કેરીનો છૂંદો – નાના મોટા સૌની પસંદ એવો આ છૂંદો બનાવો પરફેકટ એક એક સ્ટેપ ધ્યાનથી શીખજો…

કેરીનો છુદ્દો

સામગ્રી

2 કી.ગ્રામ રાજાપુરી કેરી

2 કી. ગ્રામ ખાંડ

2-3 ચમચી કાશમીરી લાલ મરચુ પાવડર

1થી ડોઢ ચમચી મીઠુ

5-6 લવિંગ

1-2 તજ

1 ચમચી જીરુ (હાથેથી મસળેલું)


છુંદ્દો બનાવા માટે 2 કી.ગ્રા રાજાપૂરી કેરી લેવી. તેને બરાબર ધોઈ લેવી જરૂરી છે કારણ કે આજે બધા જ શાકભાજી તેમજ ફળોને દવામાં જ પકવવામાં આવે છે માટે તેના બાહ્ય પડ પર દવા તેમજ વિવિધ પ્રકારની ગંદકીઓ લાગેલી હોય છે માટે તેને ઘરીને બરાબર ધોઈ લેવી.


હવે કેરીની છાલ ઉતારી લેવી. રાજાપુરી કેરીની છાલ થોડી જાડી હોવાથી તેની છાલ ઉતારતા વાર લાગે છે અને તેના ઉપરના લેયરને સંપૂર્ણ દૂર કરી દેવું એટલે કે જો તમારે કેરીને બે વાર છોલવી પડે તો બે વાર છોલી લેવી. જેથી કરીને તેની જાડી છાલ ઉતરી જાય અને કેરીનો સફેદ ભાગ દેખાવા લાગે. જો પીલરથી તમને છાલ ઉતારવામાં તકલીફ પડતી હોય તો તમે છરીથી જ સીધી છાલ ઉતારી શકો છો તેમાં તમારે બે વાર છાલ નહીં ઉતારવી પડે પણ પહેલીવારમાં જ કેરી પરનો ધોળો ભાગ દેખાવા લાગશે.


હવે કેરીને છીણી દ્વારા છીણી લેવી. આ એક થકવી નાખતું કામ છે. જો કે હવે બજારમાં જ તમને તમારી સામે કેરીનું છીણ પાડી આપવામા આવે છે. જો તમે ઘરે છીણતા હોવ તો લાંબુ છીણ પડે તેવો પ્રયાસ કરવો.


હવે બધી જ કેરી છીણાઈ ગયા બાદ તેને એક તપેલીમાં લઈ લેવું. તેમાં 2-3 ચમચી હળદર, 3 ચમચી મીઠું નાખી તેને બરાબર હલાવી લો, મીક્ષ કરી લો. મીક્ષ થઈ ગયા બાદ તેમાં 2 કી.ગ્રા ખાંડ ઉમેરી દેવી. હવે તેને કેરીના છીણ સાથે મીક્ષ કરી દેવું.


12 કલાક જેવું ઘરમાં જ રાખવું ત્યાર બાદ જ તેને તડકે મુકવાનું શરૂ કરવું. શરૂઆતના 12 કલાકમાં ઘણા અંશે ખાંડ પીગળી જશે. કારણ કે હળદર મીઠું અને ખાટી કેરી આ ત્રણ વસ્તુ ભેગા થશે એટલે તેમાંથી પાણી છૂટશે અને તે પાણીમાં આ બધી જ ખાંડ ઓગળવા લાગશે.


મીક્સ થયા બાદ તેને ઢાંકીને મુકી દેવું. અને દર 2-3 કલાકે તેને હલાવતા રહેવું. હવે તમે 10 કલાક બાદ જોશો કે ખાંડ સંપૂર્ણ ઓગળી ગઈ હશે.


હવે ખાંડ જ્યારે સંપૂર્ણ ઓગળી જાય ત્યારે તેને તડકામાં મુકવાનું ચાલુ કરવાનું છે. એ ધ્યાન રાખવું કે ખાંડ ઓગળી ગઈ હોવી જોઈએ.


