારા દાદા એટલે આપણો પરિવાર પહેલેથી જ ગર્ભશ્રીમંત.. આપણા ઘરમાં કેરીની સિઝનમાં હાફૂસ ને કેસરની પેટીઓ જાણે ઉભરાતી.. દાદા ફેકટરીના બધા કામદારોને કેરીની એક એક પેટી વહેચી દેતા..

એ દિવસે સવારમાં જ તારા દાદાને કેરી ખાવાનું મન થયું. તારા મમી પરણીને આવ્યા એને હજુ ચાર દિવસ માંડ થયેલા.. તારા ભાભુ ને દાદી બંને કામસર બહાર ગયેલા. તારા મમીને રસોડામાં હજુ કઈ ગતાગમ નહોતી.. દાદાએ એને બોલાવીને કહ્યું, “વહુ.. જરા એકાદ પાકેલી પેટીમાંથી બે-ચાર કેરી કાઢોને.. અને સુધારીને મને આપો.. આજે ઘણા દિવસે ચીર ખાવાનું મન થયું છે.. ઘોળીને બહુ ખાધી.. આજે ચીર ખાઈએ..”

હવે તારા મમી તો એમનાથી બહુ ડરે.. દાદાની લાજ કાઢતા એ સમયે.. સસરાએ હુકમ કર્યો એટલે સાંભળવું તો પડે જ ને.. રસોડામાં ચપ્પુ કઈ જગ્યાએ હશે એ પણ એને ખબર નહોતી.. તોય આપણા નયનાદેવી ગયા રસોડામાં.. અને એક સરસ મજાની પાકેલી કેરી કાઢીને એ સુધારી.. બીજી પણ બે કેરી સુધારી અને મોટી ડીશમાં સુધારેલી કેરીની ચીર અને ગોટલા રાખ્યા ને દાદા પાસે ગયા.. હીચકે બેઠેલા દાદાએ જેવી ડીશ હાથમાં લીધી કે તરત ગુસ્સે થઇ ગયા.. રાતી આંખોએ તારી માંને જોઇને કહ્યું,

“વહુ.. માં-બાપે કઈ શીખડાવ્યું નથી?? આ રીતે કોઈને કેરી પીરસો ત્યારે ગોટલા નાં દેવાય? ત્રણ કેરીના આ ત્રણ ગોટલા મારી થાળીમાં મુકીને તમે મને ખવડાવવા માંગો છો?” તારી માં તો ડરી ગઈ.. સસરાએ અવાજ ઉંચો કરી દીધેલો.. ઘૂમટો તાણીને ઉભેલી તારી માંની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા.. દાદાને તો એ ક્યાંથી ખબર હોય.. ત્યાં જ દાદી આવી ગયા અને બધી પરિસ્થિતિ સંભાળી લીધી..


“શેઠજી.. લાવો આ થાળી હું લઇ જાવ છું.. બીજી સુધારીને લાવું છું.. વહુ બિચારા નવા છે.. એમને ના ખબર હોય કઈ.. એમાં આમ ગુસ્સે ના થઇ જવાય..” તારા દાદાજી આમ બહુ સારા.. તરત નવી વહુને ચોથા જ દિવસે રડાવી એનું ભાન થતા તારી માંને કહેલું.. “વહુ.. આજથી તમારે લાજ કાઢવાની જરૂર નથી.. ખાલી માથે જ ઓઢ્જો..!!”

ને બસ આટલું કહીને અંદર ચાલ્યા ગયેલા.. નયના તો રડે કે હસે તે જ ના સમજી શકી.. ચુપચાપ તે ઓરડામાં આવી ને બાથરૂમમાં ચાલી ગઈ.. એના રડવાના અવાજથી હું જાગ્યો ને એને સંભાળી.. ને પછી સમજાવી કે પપ્પાનો સ્વભાવ આવો જ છે.. ચિંતા કરવા જેવું કઈ નથી.. તું ધીમે ધીમે ટેવાઈ જઈશ.. એમ કહીને એને એ દિવસે હું ફરવા લઇ ગયેલો..”

સહેજ ઉધરસ આવતા રાજેશભાઈ અટક્યા.. નિશ્રુતી અંદર જઈને પાણી લઇ આવી.. કોઈ ફિલ્મની વાર્તા જેવી તેના સાસુ-સસરાની આ કહાનીમાં તેને રસ પડી રહ્યો હતો.. નિર્મમ તો એકાગ્ર થઇ ગયેલો.. જાણે એ સમયમાં જ વહી ગયેલો.. રાજેશભાઈની પીઠ પસવારી નયનાબહેન પોતાની જગ્યાએ બેઠા અને કહ્યું, “આગળની વાત હું કરું છું.. દસેક દિવસ થયા હશે કે તારા નાનાજીએ કેરીની ચાર-પાંચ પેટી મોકલાવી.. ને સાથે ટપાલ પણ આવેલી..

