કતરા કતરા જીંદગી.. – યોગેશ પંડ્યાની કલમે એક અદ્ભૂત રહસ્યમય અનોખી વાર્તા…

‘કતરા કતરા જીંદગી..’

પ્રતાપગઢનો રાજકુંવર કુલદીપસિંહ રાઠોડ અને પ્રખ્યાત મોડેલ રાની ડિસોઝા આ માંડવગઢનાં દરિયા કિનારે ક્યા પ્રાઇમસ્પોટ પર કઇ ઘડીયે અને કેવા એન્ગલથી એટ ફર્સ્ટ ટાઇમ મળે,(ખરેખર તો ટકરાય !) એવા. આ નજર સામે જ ઘૂઘવાટ કરતા માંડવગઢનાં દરિયામાં લોઢા લોઢા ઉછળતા ઊંચા પહાડી મોજાં ને જોતા, અને ચૂર ચૂર થતો હું પણ એક દરિયો બનીને મારી અગામી નવલકથા નાં એક જબરજસ્ત પ્લોટ વિષે વિચારી રહ્યો હતો. આમ તો અહીં સવારનો આવ્યો હતો પણ હજી સુધી કુલદીપ-રાનીનાં મિલનનો પ્રથમ ‘સીન’ મગજમાં ઓ.કે કરી શકયો નહોતો.

આ સાંજ પડવા આવી હતી અને હું માંડવગઢ દરિયાકાંઠે ઊભેલા સંગેમરમરી મોગલ સ્થાપત્યની કલા થી વિભૂષિત એવા હવામહેલનાં ત્રીજા માળે મને મળેલા રજવાડી સ્યૂટનાં ઝરૂખે ઊભો દરિયાનાં મોજાંને આવતા, ઊંચા થતાં અને પછી કિનારે આવીને પછડાઇને ચૂર ચૂર થઇ જતાં પ્રબળ વિશાળ જળરાશિને તાકી રહ્યો હતો ક્યારનોય વળી સૂર્ય આથમવા આવ્યો હતો. દૂર ક્ષિતિજે અને બે મછવા સ્થિર ઊભા રહ્યા હતા. એ બન્નેની વચ્ચોવચ્ચ સૂર્ય હતો. આ તરફ એક સ્ટીમર ક્યારનીય લાંગરી નીચે બીચ પર કઇ કેટલાય સ્પોટ હતા.

જેનાં સાનિધ્યમાં બેસી સહેલાણીઓ આનંદનો લુન્ફ ઉઠાતી રહ્યા હતા. આ તરફ એક ચર્ચ હતુ અને પેલી તરફ એક મકબરો હતો. અંગ્રેજી સી આલ્ફાબેટની રચના અનુસાર હોર્સરાઇડીંગ,આઉટડોર ફોટોગ્રાફી, આનંદમેળો, નાળિયેરવાળા, કોલ્ડ્રીંક્સવાળા પોત પોતાના બીઝનેશ કરી રહ્યા હતા. દૂર સામે કેટલીય હોટેલ હતી. જયાં બેરોકટોક ઇંગ્લીસ દારૂ વેચાઇ રહી હતી. આ બાજુ ડ્રીંક્સ બાર હતા, જો કે દરિયાનું પાણી એ તરફ પહોંચી શકતું ન હતું સામે હારબંધ નાળિયેરી હતી અને હવા મહેલની પેરેલલ એક બીજું પણ ગેસ્ટહાઉસ હતું. જેનું નામ હતું. ‘સનશાઇન’ પણ પ્રાદેશિક ટુરિઝમે ડેવલપ કરેલુ હવામહેલ ખરેખર લાજવાબ હતું.

ભાતીગળ સ્થાપત્ય કલાથી મઢિત હવામહેલ ચાંદની રાતે કેટલો અદ્દભૂત લાગતો હશે. અહીંથી જયારે સમુદ્ર ઉપરથી ઊંચકાઇને ચાંદ છેક નજર સામે આવતો હશે ત્યારે કેટલું રોમાંચક લાગતું હશે એ વિચારે હું પણ ભીતરથી રોમાંચિત થઇ જતો હતો. અને મારે હજીએ કલ્પના સાકાર કરવાની હતી. અને આમ પણ કલ્પના, આકાશ, ચાંદ અને સિતારા જયારે સીધી લીટીમાં આવે છે ત્યારે મારી જેવા રાઇટર માટે એક નવી સ્ટોરીનાં આઇડીઆની આકાશગંગા ઉદ્દભવતી હોય છે !

