જો તમને લાગુ પડેલા ટ્રાફિક રુલ્સના દંડ ભારે લાગતા હોય તો જરા આ દેશના દંડ જાણી સલો ! ચુકવવા માટે માથે દેવું કરવું પડે છે

પહેલી સપ્ટેમ્બરથી સમગ્ર ભારતના બધા જ રાજ્યોમાં નવો મોટર વ્હીકલ એક્ટ લાગુ પાડવામાં આવ્યો છે જેનાથી સામાન્ય જનતામાં ભારે જાગૃતિ વ્યાપી ગઈ છે અને કેટલાકમાં તો રોશ પણ વ્યાપી ગયો છે. આ નિયમને હવે સખ્ત રીતે ટ્રાફિક વિભાગ દ્વારા લાગુ પાડવામા આવી રહ્યા છે જેના પ્રત્યાઘાતો દેશના ખુણે ખુણેથી જાણવા મળ્યા છે.

અવારનવાર મળતાં અહેવાલો પ્રમાણે માત્ર એક વ્યક્તિને કરવામાં આવતા દંડની રકમ હજારો રૂપિયા સુધી પોહંચી ગઈ છે. કેટલીક જગ્યાએ તો એવા કિસ્સા પણ સાંભળવામા આવ્યા છે કે વાહનની કીંમત કરતાં દંડની રકમ વધી ગઈ હોય. પણ જો તમને આ દંડ ભારે લાગતા હોય તો જરા દુનિયાના આ દેશોના ટ્રાફિક નિયમો નહીં ફોલો કરવાના બાબતે ચૂકવવા પડતાં દંડ વિષે પણ જાણી લો.

આપણે ફિલ્મોમાં અને હવે તો આપણા રિલેટીવ્સ કે પછી આપણે પોતે ક્યારેક વિદેશ પ્રવાસે ગયા હોઈએ ત્યારે ત્યાંના રસ્તાઓ, ત્યાંની સ્વચ્છતા ત્યાંની વાહન ચલાવવાની રીતને લઈ તેમના ભારોભાર વખાણ કરતાં હોઈએ છીએ પણ આ બધા જ નિયમને પળાવવા માટે ત્યાં પણ દંડની જોગવાઈઓ કરવામાં આવેલી છે અને તેનું સખ્ત રીતે પાલન પણ કરવામા આવે છે.

સિંગાપુર

સિંગાપુર ભારત કરતાં ક્યાંય નાના કદનો દેશ છે પણ અહીં ટ્રાફિક નિયમોનું પાલન ઘણી જ કડકાઈથી કરાવવામાં આવે છે. અહીં માત્ર સિગનલની લાઈટો કે સીટબેલ્ટના જ નિયમનું પાલન નથી થતું પણ તમારા વાહન માટે નક્કી કરવામાં આવેલી યોગ્ય લેનમાં પણ તમારે ફરજિયાત પણે વાહન ચલાવવું જ પડે છે તેમ ન કરવાથી તેના માટે પણ તમારે દંડ ભરવો પડે છે. આ દેશની ખાસિયત એ છે કે અહીં ચોરે ચૌટે ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા માટે ટ્રાફિક પોલીસ ઉભી રાખવામાં નથી આવતી પણ લોકો જાતે જ તે નિયમોનું પાલન કરે છે.

દંડની જોગવાઈ

લાયસન્સ વગર ગાડી ચલાવવીઃ 3 લાખ રૂપિયા

સીટ બેલ્ટ બાંધ્યા વગર ગાડી ચલાવવી – 8000 રૂપિયા

ડ્રાઇવિંગ કરતી વખતે ફોનનો ઉપયોગ – 51000 રૂપિયા

નશાની હાલતમાં ડ્રાઇવિંગ ચલાવવા બદલ – 258000 સુધીનો દંડ અને ત્રણ મહિનાની જેલ, અને જો બીજીવાર આ ગુનો કરવામાં આવે તો સીધો જ 7 લાખનો દંડ ફટકારવામાં આવે છે.

રશિયા

રશિયામાં સૌથી વધારે રોડરેજ જોવા મળે છે. ત્યાં વાહન ચલાવતી વખતે જો એક ગાડી બીજી ગાડીનો ઓવરટેક કરે તો એકબીજા સામે બંદૂક પણ તાણી લેવામાં આવે છે. તે બાબતને લગતા વિડિયો અવારનવાર સોશિયલ મિડિયા પર વાયરલ થાય છે.

અહીં રેશ ડ્રાઈવીંગ માટે તમારે સેંકડો રૂબલનો દંડ ભરવો પડે છે. અહીં માત્ર ગાડી ચલાવનાર જ નહીં પણ તેમાં બેસનાર દરેક વ્યક્તિએ પણ સીટબેલ્ટ બાંધવો જરૂરી છે. જો તેમ ન કરો તો તમને 50000 રુબલ એટલે કે 55000 રૂપિયાનો દંડ ભરવો પડે છે. અને તમારું ડ્રાઈવીંગ લાયસન્સ પણ જપ્ત કરી લેવામાં આવે છે. આ ઉપરાંત અહીં એક ખાસ નિયમ પણ છે જેને તમારે ફોલો કરવો પડે છે અને તે છે તમારી ગાડીઓ ગંદી ન હોવી જોઈએ તે ચોખ્ખી જ હોવી જોઈએ અને તેમ ન હોય તો પણ તમને દંડ થાય છે.

