“દુનિયાકી સૈર” – આપણે તો નવું વર્ષ ઉજવી લીધું આજે જાણો વિદેશમાં લોકો કેવી રીતે કરે છે ઉજવણી..

નવા વર્ષની ઉજવણીના તમારા ચીલાચાલુ ખાણીપીણીના કે ફરવાના ને ધમાલમસ્તીના બધ્ધા બુકિંગ્સ કેન્સલ કરીને અહીં બતાવેલી જગ્યાઓમાંથી એકાદ જગ્યાએ ઉપડી જાઓ. જિંદગીભર યાદ રાખશો એવી ભલભલી ઉજવણીઓ અહીં થાય છે. નહીં જવાય? વાંધો નહીં. આપણે તો ઘેર બેઠાં છે જ–દુનિયાકી સૈર! ચાલો ત્યારે જોઈએ, કોણ કોણ ને કેવી કેવી રીતે ઉજવે છે નવા વરસની નવલી રાત કે સવાર.

૧) સામાન્ય રીતે નવા વરસે, થોડા દિવસ પાળીને ભૂલી જવાય એવો નિયમ લેવાનો કે ડગી જ જવાય એવો અડગ નિશ્ચય કરવાનો એક ધારો અથવા રિવાજ છે. જે નવા વરસે થાય તે પછીથી આખું વરસ જ થાય એવી પણ સાવ ખોટી માન્યતા છે, એટલે જ કદાચ નવા વરસે લોકો બધા સાથે મીઠું બોલે ને મીઠાઈ ખાય/ખવડાવે!

સ્પેનમાં લોકો બરાબર બારના ટકોરે દ્રાક્ષ ખાવાનું શરૂ કરે. બાર ટકોરે બાર દ્રાક્ષ, બાર મહિનાની સલામતી કે ખુશી કે ગુડ લક માટે. આમાં દરેક પાસે જૂના જમાનાની ટકોરા ઘડિયાળ હોવી જરૂરી છે? કે એકાદ મોટા ટાવર પાસે લોકો વાટકામાં દ્રાક્ષ લઈને ભેગાં થતાં હશે? એકાદ દ્રાક્ષ ગબડી ગઈ તો કયો મહિનો ખરાબ જશે? ઘણા સવાલો થાય એમ છે પણ આપણે તો ઘેર બેસીને એકાદ વાર આ પ્રયોગ કરવા જેવો ખરો. કોઈ જાદુ થાય પણ ખરો ને ન થાય તો બાર બારની બે પણ થઈ જાય!

૨) કોલંબિયાના અમુક ઘુમક્કડ લોકો, જેમને ફરવાનો શોખ હોય તેઓ નવા વરસની આગલી રાતે ખાલી સૂટકેસ લઈને ઘરની બહાર એકાદ ચક્કર લગાવી આવે, જેથી આખું વરસ ફરતાં જ રહે! આહા! આવું સાચું પડતું હોય તો હું દર મહિને ખાલી સૂટકેસ લઈને ઘરની ફરતે એક શું અગિયાર ચક્કર લગાવવા તૈયાર!

જો કે, આવા ખોટા ભ્રમમાં રહેવું એના કરતાં નવા વરસ જેવું કોઈ શુભ મૂરત નહીં, એમ સમજીને ભરેલી બેગ લઈને જ અર્ધી રાતે કેમ ના નીકળી જવું? અર્ધી રાતે આઝાદી! દર વરસે નવી જગ્યાએ નવા વરસની ઉજવણીનો આઈડિયા કંઈ ખોટો તો નહીં જ.

૩) ડેન્માર્કના લોકો એમના ઘરનાં જૂનાં કાચનાં વાસણ પાડોશીના કે મિત્રોના ઘરનાં બારણામાં ફોડી આવે! એટલે આ બહાને પોતાનો ગુસ્સો એ લોકો બહાર કાઢતાં હશે એવું આપણને લાગે. ખરેખર એવું નથી. એકબીજા પ્રત્યે પ્રેમ બતાવવાની આ પણ એક રીત છે ને તેય નવા વરસની આગલી રાતે જ ફોડવાનાં. જેના ઘરની બહાર ફૂટેલાં વાસણોનો ઢગલો મોટો, એને પ્રેમ કરનારા મિત્રો કે સગાં વધારે એ સમજાઈ જાય.
આ રિવાજ આપણા રિવાજ કે ટેવ કરતાં જુદો છે પણ જગ્યા સરખી જ છે. આપણે પાડોશીના ઘરના બારણામાં…કે એ લોકો આપણા આંગણામાં કચરો નાંખે ત્યારે આપણે ખુશ થઈએ છીએ કે વાહ, આપણને પ્રેમ કરનારાં તો બેહિસાબ છે? આ તો રોજનું જ હોય એટલે આપણા રિવાજમાં સાફસફાઈ અભિયાન આવે.

૪) ફિલિપાઈન્સમાં તો વળી ગોળ ગોળ ખનકતા કલદાર–સિક્કાને મહત્વ અપાય. નવા વરસની સાંજ એટલે ગોળ આકારના જ ફ્રૂટ્સ ટેબલ પર સજાવવાના, મહેમાનોને પણ ધરવાના અને પોતે પણ ખાવાના. અહીંના લોકો પણ સ્પેનના લોકોની જેમ ગુડ લક માટે દ્રાક્ષ ખાય છે. હજીય વધારે ગુડ લક જોઈએ? તો પોલકા ડૉટ્સ કહેવાય તે ડિઝાઈનના કપડાં પહેરીને ફરો. બસ, તમારા ઘરમાં લક્ષ્મીજી રુમઝુમ કરતાં આવી જ જશે. ઘરનાં બારણાં પણ ખુલ્લાં રાખજો જેથી અનિષ્ટ તત્વો બહાર જાય અને સદ્ભાગ્યની એન્ટ્રી થાય! હવે ખુલ્લાં બારી બારણાંમાંથી એકતરફી જ આવન કે જાવન પણ શક્ય છે. છતાં નવા વરસે સારું જ વિચારવાનું એટલે સારા વિચારો ને સમૃધ્ધિ જ ઘરમાં પ્રવેશે એવું માનવું રહ્યું.

આ સિવાયના દેશોમાં પણ જાતજાતની માન્યતાઓ મુજબ નવા વરસની ઉજવણીઓ થશે. ફક્ત ભારતમાં જ ખ્રિસ્તી ભાઈ–બહેનો સિવાય, બાકીના લોકો વરસોથી જે રીતે નવું વરસ ઉજવતા આવ્યા છે તે રીતે ઉજવશે ને નાસ્તાપાણી કે છાંટોપાણી કરીને એકબીજાને કહેશે, ‘હૅપ્પી ન્યુ યર’.મારા તરફથી પણ તમને સૌને એક ડઝન દ્રાક્ષ મુબારક.

લેખક : કલ્પના દેસાઈ

દરરોજ અવનવી માહિતી માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી