‘દાદી, તમે તો એકદમ સુપરદાદી !…

Lessons of Life

‘દાદી, આજે તો તમારે મને પેલી વાત કહેવી જ પડશે, દર વખતે તમે ટાળી દો છો. આજે હું એ વાત સાંભળ્યા વગર અહીંથી ખસવાની નથી. જો તમારે ચા પીવી હોય કે લીંબુનું શરબત પીવું હોય, તો હું હમણાં લઈ આવું પણ આજે કોઈ બહાનું નહીં કાઢતાં પ્લીઝ.’

રીમીને ગાલે ટપલી મારતાં દાદી બોલ્યાં, ‘હા ભઈ હા. ચાલ આજે તો એ વાત જણાવી જ દઉં, તને પણ ક્યારે કામ આવે શી ખબર ? પણ મને ચા કે શરબત નહીં તારી સાથે આઈસક્રીમ ખાવાનું મન છે. જા ફ્રિજમાંથી લઈ આવ.’

‘તારા પપ્પા ત્યારે નાશિક હૉસ્ટેલમાં ભણતા હતા.’ દાદી ભૂતકાળમાં સરતાં બોલ્યાં.
‘નાશિક ? ત્યારે મારા પપ્પા કેટલા નાના હતા ? પપ્પાને હૉસ્ટેલમાં કેમ મૂકેલા ? બહુ ધમાલી હતા ?’
‘જો વચ્ચે નહીં બોલવાનું. પછી લિંક તૂટે તો મજા નહીં આવે. પપ્પાની વાતો બીજી કોઈ વાર.’
‘ઓક્કે બાબા, નહીં બોલું. ચૂપ.’
‘મુંબઈથી હું દર મહિને તારા પપ્પાને નાસ્તો આપવા બસમાં જતી. શનિવારે ત્યાં રોકાઈ રવિવારે પાછી ફરતી. એક રવિવારે એમ જ હું બસ સ્ટૉપ પર બસની રાહ જોતી ઊભી હતી. સાંજનો છ–સાડાછનો સમય હતો. બસ તો આવી પણ આખી પૅક. છેલ્લે એક જ સીટ ખાલી હતી. હું જેમતેમ એ બસમાં ચડી ગઈ, કારણકે પછીની બસમાં તો મને મુંબઈ પહોંચતાં ખૂબ મોડું થાય તેમ હતું. કંડક્ટર વારાફરતી બધાની ટિકિટ કાઢતા કાઢતા, મારાથી ચાર સીટ આગળ બેઠેલી ત્રણ છોકરીઓ આગળ અટક્યો. થોડી વાતચીત થયા પછી હસીને કંડક્ટર બીજાની ટિકિટ કાઢવા આગળ નીકળી ગયો. મને પછી ખબર પડી કે, એ છોકરીઓ પાસે પૈસા નહોતા ને કંડક્ટરે એમની ટિકિટ કાઢવાની માંડી વાળેલી. કંડક્ટર ભલો માણસ લાગ્યો.

વચ્ચે ચા–નાસ્તા માટે બસ ઊભી રહી ત્યારે કંડક્ટર ને ડ્રાઈવર એ છોકરીઓને નાસ્તો કરાવવા પણ લઈ ગયા. મને થયું કે, એ છોકરીઓની ઓળખાણમાં હશે આ લોકો, તો જ વાત પણ કરે ને સાથે ખાવા પણ જાય. બાકી આટલી સુંદર જુવાન છોકરીઓ એમ જ ક્યાં કોઈ સાથે જાય છે ? એક સોળ વર્ષની ને બીજી બે બાર ને દસ વર્ષની ! ભલે હું સહપ્રવાસી સાથે સતત વાતો કરતી હતી પણ મને કોઈ અજબ આકર્ષણે, પેલી છોકરીઓએ પોતાના તરફ ખેંચી રાખી હતી. ધીરે ધીરે મુંબઈ નજીક આવવા માંડ્યું ને પેસેન્જરો ઊતરતા બસ ખાલી થવા માંડી. થોડા જ લોકો બાકી રહ્યા હશે ત્યારે, કોણ જાણે કેમ પણ પેલી મોટી છોકરી અચાનક જ મારી સામે આવીને એક કાગળ ધરીને ઊભી રહી. ‘યે જગહ કહાં આયી ?’ મેં વાંચ્યું, ‘પવઈ..બોમ્બે સેન્ટ્રલ’. હું ચમકી. બે વિરુધ્ધ દિશાની બે જગ્યા ! સમજી ગઈ કે આ લોકોને કોઈએ ખોટું એડ્રેસ આપ્યું છે. પૂછતાં ખબર પડી કે, કંડક્ટર કે ડ્રાઈવરમાંથી પણ એમને કોઈ ઓળખતું નહોતું. મેં કંઈક નક્કી કરી લીધું ને એને જણાવ્યું કે, ‘તમે મારી સાથે જ રહેજો.’

