જલ્સા કરોને જેંતીલાલ

મેચ પહેલા અકસ્માત ન થયો હોત તો આજે નવજોત સિધ્ધુની જગ્યાએ લોકોના દિલમાં કરુણપાલ હોત !

કરુણ પાલ બાયોગ્રાફી

કરુણપાલ ONGCના એચ.આર ડીપાર્ટમેન્ટના જનરલ મેનેજર છે. તેઓ ક્રિકેટના અત્યંત શોખીન છે અને એક માહેર ખીલાડી પણ, અને જો તેમને યોગ્ય સમયે દીલ્હીની રણજી ટીમમાં રમવાનો અવસર મળ્યો હોત તો તેઓ કદાચ ભારતનું આંતરરાષ્ટ્રિય સ્તર પણ પ્રતિનિધિત્વ કરી શક્યા હોત.


કરુણપાલનો જન્મ દિલ્હીના એક મધ્યમવર્ગીય કુટુંબમાં થયો હતો. જો કે ઘરમાં તેમને મોટા સ્વપ્નો જોવા તેમજ તેને પૂરા કરવાની સંપૂર્ણ છૂટ, સગવડ અને પ્રોત્સાહન આપવામાં કોઈ જ કચાસ રાખવામાં નહોતી આવતી. તેમના પિતાએ નાનપણથી જ તેમને અનુશાષન શીખવ્યું છે અને પરિશ્રમનું મહત્ત્વ સમજાવ્યું.

તેમને નાનપણથી જ ક્રીકેટનું પેશન હતું. તેમણે 5માં ધોરણ સુધી સરકારી શાળામાં અભ્યાસ કર્યો અને તેની વિશાળ લાઈબ્રેરીમાં તેઓ હંમેશા ક્રીકેટને લગતા પુસ્તકો વાંચતા અને તેમાંથી જ ક્રિકેટની કેટલીક બારીકી શીખતા. જોકે ત્યાર બાદ તેમના પિતાએ તેમને તેમના વિસ્તારની રેપ્યુટેડ સ્કૂલમાં એડમીટ કરાવ્યા. અને તેમના માટે ઉત્સાહ અને ખુશીની વાત એ હતી કે તેમની આ નવી શાળાની એક ક્રીકેટ ટીમ હતી. અને ક્રીકેટની પ્રેક્ટીસ માટેનો અલાયદો એરિયા પણ. તેઓ ટુંક જ સમયમાં શાળાની ક્રીકેટ ટીમ માટે લાયક બની ગયા અને 100 છોકરાઓમાંથી માત્ર 16 છોકરાઓની જ પસંદગી થઈ અને તેમાં તેમનો પણ સમાવેશ થઈ ગયો.


જો કે તેમના પિતા ઇચ્છતા હતા કે તેઓ અભ્યાસમાં ધ્યાન આપે નહીં કે રમતમાં કારણ કે તેમનું એવું માનવું હતું કે ક્રીકેટ એ શ્રીમંતોની રમત હતી. પણ ધીમે ધીમે તેઓ સહમત થયા કારણ કે ક્રીકેટથી તેમના સ્કોરકાર્ડમાં કોઈ જ ઘટાડો નહોતો થયો.


ધીમે ધીમે તેઓ નિયમિત પ્રેક્ટિસ કરવા લાગ્યા અને મેચીસ પણ રમવા લાગ્યા અને આમ તેઓ એક યોગ્ય બેટ્સમેન બન્યા. તેઓ હવે પોતાની શાળાની ક્રીકેટ ટીમના ઓપનર અને લેગ સ્પીનર બની ગયા હતા. શાળાની ક્રીકેટ મેચીસમા સારા દેખાવના કારણે તેઓ લોકલ સમાચારોમાં પણ ચમકવા લાગ્યા.

તેમના કોચે તેમને બાલ ભારતી એરફોર્સ સ્કૂલ, નવિ દિલ્હીમાં એડમીશન લેવા કહ્યું. અને ત્યાંના તેમના એકધારા ઉત્તમ પ્રદર્શનના કારણે તેમને દીલ્હી રાજ્યની અંડર-19ની ટીમમાં લઈ લેવામાં આવ્યા. તેમને આ મેચ હજુ પણ યાદ છે કૂક બેહાર ટ્રોફીની એ મેચ હતી સેન્ટ્રલ ઝોન વિરુદ્ધ, તેમની વિકેટ ભેજવાળી હતી અને તેમને પહેલાં બેટીંગ કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું.


નોર્થ ઝોનમાં તેમણે નવજોત સીંઘ સીધુ સાથે બેટીંગની શરૂઆત કરી અને તેમણે સંયુક્ત રીતે 60 રન બનાવ્યા હતા. જો કે તેમની ટીમ 250 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. તેમના જીતવાના કોઈ ચાન્સ નહોતા પણ બીજા દિવસે સવારે તેમના કોચ તેમના રૂમમાં આવી પહોંચ્યા અને તેમની ટીમના કેપ્ટનને તે દિવસની તેમની ફિલ્ડીંગમાં તેમને બોલીંગ આપવાનું સૂચન આપ્યું. કારણ કે તેમને તેવા સંકેત આપતું સ્વપ્ન આવ્યું હતું.

સેન્ટ્રલ ઝોનનું પ્રદર્શન ઉત્તમ હતું. જ્યારે બીજા પક્ષે તેમણે શાળાના દિવસોમાં જ બોલીંગ છોડી દીધી હતી. બોલીંગની કોઈ પ્રેક્ટીસ તેમને હતી નહીં. તેમ છતાં કેપ્ટને તેમને બોલીંગ આપી અને તમણે 2 ઓવરમાં માત્ર 4 રન આપી ત્રણ વિકેટ લઈ લીધી હતી. તે વખતે સ્થાનીક પ્રેસમાં આ રસાકસીની મેચનો ભારે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.


