અહીં રસ્તાઓને રંગવામાં આવે છે આસમાની રંગે ! તાપમાનમાં થાય છે નોંધનીય ઘટાડો !

આપણે જ્યારે રસ્તો શબ્દ સાંભળીએ ત્યારે આપણી નજર સમક્ષ હંમેશા કાળો ડામરનો રોડ અને તેની મધ્યમાં કરેલા સફેદ પટ્ટાનું દ્રશ્ય ઉભું થઈ જાય છે. પણ દુનિયાના આ દેશમાં રસ્તાઓને એક સુંદર રંગ આપવામાં આવી રહ્યો છે જો કે તેની પાછળ ઘણા બધા કારણ છે. આ દેશ મિડલ ઇસ્ટમાં આવેલો છે જેનું નામ છે કતાર.

યુએઈના કતાર દેશમાં તેના રસ્તાઓને વાદળી એટલે કે આસમાની રંગે રંગવામાં આવ્યા છે. રસ્તાઓના રંગ બદલવાની શરૂઆત દેશના કેપિટલ દોહાથી કરવામાં આવી છે. જો કે તેની પાછળ કેટલાક વૈજ્ઞાનિક કારણો જવાબદાર છે.

વાસ્તવમાં કતાર દેશ એ મિડલ ઇસ્ટમાં આવેલો છે અને મિડલ ઇસ્ટને રણોનો પ્રદેશ કહેવામાં આવે છે. અહીં અત્યંત ગરમી પડતી હોય છે. અને આ ગરમીને ઓછી કરવાના હેતુથી જ આ પગલું કતાર દેશ દ્વારા લેવામાં આવ્યું છે. વાસ્તવમાં આ ગ્લોબલ વોર્મિંગમાં ઘટાડો કરવાનો એક અનોખો પ્રયાસ છે.

આજે વિશ્વભરમાં ગ્લોબલ વોર્મિંગની સમશ્યાને ડામવા માટે વિવિધ સંશોધનો કરવામાં આવી રહ્યા છે અને તેના માટેના નક્કર પ્રયાસ પણ કરવામાં આવી રહ્યા છે. અને કતાર દેશ પણ આ સમસ્યાના નિવારણમાં પોતાનો ફોળા આપવા માગે છે.

એક મિડિયા અહેવાલ પ્રમાણે કતારના દોહા શહેરમાં જુના રસ્તાઓને વાદળી રંગે રંગવામાં આવી રહ્યા છે જેથી કરીને ત્યાંના તાપમાનને અંકુશમાં લાવી શકાય. તો હવે તમને પ્રશ્ન એ થતો હશે કે રંગ બદલવાથી શું થતું હશે ? તો ચાલો તમારા આ કુતુહલને પણ દૂર કરી દઈએ.

કતારના દોહામાં આ પ્રયોગને શરૂઆતના 18 મહિના સુધી એક પાયલટ પ્રોજેક્ટ દ્વારા ચલાવવામાં આવ્યો. ત્યાર બાદ ગત 19 ઓગસ્ટે શહેરના એક મુખ્ય રસ્તાને સંપૂર્ણ રીતે વાદળી રંગમાં રંગી નાખવામા આવ્યો અને હવે આ કેંપેનને સાર્વત્રિક રીતે લોન્ચ કરવામાં આવ્યો છે.

આ પાયલોટ પ્રોજેક્ટ દરમિયાન કતારના સંશોધકોએ એ જાણ્યું કે સામાન્ય રીતે રસ્તાઓના રંગ કાળા હોય છે પણ જો તેને વાદળી રંગે રંગવામાં આવશે તો તેનાથી તાપમાનમાં ઘટાડો થઈ શકે છે. અને તેમના આ પ્રયોગનું એકધારું નિરિક્ષણ કરવા માટે તાપમાન માપવા માટે વ્યવસ્થિત સેંસર લગાવવામાં આવ્યા.

બીજી બાજુ વૈજ્ઞાનીકોનું પણ એવું માનવું છે કે રસ્તા પરનું આ વાદળી પડ સુર્યના રેડિયેશનને 50 ટકા સુધી ઘટાડી શકે છે. કતારના દોહા શહેર પરના રસ્તા પરનું આ વાદળી રંગનું પડ એક મીલી મીટરની થીકનેસ ધરાવે છે.

કતારના એન્જિનિયર સાદ અલ-દેસારીએ આ પ્રયોગને લઈને ટ્વીટ કર્યું છે કે સામાન્ય કાળા રસ્તાઓ કરતાં આ વાદળી રસ્તાઓ પરનું તાપમાન લગભગ 20 ડીગ્રી સુધી ઘટી જાય છે. કારણ કે કાળો રંગ આપણે જાણીએ છીએ તેમ ગરમી પોતાનામાં શોષી લે છે અને ઓર વધારે ગરમી ઉત્પન્ન કરે છે.

જો કતાર દ્વારા દોહામાં કરવામાં આવેલો આ પ્રયોગ સફળ રહેશે તો બની શકે કે સમગ્ર વિશ્વમાં હવે કાળી નહીં પણ વાદળી સડકો જોવા મળે. જો માત્ર સડકોના રંગ બદલવાથી પૃથ્વીના તાપમાનમાં આટલે બધો ઘટાડો થઈ શકતો હોય તો દુનિયાનો દરેક દેશ આ પ્રયોગ ચોક્કસ કરશે. આમ પણ વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગના ઘટાડા માટે અગણિત પ્રયાસો કરવામા આવી રહ્યા છે તો પછી આ પ્રયોગ પણ કરી જ લેવો જોઈએ.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