કરોડોની નોકરી છોડી ડેરી ઉદ્યોગની સ્થાપના કરી, ગામના વિકાસમાં છે મહત્વનો ફાળો…

આજે માણસની જરૂરિયાત એટલી વધી ગઈ છે કે તેણે આર્થિક ઉપાર્જન માટે પોતાનું વતન છોડવું પડે છે અરે વતન શું તેણે પોતાનો દેશ છોડી વિદેશ જઈને નોકરીઓ કરવી પડે છે કે જેથી કરીને તે એક વ્યવસ્થિત પરિપૂર્ણ જીવન જીવી શકે. આજે લોકોએ ગામડાથી શહેર અને શહેરથી મેટ્રો શહેર અને મેટ્રો શહેરથી વિદેશ તરફ દોટ મુકી છે.


પણ કેટલાક એવા લોકો છે કે જે પોતાના દેશના ઉદ્ધાર માટે અથવા પોતાના વતનમાં રહેવાની લાલચે વિદેશ છોડી ફરી ભારત વસી રહ્યા છે. અને તેમાં કેટલાક એવા લોકો પણ છે જેઓ મેટ્રો શહેર જેવા વિશાળ શહેર છોડી પોતાના ગામ પાછા ફરી ગામના ઉદ્ધારના ઉદ્દેશથી ત્યાં ફરી વસી રહ્યા છે. તેઓ ત્યાં રહીને પોતાનું બુદ્ધિચાતુર્ય વાપરીને પોતાના ગામનો ઉદ્ધાર કરીને ગામના યુવાનોએ નોકરીઓ માટે શહેર ન જવું પડે તે માટે ગામમાં જ રોજગાર ઉભો કરી ગામને જ આત્મનિર્ભર કરવામાં લાગી ગયા છે.


આપણી આજની પોસ્ટ એવા જ એક સદ્પુરુષની છે જેમણે પોતાની કરોડોની નોકરી છોડીને પોતાના ગામ પાછા આવી ગામના ઉદ્ધાર માટે ગામમાં જ ઉદ્યોગની શરૂઆત કરી છે. તેમણે પોતાની શહેરી આધુનિક લાઇફસ્ટાઇલ છોડી પોતાના વતનના ઉદ્ધારનું બીડું ઝડપ્યું છે. તેમણે દિલ્લી આઆઈટીમાંથી બાયોકેમિકલ એન્જિનિયરિંગ તેમજ કોલકાતા આઈઆઈએમ જેવી દેશની સર્વશ્રેષ્ઠ સંસ્થામાં અભ્યાસ પૂર્ણ કર્યો છે અને ત્યાર બાદ એક અતિ સફળ તેમજ પ્રતિષ્ઠિક કારકીર્દી પણ ઘડી છે. તેઓ યશ બેન્કના વાઇસ પ્રેસિડેન્ટ પણ રહી ચૂક્યા છે અને આ પ્રતિષ્ઠાનો ત્યાગ કરી તેઓ પોતાના ગામના ખેડૂતોના ઉદ્ધારમાં લાગી ગયા છે.


તેમનું નામ છે વિજ્ઞાન ગડોડિયા, તેમને નાનપણથી જ ખેતીવાડી તેમજ ગૌપાલનમાં રસ રહ્યો છે. પણ આઈઆઈટીમાં તેઓ જ્યારે બાયોકેમિકલનો અભ્યાસ કરતા હતા ત્યારે તેમને જાણવા મળ્યું કે માત્ર ગાયના દૂધમાં જ અઢળક પોશક મૂલ્યો છે કે તેના થકી પણ દેશમાં જે કુપોષણની ફરિયાદ છે તે દૂર કરી શકાય છે. અને માત્ર તેટલું જ નહીં પણ ગૌપાલનને પ્રોત્સાહન આપીને ગામડાઓની અર્થવ્વસ્થામાં પણ ધરખમ સુધારો લાવી શકાય છે.