આવી જ રીતે તેમણે અંડર 19 દીલ્હી ઇન્ટર યુનિવર્સીટીમાં 6 સેન્ચ્યુરી ફટકારી. અને છેવટે તેમને 18 વર્ષે દીલ્હીની રણજી ટીમમાં સ્થાન મળ્યું. 80ના દાયકામાં શ્રી બીશન સિંઘ બેદી જ્યારે કોચ હતા તે દરમિયાન તેઓ પણ રણજી ટીમનો હિસ્સો હતા. તે વખતે દીલ્હીની રણજી ટીમમાં મોહિન્દર અમરનાથ, ચેતન ચૌહાન, અરુણ લાલ, રાકેશ શુક્લા જેવા દિગ્ગજ ક્રીકેટર હતા. સ્પોર્ટ્સમાં એક્સેલન્ટ દેખાવના કારણે કે.પીને દિલ્હી યુનિવર્સિટીની હિન્દુ કોલેજમાં એડમીશન મળી ગયું અને ત્યાં પણ તેમના જેવો ક્રીકેટર ભાગ્યે જ કોઈ હતો.

જો કે તેમને અફસોસ છે કે તેમને ક્યારેય દીલ્હી રણજી ટીમમાં ઓપનર તરીકે સ્થાન આપવામાં નહોતું આવતું. તેમને રમવાનો મોકો ત્યારે જ મળતો હતો જ્યારે ટીમના ખેલાડીઓ આંતરરાષ્ટ્રિય લેવલે ભારત માટે રમવા જતા. મોટે ભાગે તેમને 12માં ખેલાડી તરીકે જ રાખવામાં આવતા.


૧૯૮૩માં નોર્થઝોન તરફથી વેસ્ટઇન્ડીઝ ટીમ એ અમુક મેચ રમવા માટે ભારત આવ્યા હતા અને ત્યારે નોર્થઝોન તરફથી જે મેચ રમવાની હતી તેમાં કરુણપાલનું સિલેકશન ઓપનર થયું હતું પણ મેચના થોડા સમય પહેલા જ કરુણપાલનું એક અકસ્માત થયું હતું જેનાથી તેઓ મેચ રમવા માટે ફીટ જાહેર ના થયા એટલે તેમની જગ્યાએ ઓપનર તરીકે નોર્થઝોન તરફથી નવજોતસિંહ સિધ્ધુની પસંદગી કરવામાં આવી. આ મેચમાં સિધ્ધુએ ૧૨૨ રન ફટકાર્યા હતા, તેમના આ પ્રદર્શનને કારણે સિધ્ધુની પસંદગી આપણા દેશની નેશનલ ટીમમાં કરવામાં આવી હતી. કરુણ પાલ એ બહુ આક્રમક ઓપનર હતા, જો તે સમયે કરુણ પાલનો અકસ્માત ના થયો હોત તો તેઓ મેચમાં ઓપનર તરીકે વધુ સારું પ્રદર્શન કરી શક્યા હોત.

80ના દાયકામાં જો દીલ્હીની રણજી ટીમમાં આંતર રાષ્ટ્રિય સ્તર પર ભારત માટે રમતા ખેલાડીઓ ના હોત તો કરુણપાલને ચોક્કસ રણજી ટ્રોફી રમવાનો ચાન્સ મળ્યો હોત. અને તેઓ પોતાની ટેલેન્ટ બતાવી શક્યા હોત અને આંતરરાષ્ટ્રીય સ્તર પર પણ ભારત તરફથી રમી ચૂક્યા હોત.


આ દરમિયાન તેમની કોઈ કમાણી નહોતી અને તેમના પિતા પણ રિટાયર્ડ થઈ ગયા હતા. તેમને નોકરીની ખુબ જ જરૂર હતી. છેવટે તેમને 1984માં બરોડા ખાતે ONGCમાં જોબ મળી. અને તે વખતે તેમને બરોડાની રણજી ટીમમાં રમવાનો મોકો મળ્યો. હવે તેઓ નિયમિત પણે રણજી ટ્રોફી માટે રમવા લાગ્યા હતા. છેવટે તેમને દીલ્હીમાં પણ પોતાના જુના કોચના હાથ હેઠળ રમવાનો મોકો મળી ગયો.

પણ એક સવારે અકસ્માતમાં તેમને ગંભીર ઇજાઓ થઈ અને તેમને કેટલાક ફેક્ચર આવ્યા. તેમને એક મહિનો હોસ્પિટલમાં રાખવામાં આવ્યા અને પછી 6 મહિના તેમને ઇજાઓમાંથી બહાર આવતા થયા. અને તેમના ડોક્ટર્સે તેમને ક્રીકેટ નહીં રમવાની સલાહ આપી. અને ફરી પાછી તેમને નસીબે માત આપી દીધી.


તેમ છતાં કહે છેને કે ‘વાત ગંતવ્યસ્થાનની નહીં પણ ત્યાં સુધી પહોંચવાના પ્રવાસની હોય, મુસાફરીની હોય છે’ આજે તેઓ ONGCમાં જનરલ મેનેજર (HR) છે અને 2020માં રીટાયર્ડ થવા જઈ રહ્યા છે. તેઓ ફરી ક્રીકેટ તરફ પરત ફરવા બેતાબ છે. અને પોતાની સફળતા-નિષ્ફળતાના અનુભવ થકી લોકોને મદદ કરવા માગે છે. અને તેમના આ પ્રયાસથી જો કોઈનું સ્વપ્ન સાકાર થતું હોય તો તેઓ સુખની લાગણી અનુભવશે એવું તેમનું માનવું છે.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version