કેમ ભાણગઢ કિલ્લામાં સૂર્યોદય પહેલા અને સૂર્યાસ્ત પછી પ્રવેશ નિષેધ છે, જાણો રહસ્ય…

” આવશ્યક સૂચના: ભાણગઢની હદમાં સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલાં કોઈએ પ્રેવશ કરવો નહીં. ………… ઉપરોક્ત આદેશોનો ઉલ્લંઘન કરનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ” આ બોર્ડ ‘આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા’ યાને કે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ ખાતાએ લગાવ્યું છે. ભાણગઢની સીમામાં પ્રવેશતાં જ આ ચેતવણી સૂચક બોર્ડ જોવા મળે છે. પણ આ કિલ્લામાં એવું તે શું છે, કે ભારત સરકારે આવો બોર્ડ લગાવવાની જરૂર પડી ? ચાલો જોઈએ !!


ભાણગઢ ! નામ તો સુના હી હોગા. ભારતના પ્રમુખ ભૂતિયા સ્થળોમાં પહેલો નંબર ભોગવતો આ કિલ્લો-નગર અનેક રહસ્યોથી ભરપૂર છે. ન જાણે કેટકેટલાં પત્રકારોએ, અગોચર શક્તિઓનો અભ્યાસ કરતાં નિષ્ણાતોએ આ કિલ્લાનાં રહસ્યોનો તાગ મેળવવા અહીં ધામાં નાખ્યાં છે, સંશોધન કર્યું છે. છતાં આ નગર પોતાના સદીઓ જૂના ભૂતકાળમાં ક્યાંક એ રાઝ છુપાવી બેઠું છે, જે આજે પણ તેને ભેદી, ડરામણું અને રોમાંચક બનાવે છે. જો તમે આવા રહસ્યમય સ્થળો પર રખડવાના શોખીન હોવ, તો થઇ જાઓ તૈયાર !! ચલો આજે જેન્તીભાઈની કૃપાથી ઘર બેઠાં જ ભાણગઢની મુલાકાત લઇ આવીએ. કલ્પનાના ઘોડા છૂટા મૂકી દેજો. જરૂરી સામાન સાથે લઇ લેજો. ભાણગઢ જવા માટે આપણી ‘કલ્પના એક્સપ્રેસ’ ઉપડી રહી છે.!!

રાજસ્થાનના અલવર જિલ્લામાં, પ્રસિદ્ધ સારીસ્કા નેશનલ પાકને અડીને આવેલું ભાણગઢ એક રમણીય પ્રવાસન સ્થળ છે. અરવલ્લી પર્વતમાળાઓની સોબતમાં આવેલ આ ગામ અને કિલ્લાની મુલાકાત લેવાનો સૌથી શ્રેષ્ઠ સમય અષાઢ-શ્રાવણ મહિનો છે. કારણકે આ સમયે કુદરતે ભાણગઢ પર ચારે હાથોએ જાણે આશીર્વાદ વરસાવ્યાં હોય છે. ગામમાં ઠેર ઠેર વડ અને કેવડાનાં વૃક્ષો જોવા મળે છે. અજબ પ્રકારની શાંતિ અને સવારની ખુશનુમા હવા અહીં એક અલગ જ તાજગી બક્ષે છે. પણ આ બધું દિવસ દરમિયાન જ માણવા જેવું લાગે, રાતે આ જ વેરાન કિલ્લો જાણે ખાવા ધસે. કેવો વિરોધાભાસ ! પણ હકીકત છે કે ભાણગઢનો આ જ વિરોધાભાસ દર વર્ષે હજારો લોકોને પોતાના પ્રત્યે આકર્ષે છે.


ભાણગઢનો ઇતિહાસ ઇસવીસન ૧૫૭૩થી શરુ થાય છે. એ વખતે મહારાજા જસવંતસિંહ આમેરની ગાદી શોભાવી રહ્યાં હતાં. તેમણે આ કિલ્લો બનાવ્યો. તેમના પુત્ર અને અકબરના દરબારના નવરત્નોમાં શામેલ મહાન મુઘલ સેનાપતિ માનસિંહે આ કિલ્લો માધોસિંહને આપી દીધો. માધોસિંહે આ કિલ્લાને રહેવાલાયક બનાવ્યો. ( અંબર કે આમેર એ વખતે મોગલોનાં સંરક્ષણમાં હતું..! ) માધોસિંહના દાદા ભાણસિંહ પરથી આ કિલ્લાનું નામ ભાણગઢ પડ્યું. માધોસિંહ પછી તેમના પુત્ર છત્રસિંહે ગાદી સંભાળી. છત્રસિંહ પછી અજબસિંહ, એમ એક પછી એક રાજાઓ આવતાં ગયા.

ઔરંગઝેબના સમયમાં હરિસિંહના વંશજો ત્યાં રાજ કરતાં હતાં. ઔરંગઝેબ ધર્મઝનૂની હતો. તેથી તેના ડરને લીધે હરિસિંહના બે દિકરાઓએ ઇસ્લામ સ્વીકારી લીધું. તેઓ મોહમ્મદ કુલીજ તથા મોહમ્મદ દેહલીજના નામે ઓળખાયાં. છેવટે ઔરંગઝેબની પકડ ઢીલી પડવાને લીધે જયપુરના મહારાજા સવાઈ જયસિંહે તેમને મારીને ભાણગઢને જીતી લીધું, અને અજબસિંહના વંશજોને આપી દીધું.

લગભગ બે સૈકા સુધી ભાણગઢ આબાદ રહ્યું, પણ બદનસીબે આ નાનકડા નગરને કોઈકની નજર લાગી ગઈ, જે છેવટે તેને પતન સુધી દોરી ગઈ. ભાણગઢના વિનાશને લઈને બે અફવાઓ પ્રચલિત છે. હા, બંનેમાં સામ્યતા એ છે કે ભાણગઢનો નાશ શાપને લીધે થયો.


પહેલી દંતકથા અનુસાર ભાણગઢમાં ગુરુ બાલકનાથ નામના એક સાધુ રહેતા હતા. એ વખતે ભાણગઢ નગર હજી વિકસ્યું ન હતું. આસપાસ માત્ર જંગલો હતાં. રાજાએ ત્યાં નગર બાંધવાની બાલકનાથ પાસે મંજૂરી માંગી. તેમણે આપી પણ ખરી, પણ એક શરતે, કે નગરના કોઈ પણ મકાનનો પડછાયો તેમની ઝૂંપડી પર ન પડવો જોઈએ. જો શરતનો ભંગ થશે, તો નગરનો વિનાશ થશે. ઘણાં વર્ષો સુધી તેમની શરતનું પાલન થયું. પણ સરકારી નિયમો જેમ શરત પણ કદાચ ન પાળવા માટે જ હોય છે.

છત્રસિંહના દીકરા અને એ વખતના રાજા અજબસિંહે જાણતાં કે અજાણતાં જ એ શરત તોડી. તેમણે પોતાના મહેલની ઉંચાઇ વધારવા માંડી, અને આખરે મહેલનો પડછાયો ગુરુ બાલકનાથની સમાધિ પર પડ્યો.. શરત ભંગ થઇ, ભાણગઢને શ્રાપ લાગુ પડ્યો અને ભાણગઢ પર આફત ઉતરી આવી. ક્યારેક દુકાળ સ્વરૂપે, તો ક્યારેક અતિવૃષ્ટિ સ્વરૂપે. ક્યારેક વળી અચાનક રોગચાળો ફાટી નીકળતો. ધીમે ધીમે ભાણગઢની વસ્તી ઓછી થવાં લાગી. છેવટે 1783 ના દુકાળ પછી લોકોએ તેને શાપિત માનીને ત્યજી દીધું.


