મારાં KBC નાં અનુભવો – પાર્ટીસીપેટ કરવાની રીત શું છે? – ચેતન જેઠવા !!!

આજથી ‘કૌન બનેગા કરોડપતિ’ની નવી સિઝન શરું. વિદેશી કાર્યક્રમની નકલ હોવાં છતાં ભારતીય ટેલીવીઝનનો સૌથી મોટો રીયાલીટી શો ‘કેબીસી’

મારાં કેબીસીનાં અનુભવમાંથી એક વાત શેર કરવી છે. ઘણાં લોકોનાં ફોન આવતાં હોય છે કે આમાં પાર્ટીસીપેટ કરવાની રીત શું છે?? પણ એનો જવાબ બહુ સિમ્પલ છે. એની રજીસ્ટ્રેશન લાઇન ખુલ્લી હોય ત્યારે મેસેજ, ફોન કે ઇન્ટરનેટ થ્રુ જવાબ આપવાનાં. આમાં પ્રશ્ન પૂછે છે, ઓપ્શન્સ પણ આપે છે અને જવાબ આપવાનાં ૩-૪ માધ્યમ પણ આપે છે. કોઇપણ એક માધ્યમથી જવાબ આપવાનો. અથવાં બધાં માધ્યમથી પણ જવાબ આપી શકાય. બહું સહેલું છે રજીસ્ટ્રેશન કરાવવું. અઘરુ તો પછી શરું થાય છે.

પાંચ સ્ટેજ છે આમાં પાર્ટીસીપેટ કરવાનાં. રજીસ્ટ્રેશન, ફોન કોલ, બીજો ફોન કોલ, ઓડીશન, ફાસ્ટેસ્ટ ફીંગર ફર્સ્ટ. આમાં ટીવીમાં જ્યારે રજીસ્ટ્રેશન લાઇન ખુલ્લી હોય ત્યારે રજીસ્ટ્રેશન કરાવી લો પછી સો ટકા નશીબની વાત છે કે તમે આગળનાં રાઉન્ડમાં પહોચશો કે નહિ!!! કેમ કે કેબીસી ટીમને રજીસ્ટ્રેશન માટે જે કરોડો મેસેજ મળ્યાં હોય છે એમાંથી અમૂક હજાર કે અમૂક લાખ નંબર્સ સિલેક્ટ કરીને કમ્પ્યુટર જ કેબીસી ટીમ ને આપે છે. કોઇ માણસ આ નંબર ને હાથ જ લગાડતો નથી. એટલે સમજી લો કે કુલ મળેલ મેસેજમાંથી એક ટકા કે કદાચ એનાંથી પણ ઓછા પર્સન્ટેજ લોકોને ફોન આવે છે. અને આ એનો સૌથી પહેલો ચાઇણો લાગી જાય છે. અને જો તમારો નંબર કમ્પ્યુટર સિલેક્ટ કરે તો તમને ફોન આવે. મને આવ્યો હતો. પછી શું થયું આ ફોનમાં એ વાત શેર કરું છું.

ફોન આવ્યો એટલે મને પૂછવામાં આવ્યું કે અમૂક તારીખે ઓડીશન રાખીશું તો તમે આવશો?? મે હા પાડી ( આમાં કોઇ ના પણ પાડતું હશે??) એટલે મને કહ્યું કે તો અત્યારે તમને અમારું કમ્પ્યુટર ત્રણ પ્રશ્ન પૂછશે. જેમાંથી બે પ્રશ્નમાં ઓપ્શન્સ આપવામાં આવશે. જે જવાબ સાચો હોય એ નંબરની સ્વિચ મોબાઇલમાં પ્રેસ કરવાની એટલે જવાબ રજીસ્ટર થઇ જશે. પણ ત્રીજા પ્રશ્નમાં ઓપ્શન્સ આપવામાં નહિ આવે. એ પ્રશ્નનો જવાબ એક આંકડો હશે.’

એ આંકડો જ મોબાઇલમાં પ્રેસ કરવાનો એટલે થઇ ગયું. દરેક પ્રશ્ન બે બે વાર પૂછવામાં આવશે. એક વાર હિન્દીમાં અને એક વાર ઇંગ્લીશમાં. અને બન્ને વખતે પૂછાયા પછી દસ – દસ સેકન્ડનો ટાઇમ આપવામાં આવશે. એટલી વારમાં જવાબ નોટ કરાવી લેવાનો. અને પછી એમ કહે કે જો આ જવાબો તમારાં સાચા પડશે અને જેટલાં લોકોનાં જવાબો સાચા પડ્યાં હશે એમાંથી ફરીથી જો તમારું સિલેક્શન થશે તો તમને અમે ફોન કરીશું. ત્રીજા પ્રશ્નનો જવાબ આપશો એટલે ફોન આપોઆપ કટ થઇ જશે.

પછી ફોન પરથી એ માણસ દૂર થઇ જાય છે અને ફરીથી કમ્પ્યુટર. પહેલો પ્રશ્ન આવ્યો કે લૈલાનો પ્રેમી કોણ હતો?? આ તો આવડતું જ હોય!! જવાબ નોટ કર્યો. બીજો પ્રશ્ન આવ્યો કે મહમ્મદ પયગંબરનું જન્મસ્થળ ક્યું?? આ ય આવડતું હતું. પણ સાચો ખેલ પછી જ શરું થાય છે. પેલાં ઓપ્શન વગરનાં પ્રશ્નમાં.