અચાનક મારી પાસે કોઇ આવીને ઊભુ રહી ગયું છે એવો અહેસાસ થયો. કોઇનો શ્વાસોશ્વાસ જાણે મને અથડાયો હું ચમકી ગયો. થયું કે ચોકીદાર કાથડ પાછળ આવીને ઊભો રહી ગયો કે શું ? હું પાછળ ધૂમ્યો તો કોઇ નહોતું. તો પછી કોઇ એમ જ અલપઝલપ આવીને વયુ ગયું કે શું ? એવો પ્રશ્ન થયો એટલે હું દોડીને બહાર લોબીમાં આવ્યો, તો મારા સિવાય કોણ હતું. ખેર, એ મારો વહેમ હોઇ શકે…એમ મન મનાવીને હું પાછો ઝરૂખાની બારીએ ટેકો દઇને ડૂબતી સાંજને જોઇ રહ્યો પણ હવે મન ન લાગ્યું અને મારી વાર્તાનાં પાત્રો પણ મારાથી દૂર ભાગી ગયા.

આમ તો એક મહીનાથી મારો જીગરજાન ફ્રેન્ડ રાજુ ઉર્ફે આદીલ લોખંડવાળા મને ચેનથી ઉંધવા દેતો નહોતો. એના દૈનિકપત્રમાં સન્ડેની પૂર્તિમાં મારી આગામી નોવેલ શરૂ કરવા માટે આરબની ઉધરાણી કરી રહ્યો હતો. અમારી વચ્ચે ગાળનો પણ સંબંધ હતો. એ ગમે તે ઘડીયે મને વાર્તા માટે દબોચી દેતો જો કે એનો હક્ક હતો. કારણકે એ મને એક નોવેલના ખોબો ભરીને પૈસા આપતો હતો અને અમે બન્ને વતા બન્ને બચ્ચાં સાથેનો ચાર જણાનો પુરસ્કારમાં જ જીવનનિર્વાહ ચાલતો રહેતો. અને હમણાં બે વરસ હું બીજા મેગેઝીન સાથે એન્ગેઝ હતો એટલે એનો પારો છટકયો.

કેમ કે મારી સ્ટોરીની તાકાત જાણતો હતો. મારી સૌથી પહેલી નવલકથા “મર્ડર” એણે હપ્તાવાર પ્રગટ કરેલી અને એની પૂર્તિનો ફેલાવો આઠ હજાર નકલમાં વધી ગયેલો. એ પછી “પડછાયાની આર પડછાયાની પાર”, “શરીર”, “મીડનાઇટ” વધી પડેલું એટલે એણે મને અલ્ટીમેટમ આપી દીધેલું કે ગમે એમ કર, પણ આવતી પહેલી તારીખ સુધીમાં તારી નવલકથાનાં દસેક ચેપ્ટર મારા ટેબલ ઉપર પડ્યા હોવા જોઇએ. અધરવાઇઝ આઇ કીલ યુ”

હું મોબાઇલ પર હસી પડેલો કહેલું : “સોનાનાં ઇંડા આપતી મરધીને મારી નાખે એ મહામુર્ખ જ હોઇ શકે. વળતી પળે એ બોલ્યો કે યાર, તને કોઇ ટપલી તો અડાડી શકે !”

ખેર, આમ તો મારા મગજમાં એક બીજ આવી ગયેલું એ સિનોપ્સીસ મોકલી આપ્યું અને કહ્યું કે હું લખીને મોકલું પણ મારી વાર્તાનું બ્રેકગ્રાઉન્ડ એક ઐતિહાસિક દરિયા કિનારો અને લવસ્ટોરી છે જેમાં વેરઝેર છે, મર્ડર છે અને પીસ્તોલનાં નોકની ઉપર ગુલાબનું ફૂલ પણ છે” જવાબમાં એણે મને એક એર ટિકીટ મોકલી આપી અને માંડવગઢ હવામહેલનાં સ્યૂટમાં આખો મહિનો રહેવા માટેનો પાસ મોકલી આપ્યો પણ ટ્રેઝેડી એ હતી કે હું યારો કશું લખી શક્યો નહી. નહિંતર તો કોરો કાગળ લઇને બેસુ કે તરત જ મારી કલમ સડસડાટ ચાલવા માંડ્તી પણ આજે સાંજ પડવા આવી પણ તોય કાગળ કોરોને કોરો જ રહ્યો.

અંતે સૂરજ ડૂબી ગયો. હું રાતનું વાળુ કરવા નીચે ઉતર્યો. કાથડ મારી સામે તાકી રહ્યો અને બોલ્યો : “શાબ, સ્યૂટ અચ્છા હૈ ના ? કોઇ દિગ્કત તો નહી ના ?” “ના. ના… અચ્છા હૈ.” કહી હું સામે જ રહેલા ડાઇનિંગ હોલ માં “રેશમી સંભાર- ચૂટકૂલા વઘાર” માં જમવા ગયો.

ગોળાકાર ટેબલોમાં નાના નાનાં ઝૂમખામાં ચારે’ ક ટેબલો ભરાયેલા હતા. એક-બે કપલ હતા. જમીને પાન ખાવાની મારી ટેવ હતી અને અહિનું મલબારી પાન વખણાતા હતા. જાફરા લવલી કાચી ટુકડા વાળુ એક પાન ખાઇ, એક પાન બંધાવતો આવ્યો. રાત્રે પાન બાન ખાઇને લખવા બેસી જ જવું છે, એવા દ્દ્ઢ નિર્ધાર સાથે રૂમ ખોલી મેં લાઇટ ચાલુ કરી અને બેડ પર આડો પડ્યો. રજવાડી મેજ ઉપર મારા રંગબેરંગી કોરા કાગળ પેડના કલેપમાં ચોંટી પંખા અને બારી માંથી આવતા પવનને લીધે ફડફડાતા હતા. મને થયું કે આ દિલને મેસેજ મોકલી આપુ.

વોટ્સએપ ખોલીને હું મેસેજ મોકલતો હતો કે ત્યાં જ ચોંક્યો. કેમ કે રેશમી પડદા આડેથી મને એવું લાગ્યું કે ઝરૂખે કોઇ આવીને ઊભુ રહ્યું છે મેં મોબાઇલ નજર સામેથી હટાવીને ઝરુખે જોયું તો કોઇ ધીરે ધીરે જમણી બાજુ તરફ ચાલ્યુ ગયું જાણે. હું દોડીને ત્યાં પોર્ચમાં પહોંચ્યો તો કોઇ હતું નહીં. પોર્ચ લાંબો હતો. ત્રીસ રૂમ જેટલો મને થયું કે અહીંથી ચોથા પાંચમાં સ્યૂટ સુધીએ પહોંચ્યું હોય પણ ના ! ….વળતી પળે મને અજૂગતુ લાગવા મડ્યું. હું રૂમ ખોલીને બહાર નીકળ્યો તો આ તરફ પણ કોઇ નહોતું અને બાકીની રૂમો બંધ હતી મીન્સ કે આ ત્રીજે માળે મારા સિવાય કોઇએ રૂમ બુક કરાવી નહોતી.

કોણ હતું એ ! કોણ હશે એ ? ….વિચારોનો મારો મારા માનસપટ ઉપર ચાલતો રહ્યો. મેં મેંસેજ કરીને પેડ હાથમાં લીધું અને ખીસ્સા માંથી પેન બહાર કાઢી આ પેન ઇન્ડિયન ચલણ મુજબ અઢાર હજારની હતી જે મારી એક વાચક-ફેન સુલઝા ફિરોઝીયાએ લંડનથી મોકલી હતી. અચાનક મારા મગજ ઉપર ઝબક્યુ કશુંક વહી આવ્યું :

“રાતનો સૂમાર હતો… આ કાંઠે તુર્કિસ્તાનથી લાંગરેલા જહાજ “મિતવા” નાં ડેક ઉપર તુર્કિ રૂપસુંદરી તનાશા આવીને ઊભી રહી. આથમણે ઝૂકેલો ચંદ્ર તેની ઉપર આફરીન થઇ ઉઠયો. પુરૂષ હોત તો તનાશાની સામે જ આકાશ માંથી ઉતરી આવ્યો હોત. તનાશા બે હાથ ખુલ્લા કરીને અંગડાઇ લીધી એજ વેળાએ….