“મારી દીકરી ધરાઈને ખાજે કેરી.. ને હવે ગોટલા ના ખાતી હો ફેંકી દેજે..!!” મેં ટપાલ વાંચી હું રડી પડી.. તારા પપ્પાને ત્યારે ખબર પડી કે મને કેરી અનહદ ભાવે છે.. એ મને ખીજાયા કે મારે તેમને પહેલાં કહેવું જોઈતું હતું.. પણ આ ગોટલા વાળી વાત તેમણે ધ્યાનમાં ના લીધી ને મેં પણ ના ચોખવટ કરી..” સહેજ અટકીને નિર્મમની સામે જોઇને નયનાબહેને વાત આગળ વધારી,


“દીકરા તને યાદ છે? તું નાનો હતો ત્યારે કેરી ખાતો પણ ગોટલા બધા રહેવા દેતો.. પછી એ ગોટલા જવા નાં દેવા પડે એટલે હું જ ખાઈ જતી. નિશ્રુતી વહુ.. મારી સાથે હંમેશા આવું જ થયું છે.. શરૂઆતમાં બાપુજીને ત્યાં હતી તો બધા ભાઈઓ માટે કેરીની ચીર સુધારતી ને છેલ્લે ગોટલા ખાવાનો વારો આવતો.. કોઈ ભાઈ ગોટલો ના ખાય એટલે માં મને જ ખાવાની ફરજ પાડતી.. બાપુજીને આ નાં ગમતું પણ ગોટલો જવા નાં દેવો પડે એટલે હું જ ખાઈ જતી..

પછી મારા લગ્ન થયા ને બાપુજીને લાગ્યું હવે તો મને કેરીની ચીર ખાવા મળશે.. પણ ના, ચોથા દિવસે તારા દાદાજી સાથે આ ઘટના બની એ પછી મેં કોઈ દિવસ કેરીની ચીર નથી ખાધી.. હંમેશા ગોટલા જ ખાતી.. તારા દાદીએ ઘણી વાર પૂછેલું પણ હું હસીને વાત ટાળી દેતી.. નિશ્રુતી બેટા તમને એમ થશે કે હું ચીર ખાઈ ના શકતી તો રસ પી લેવાય ને.. પણ મને રસ ભાવતો જ નહી.. જે મજા કેરીની ચીરમાં હોય એ રસમાં ક્યાં..!!” ને નયનાબહેન સહેજ હસી પડ્યા.. કદાચ આંખના ખૂણે આંસુનું ટીપું પણ બાઝી ગયેલું..

રાજેશભાઈની નજર પડી પણ તેને અવગણીને એ બોલ્યા, “ચલ હવે આ કેરી લાવ્યો છું ને હવે તારે ખાવાની છે હો ચીર..!! સરસ પાકેલી કેરી છે.. નિશ્રુતી બેટા, જાવ.. સુધારીને તમારા મમી માટે કેરી લઇ આવો..” નયનાબહેન તરત ઉભા થયા ને બોલ્યા, “નાં રે.. હવે તો મને ગોટલા ખાવાની આદત પડી ગઈ છે હો.. એ તમે સુધારો એ કેરીની ચીર તમે બધાય ખાજો.. આપણે ભલા ને આપનો ગોટલો ભલો બાપા…”


ને તરત જ નયનાબહેન અંદર ચાલ્યા ગયા.. નિશ્રુતી, નિર્મમ અને રાજેશભાઈ એકબીજાની સામે જોઈ રહ્યાં.. એ દિવસે રાત્રે નયનાબહેને દસ-બાર જેટલી કેરી સુધારીને ફ્રીઝમાં રાખી. જમીને બધા બેઠા ત્યારે એ ઠંડી કેરીની ચીર ત્રણેયને આપીને પોતે દસ ગોટલા વાટકામાં લઈને બેઠાં.. નિશ્રુતી એમની પાસે ગઈ અને કહ્યું,

“મમી.. લાવો હું થોડા ગોટલા ખાઈ લઉં..” “નાં રે.. દીકરા તમતમારે નિરાતે ચીર ખાવ.. હું બહુ નાની હતી ને ત્યારે ઘણીવાર છાલ સાથે જ ચીર ખાઈ જતી હો.. જોજો ચાખજો.. તમને પણ ભાવશે..” કહીને તેઓએ વાત બદલાવી દીધી.. મોટા ફૈબાના દીકરાના દીકરીની લગ્નની વાતો શરુ કરીને કેરીને મનમાંથી કાઢીને તેઓ ગોટલાં ચૂસતા રહ્યાં.