મારે છેલ્લા સ્ટૉપે દાદર ઊતરવાનું હોઈ પેલી છોકરીઓને પણ મેં સાથે જ ઊતારી. એટલામાં ડ્રાઈવર ને કંડક્ટર બન્ને ખુશ થતા થતા ઝડપથી આવ્યા ને પેલી મોટી છોકરીને કહ્યું, ‘ચલો તુમ લોગકુ ઘર છોડ દેતે હૈં.’ મેં કરડાકીથી કહ્યું, ‘તુમ લોગ જાઓ મૈં ઈનકો ઘર છોડ દૂંગી.’ બન્ને ચૂપચાપ ત્યાંથી નીકળી ગયા. હું એ લોકોને લઈ ટૅક્સી–સ્ટૅન્ડ પર આવી. રાતે દસ વાગી ગયેલા અને વરસાદના દિવસો. રસ્તો ચોખ્ખો દેખાય નહીં ને ટૅક્સી પણ જેમતેમ મળી. નજીકની દુકાનેથી નાસ્તાના બે–ત્રણ પૅકેટ્સ લઈ અમે ઘર તરફ નીકળ્યાં. રસ્તામાં મેં એમને મુંબઈની ઝુંપડપટ્ટી બતાવી, ‘જુઓ બહારથી આવેલાં ઘરબાર વગરનાં લોકો આવી જગ્યાએ રહે છે.’ ત્રણેયના ચહેરા પર ડર અને રાહતની લાગણીઓ આવજા કર્યા કરતી હતી. ‘દીદી, ભગવાનને હી આપકો ભેજા હૈ.’
.
ઘરે મેં ફોન કરીને તારા દાદાને જણાવી દીધું કે, એક ટિફિન વધારે મગાવજો, મારી સાથે મહેમાન પણ છે.’ ઘરે પહોંચી દાદાને બધી વાત જણાવી. ત્રણેય બહેનો ખૂબ શાંતિથી નહાઈ ધોઈને, જમી પરવારી અમારી સાથે ટીવી જોવા બેઠી. દાદાએ ને મેં એમને બહુ સમજાવી પણ ઘરે પાછી જવા એક પણ તૈયાર નહોતી. ઘરે તો, કારમી ગરીબીનો સામનો કરતી ને રોજ વરનો માર ખાતી ટીબીગ્રસ્ત મા, જેમતેમ શાક વેચીને રોજના રોટલા કાઢતી. આખો દિવસ પીને પડી રહેતા ને ધમાલ મચાવતા દારૂડિયા બાપનો અસહ્ય ધાક હતો ! તેમાં સહારા રૂપે ગામનો એક છોકરો મળી ગયો. મોટી બહેનને પટાવી–ફોસલાવીને, લગન કરવાનું સપનું બતાવીને મુંબઈમાં ઘરની લાલચ આપી. નાની બે બહેન પણ હેરાન થશે એ બીકે બન્ને બહેનોને સાથે લઈને મોટી બહેન નીકળી પડી ! આમાં કોણ પાછું જવા ચાહે ?

આખરે અમે નક્કી કર્યું કે, એમને કોઈ સારા, જાણીતા નારીસંરક્ષણગૃહમાં મૂકી દેવી અને નિયમીતપણે એમની ખબર કાઢતાં રહેવું, જેથી સુરક્ષિત પણ રહે અને આપણી નજર નીચે પણ રહે. દાદાના મિત્ર જ શહેરમાં એવી એક સુંદર ‘દીકરીનું ઘર’ નામે સંસ્થા ચલાવે છે, તેમાં અમે બન્ને એ લોકોને સોંપી આવ્યાં. પછી તો, દર અઠવાડિયે એ લોકોને મળવા જવું અને એ લોકોની પ્રગતિમાં હિસ્સો લેવો એ જ અમારું જીવન બની ગયું. પછી તો, તારા પપ્પાને પણ હૉસ્ટેલમાંથી લઈ આવ્યાં. એને ત્રણ બહેન મળી જવાથી એ પણ ખુશ હતો.’

‘હવે એ લોકો ક્યાં છે ? હજી પણ ત્યાં જ છે ?’
‘ના ના. ત્રણેયનું ભણવાનું પૂરું થયું પછી સારા છોકરાઓ શોધીને ત્રણેયને પરણાવી દીધી. અમને આનંદ છે કે, એ છોકરાઓએ પણ પોતાનું નામ રોશન કર્યું ને બધા જ ખૂબ મજાની જિંદગી જીવે છે.’
‘વાહ દાદી ! કહેવું પડે હં બાકી. ત્યારે જો તમે હિંમત ના કરી હોત, ને ‘મારે શું ?’ વિચારીને બીજાંની જેમ ચૂપચાપ બેસી રહ્યાં હોત તો ? આજે તમારા જેવી, ખરા અર્થમાં ‘દાદી’ઓની જરૂર છે. હું પણ તમારા જેવી જ બનીશ, સુપરદાદી !’

લેખક : કલ્પના દેસાઈ

દરરોજ નાની નાની સમજવા જેવી વાર્તા વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી