“એમ પી’ના પ્રવાસે” – તો આજ થી દરેક મિત્રોને માણવા મળશે એમ પી ફરવાનો આંનદ…

‘એમ પી જોયું છે?’
‘એમ પી? એટલે?’
‘લે, એમ પી નથી ખબર? મધ્ય પ્રદેશ. ટીવી પર જેની બહુ સરસ સરસ એડ આવે છે ને તે.’
‘ઓહ એ એમ પી?’
‘તો બીજું કયું એમ પી છે?’
‘ના ના કંઈ નહીં.’

‘કહી જ દો જે મનમાં છે. પછી મને તો આમ ને મને તો તેમની વાત નહીં જોઈએ.’
‘મને એમ કે, કોઈને કંઈ પીવા બાબતે કહેવાનું હશે કે આમ નહીં, એમ પી.’ મેં ડરતાં, ગભરાતાં ને શરમાઈને હસતાં થોડું ધીમેથી કહ્યું.
‘બસ, આ જ તમારી સાથે માથાકૂટ છે. હોય કંઈ ને સમજો કંઈ. અમે, એમ પી જોયું? એમ પૂછ્યું ને તમે ગાડીને ઊંધી દિશામાં લઈ ગયાં. ખેર, હવે તો નથી જોયું એ પણ સાબિત થઈ ગયું. તો હવે બોલો એમ પી જોવું છે? ને જોવું હોય તો જવું પડે એટલે જવું છે? જલદી નક્કી કરો એટલે આપણે બુકિંગ કરવા માંડીએ.’

‘મારે બુકિંગ પણ કરવા લાગવાનું છે?’
‘ઓહ્હો! ભઈ, જે બોલું તે જ સમજો એ જરૂરી નથી. જે કહેવા માગું તે સમજો તો બસ છે.’
‘સારું, વિચારું.’
‘હવે એમાં વિચારવામાં વરસ કાઢી નાંખશો. કાલે જવાબ તૈયાર રાખજો. આપણે દસ દિવસ એમ પી ફરવા જઈશું. અમને હામાં જ જવાબ જોઈએ.’
‘અરે ભઈ, એવું હોય તો હમણાં જ હા કહી દઉં ને? પણ જરા વિચારવાનો ટાઈમ આપો. ડબલ ડબલ વાત નહીં કરો.’
‘ઓકે, તો કાલે હાનો ફોન કરજો.’

ટર્કી ટૂરને વાગોળવામાંથી બહાર આવું તે પહેલાં તો બન્ને બહેનોની ધમકી આવી ગઈ! પારુલ અને અંજુ મારાથી નાની પણ આવી વાતોમાં એમનું જ ચાલે. જોકે, આવી ધમકી હવે મને સદવા માંડી છે એવું ટર્કીનો પ્રવાસ પૂરો થયો ત્યારથી મને પણ લાગવા માંડ્યું છે. વળી આ વખતે તો અમારા કોઈ પણ પ્રવાસમાં જોડાવા થનગની રહેલી મારી ભત્રીજી જૉલીને પણ સાથે લેવાની હતી. ‘હવે તમે જ્યાં પણ જાઓ, પ્લીઝ મને લઈ જજો.’ આમ તો અમારી વચ્ચે પ્રવાસની કોઈ વાતો થઈ નહોતી પણ એના વાંચનશોખે મારી પ્રવાસકથાઓ ઝડપી લીધી હોવાથી એણે તો અગાઉથી જ બુકિંગ કરાવી રાખેલું. મારું નક્કી થતાં જ મેં એને પણ પૂછી લીધું,
જવાબ શું હોય? ‘કાકી, નેકી ઔર પૂછ પૂછ? હા જ ને વળી. મેં તો મારા વરને પણ કહી જ રાખ્યું છે, કે કાકી જ્યારે પણ, કોઈ પણ પ્રવાસ નક્કી કરે ત્યારે હું જવાની છું.’
લો, અમારી ચંડાળચોકડી તો તૈયાર થઈ ગઈ એમ પીના પ્રવાસ માટે!

આટલી મોટી ટર્કી યાત્રા હવે અમારા માટે ઘરમાં તો કોઈ સર્ટિફિકેટથી કમ નહોતી. કોઈનાય ઘરમાં ના પાડવાનું કોઈ પણ કારણ ઊભું થાય, કે એના પર ટર્કીનો હવાલો આપીને એ કારણનું સૂરસૂરિયું કરી દેવાય. તોય કંઈક તો બહાનું હોવું જોઈએ ને? એટલે બે ત્રણ બહાનાં આપીને અમને ડરાવવાની કોશિશો થઈ.
‘એમ પીમાં તો સાંજ પછી બહાર જ ન નીકળાય. તેમાંય જંગલ એરિયામાંજો ફસાયા તો જંગલી પ્રાણીઓ ને રાતે હાઈવે પર ચોર–લૂંટારાની બીક. એના કરતાં બીજી કોઈ સલામત જગ્યાએ જાઓ તો સારું.’
‘એકદમ અજાણી જગ્યાએ, એકલી તમે ચાર જણીઓ જાઓ તો બધાનાં ઘરમાં ઉચાટ રહે. એના કરતાં કોઈ જાણીતી જગ્યાએ જાઓ એટલે અમને પણ શાંતિ. જોઈએ તો કોઈ ટ્રાવેલ કંપનીમાં બુક કરાવી આપીએ.’

હવે આવું કહે એટલે સ્વાભાવિક છે કે અમને વધારે જોશ ચડે.
‘અરે, અમને પણ બધી ખબર છે. અમે બધી તપાસ કરી લીધી છે. દિવસે બધે ફરીને સાંજ સુધીમાં હૉટેલ પર પહોંચી જઈશું, પછી ક્યાંથી કોઈ બીક રહે? સાંજે ને રાતે સિટીમાં ચક્કર લગાવશું. એમ જ તો બધે ફરાશે ને? કંઈ ડરી ડરીને ફરવા જઈશું તો કશે જવાશે જ નહીં. તમે લોકો બિલકુલ ફિકર નહીં કરો. અમને પણ અમારી ફિકર ને જવાબદારી હોયને? તમને ચિંતા થાય એવું કંઈ નહીં કરીએ ઓકે?’ (પ્લીઝ અમને જવા દો. હજી તો હવનનાં લાકડાં ગોઠવ્યાં એમાં જ હાડકાં લઈને હાજર થઈ ગયા? હંહ!)

જેમ તેમ મંજુરી મેળવીને અમે એમ પીની જાતજાતની તૈયારીની વાતે લાગ્યાં. રોજના એકબીજાને ફોન કરવાના ચાલુ થયા અને રોજની નવી વાતો થવા માંડી. કેટલાય સવાલો ને કેટલીય રાહતો પણ મળી. કામની વહેંચણી થઈ ગઈ. હાશ, મારે ભાગે તો કંઈ કામ જ નહોતું બચ્યું! એક તો બધામાં સિનિયર ને બહારની દુનિયાની હોશિયારીમાં ઝીરો એટલે મને માનવંતુ પદ અપાયું–ખજાનચીનું. આ પણ આમ તો બહુ ભારે ને જવાબદારીનું જ કામ ગણાય એટલે મેં સહર્ષ સ્વીકાર્યું. નાસ્તા કોણે કયા ને કેવા લેવા તેની પણ દર વખતની જેમ જ રસપ્રદ ચર્ચાઓ થઈ. આ વખતે જૉલી સુરતથી આવતી હતી એટલે નાસ્તામાં સુરતની ઘારી, ભૂસું અને બિસ્કીટ ઉમેરાવાનો મોટો ફાયદો હતો. એના નાસ્તાના લાંબા લિસ્ટ પર અમે દિલગીરીની મહોર મારી હતી, બાકી એ તો વારંવાર સુરતી વેરાયટીઓ યાદ કર્યા કરતી. ખેર, ગરમ કપડાંના લબાચા નહોતા લેવાના તેની મોટી શાંતિ હતી. દિવાળી પહેલાં કે દિવાળી પછીનો સમય આરામથી ફરવા માટે ઉત્તમ ગણાય એવું અનુભવે સમજાયું હતું. દિવાળી પહેલાં અમને કોઈની પરીક્ષાની બીક નહોતી અને દિવાળી પછીના વેકેશનની ભીડની પણ ચિંતા નહોતી. એમ તો અમે પાછા હોંશિયાર હં કે! બધું કામ પ્લાનિંગ સાથે જ કરીએ.

ખેર, મૂળ પ્રશ્ન આવ્યો કઈ કઈ જગ્યાએ જવું છે?
‘કેમ? એમ પી જ જવાના ને? તેમાં હું પૂછવાનું?’
‘એમ પી એ કોઈ એક જ જગ્યામાં નથી સમાઈ જતું. એ તો આખું મોટું રાજ્ય છે ને એનો ખાસ્સો મોટો પ્રદેશ છે. ત્યાં જોવાલાયક તો કેટલી બધી ઐતિહાસિક જગ્યાઓ છે. એમાં ભવ્ય મહેલો, કિલ્લાઓ, મંદિરો, મસ્જિદો અને નદી, તળાવ ને ધોધ સિવાય પણ ગાઢ જંગલ, ખીણ, ડુંગરા, પ્રાણીઓ ને પક્ષીઓ પણ જોવાલાયક ખરાં. આપણાથી કંઈ દસ દિવસમાં આખું એમ પી તો જોવાશે જ નહીં. એટલે આ વખતે એક ખૂણો જોઈએ પછી બીજી વાર બીજે ખૂણે જઈશું.’
‘તો તો આપણું જીવન એમ પી જોવામાં જ પૂરું થઈ જાય!’
‘અરે ભઈ, જીવતાં રહીશું ને બૌ ફરશું. પહેલાં નક્કી તો કરીએ કે આ વખતે ક્યાં રખડવું છે?’

સત્તર વર્ષો પહેલાં ભારતના મોટામાં મોટા રાજ્ય ગણાતા એમ પી પ્રવાસની જગ્યાઓ આખરે નક્કી થઈ ગઈ. માંડૂ, ઈંદોર, ભોપાલ, મહેશ્વર, ઓમકારેશ્વર, બાઘ, પચમરી ને તે સિવાય રસ્તામાં જે ગમી જાય તે જગ્યા તો ખરી જ! ચાલો ત્યારે થઈ જ જાય મધ્ય પ્રદેશની રખડપટ્ટી.

લેખક : કલ્પના દેસાઈ

એમ પી ફરવા જવાનો આંનદ માણો ફક્ત અમારા પેજ પર –  જલ્સા કરોને જેંતીલાલ

ટીપ્પણી