બીજી અને સૌથી પ્રચલિત દંતકથા જરા રોચક છે. ભાણગઢમાં રત્નાવતી નામની એક અત્યંત સુંદર રાજકુમારી રહેતી હતી. જાણે સાક્ષાત સ્વર્ગની અપ્સરા.. શું એનું રૂપ ! એમ કહેવાતું કે એના જેવી સ્વરૂપવાન રાજકુમારી આસપાસના એકેય રજવાડામાં ન હતી. અનેક વિધાઓમાં પણ તેને મહારથ હાંસિલ હતી. કેટલાંય રાજા- મહારાજાઓએ એને પરણવાનાં સપનાંઓ સેવ્યાં હતાં. નાનકડું, સમૃદ્ધ ભાણગઢ સુખી હતું, પણ શાયદ કુદરતે કોઈ મનહૂસ ઘડીએ તેનું કરૂણ ભાવિ લખી રાખ્યું હતું.

એક દિવસ રાજકુમારી રત્નાવતી પોતાની સખીઓ સાથે મેળામાં ગઈ. ભરચક મેદની ઉમટી હતી. આસપાસના ગામોમાંથી પણ લોકો આવ્યાં હતાં. ચારે તરફ ખુશાલી, રોનક છવાયેલી હતી. રાજકુમારી પોતાની સખીઓ સાથે મેળામાં ફરી રહી હતી. એક અત્તરવાળા પાસે આવીને તેઓ થોભ્યા. થોડે દૂર બેઠેલાં સિંધુ સેવડા નામના તાંત્રિકની નજર રત્નાવતી પર પડી. સિંધુ સેવડા કાળા જાદુનો નિષ્ણાત તાંત્રિક હતો. સખત સાધનાથી કેટલીય શક્તિઓ તેણે હસ્તગત કરી હતી. અન્યોની જેમ તે પણ રત્નાવતીના રૂપ પાછળ પાગલ હતો અને ગમે તે ભોગે તેને પામવા માંગતો હતો. રાજકુમારી પેલાં અત્તરવાળા પાસેથી અત્તરની શીશી લઇ રહી હતી. સિંધુ સેવડાએ એ શીશી પર પોતાની મેલી વિધા કરી દીધી. જે પણ એ અત્તર લગાવે, એ સિંધુ સેવડા તરફ આકર્ષિત થઈને ખેંચાઈ આવે ! જાદુ સફળ થયો હોત, પણ રાજકુમારીને કોઈકે એ વિશે ચેતવી દીધી. તેણે એ અત્તર એક મોટા પત્થર પર ઢોળી દીધું.

પછી શું હતું ? સિન્ધૂ સેવડાની મેલી વિધાએ પોતાની અસર દેખાડવાનું શરુ કર્યું. એ પત્થર હવામાં ઊંચકાયો અને તાંત્રિક તરફ ધસ્યો. રાજકુમારીને હાંસિલ કરવાના સપનાંઓ જોતો તાંત્રિક પોતાની જ મેલી વિધાની અડફેટે આવી ગયો અને ચગદાઈ મર્યો. જોકે મરતાં પહેલાં તેણે ભાણગઢની શ્રાપ આપ્યો કે આખું ગામ જીવતું ખન્ડેર બની જશે. ગામલોકોની આત્માઓને ક્યારેય મુક્તિ નહીં મળે…. બસ અહીં જ તેઓ ભટક્યા કરશે. યોગાનુયોગ હોય કે શ્રાપની અસર, થોડાં સમય પછી ભાણગઢ પર અજબગઢે આક્રમણ કર્યું અને એ કિલ્લો ખંડેરમાં પરીણમ્યો. ગામલોકો સાથે રાજકુમારી રત્નાવતીનું પણ મોત થયું. બસ એ દિવસ હતો અને આજનો દિવસ છે, વિરાન પડેલું ભાણગઢ ક્યારેય વસી નથી શક્યું. ઘણી વખત લોકોએ અહીં વસવાની કોશિશો કરી છે, પણ તેઓ સફળ નથી થયાં. હા, કિલ્લાની હદની બહાર બસ્સો જેટલાં ઘર ધરાવતું નાનકડું ગામ વસ્યું છે.