પ્રશ્ન હતો : ૨૦૧૨ની વસ્તી ગણતરી મૂજબ ભારતમાં મહિલાઓની સંખ્યા કેટલાં કરોડ??? ઓ તારીની….. તારી ભલી થાય…. બસ અહિંયા જ હવે આપણી આવડતનું કામ શરું થાય છે. એક ને એક પ્રશ્ન બે વાર પૂછવામાં બહુ બહુ તો દસ સેકન્ડ લાગે. કેમ કે પહેલી વાર પૂછે એ ટાઇમ તો ગણાય નહિ! કેમ કે ત્યારે તો આપણે ય એ પ્રશ્ન સાંભળવાનો હોય ને! મગજને ચકરાવે ચડાવવાનો કોઇ મતલબ નથી. બીજી વાર આ નો આ પ્રશ્ન પૂછે એની પાંચ સેકન્ડ અને બન્ને વખત પૂછ્યા પછી જે દસ – દસ સેકન્ડનો ટાઇમ આપે તે વીસ સેકન્ડ – એમ કુલ પચ્ચીસ સેકન્ડનો ખેલ હતો. (મારે ફાસ્ટેસ્ટ ફીંગર ફર્સ્ટમાં પણ આવો અઘરો સવાલ જ હતો. એનો જવાબ કેવી રીતે આપ્યો એની વાત પછી ક્યારેક!!!)

આ પચ્ચીસ સેકન્ડમાં જ જવાબ આપવાનો હતો. કોઇપણ રીતે. સાલુ ખાલી ભારતની વસ્તી ચિન પછી બીજા ક્રમે છે એ ખબર હતી. સવાસો કરોડ જેટલી છે એ ખબર હતી. પણ ૨૦૧૨ની વસ્તી ગણતરી મૂજબ પાક્કી નહોતી ખબર. અને એ જ ન ખબર હોય એટલે મહિલાઓની સંખ્યા કેટલાં કરોડ એ તો ક્યાંથી ખબર હોય!! પણ જવાબ આપવો હતો. કોઇપણ રીતે. એટલે મગજ ને રીતસર ઘુમાવવાનું ચાલુ જ કર્યુ કે “ચેતન દસ સેકન્ડ મળશે. પછી ઇંગ્લીસમાં ય પૂછશે. અને એની દસ સેકન્ડ પણ મળશે. જલ્દી વિચાર” (એકદમ આ જ વાક્યો મગજમાં આવેલ હતાં. મારે મારી હારે જ વાત કરવાની હતી)

થોડીક વાર તો મગજમાં કાંઇ ન આવ્યું. પણ લોજીક લગાવવાનું છે એટલી ખબર હતી. મગજમાં મારામારી અને ધમાસાણ ચાલતુ હતું. ત્યાં જ અચાનક વિચાર આવ્યો કે ભારતમાં પુરુષો કરતાં સ્ત્રીઓની સંખ્યા ઓછી છે. અને આ વાત કામ કરી ગઇ. એટલે જો કુલ સંખ્યા સવાસો કરોડ હોય તો એનાં અર્ધા આશરે પાસઠ કરોડ થાય. અને જો સ્ત્રીઓ પુરુષો કરતાં ઓછી હોય તો પાંસઠથી ઓછી એટલે કે લગભગ સાઇઠ.

અને ત્યારે જ પછી વિચાર આવ્યો કે આ પ્રશ્ન એવો છે કે આમાં એક્ઝેટ ફીગર તો આપવાનો જ ન હોય. કેમ કે એક્ઝેટ આકડો તો કોઇને યાદ ન હોય એવો જ હોય. એટલે ‘લગભગ’ આકડો જ આપવાનો હોય. તો સાઇઠ એ જવાબ બરાબર જ હોય. પણ સાઇઠ કરોડ – આટલાં બધાં મીંડા???? ન હોય. કોઇ દિવસ આવડો મોટો જવાબ મોબાઇલમાં સ્વિચ પ્રેસ કરીને ન જ આપવાનો હોય!!! શું કરવું??? ત્યારે ફરીથી એક વાર મગજમાં ક્લિક થયું કે પ્રશ્ન આમ પૂછાયો છે કે “કેટલાં કરોડ??” – મતલબ કે સાઇઠ કરોડ એવો પૂરેપૂરો જવાબ ટાઇપ કરવાનો નથી. કેટલાં કરોડનો મતલબ??? સાઇઠ.

જવાબમાં ખાલી ૬૦ જ પ્રેસ કરવાનું છે. આઇડીયા ક્લિક્ડ. બસ પછી શું હોય?? કેટલી સેકન્ડ્સ પસાર થઇ ગઇ હતી એ નહોતી ખબર પણ હવે ટાઇમ વધારે હશે નહિ એવું તો લાગતું જ હતું. હવે ‘યા હોમ’ કરવાનો સમય હતો. અને ‘યા હોમ’ કરી પણ દીધું. પણ જવાબ પ્રેસ કરીને મે ફોન ન કાપ્યો. એની મેળે કપાય એની રાહ જોઇ. સમય વધ્યો હતો. કેટલો એ યાદ નથી. પણ થોડોક વધ્યો હતો.

પછી તો ફોન કપાયા પછી સીધું જ ગુગલ કર્યુ અને જવાબ હતો ૫૯.૪ કરોડ. એટલે કે જવાબ સાચો. બસ પછી શું જોઇએ આપણે!! જવાબ સાચો એટલે આપણે આપણું કામ કરી નાખ્યું. હવે આગળ તો વળી પાછું કામ નશીબનું જ હશે. એટલે નશીબ પર છોડીને આપણે લાગ્યા આપણાં કામે. અફકોર્ષ, નેક્સ્ટ ફોનની રાહ જોવામાં!!!!

લેખક : ચેતન જેઠવા

પોસ્ટ શેર કરજો અને જે જવાનું ઇરછતા હોય એમને ટેગ કરજો !!

ટીપ્પણી