બીજા દિવસની સવાર કંઇક અદ્ભુત ઉગી હતી.. ઠાકોરજીને કેરી ધરાવીને નયનાબહેન હવેલીએ ગયા અને ત્યાં પણ કેરી પધરાવી.. રસ્તામાં પાછા વળતા મફતિયાપરાના છોકરાઓને પણ કેરી વહેચતા આવ્યા.. નયનાબહેન ખુશ હતા.. લગભગ સવારે સાત વાગ્યે નીકળેલા એ નવેક વાગ્યે બધાને કેરી ખવડાવીને ઘરે પહોચ્યા.. દરવાજો ખોલીને હોલમાં નજર પડી કે તેઓ ચોંકી ગયા.. કંઇક વિચારે ત્યાં જ ઓરડામાંથી નિશ્રુતી અને નિર્મમ આવ્યા અને જોરથી બોલ્યા, “સરપ્રાઈઝ મમી..”


આખા હોલમાં કેરીની સુધારેલી ચીરની ડીશ પડી હતી.. સરસ મજાની ગોઠવીને નિશ્રુતીએ એના સાસુ માટે આ ડીશ સજાવી હતી.. નયનાબહેન તો હરખમાં જ રોઈ પડ્યાં.. ત્યાં જ રાજેશભાઈ પણ આવ્યા.. હાથમાં એક કેરી લઈને ગોઠણ પર બેઠા અને બોલ્યા, “એ નયના, શું તું આ કેરીની ચીર ખાવાનું પસંદ કરીશ મારા હાથે? ચિંતા ના કરતી હું ગોટલો ખાવાનો છું..” ને આ સાંભળતા જ નિશ્રુતી, નિર્મમ અને નયનાબહેન ત્રણેય હસી પડયા.. નયનાબહેન બોલ્યા, “હવે શરમાવ જરા.. છોકરાઓ સામે..”

ને પછી નયનાબહેન નિશ્રુતીની નજીક આવ્યા, એને ગળે વળગાડીને સહેજ ધીમા અવાજે પૂછ્યું, “દીકરી, તે આ બધી કેરીનાં ગોટલા ક્યાં નાખ્યા? જવા નથી દીધા ને?” ને નિશ્રુતી હસી પડી.. પાછળથી રાજેશભાઈ પણ હસ્યાં ને બોલ્યા, “આ લ્યો તમારી માં.. મને ખબર જ હતી આને કેરીની ચીરના આસ્વાદમાં નહિ પણ ગોટલાની ચિંતામાં જ રસ હશે..” નિર્મમ બોલ્યો,


“માં.. તારી વહુ બહુ હોશિયાર છે.. એણે એ બધા ગોટલામાંથી રસ કાઢ્યો ને પછી એને એક તપેલામાં ભેગો કર્યો અને એમાં સહેજ દૂધ ઉમેરીને મેંગો શેક બનાવી નાખ્યો છે.. આ ઉનાળે મેંગો શેક બહુ ઠંડક આપે.. હું આ બધો શેક દુકાને લઇ જઈશ.. ત્યાના બધાય છોકરાઓ ને કામદારો ધરાઈને પીશે.”

ને નયનાબહેન હરખાઈ ગયા.. જીંદગીમાં કદાચ બીજી જ વાર તેમણે કેરીની ચીર ખાધી હતી આજે… પણ એમને અલભ્ય આનંદની અનુભૂતિ થઇ.. હજુ તો બીજી ચીર ખાધી ત્યાં જ તેમના ભાઈઓ આવ્યા.. ભાભીઓ, ભાઈઓ ને એમના છોકરાઓ આવ્યા.. સૌથી મોટા ભાઈએ નયનાબહેનની નજીક આવીને કહ્યું,

“હંમેશાથી તમે સ્ત્રીઓ આવી જ રહો છો.. આટલી નાની બાબત માટે પણ તે કેવું બલિદાન કર્યું મારી બહેન.. આ તારી ભાભી પણ અમારા વધેલા ગોટલા ખાય.. ભાગ્યે જ એણે ચીર ખાધી હશે.. આજે અમે બધાય મળીને તમારા માટે કેરી સુધારીશું અને તમે સ્ત્રીઓ આ ગોટલાં અમારા માટે વધારીને પેટ ભરીને ચીર ખાજો હો ને..!!”

નયનાબહેન, તેમની ભાભીઓ, ભાભીની વહુઓ અને નિશ્રુતી બધા આ વાત સાથે સહમત થયા.. ને એ રાત્રે રાજેશભાઈના આંગણે જાણે કેરીનો ઉત્સવ મનાવાયો..!! સંબંધોનું એક નવું સમીકરણ રચાયું.. હાસ્ય અને પ્રેમની સીમાઓ આલેખાઈ અને કેરીને મનભરીને સૌએ માણી..!!

લેખક : આયુષી સેલાણી

આપના વાર્તા વિષે અભિપ્રાય કોમેન્ટમાં જરૂરથી આપજો, દરરોજ આવી અનેક વાર્તાઓ વાંચો ફક્ત આપણા પેજ પર.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