“તમને બ્લૉક કરું છું” – આજકાલ આ બહુ ચાલ્યું છે હો…

દીકરીને મોબાઈલ લઈને પોતાના રૂમમાં જતાં જોઈ સાધનાને થયું કે એને બોલાવું ને પૂછું કે, કોઈ આપણને…

ના, ના જવા દે નથી પૂછવું. એ શું વિચારશે મારા માટે ? કે મમ્મીને પણ ? રહેવા દે. મારે હવે મોબાઈલ વાપરવો જ નથી. આજ સુધી મોબાઈલ જ હતો કે ? એ તો સારું છે કે, હજી જૂનો મોબાઈલ ને લૅન્ડલાઈનનું ડબલું રાખી મૂક્યાં છે તો એનાથી મારું કામ અટકી નહીં પડે ને આરામથી પહેલાંની જેમ જ ચાલ્યા કરશે. એ તો આ છોકરાંઓના આગ્રહે મેં નવો મોબાઈલ લીધો ને મોડર્ન બનવા ગઈ તો આ માથાકૂટ થઈ ને ? નકામી જ બધામાં તૈયાર થઈ જાઉં ને પછી આમ જ હેરાન થાઉં. ના જ પાડવાની હતી. અરે, પણ પોતે ક્યાં હા પાડી જ હતી ? ક્યાંય સુધી કેટલી મક્કમ હતી પણ પતિના આગ્રહ આગળ ઝૂકવું જ પડ્યું ને આવી ગયો પોતાના માટે પણ એક નવ્વોનક્કોર મોબાઈલ. તે દિવસે તો જાણે તહેવાર હતો ઘરમાં.

બંને ભાઈબહેન પોતાની આજુબાજુ ગોઠવાઈ ગયેલાં ને એકબીજા સાથે મીઠી રકઝક કરવા માંડેલાં. ‘મમ્મીના ફોનમાં આ રિંગટોન મૂકજે.’ ‘આ નહીં, એકદમ લેટેસ્ટ તો પાછું મમ્મીને નહીં ગમે. મમ્મી પોતાની ઉંમરની કથા કહેવા માંડશે. એના કરતાં એના ફેવરેટ સિંગરનું એકાદ ગીત મૂકી દે ને.’

‘એકાદ ભજન બજન મૂકી દે ને.’ પતિદેવે બેડરૂમમાંથી મમરો મૂકેલો.
‘પપ્પા પ્લી…ઝ, તમે વચ્ચે નહીં બોલતા. ચાલ મમ્મી, તું પપ્પાની વાત નહીં સાંભળતી. જો આટલાં ગીત છે, એમાંથી કયું મૂકવું છે ?’ પછી તો રિંગટોન ને કૉલર ટ્યૂન ને ફેસબુક ને મેઈલ ને આ એપ ને પેલું એપ બોલતાં બોલતાં બંને જણે ફોન તૈયાર કરીને પોતાના હાથમાં મૂકી દીધો હતો.

‘જો મમ્મી, આ વૉટ્સ એપ છે. હવે તને અમારું કંઈ પણ કામ હોય ને તો અમને કે પપ્પાને તારે ફોન નહીં કરવાનો. આપણું ફેમિલી ગ્રૂપ છે, જો આ રહ્યું તારા ફોટાવાળું. તેમાં તારે મેસેજ મૂકી દેવાનો એટલે તને જવાબ મળી જશે. ને તારી જેટલી ફ્રેન્ડ્સ હોય ને તેને પણ તું આ એપથી મેસેજ મોકલી શકે કે એ લોકો સાથે વાત પણ કરી શકે. છે ને મજાનું ? ગમ્યું તને ?’

નાના બાળક જેવી ખુશી એના ચહેરા પર પથરાયેલી જોઈને બંને કેવાં ખુશ થયેલાં ? હવે એ લોકો પોતાને ભણાવે છે, એ મનમાં હસેલી. પતિને પણ આ બધું નાટક જોવાની ને વાતમાં મમરા મૂકવાની મજા આવી હતી. ‘ચાલો હવે કંઈ કામ બામ કરીએ, નહીં તો આ ફોન તો રાત પાડી નાંખશે.‘ બોલતી બોલતી એ ચાલતી થયેલી કે એવામાં પહેલી વાર જ પોતાના હાથમાં કોઈ અજબ ઝણઝણાટી થતાં એ ચમકેલી ને બંને છોકરાંઓનો જોરમાં હસવાનો અવાજ આવતાં હાથમાંનો ફોન ઊંચકીને એ જોવા માંડેલી. ‘મમ્મી, જો વૉટ્સ એપ ખોલ. અમે મેસેજ કર્યો છે. વાંચ ને જવાબ આપ જોઉં.’ ધીરે ધીરે મેસેજ ખુલ્યો, જોયો ને એણે જવાબ આપ્યો ત્યારે તો બંનેએ કેવા પોતાના વાંસામાં ધબ્બા મારેલા ! ‘વાહ મમ્મી વાહ ! હવે તું એકદમ મોડર્ન બની ગઈ. પપ્પા, જોજો થોડા દિવસમાં જ મમ્મી આપણાથી આગળ નીકળી જશે.’

તમારા પપ્પાને શું કહું ? હું બધાંથી આગળ નીકળી ગઈ છું ? ના, નથી રહેવું મારે આગળ. હું તમારા બધાંની પાછળ જ સારી છું. રહેવા દો મને મારી દુનિયામાં. નથી જોઈતું મને આ બધું નવી નવાઈનું. મોબાઈલથી જ હું મોડર્ન કહેવાઉં એવું વળી કોણે કહ્યું ? મારો સાદો મોબાઈલ શું ખોટો છે ? વાત જ કરવાની છે ને ? આ બધા મેસેજના ચક્કરમાં પડી તો આ દિવસ આવ્યો ને આજે ? સાધનાનું ચકરાવે ચડેલું મગજ વારે વારે પેલા મેસેજની ફરતે ફર્યા કરતું હતું. ચાર પાંચ દિવસથી ફોન વાઈબ્રેટ થતો ને એને ધ્રુજારી ચાલુ થતી. વૉટ્સ એપ પર મેસેજ આવ્યો હશે ? એની આંગળી મોબાઈલ પર ફરવા માંડતી. પેલો ફોટો જોઈને અટકી જતી. મેસેજ ખોલું કે નહીં ? ફરી આજે પણ એવો જ કોઈ મેસેજ હશે તો ? ના, આજે તો મેસજ ખોલવો જ નથી. મારે શું કામ છે જોઈને ? આવા ગંદા મેસેજ મોકલતાં એને શરમ નથી આવતી ? એને એવો વિચાર પણ ન આવ્યો કે, હું કોને આ મેસેજ મોકલું છું ?

સાધનાને બધી વાંચેલી ને સાંભળેલી વાતો હવે સાચી લાગવા માંડી. આ લોકોનો કોઈ દિવસ ભરોસો ન કરવો. ક્યારે કોનામાં શયતાન પ્રવેશી જાય તે કંઈ કહેવાય નહીં. એમ તો જાણે કોઈને લાગે કે, આ માણસ તો કેટલો ધાર્મિક ને સજ્જન ને પરગજુ. જ્યારે અંદરખાને એ જ માણસ આટલો વિકૃત દિમાગનો નીકળશે એવું તો સાધનાએ સ્વપ્નેય નહોતું વિચાર્યું. પહેલી વારનો મેસેજ આવેલો ત્યારે તો, ભગવાનનો ફોટો ને જય શ્રી રામ ને એવી બધી ડાહી ડાહી વાતો આવેલી ને કેમ છો ભાભી ? લખેલું. પોતે પણ રીત પ્રમાણે જવાબ આપ્યો હતો, મજામાં ને એક સ્માઈલી મૂકેલી. પછી તો રોજ જ સવારમાં અચૂક, ‘જય શ્રી રામ’ ને ‘કેમ છો?’ આવી જ જાય ને પોતે પણ તરત જ જવાબ આપી દે. થોડા દિવસ પછી પતિ–પત્નીના જોક્સ ચાલુ થયા ને પોતાના માટે તો આ બધું નવું જ એટલે જોક્સ પણ નવા જ ને વળી ? સરસ ને ખુશની સ્માઈલી મોકલીને સામો રિવાજ નિભાવી લેતી સાધનાને સ્વપ્નેય ખ્યાલ નહીં કે, આ માણસ આટલી ગંદી જોક મોકલશે !

તે દિવસે પણ આદત મુજબ પેલો ફોટો જોઈને એણે તો મેસેજ ખોલ્યો પણ જેમ જેમ વાંચતી ગઈ તેમ તેમ એનું શરીર ઠંડું પડતું ગયું. અડધે પહોંચીને એણે તો ફોન જ બંધ કરી દીધો. છી ! આવો મેસેજ ? આ માણસે મને મોકલ્યો ? એની હિંમત જ કેમ ચાલી ? શું જોઈને એણે આ મેસેજ મોકલ્યો હશે ? રોજ ભગવાનના નામે આવા ધંધા કરે છે ? એના ઘરમાં બધાંને આ મેસેજ ફોરવર્ડ કરું તો હમણાં ? કંઈ કહેવાય નહીં. એનું ભલું પૂછવું. મારા પર ખોટું આળ ચડાવી દે ને એની ઘરવાળી મારા પર આરોપ લગાવી દે તો મારે ક્યાં જવું ? હવે કોને પૂછું ને કોને કહું ? કંઈ સમજ નથી પડતી. મને તો મોબાઈલમાં વધારે કંઈ સમજ પડતી નથી ને વળી કંઈ કરવા ગઈ ને પેલાને ખોટો મેસેજ પહોંચ્યો તો ?

ચાર દિવસ ને રાત તો સાધનાએ જેમ તેમ વિતાવ્યાં પણ કંટાળીને આખરે દીકરીના રૂમમાં જઈ બેઠી. ‘શું મમ્મી, કેમ ચાલે તારું વૉટ્સ એપ ? તારી કેટલી ફ્રેન્ડ્સ મળી ? બે ત્રણ દિવસથી તારા મેસેજ બંધ છે ને, બીઝી છે?’
સાધનાએ વગર કંઈ બોલ્યે ફોન પર મેસેજ ખોલીને તૈયાર રાખેલો તે દીકરીને બતાવી દીધો. ફોટો ને મેસેજ જોઈને તો દીકરી પણ ચોંકી. ઓહ શીટ ! અંકલ આટલા ચીપ ? એણે તરત જ નંબર બ્લૉક કરી દીધો. ‘લે મમ્મી, હવે ચિંતા નહીં. મેં અંકલને બ્લૉક જ કરી દીધા. હવે આવો કોઈ પણ ફાલતુ મેસેજ આવે ને તો ટેન્શન નહીં લેવાનું. સીધો નંબર જ બ્લૉક કરી દેવાનો. તેં કંઈ કર્યું નથી પછી તારે ગભરાવાનું શું કામ છે ? તેં જ તો મને કહેલું કે, દુનિયામાં બધા સારા કે બધા ખરાબ નથી હોતા. કોઈ એવું હોય તો ત્યાંથી આપણે ખસી જવાનું. તું જ ભૂલી ગઈ ?

હવે જો વૉટ્સ એપ પર આવું કોઈ આવે ને તો, વગર કંઈ કહ્યે એને મનમાં કહી દેવાનું, બાય બાય, હું તમને બ્લૉક કરું છું. ને નંબર ડિલિટ કરી દેવાનો. પત્યું. આ બધું તો ચાલ્યા જ કરે. અમને છોકરીઓને પણ આવા બધા મેસેજ તો આવ્યા જ કરે. કેટલાકને જવાબ આપવાનો ? ચાલ હવે, ચીઅર અપ ને ફોન પર મને બૌ બધી સ્માઈલ ને લવ યુ સ્વીટુ મોકલ જોઉં.’

સાધનાના દિલ પરથી મણનો પથ્થર ઉતરી ગયો ને એ એની સ્વીટુને વળગીને રડી પડી, અલબત્ત ખુશી ને છુટકારાના ખયાલે.

લેખક : કલ્પના દેસાઈ

દરરોજ આવી નાની નાની વાર્તા વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી