સરકારી કર્મચારીઓ પર આવી તવાઈ ! નોકરીના કલાકો દરમાયન સ્માર્ટ વૉચ દ્વારા રાખવામાં આવશે નજર !

સરકારી કર્મચારીઓને ઘડિયાળ પહેરાવી રાખવામાં આવશે કંટ્રોલ રૂમ પરથી નજર ! નોકરીના કલાકોમાં બહાર નહીં ફરકી શકે.

આજે પણ પહેલાંની જેમ જ યુવાનો સરકારી નોકરી પાછળ પાગલ છે. આજે પણ યુવાનો તેમજ માતાપિતાઓમાં સરકારી નોકરીઓનું તેટલું જ આકર્ષણ છે. કારણ કે સરકારી નોકરી તમને એક જાતની સુરક્ષા આપે છે અને તે એ છે કે તમને આજીવન આ નોકરી મળી ગઈ છે. આ ઉપરાંત સરકારી ભથ્થા, નિયમિત રજાઓ, મર્યાદીત કામના કલાકો એ બધા ફાયદાઓ તો ખરાજ. તેમજ સરકારી નોકરીમાં કોઈ ટારગેટ પણ નથી હોતું. જ્યારે ખાનગી નોકરીની સ્થિતિ આ ફાયદાઓ કરતાં તદ્દન વિપરિત છે.

પણ ઘણીવાર એવું પણ જાણવા મળતું હોય છે કે કેટલાક સરકારી કર્મચારીઓ પોતાની નોકરી યોગ્ય રીતે નિભાવતા નથી હોતા. અને માટે જ ગુજરાત સરકારે પણ તાજેતરમાં રાજ્યના બધા જ સરકારી શિક્ષકોને તેમની વાસ્તવિક હાજરીની સાબિતી માટે પોતાની શાળામાં વિદ્યાર્થીઓ સાથે એક સેલ્ફી રોજ મોકલવાની ફરજ પાડવામાં આવી. અને તેના કારણે જ રાજ્ય સરકારને જાણવા મળ્યું કે ચોપડે નોકરી કરતાં અગણિત શિક્ષકો વાસ્તવમાં શાળાએ આવતા જ નથી અને તે શાળાએ તો શું પણ ભારત દેશમાં પણ નથી તેઓ તો વિદેશમાં મજા કરી રહ્યા હોય છે અને તે પણ ચાલુ પગારે !

જો આવું ને આવું ચાલતું જ રહેશે તો દેશ તો ખાડે જવાનો જ અને માટે જ ચંડીગઢમાં સરકારે પોતાના કર્મચારીઓ માટે તેમના કામકાજના કલાકો દરમિયાન તેમના પર નજર રાખવાનું નક્કી કર્યું છે. અને તેના માટે તેમણે એક સ્માર્ટ વોચનો ઉપયોગ કર્યો છે. ચંડીગઢનું નગર નિગમ પોતાના કર્મચારીઓ તેમજ અધિકારીઓને સ્માર્ટ વોચ પહેરાવશે. આ સ્માર્ટ વોચ ડ્યુટી દરમિયાન કર્મચારીના લોકેશન પર એકધારી નજર રાખશે તેમજ તેઓ કેટલીવાર સુધી ડ્યૂટી પર રહ્યા તેમ જ ક્યારે ક્યારે ગેરહાજર રહ્યા તેવી તમામ જાણકારી કંટ્રોલ રૂમને પહોંચાડતી કરશે.

કેટલીક સરકારી સંસ્થાઓમાં કર્મચારીઓ કાર્યાલય પર હાજર તો થઈ જાય છે પણ પછી હાજરી નોંધાવીને ગાયબ પણ થઈ જતા હોય છે અને તેમની આ જ અપ્રામાણિક આદત પર અંકુશ મુકવા માટે ચંડીગઢ સરકારે આ પગલું ભરવાનું નક્કી કર્યું છે.

ફોટો સોર્સ

જો કે આ એક મોંઘેરું પગલું છે કારણ કે આ સ્માર્ટ વોચની કીંમત અઢાર હજાર રૂપિયા છે. જો કે હાલ તો નગર નિગમ તેને ભાડેથી લેશે.

જીપીએસ દ્વારા કર્મચારીઓ પર નજર રાખવામાં આવશે

ચંડીગઢ નગર નિગમના કમિશ્નર કે કે યાદવે જણાવ્યું હતું કે નગર નિગમમાં લગભગ 6000 કર્મચારીઓ તેમજ અધિકારીઓ છે. શરૂઆતમાં નગર નિગમ 4000 સ્માર્ટ વોચ ભાડેથી લેશે અને મોટા ભાગના ફીલ્ડમાં કામ કરનારા કર્મચારીઓ તેમજ અધિકારીઓએ આ સ્માર્ટ વોચ પહેરીને ડ્યુટી પર આવવાનું રહેશે. આ સ્માર્ટફોન જીપીએસ વાળી હશે. જે કર્મચારીનું લોકેશન કંટ્રોલ રૂમને મોકલતી રહેશે અને સાથે સાથે દિવસમાં બે વાર કર્મચારીના ફોટો પાડીને પણ મોકલશે.

કર્મચારીની કોઈ પણ જાતની ચાલાકી કામ નહીં કરે

ફોટો સોર્સ

હા, આ સ્માર્ટ વોચ જો કર્મચારીના કાંડા પર બાંધવામાં આવશે તો જ ચાલશે. જો ચાલાકી કરવા માટે કર્મચારી આ ઘડિયાળને પોતાન હાથ પરથી ઉતારશે તો તેની સૂચના પણ કંટ્રોલ રૂમ સુધી પહોંચી જશે.

વાસ્વમાં નગર નિગમના કમિશ્નરના જણાવ્યા પ્રમાણે કાર્યાલયમાં કર્મચારીની સતત ગેરહાજરીના કારણે તેની કામ પર ઉંડી અસર પડે છે અને આ કાર્યાલયના મોટા ભાગના કામ લોકો સાથે જોડાયેલા હોવાથી કામ ન થતાં સીધી પ્રજા જ પરેશાન થાય છે. અને તેમને આશા છે કે આ પગલાંથી કાર્યાલયના કામની ગતિમાં ચોક્કસ ફરક પડશે.

ફોટો સોર્સ

આ અગાઉ આ પ્રયોગ નવી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ કરવામાં આવ્યો છે. આજ વર્ષના માર્ચ મહિનામાં એનએમએમસી દ્વારા બેલાપુર ખાતેના હેડ ક્વાર્ટના 1000 કર્મચારીઓને આ સ્માર્ટવોચ આપવામાં આવી છે. હાલ આ એક પાયલટ પ્રોજેક્ટ છે. તેમનો આ પ્રોજેક્ટ તેમને 11.51 કરોડમાં પડશે.

અહીં તેમણે ઓફિસે નિયત સમયે પહોંચીને ડ્યુટી પર રિપોર્ટીંગ કર્યા બાદ તેને પહેરવાની હોય છે અને કામના કલાકો પુરા થયા બાદ જ તેઓ આ ઘડિયાળ ઉતારી શકે છે. જો ઘડિયાળ કાઢવામાં આવે અથવા કોઈ બીજાને પહેરાવવામાં આવશે તો તરત જ સિસ્ટમમાં તેની નોંધ લેવાશે. તો ચાલો જોઈએ કે સરકારનો આ પ્રયાસ કેટલા અંશે સફળ રહે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