અમેરિકા

અમેરિકામાં ટ્રાફિકના નાનામાં નાના નિયમનું પાલન તમારે કરવું જ પડે છે. અહીં સિગનલ તોડવા બદલ તમારે માત્ર દંડ જ નથી ભરવો પડતો પણ તમારે કોર્ટ સમક્ષ હાજર પણ થવું પડે છે અને તે માટે કારણ પણ દર્શાવવું પડે છે. અહીં તમને કોઈ પણ વ્યક્તિ ખાલી રસ્તા પર પણ સિગનલ તોડતી જોવા નહીં મળે.

દંડની જોગવાઈ

લાયસન્સ વગર – અહીં જો તમે લાયસન્સ વગર ગાડી ચલાવતા પકડાયા તો તમારે સીધો જ 72000 રૂપિયાનો દંડ ભરવો પડે છે.

સીટ બેલ્ટ વગર – સીટ બેલ્ટ વગર ગાડી ચાલવનારને 25 ડોલર એટલે કે 1700 રૂપિયા

હેલમેટ વગર ડ્રાઈવીંગ કરવી બદલ – 22000 રૂપિયાનો દંડ ચુકવવો પડે છે અને જો બીજીવાર આ ગુનો કરતાં પકડાઓ તો કોર્ટ સમક્ષ હાજર પણ થવું પડે છે.

ડ્રાઈવીંગ દરમિયાન ફોનનો ઉપયોગ – તેના માટે 10000 ડોલરનો દંડ છે જેને ભારતીય કરન્સીમાં કન્વર્ટ કરવામા આવે તો આંકડો સાત લાખ કરતાં પણ ઉપર જતો રહે છે. જો કે તેના માટે તમારે કોર્ટ સમક્ષ હાજર પણ થવું પડે છે અને યોગ્ય કારણ પણ આપવું પડે છે.

દુબઈ

દુબઈ એક ભવ્ય લગ્ઝરિયસ દેશ છે. અહીંના રોડ પર તમને કોઈ જ સામાન્ય ગાડીઓ જોવા નહીં મળે પણ એકથી એક લગ્ઝરિયસ કાર્સ તમને જોવા મળશે. અહીં પણ તમારે તમારી ગાડીને સ્વચ્છ રાખવી પડે છે. અહીં થોડા સમય પહેલાં સ્ત્રીઓ પર કાર ચલાવવા પર પ્રતિબંધ હતો જે હટાવી લેવામાં આવ્યો છે અને જો કોઈ સ્ત્રી કાર ચલાવતી જોવામાં આવતી તો તેને સખ્ત દંડ પણ કરવામા આવતો.

ટ્રાફિક નિયમોનું પાલન કરાવવામાં આ દેશ ખુબ જ સખ્ત છે. અહીં તમે એક હદ કરતાં જુનું વાહન ચલાવી નથી શકતાં એક સમય બાદ તમારું વાહન તમારે જતું કરવું પડે છે.

તાઈવાન

તાઈવાનની ગણતરી દુનિયાના નાના દેશોમાં થાય છે. પણ અહીંના ડ્રાઇવિંગ રુલ્સ કોઈ મોટા દેશો જેવા જ સખત છે. અહીં તમને ડ્રાઇવીંગના રૂલ્સ તોડવા બદલ 400000 લાખ સુધીનો પણ દંડ થઈ શકે છે. તાઈવાન ચીનમાંથી છુટ્ટો પડેલો નાનકડો દેશ છે.

ભુટાન

ભુટાનને દુનિયાનો સૌથી સુખી દેશ ગણવામાં આવે છે. અહીંના લોકો દેશ દ્વારા જાહેર કરવામાં આવેલા દરેક નિયમોનું સમ્માનપુર્વક પાલન કરે છે. અહીંની સામાજીક વ્યવસ્થા ભારત કરતાં ક્યાંય વધારે આગળ છે અને ટ્રાફિક રુલ્સના પાલનમાં પણ ભારત કરતાં ત્યાંના નાગરિકો વધારે જાગૃત છે. માટે અહીંના નાગરિકો પર સરકારે કોઈ પણ જાતની બળજબરી કરવી પડતી નથી.

દુનિયાભરમાં ટ્રાફિક રુલ્સને લઈને વિવિધ નિયમો ઘડવામાં આવ્યા છે. સ્વિત્ઝરલેન્ડ કે જેને દુનિયાનું સ્વર્ગ માનવામાં આવે છે ત્યાં તો તમારા પર તમારી ગાડીનું બારણું જોરથી બંધ કરવા પર પણ પ્રતિબંધ છે. તો વળી યુએસએના એક રાજ્ય એરિઝોનામા તમે તમારી ગાડી રિવર્સમાં એટલે કે પાછી નથી હાંકી શકતા. તો વળી ઓસ્ટ્રેલિયામાં તમે તમારી ગાડીના ટ્રેલરમાં ઘાંસ પણ ન લઈ જઈ શકો. કેનેડાના એક વિસ્તારમાં તમારી ગાડીની સ્પીડ ઘોડાગાડી કરતાં વધારે ન હોવી જોઈએ તેનો પણ નિયમ છે ! થયુંને આશ્ચર્ય !

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