કારેલાની સુકવણી – આખું વર્ષ કારેલા ખાઈને રાખો સ્વાસ્થ્યને સારું, કેવીરીતે બનાવશો…

ઉનાળામાં આપણે જાત જાતની સૂકવણી અને કાંચરી બનાવતા હોઈએ છીએ.જેમકે ગુવાર,કોઠિંબા,ગુંદા,મરચા વગેરે.

મિત્રો આજ હુ તમને એક મસ્ત સ્વાદિષ્ટ સૂકવણી જેને અમે કાંચરી કહીએ છીએ.એની રીત બતાવું છું .આ કાંચરી કારેલા મા થી બને છે.કારેલાનુ નામ સાંભળતા જ મોટા ભાગના લોકો અને એમા પણ ખાસ કરીને બાળકોનુ મોં બગડે.ડાયાબિટીક લોકો માટે કારેલા ખૂબજ લાભદાયી છે.પણ એની કડવાશ ના કારણે લોકો એને પસંદ નથી કરતા.પણ આ કાંચરી સ્વાદ મા ઉત્તમ બને છે.નાના મોટા બધાને જરુર પસંદ આવશે.કેમકે આની કડવાશ બિલકુલ નીકળી જશે.પણ ગુણો બધા એમ જ રહેશે.તો ચાલો તમે પણ બનાવવા માટે શીખી લો.

સામગ્રી- કારેલા એક કિલો

બે ત્રણ દિવસ જુની એકદમ ખાટી અને પાતળી છાશ કારેલા ડૂબે એટલી

હળદર એક ચમચી

નમક લગભગ 50 થી 75 ગ્રામ

રીત-


1) કારેલાને ગોળ કાતરી ની જેમ એકદમ પાતળા સમારી લેવા


2) ખાટી છાશમાં હળદર મીઠુ અને કારેલાની કાતરીને નાખીને આખી રાત પલાળી દેવા.


3)સવારે છાશ કાઢીને એકદમ નિતારી લેવા.


4) ત્યાર બાદ તડકા મા લગભગ બે થી ત્રણ દિવસ સૂકવી લેવા.જરુર પડે તો એકાદ દિવસ વધુ રાખવી.


5) એકદમ કડક થઈ જાય એટલે બરણીમા ભરી લો.આ કાતરી આખુ વરસ રહે છે.બસ તળીને ખાવાના ઉપયોગ મા લો. આને એકદમ ધીમા તાપે તળવી પડે નહિતર કાળી થઈ જાય.ખૂબ જ સ્વાદિષ્ટ કાંચરી તૈયાર.


જે લોકોને કારેલાની કડવાશ ના કારણે શાક ન ભાવતું હોય એમણે આ ચોક્કસ બનાવીને ટ્રાય કરવુ.કેમકે આ બિલકુલ કડવી નથી હોતી…..કારેલાના ગુણો પણ મેળવી શકશો…મારા પરિવારમા આ કાંચરી બધાની ખૂબજ ફેવરિટ છે. તામિલ લોકો આને દહી ભાત ની સાથે ખાય છે.આપણે આને દાળ ભાત, કઢી ખીચડી અથવા બાજરાના રોટલા,રીંગણાના ઓળા સાથે અથવા રોજના જમણમાં પણ ખાઈ શકાય છે. સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી એવા કારેલા જેને કડવાશના કારણે લોકો ખાવાનું ટાળતા હોય છે એને એકદમ મજેદાર બનાવીને હવે તમો પણ તમારા પરિવારના સદસ્યોને એના લાભકારક ગુણો આપી શકશો.


નોંધ– બનાવતી વખતે ધ્યાનમા રાખવાની બાબતો..

1) છાશ એકદમ ખાટી જ લેવી.

2) કારેલાની કાતરી એકદમ પાતળી સમારવી.જાડી હશે તો ક્રિસ્પી નહી બને.

..નેકસ્ટ ટાઈમ બીજી ઈન્ટરેસ્ટિંગ સૂકવણી સાથે હાજર થઈશ..

રસોઈની રાણી : અલ્કા જોષી (મુંબઈ)