કારસો – શું એક મધ્યમવર્ગીય યુવાનને પ્રેમ કરવાનો અધિકાર નથી? વાંચો એક અનોખી પ્રેમ કહાની…

‘સટ્ટાક..’ શગૂન નાં ગુલાબી કોમળ ગાલ ઉપર રસિકભાઇનો ડાબો હાથ પડી ગયો. નાજુક શગૂનનાં કાનમાં તમરા બોલી ગયા અને આંખો સામે લાલ-પીળા ધબ્બા! ‘તુ? તું એ રાસ્કલની સાથે હતી?’ રસિકભાઇનો ત્રાડ જેવો અવાજ સંભળાયો : “મને વિશ્વાસ નથી આવતો કે મારી દીકરી એ લબાડ સાથે હોય શકે? અરે, જરાક વિચાર તો કર કે ક્યાં તારું ખાનદાન અને ક્યાં એના ગોબરમાં ખદબદતા કીડા જેવું કલ્ચર? ક્યાં તારા સંસ્કાર અને ક્યાં એ હલકટ કયાં તારુ ભણતર અને ક્યાં એ અંગુઠા છાપ અડબંગ, કયાં તારુ સ્ટેટ્સ અને ક્યાં એનું સ્ટેન્ડ? તને શરમ આવવી જોઇએ શરમ.” “પણ પપ્પા… હું વિક્કીને પ્રેમ કરુ છું. તેના વિના હું રહી શકુ એમ નથી. હું મરી જઇશ પણ તેને છોડીશ નહી.” “તુ એને છોડે કે ન છોડે, પણ એને તારાથી છોડાવવા માટે મારી પાસે એક હજાર રસ્તા છે સમજી? સીધી આંગળીએ ઘી નહી નીકળે તો આંગળી વાંકી કરતા પણ મને આવડે છે. તું હજી રસિક હીરજી વાછાણીને નથી ઓળખતી વર્ષો પહેલા તારી ફઇ અને મારી લાડકી કુંવારી બહેન નીરૂપમાએ… આવી જ એક ભૂલ કરી હતી.
ગામનાં લબાડ રણજીતને એ “દિલ” દઇ બેઠી હતી અને મને ખબર પડી હતી. પછી રણજીતનું શું થયું? એ ક્યાં ગયો કોઇને હજી સુધી ખબર નથી. રણજીત હજી લાપતા જ છે” રસિક વાછાણીએ ફાગી આંખ કરીને દીકરી સામે તાક મારતા કહ્યું : હું શું કહી રહ્યો છું એ તું ન સમજી શકે એટલી નાની તો નથી જ. સમજી? અને ફરી પાછો તેમનો અવાજ ઊંચો થયો : ચપટી વગાડીને કહ્યું “ આજ પછી તું કયારેય પણ વિક્કીને મળવા ગઇ છો અથવા તો એણે પણ કદિ તને મળવાની કોશિષ પણ કરી છે, તો એટલું યાદ રાખજો કે તમારી જીંદગીની ડીક્ષનરી માંથી શરીર નામનો પદાર્થ પંચ મહાભૂતમાં ભળી જશે..અને આ શબ્દ રસિક હીરજી વાછાણીનાં છે.”
શગૂન ધ્રુજી ગઇ આંખમાં પાણી આવી ગયા. રસિક વાછાણી દીકરીને ત્યાં જ છોડી દઇને પોતાનાં રૂમમાં જવા નીકળી ગયા અને બરાબર એના ગયા પછીની પાંચમી સેકન્ડે શગુનનો ફોન વાઇબ્રેટ થવા લાગ્યો. કોઇની રીંગ આવી રહી હતી. બારણું અડતું કરીને શૂગને પર્સ માંથી ફોન કાઢ્યો તો સ્ક્રીન સેવર ઉપર “જાનમ” લખેલું હાઇલાઇટસ થતું હતું. શગૂને ફોન ન ઉપાડ્યો. સામેથી આઠ રીંગ આવી. અંતે શગૂને ફોનની સ્વીચ્ડ ઓન કરી કે સામેથી વીકીનો અવાજ સંભળાયો : “શગૂન, હુ કયારનોય ફોન કરુ છું પણ તું ઉપાડતી નથી યાર? મને અહીં દિલમાં થડકાં ચાલુ થયા છે કે તું કૈંક સીરીયસ પ્રોબ્લેમમાં છે. શું તકલીફ તો નથી ને? થયું કે, તુ રસ્તામાં હોઇશ અને તારું એકટિવા બગડ્યુ હશે? તને કોઇ કમબખ્તે એ છેડતી કરી હશે? કે આ કાળઝાળ તડકામાં તને ચક્કર આવી ગયા હશે! પણ યાર… તુ મારાથી છુટી પડ્યા પછી મને કોઇ મજા ન આવી એટલે તને ફોન- જવાબમાં શગૂનથી ડૂસકુ મૂકાઇ ગયું. બીજા દિવસે શગૂન વીક્કીનાં “વીક્કી મોટર ગેરેજ” ની લીંબડા હેઠે કરેલી ઘાસપૂળા કંતાનની બનેલી “ ઓફિસ” ,માં વીક્કીનાં ચાર ચાર મિકેનિક આસિસ્ટન્ટની હાજરીમાં ગઇકાલે બનેલી આપવીતી કહી રહી હતી અને ચારે ચાર મિકેનિક “ભાભી… ભાભી.. પ્લીઝ રડો નહી”
વીક્કીભાઇ બધું જ ઠીક કરી દેશે “ડોન્ટવરી ભાભી છાના રહી જાવ” ભાભી કરતા અનુક્ર્મે પાણી, રૂમાલ, ઠંડા પાણીની બોટલ અને શગૂનને બેસવા માટે ખુરશી લઇને ઊભા હતા. વીક્કીએ તમામ હકિકત સાંભળ્યા પછી બે ઓપ્શન રજુ કરતા કહ્યું. ઓપ્શન એ મુજબ પેહલો પ્રશ્ન એ પૂછ્યો કે તું મને રીયલ પ્રેમ કરે છે? ઓપ્શન બી એ કે તું મારી સાથે લગ્ન કરશે?” જવાબમાં શગૂને ઓપ્શન-એનો જવાબ આપતા કહ્યું : કે હું દુનિયામાં માત્ર તને જ પ્રેમ કરી શકુ. ઓપ્શન બી માં કંડિશન મૂકી કે મારા પપ્પા રાજીખુશીથી સંમતિ આપે તો હું લગ્ન કરી શકુ પણ એ સંમતિ ત્યારે જ આપે કે એમની નજરમાં તું એક “સોબરમેન” બની શકે જાય..અત્યારે તો એ તને લબાડ, જુટ્ઠો, રાસ્કલ, વંઠેલ અને હલકટ માને છે”
“ડોન્ટવરી” એ બાબતની ચિંતા ન કર. તારા પપ્પાનું બ્રેઇન વોશ કરી શકે એવા સાયલન્ટ ધોબી મારી પાસે છે. તારા પપ્પા રાજીખુશીથી માની જશે એની ગેરંટી.” “પણ આપણી પ્રેમ કહાનીમાં બ્રેક આવી ગઇ એનું શું?” “બ્રેક તૂટી જશે “ “ધોબો ઉપડી જશે” વીક્કીએ આશ્વાસન આપતા કહ્યું : “એવી નાહકની ચિંતા ના કરતી. બધુ ઓ.કે થઇ જશે અને આપણે પતિપત્ની બની જશું…” આ વાતને આશરે પંદરેક દિવસ વીતી ગયા. હવે બધુ શાંત થઇ ગયું હતું રસિક વાછાણીનાં ડિટેકિટવો રોજેરોજની “નીલ” માહિતી આપતા હતા. રસિક વાછાણીને થોડું આશ્વર્ય તો થયું કે વીક્કી આમ સાવ ડાહ્યોડમરો બની જશે એવું તો ધાર્યુ જ નહોતું. એક દિવસ એ એમની કાર લઇને વાતનો તાગ મેળવવા ખૂદ “વિકકી મોટર ગેરેજ” માં ગયા. વિકકી અને તેનાં મિકેનિકે એલર્ટ થઇ ગયા. પણ ગાડી સર્વિસમાં આવી હતી અને રસિક વાછાણી એક કસ્ટમર તરીકે આવ્યા હતા. સાંજે ગાડી ઓ.કે થઇ ગઇ નાના નાના ટાબક ટૂબક રીપેરીંગ અને સર્વિસનું થઇને માત્ર બારસો બોતેરનું બીલ રસિક વાછાણીનાં હાથમાં આવ્યું.
રસિક વાછાણી એ કહ્યુ : “તમારો ચાર્જ ખૂબ જ ઓછો બહુ સસ્તુ કહેવાય” “હા સાહેબ.. જેટલી મહેનત એટલા પૈસા લેવાના વધારે નહી અને તોય ઉપરવાળાની દયા છે કે મહિને દોઢેક લાખની કમાણી આપી રહે છે” બાકી વધેલા અઠાયાવીસ રૂપિયા પાછા આપતા બોલ્યા : “નીતિથી રહેવું, નીતિથી ખાવું. લોકોની નજરમાં ભલે ગેરેજવાળો છું પણ સ્વમાનથી જીંદગી જીવું છું” “લગ્ન કર્યા કે નહીં…?” ના સાહેબ લગ્ન નથી કર્યા. એણે ખોટે ખોટી નજર ઝૂકાવીને કહ્યું : “એક છોકરીને ચાહતો હતો પણ છોકરીએ કહ્યું કે એને મન હું કંચન છું પણ એનાં બાપ મન તો હું કથીર છું. પણ અંદરની વાત તો ક્યાં કોઇ જાણે છે? મારે પ્રુફ કરવું પણ નથી. કેમ કે, કંચન અને કથીરનો ભેદ એક દિવસ તો સ્પષ્ટ થઇ જવાનો જ..” રસિક વાછાણી તેને જોઇ રહ્યા અને નીકળી ગયા અને તેના ગયા પછી વિક્કીએ મુટ્ઠીઓ હવામાં ઉછાળી “ પેલો કોઠો તો જીતી ગયો” અઠવાડીયા પછી એક દિવસ શગૂનનો ફોન આવ્યો : “વિક્કી, હવે દસ દિવસ ફોન્સ કોલ્સ બધુ જ બંધ”
“અરે વ્હાય? તારી સાથે વાત કર્યા વગર હું જીવી જ નહી શકુ..નહી..નહી.. આ શર્ત મને મંજુર નથી” “અરે પણ મારી વાત તો સાંભળ. અમે કાલે ટેક્ષી કરીને બોમ્બે જવા નીકળીએ છીએ મારી સાથે મારી મમ્મી અને પપ્પા છે.” ભૂલેચૂકેય તારો ફોન આવે તો…અર્થનો અનર્થ થઇ જાય. એક તો તારું નામ માંડ ભૂલ્યા છે…પણ હા, એવી ખબર પડી કે મારા પપ્પા તારા ગેરેજે ગાડી રીપેરીંગ કરાવવા આવ્યા હતા” “હા, આવ્યા હતા અને તારી ગાડી રીપેર કરી દીધી પણ છે. મેજર રીપેરીંગ નહોતું થોડા ઘોબા ઉપાડવાના હતા, ઉપાડી દીધા” “પણ તે બીલ બહુ ઓછુ લીધું એવી ખબર પડી મારા ભાઇને મારા પપ્પા ફોનમાં કહેતા હતા” “હા..જાનુ. સસરાજી પાસેથી વધારે રકમતો ન જ લેવાયને? ગમે તેમ તોય “મારા ભાવિ સસરા છે” “લુચ્ચો. ઠીક લે ચલ, ફોન મૂકુ..” પણ હા, મે કીધું તેનું ધ્યાન રાખજે” “ ઓ.કે બાય બાય ટાટા..”
ટેક્સી મુંબઇ તરફ નીકળી ચૂકી હતી.આગળની સીટમાં રસિક વાછાણી બેઠા હતા ડ્રાયવર કાર ચલાવતો હતો. પાછળ મિસીસ લીના વાછાણી અને તેઓની લાડકી દીકરી શગૂન વાછાણી બેઠી હતી પણ સીટીની બહાર હાઇવે ઉપર ચડ્યા અને અચાનક એકસો વીસની ઝડપે જતી કાર સામેથી આવતા ખટારાની ગતિથી અવરોધાઇ ડ્રાયવરે જોરદાર બ્રેક મારી પણ છતાંય સામેથી આવતા ખટારાની ટક્કર લાગી તો ગઇ જ. ગાડી ખાળિયામાં ઉતરીને ખાંગી થઇ ગઇ ઘડીકની વારમાં હોહો મચી ગઇ. ખટારાવાળો તો ઊભો જ ના રહ્યો. અચાનક લાગેલી ટક્કરથી રસિક વાછાણીનું માથુ કારના પતરા સાથે અથડાયું. પાછળ બેઠેલા મા દીકરી બન્ને ઉછળ્યા પણ ડ્રાયવરે ખૂબ જ સતર્કતા રાખીને કારને જાળવી લીધી.
પોણા કલાક પછી રસિક વાછાણી, લીના વાછાણી, શગૂન વાછાણી અને ડ્રાયવર શહેરની હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યાં હતા. આમ ખાસ કોઇને વાગ્યુ નહોતું પણ માનસિક ગભરાહટને કારણે અસ્વસ્થ હતા. જોકે રસિક વાછાણી દસેક મિનિટ બે ભાન જેવું રહ્યા હતા. એમણે આંખો ખોલી તો સામે ડોકટર સ્ટેથોસ્કોપ લઇને ઊભા હતા. વાછાણી ઊભા થઇ ગયા. “હું કયાં છું? મને શું થયું છે? હું અહી કઇ રીતે આવ્યો?” “તમે બીલકુલ ઓ.કે છો જેન્ટલમેન” ડોકટરે હસતા હસતા કહ્યું “તમે જ નહી પણ તમારા પત્ની, તમારી દીકરી અને ડ્રાયવર બધા જ સેઇફ છો અને તમે સીટીની જ ડો.ચૌહાણની હોસ્પિટલમાં છો” “પણ અમારે મુંબઇ..” “હા…હા.. ડોન્ટવરી. તમે મુંબઇ જઇ શકશો જ. ગાડી પણ તૈયાર છે.” ત્યાં જ શગૂન અને લીના ગભરાટભરી સ્થિતીમાં ત્યાં આવી પહોંચ્યા થોડીવારે ડ્રાયવર પણ આવ્યો. “અરે.. આપણે બધા અહીં કેવી રીતે? મને…ખ્યાલ જ નથી.. પ્લીઝ..મને કહો”
એક સેવાભાવી માણસ “ ડો. ચૌહાણે સામે આંગળી ચીંધીને બતાવતા કહ્યું : તેઓ તેમને અહીં લઇ આવ્યા છે.” ડોકટરે આંગળી ચીંધી કે એ વ્યકિત ત્યાં આવીને ઊભી રહી ગઇ અને તેને જોઇને વાછાણીની આંખો ફાટી રહી. ડોકટરે તે વ્યકિતનો વિશેષ પરિચય કરાવતા કહ્યું : “એ છે મિસ્ટર વિક્કી રાઠોડ..” હી ઇઝ જેન્ટલમેન એના ઘરેથી પચાસ ટીફીન સરકારી દવાખાનામાં દર્દીઓ માટે જાય છે. મેડીકલમાં એમનું ખાતુ છે ત્યાંથી ગરીબ દર્દીને મફત દવા મળે છે. એકિસડન્ટનાં કેસ હોય તો એમની પ્રાઇવેટ એમ્બ્યુલન્સ તરત જ દર્દીને દવાખાના ભેગા કરે છે પણ એ બધું લોપ્રોફાઇલ કરે છે. જાહેરમાં આવતા નથી. અઠવાડીયા પછી ખૂદ રસિક વાછાણી વીક્કી મોટર ગેરેજમાં આવ્યા.વીકીની પીઠ થાબડીને કહે : “વીક્કી, સોરી. હું તને ગેરેજનો થર્ડ કલાસ મીકેનિક માનતો હતો પણ તું તો માણસાઇનો મસીહો નીકળ્યો. હું તને કથીર માનતો હતો પણ તું તો કંચન નીકળ્યો. હું તને મૂફલીસ માનતો હતો પણ તું મરદ નીકળ્યો.
હવે બીજી વાત સ્પષ્ટ કરું તો તું જે છોકરીને પ્રેમ કરતો હતો એજ છોકરીનો હું બાપ છું અને એકિસડન્ટ પછી તને એની ખબર પડી ય ગઇ છે અને હવે મારી દીકરી શગૂનની સગાઇનું માગુ લઇને આવ્યો છું. મારા ખાનદાનમાં એક પરંપરા ચાલી આવે છે છે કે અમારી ફેમિલીનાં કોઇપણ સભ્યને કદિ “ચીપ” વસ્તુ પસંદ નથી કરી પણ હંમેશા ક્રીમ ચીજ જ ઉઠાવી છે. “આજે એ અભિમાનમાં બેવડો વધારો થયો કે મારી શગૂને જોઇ વિચારીને મેળવવા માટે હું જાતને ગૌરવશાળી માનું છું” અને જવાબમાં વીકે, રસિક વાછાણીને પગે પડી ગયો. સગાઇવિધિ પતી ગયા પછી ટેક્ષીનો ડ્રાયવર અસલમ વીક્કી રાઠોડ સાથે દલીલ કરતો હતો : “અરે પણ પચ્ચીસ હજાર નક્કી કરીને તું પાંચ હજાર જ આપે છે? અરે, તને ખબર છે કે ખટારાની ટક્કરથી હું કેમ બચ્યો છું?! માંડ માંડ કંટ્રોલ રાખ્યો નહિંતએ આખી ગાડીનો ખુરદો બોલી ગયો હોત!!
“એલા, હજી તને તારી ગાડીની જ પડી છે? ગાડી તો તને બીજી ય મળી રહશે પણ લાખેણી લાડી તને ક્યાં મળવાની હતી!! “રહી વાત રીપેરીંગની, તો તારી ગાડી કમ્પલેટ થઇ જશે બસ. હું ગોબા ઉપાડવામાં માસ્ટર છું. હવે લે આ દસ હજાર અને ચાલતી પકડ..” અનવરને કાઢ્યા પછી ડો.ચૌહાણને તેણે કહ્યું: સાહેબ આપણે નાના હતા અને એક થી ચાર ધોરણ સાથે ભણ્યા તે સમયની દોસ્તી આજ પણ નિભાવીને તમે આ મારા પ્રેમયજ્ઞમાં સારો સહયોગ આપ્યો..લો, તેને માટે ફૂલ નહીં પણ ફૂલ અને ફૂલપાંખડી..” અને અત્યાર સુધી વિકી ની જ સી.આઇ.ડી કરતા પેલા બન્ને વાછાણીનાં ડિટેકટિવોને પાંચ-પાંચ હજાર પકડાવતો. વીકકી બોલ્યો : “ચલો જાવ તમે પણ ફૂટો. મેં ઉછીનાં લીધેલા પચાસ હજાર માંથી પચીસ હજાર તો તમને સૌને લ્હાણી કરવામાં જ જતા રહ્યા. હવે બાકીનાં પચીસ હજારતો રહેવા દો યારો ! હજી આમાંથી મારે શગૂન સાથેની શાદીનો ખર્ચો કાઢવાનો છે!!!”

લેખક : યોગેશ પંડ્યા