ભાણગઢ અરવલ્લી પર્વતમાળાથી ત્રણ તરફ ઘેરાયેલું છે, તેથી રણનીતિક દ્રષ્ટિએ તે એક સુરક્ષિત કિલ્લો હતો. કિલ્લાને એક મુખ્ય દરવાજા સાથે બીજા ચાર દરવાજા છે, જે લાહોરી ગેટ, અજમેરી ગેટ, ફુલબરી ગેટ અને દિલ્હી ગેટના નામે ઓળખાય છે. કિલ્લાના અવશેષો તેની એક વખતની કલા સંસ્કૃતિ અને ભવ્યાતિભવ્ય જાહોજલાલીની ચાડી ખાય છે. ભાણગઢના કિલ્લામાં અનેક મંદિરો, હવેલીઓ, બજાર અને રાજાનો મહેલ આવેલો છે. દરવાજા પાસે જ હનુમાનજીનું મંદિર આવેલું છે. આ ઉપરાંત ગોપીનાથ મંદિર, સોમેશ્વર મહાદેવનું મંદિર, ગણેશજીનું મંદિર, કેશવરાયનું મંદિર, મંગલાદેવીનું મંદિર અને નવીન મંદિર આવેલાં છે. આ બધાં મંદિરોમાં સૌથી જોવાલાયક મંદિર હોય, તો તે છે ગોપીનાથ મંદિર. ચૌદ ફીટ ઊંચા પ્લેટફોર્મ પર બનેલ આ મંદિરના બાંધકામમાં પીળા પથ્થરોનો ઉપયોગ થયો છે. અત્યંત મનોહર કોતરકામ જોઈને કોઈના પણ મોંમાંથી વાહ નીકળી જાય…!

બીજા મંદિરોમાંય કલાત્મક કોતરણીઓ છે, પણ ગોપીનાથ મંદિરની તોલે કોઈ ન આવે. તાજ્જુબીની વાત છે કે સોમેશ્વર મહાદેવ મંદિર સિવાયના બીજા બધાં મંદિરોમાંથી મૂર્તિઓ ગાયબ છે. સોમેશ્વર મંદિરની પૂજા પેલાં તાંત્રિક સિંધુ સેવડાનાં વંશજોને હસ્તક છે. આ મંદિરની પાસે જ એક નાનકડું તળાવ આવેલું છે, જ્યાં આસપાસના ગામના લોકો અને પ્રવાસીઓ ન્હાય છે. પૂજારીનું ઘર કે જે મંદિરોની બાજુમાં જ આવેલું છે, તે ‘પુરોહિતજી કી હવેલી’ ના નામે ઓળખાય છે. તેના પછી આવે છે ‘નાચન કી હવેલી’ યાને કે નર્તકીઓની હવેલી. અહીંના લોકો અનુસાર રાતે ઘણીવાર આ હવેલીમાંથી ઘૂંઘરુનો અવાજ આવે છે.


નર્તકીની હવેલી થી જરા આગળ જઈએ એટલે ભાણગઢનો પ્રખ્યાત ‘જોહરી બજાર’ આવે. ક્યારેક લોકોની ભીડથી ધમધમતું આ બજાર આજે સૂમસામ છે. નથી ત્યાં કોઈ દુકાનો, કે નથી ગ્રાહકોના ટોળાંઓ. કયારેક પ્રવાસીઓ અહીં બજાર જોવા નીકળે ત્યારે થોડી ઘણી વસ્તી જોવા મળે. બાકી તો ‘અપની દોસ્તી વિરાનો કે સંગ’ જેવી હાલત છે. જોહરી બજાર પછી આવે ગોપીનાથ મંદિર. આ નગરનાં રસ્તાઓ પર ચાલતી વખતે આપણે તેના ભૂતકાળનો, ભવ્ય ભૂતકાળનો સ્હેજે અનુમાન કરી શકીએ ! મંદિરો, જોહરી બજાર પસાર કરીને આગળ વધ્યા પછી આપણું સૌથી છેલ્લું મુકામ છે રાજમહેલ. એક વખતનો આલીશાન મહેલ અત્યારે તો જાણે પોતાના અવશેષોમાં એક ભયંકર ભૂતકાળ સાચવી બેઠો છે. કહેવાય છે કે આ મહેલ સૌથી વધુ ભૂતિયા છે. રાજકુમારી રત્નાવતીની અને તાંત્રિક સિંધુ સેવડાની આત્મા અહીં આજે પણ ભટકે છે એવું લોકોનું માનવું છે.

અહીં મુલાકાતે આવતાં ઘણાં પ્રવાસીઓને વિચિત્ર અનુભવો થયાં છે. કોઈકનું ગળું દબાય છે, કોઈકને બિચારાને કારણ વગર થપ્પડ પડે છે. કોઈકને મૂંઝારો થાય છે, કોઈક અહીં આવીને જ બેચેની મહેસૂસ કરવા માંડે છે. અમુક તો વળી કોઈ ભયાનક સાયો પોતાની આસપાસ ફરતો હોવાનું પણ કબૂલે છે. આવી તો કેટકેટલીય વાતો અહીં આવતાં પ્રવાસીઓ અને અહીંના રહેવાસીઓ પાસેથી સાંભળવા મળે છે. તેઓના કહેવા પ્રમાણે કોઈ અદ્રશ્ય શક્તિ તેમને મહેલમાં પ્રવેશતાં અટકાવવા માટે આ બધું કરે છે.

કદાચ એટલે જ કોઈ માઈનો લાલ અહીં સાંજના છ વાગ્યા પછી રોકાવાની જૂરર્ત નથી કરતો. કહેવાય છે કે આજે પણ અહીં રાજાનો દરબાર ભરાય છે, ન્યાય અન્યાયના ફેંસલા થાય છે. નર્તકીઓ આજે પણ અહીં નાચે છે. જોહરીબજાર આજે પણ ક્યારેય ભાણગઢના લોકોની ( અલબત્ત મૃત ! ) ચહલ પહલ થી ગૂંજી ઉઠે છે. એકલવાયી રાતોમાં મૃત લોકોની દર્દનાક ચીસો સંભળાય છે… ! અને આવી તો કેટલીય લોકવાયકાઓ છે. કોને સાચી માનવી અને કોને ખોટી ?


શું ખરેખર આ કિલ્લો શાપિત છે ? ભૂતિયો છે ? કદાચ હા, અને કદાચ ના. આ વાક્ય હું નહીં, ઘણાં સંશોધકો કહે છે. અનેક જણાએ અહીં ખાંખાખોળા કર્યા છે. અમુકને અહીં અગોચર શક્તિઓ હોવાના આડકતરા પુરાવાઓ પણ હાથ લાગ્યા છે. પણ એનાથી કોઈ સ્પષ્ટ નિર્ણય પર પહોંચી શકાય એમ નથી. કેટલાંક રોચક વિરોધાભાસો જોવા જેવા છે…

એવું કહેવાય છે કે ભાણગઢના ખંડેરોમાં ત્યાંના રહેવાસીઓની સાથે રાજાનો ખજાનો પણ દટાયો હતો. તેથી લોકોને આ વિસ્તારથી દૂર રાખવા માટે ભૂતોની અફવા ફેલાવાઈ છે. (પોતાનાથી શક્તિશાળી વસ્તુ, કે જીવ સામે જ આપણે સખણા રહી શકીએ છીએ….. એટલે !) પણ આ થિયરી કંઈક ગોટાળા વાળી લાગે છે. કિલ્લામાં પ્રવેશતાં જ ‘આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા- એએસઆઈ’ નું ચેતવણી સૂચક બોર્ડ આવે છે.

ભારતની અન્ય કોઈ પણ ભૂતિયા જગ્યા પર સરકાર તરફથી આવું બોર્ડ મુકાયું નથી. બીજું, કે ભાણગઢ એક સંરક્ષિત કિલ્લો છે. તેથી નિયમ પ્રમાણે કિલ્લાની અંદર ‘એએસઆઈ’ ની ઓફીસ હોવી જોઈએ, પણ તેને બદલે એ ઓફીસ ભાણગઢ કિલ્લાની બહાર છે. આ વાત જરા અજૂગતી લાગે છે.

આ કિલ્લામાં રાતે જતો માણસ ક્યારેય જીવતો પાછો નથી આવતો, એવી વાયકા છે. પણ અનેક ટીવી ચેનલના (જેમકે ઝી ન્યુઝ, આજતક વગેરે) પત્રકારોએ આ સૂમસામ કિલ્લામાં રાતો ગાળીને ભૂતોની રાહ જોઈ છે. છતાં તેઓ સલામત રહ્યા. શા માટે ? કદાચ ભૂતોને ભારતીય પત્રકારોનો ડર લાગતો હશે એટલે !!!

અમુક સંશોધનો, કે જે વૈજ્ઞાનિક તર્જ પર કરવામાં આવ્યા છે, એ અનુસાર અહીં નેગવટીવ એનર્જીના ઘણાં સ્ત્રોત મળ્યા છે. વૈજ્ઞાનિકો કોઈ એવી બંધિયાર જગ્યા પર ઉદભવતી એનર્જીને નેગેટિવ એનર્જી કહે છે. પણ તેમને ઊર્જાનો એક પ્રકાર માત્ર ગણે છે, ભૂત નહીં. છતાં પણ એક ન્યુઝ ચેનલની આવી જ વૈજ્ઞાનિક પડતાલ દરમિયાન તેમણે ઇન્ફ્રારેડ કેમેરાથી લીધેલી અમુક તસ્વીરોમાં હવામાં અધ્ધર લટકતી કોઈ વસ્તુ જોવા મળી, એકથી વધુ જગ્યાએ જોવા મળી. પણ ખરેખર ત્યાં કોઈ ન હતું. ન કોઈ માણસ, ન કોઈ પ્રાણી, કે ન નરી આંખે દેખાય એવું બીજું કશું. તો એ હવામાં અધ્ધર લટકતી વસ્તુ શું હતી ? ભૂત ? ખબર નહીં..!!


આ દરેક મુદ્દા વિરોધાભાસી છે… વિચારવા જેવા છે. ખરેખર એવું કશું હોય ? સાચો જવાબ કોઈ પાસે નથી. હા પણ એટલું ખરું, કે ત્યાં બધું ‘આલ ઇઝ વેલ’ નથી. કશુંક તો અજીબ છે જ !!

દુનિયામાં એવી ઘણી વસ્તુઓ છે, જે આપણી સમજ બહાર છે. ભેજાનું દહીં થઈ જાય પણ અમુક રહસ્યો કેમે કરીને સમજમાં ન જ આવે ! એકનો તોડ માંડ મળે ત્યાં વળી બીજો હાજર જ હોય…… આવા જ અનેક રહસ્યો, રોમાંચથી આ જગત ભરેલું છે.. અમુક સવાલોના જવાબ કોઈક ભડવીર ખોજી લે છે, તો કોઈ હંમેશા વણઉકેલ્યા જ રહે છે…. ભાણગઢની જેમ !

પણ ગમે તે હોય, જો તમે રાજસ્થાન જવાના હોવ, તો એકવાર ભાણગઢની મુલાકાત અચૂક લેજો. ભૂતો સિવાય પણ ત્યાં બીજું ઘણુંબધું એવું છે, કે જે આકર્ષક છે, અદ્ભૂત છે !! ( હા, પણ શામ ઢલને કે બાદ ત્યાં રોકાવું કે નહીં, એ નિર્ણય તમારો !!! )

લેખક : પ્રતીક. ડી. ગોસ્વામી

આપ સૌ ને આ લેખ કેવો લાગ્યો ? કોમેન્ટ માં જણાવજો !!