હવે તડકામાં મુકતા પહેલાં છૂંદાના તપેલાને જાળી વાળા ઢાંકણાથી ઢાંકી શકો છો અથવા તો તમે સિંથેટીક કપડું અથવા તમારી પાસે જો નેટનું કાપડ હોય તો તે ઉપર લગાવી સાઇડ પરથી દોરી ફેરવીને તેને ટાઇટ બાંધી દો. જેથી ધૂળ કે બીજો કોઈ કચરો અંદર ન જાય.


છુંદાને ધાબા પર તમારે 7-8 દિવસ રાખવું. કારણ કે આપણે અહીં સૂર્ય પ્રકાશમાં છૂંદામાંની જે ઓગળી ગયેલી ખાંડ છે તેની ચાસણી બનવા દેવાની છે. 7-8 દિવસ રોજ તમારે સાવારે તડકો પડવો શરૂ થાય ત્યારે તડકામાં છુંદાની તપેલી ઢાંકીને મુકી દેવી અને સાંજે તડકો ઓછો થાય એટલે કે 5 વાગ્યાની આસપાસ તેને ફરી પાછું ઘરમાં લાવી દેવું. એકવાર ખોલી છુંદ્દો હલાવી લેવો. આમ 7-8 દિવસ કરવું.


ઓછામાં ઓછું 5થી 7 દિવસ છુંદાને બનતા લાગશે. જ્યાં સુધી છુંદ્દાનું પાણી ચાસણી જેવું ન થાય ત્યાં સુધી તેને તડકામાં રાખવું. જો તમે કોઈ એવા વિસ્તારમાં રહેતા હોવ કે ત્યાં ઓછી ગરમી પડતી હોય તો તમારે છુંદાને 10 દિવસ સુધી પણ તડકામાં રાખવો પડશે


5-7 દિવસ બાદ છુંદ્દાનો રસો ઘાટ્ટો થઈ જાય ત્યારે તેને ખોલી નાખવો બરાબર હલાવી લેવો. અને તેમાં જરૂરી મસાલા કરવા. જે આ પ્રમાણે છે.

પણ એ પહેલાં જો તમારા ઘરમાં નાના બાળકો હોય અને તેમને તીખુ ન ભાવતું હોય તો તમે તેના માટે તીખાશ વગરનો છુંદ્દો એક નાની બરણીમાં ભરી શકો છો.


હવે છુદ્દામાં 2 ચમચી કાશમીરી મરચુ પાઉડર એડ કરવું, તેમાં થોડા લવિંગના ટૂકડા એડ કરવા, તેમજ થોડું જીરુ હાથેથી મસળીને તેમાં એડ કરી લેવું. હવે બધી જ વસ્તુ બરાબર હલાવીને મીક્ષ કરી લેવી.


હવે ફરી તેના પર કપડું બાંધી તેને 5 કલાક માટે તડકામાં મુકી દેવું. જેથી કરીને બધા મસાલા તેમાં સરસ રીતે મીક્ષ થઈ જાય. આ પ્રોસેસ પણ ખુબ જ જરૂરી છે. તેને મસાલો મીક્ષ કર્યા બાદ સીધું જ બરણીમાં ન ભરવું પણ એક દીવસ તો તડકો આપવો જ. અથાણા હંમેશા કાચની બરણીમાં જ ભરવા, કારણ કે તેમાં તેની શેલ્ફ લાઇફ સારી રહે છે તે બગડતા નથી.


મસાલો કર્યા બાદ તડકો આપી દીધા બાદ તમે જોશો કે મસાલો સરસ એકરસ થઈ ગયો હશે. હવે તેને એક કાચની બરણીમાં ભરી લો. હવે છુંદ્દાને તમે ભાખરી, ઢેબરા, પૂરી, રોટલી ઈવન ઢોકળા, મૂઠીયા સાથે પણ ખાઈ શકો છો. અને જ્યારે પ્રવાસમાં જાઓ ત્યારે ઢેબરા સાથે જો છુંદ્દો પણ મળી જાય તો તો પુછવું જ છું.

સૌજન્ય : યુટ્યુબ (ફૂડ ગણેશા)