એજ વેળાએ… હું આગળ કટાક્ષ યુકત લખું એ પહેલા જ કોઇનો નાઝુક, કામૂક પણ દર્દ મિશ્રિત હાસ્યનં ઠહાકો સંભળાયો… કોઇ સ્ત્રીનાં હાસ્યનો અને આ ઝરૂખાની બારી પાસેથી જ ! હું અટકે ગયો. ચોકી ગયો. છળી પણ ગયો. હા, મેં ઘડીભર પહેલા જોયેલી એ આકૃતિ એક સ્ત્રીની જ હતી જાણે પેડ મૂકીને હું દોડ્યો. જોયું તો કોઇ સફેદ વસ્ત્રો પહેરેલી સ્ત્રી આકૃતિ જઇ રહી હતી.

‘અરે ઓ મેડમ…’ કહેતો હું તેની પાછળ રીતસર દોડ્યો પણ એ પહેલા તો એ પોર્ચ નો વળાંક વળી ચૂકી હતી. મેં વળાંકે પહોંચીને જોયું તો એ ગાયબ હતી. હું પાછો વળ્યો. ઘડીભર એમનેમ બેસી રહ્યો. મનમાં થયું કે ભ્રમ હતો કે સત્ય હતું ! હું વાર્તા આગળ લખવા બેઠો પણ… થાકીને હું લાંબો થયો. લાઇટ ચાલુ હતી. થયું કે હમણાં પાછો વિચારોનો ફલો આવશે. આંખ બંધ કરીને પડ્યો રહ્યો. આંખ બંધ કરીને પડ્યો રહ્યો. પાંચેક મિનિટ વીતી હશે કે કોઇ દર્દ ઘેરા અવાજે ગાઇ રહ્યું હતું : “લહુ કે આંસુ પી રહી હું મૈં ઐસે હી કતરા કતરા જી રહી હું…

ફટાક કરતી આંખ ખૂલી ગઇ. પડદા પાછળ જાણે કોઇ ઊભુ હતું. એની બે આંખો મારા ભણી તકાઇ રહી હતી. ઊભુ થવું હતુ પણ અવશ પણે ઊભું જ ના થઇ શકાયું. ઘડીકમાં એ આકૃતિ ઓઝલ થઇ ગઇ હવે હું દોડ્યો પણ એ આકૃતિ હવામાં ઓગળી ચૂકી હતી. પણ એઈ આંખો મોટી અને ભાવવાહી હતી પણ એ આંખો… જોઇ ન શકાય એવી પણ હતી. મને બધુ અજીબ લાગવા માંડ્યુ. હું ધીરે ધીરે ઝરૂખા પાસે ગયો. કોલાહલ શાંત થઇ ગયો હતો. સહેલાણીઓ જતા રહ્યા હતા. જોકે હોટલ્સ અને બારમાં ચહલપહલ હતી. પેલા બે મછવા જૂદા પડી ચૂકયા હતા. દૂર ચંદ્ર ઊંચકાઇ આવ્યો હતો. બીજી કોઇ ક્ષણ હોત તો હું એનો ફોટો પાડી લેત પણ અત્યારે મને એ થોડો ડેન્જરસ લાગી રહ્યા હતો ‘પૂનમ કી રાત’ નામની કોઇ લેખકની બુક મેં વાંચી હતી અને એમાં એ દર મહિને આવતી પૂનમની રાત્રિ એજ……ઉથલપાથલ થતી હતી!

બહુ કરી ! મારો મૂડ ખરાબ થઇ ગયો. મેં મૂડને ચેન્જ કરવા અનિષ્કાને ફોન કર્યો. અનિષ્કા, મારી લવર્સ અને પછી પત્ની બની ચૂકી હતી. ‘હાય રાઇટર માય હબી, વોટ હેપન્ડ? નાવેલ નું શું થયું ?’ કેટકેટલા સવાલ પૂછી નાખ્યા જવાબમાં મેં થાકીને કહ્યું : “યાર, મૂડ સ્વીંગ થઇ જાય છે” “ઓહ યાર…નોટ એટ ઓલ. એવું ન થવું જોઇએ. ટ્રાય કર. તું બેસ્ટ નોવેલ લખવા માટે ત્યાં આવ્યો છે. આપણાં બાળકોની ચિંતા ના કર. મેનેજ કરી લઇશ.” પણ મારે શું કહેવું?

રાતનો દોઢ થવા આવ્યો હશે અને કોઇનાં ગરમાગરમ ઉચ્છવાસે હું ઝબકી જાગી ગયો. હમણાં તો સુતો હતો જાગ્યો, તો એ આકાર પોર્ચમાં જતો રહ્યો. બારણું ખૂલ્લુ હતું પોર્ચનું ! -ભૂલી ગયો હતો કે પછી કોઇએ ખોલી નાખ્યું હતું ? મેં ચીસ પાડીને કહ્યું : ‘કોણ છો તમે ? અને શા માટે હેરાન કરો છો મને ?’

પળ બે પળ શાંતિ છવાઇ રહી. “પ્લીઝ…બોલેને યાર.” મેં કહ્યું એ ભેળી જ જાણે હવા માંથી પંકિત ફૂટી નીકળી:

મુર્દો કે ગાંવમેં જિંદા આયા ન કરો હમેં તકલીફ હોતી હૈ, દિખાયા ન કરો.

તુમ્હારા ક્યા બિગાડા હૈ હમેં કહના મુઝે, મુઝે મેરી ભરી મહેફિલસે ઉઠાયા ન કરો… “સુબહ હોને દો મૈં નિકલ જાઉગા” મેં કહ્યું. હું ડરી ગયો

*** **** *****

સવારે છ વાગ્યામાં તૈયાર થઇ લેખન સામગ્રી બેગમાં ભરી નીચે આવ્યો ત્યારે કાથડ તાપણું કરીને તાપતો હતો. “શાબજી, ક્યાં નિકલ રહે હો ક્યાં ?” “હા કાથડ”

“મન તો નહીં કરતા લેકિન હુકમ હુઆ હૈ” અને મેં રાત્રે ઘટી ગયેલી ઘટના કહી સંભળાવી. જવાબમાં કાથડ બોલ્યો: બાત તો આપકી સહી હૈ. લેકિન આપ હમારી બડી ઓફિસસે પાસ લેકે આયે ઇસલિયે આપકો મના નહી કર શકા. બાકી યહાં સે વો તીસરી મંઝિલ વાલા કોઇ ભી રૂમ હમ કિસી કો નહી દેતે લેકિન શુક્રિયા કરો માલિક કા, કિ આપકો કૂછ ભી હુઆ તો નહીં વરના…” “લેકિન યે સબ ક્યાં હૈ! મારા પ્રતિ પ્રશ્નનાં જવાબમાં એણે કહ્યું”

“બરસો પહેલે અરબસ્તાન સે અલવીરા નામકી એક હૂર આઇથી ઔર યહાં કે શાહજહા કે નજર મૈં બસ ગઇ. ઔર બેપનાહ મોહબ્બત દોનો કે બીચ યે સમંદર કે ગહેરાઇ કી તરાહ છલકને લગી. ઔર યે હવા મહલ દોનો કી મહોબ્બત કા અડ્ડા બન ગયા. ઇસી દૌર શાહજહા કો એક દોસ્ત નેં દગા કિયા. ઔર અલવિરાઅ કે શરીર કો લૂંટ લિયા અલવિરા એક ચિઠ્ઠી લિખકર યહાં સે સમુંદર મેં કૂદ પડી શાહજહા કો જબ બાત પતા ચલી તબ ઉસ દગા બાજ દોસ્ત કી કતલ કરકે ઉસને ભે ખુદ કૂશી કર લી. લેકિન શાબ, મુહોબ્બત કભી મરતી નહી, મુહોબ્બત જીંદા રહેતી હૈં. આજ ભી કભી કભી ઘૂંઘરૂ કી આવાઝ ઉપર સે આતી હૈ. આજ ભી કંગન કી ઝનકાર સૂનાઇ દેતી હૈ.

સૂર્ય ઉગી ગયો હતો અને હું આ ઘટનાને ફરી નવેસરથી નવલકથાના રૂપમાં ઢાળવાનો પ્રયત્ન કરતો કરતો હવામહેલ છોડીને રેલ્વે સ્ટેશન બાજુ ચાલતો ચાલતો જઇ રહ્યો હતો ! ધીરે ધીરે એક નવલકથા અલ્પવિરામની જેમ આકાર લઇ રહી… ઘરે આવીને આ થીમ ઉપર લખવા માટે બેગ માંથી પેલા રંગીન કાગળો કાઢ્યા તો, મારા આશ્વર્ય વચ્ચે આંસુની શાહીથી લખાયેલા શબ્દો કાગળ ઉપર ઉપસી આવ્યા હતા.

“હો સકે તો મુઝે મુઆફ કર દેના”

-અલવિરા.

**** **** *****
લેખક : યોગેશ પંડ્યા

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