વિજ્ઞાન ગાડોડિયા વર્ષ 2006થી એક ફુલટાઇમ રુરલ આન્તરપ્રિન્યોર છે. શરૂઆતથી જ વિજ્ઞાન ગ્રામિણ ધંધાકીય મોડેલ્સને ગ્રાસ રૂટ લેવલ પર પ્રોત્સાહિત કરી રહ્યા છે જેમાં ઓર્ગેનિક ફાર્મિંગથી માંડીને પ્રાથમિક શીક્ષણનો સમાવેશ થાય છે. તેમનું મુખ્ય લક્ષ્ય ખેતી તેમજ ડેરી ફાર્મિંગમાં સુધારો લાવીને ગામડાના ખેડૂતોની આવકમાં માં સુધારો કરવાનો છે. આ ઉપરાંત તેઓ ‘ક્લિન મિલ્ક સિસ્ટમ’ના એપ્રોચ સાથે ભારત તેમજ વિશ્વમાં સૌથી શુદ્ધ દૂધનું ઉત્પાદન કરવાનું લક્ષ ધરાવે છે.


વર્ષ 2006માં વિજ્ઞાન ગડોડિયાએ પોતાની નોકરીને વિદાય આપી અને ઓર્ગેનિક ખાતર, ગ્રામીણ બીપીઓ જેવા વ્યવસાયમાં જંપ લાવ્યું. જો કે તેમની ઇચ્છા તો હંમેશા ગૌપાલનની જ રહી હતી. અને છેવટે પોતાના આ જ સ્વપ્નને સાકાર કરવા માટે તેમણે વર્ષ 2012માં જયપુરથી થોડે દૂર લિસારિયા ગામમાં પોણા બે હેક્ટર જમીન લઈ તેમાં ગૌપાલનનો વ્યવસાય શરૂ કર્યો જેમાં તેમણે ‘ક્લિન મિલ્ક સિસ્ટમ’નો આગ્રહ રાખ્યો છે અને તેમનું લક્ષ માત્ર દેશનું જ નહીં પણ વિશ્વનું સૌથી શુદ્ધ ગૌ દૂધ ઉત્પાદનનું છે. આ ડેરી ફાર્મનું નામ રાખવામાં આવ્યું સહજ ડેરી. થોડાંક જ વર્ષોમાં વિજ્ઞાનના ડેરી ફાર્મમાં ડોઢસો કરતા પણ વધારે ગાયોને પાળવામાં આવી રહી છે. આજે આ ડેરીમાં 50 ગાયો છે અને તે રોજ 500 લીટર દૂધ આપે છે.


આ ઉપરાંત વિજ્ઞાન આસપાસના ગામડાઓના ગૌ પાલકો પાસેથી પણ દૂધ ખરીદી લે છે. અને તે માટે તેમણે એક મિલ્ક કલેક્શન સેન્ટર પણ ખોલ્યું છે. સહજ ડેરી દ્વારા હવે માત્ર દૂધ જ વેચવામાં નથી આવી રહ્યું પણ દૂધના અન્ય ઉત્પાદનો જેમ કે, છાશષ માખણ, ઘી, દહીં આઇસ્ક્રીમનું પણ ઉત્પાદન થવા લાગ્યું છે.

આ ઉપરાંત તેઓ ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને પણ આર્થિક રીતે સધ્ધર બનાવવાનું લક્ષ ધરાવે છે. તેઓ ઇચ્છે છે કે ખેડૂતો તેમના પરંપરાગત વ્યવસાયમાં જ મજબૂત બને. એક નામાંકિત બેંકના વાઇસ પ્રેસિડેન્ટ હોવાથી તેઓ એ સારી રીતે જાણે છે અને માને છે કે માઇક્રો ફાયનાન્સથી ખેડૂતોનો ઉદ્ધાર નહીં થાય પણ ગામડાઓની આર્થિક સ્થિતિ સુધારવા માટે ખેડૂતોએ તેમના પોતાના પરંપરાગત વ્યવસાયમાં મજબૂત થવું પડશે.

તેમના ડેરી ઉદ્યોગની સફળતા જોઈની આસપાસના ગામના લોકો પણ જે પોતે પોતાના ઘરે ગાય નહોતા રાખતા તેઓ પણ હવે ગાય પાળવ લાગ્યા છે. ખેડૂતો પોતાની ભેંસો વેચી ગાયો પાળવા લાગ્યા છે. તેમનું એવું માનવું છે કે ગૌ પાલનમાં ખર્ચો ઓછો અને આવક વધારે હોય છે. સહજ ડેરીની સફળતા તેમજ તેનું વખાણવા યોગ્ય કામ જોઈ રાજસ્થાન સરકારે પણ સહજ ડેરી સાથે એક એમઓયુ સાઇન કર્યું છે જેમાં ગામડાના ખેડૂતોને ત્યાં ગૌ પાલન માટે ટ્રેઇનિંગ માટે મોકલવામાં આવે છે.