કન્યાદાન – આટલા વર્ષો દુર હોવા છતાં પણ તેના પિતા લગ્નમાં આવ્યા હતા તો તેને કન્યાદાનનો હક્ક નહિ…

“દિલની વાત બોલ્યા વગર તને સંભળાય
મારી માંગણી કહ્યા વગર તને સમજાય..
મા, તારી એ મમતા કેમ ભુલાય…?? “મમ્મી, હું ઓફિસ જાઉં છુ” સવારે દસ વાગ્યે ઓફિસ જતી 25 વષઁની C.A. થયેલી સપનાએ કહ્યુ. “બેટા, સાંજે વહેલી આવજે.. મામાએ કહ્યુ છે કે આજે તેમના મિત્ર સંજયભાઇ તેના દીકરા સિધ્ધાથઁને લઇને તને જોવા આવવાના છે.” સપનાની મમ્મી દિપ્તીએ કહ્યુ. “મમ્મી મને આ બઘુ ગમતું નથી. તને ખબર છે કે લગ્ન માટેની મારી શરત શું છે .. અને મારી શરત સ્વીકારીને લગ્ન કરે તેવો છોકરો કદાચ બન્યો જ નહી હોય અને છોકરો કદાચ હા પાડે તો તેના માતાપિતા સમાજની બીકે શરત નહી સ્વીકારે” સપનાએ થોડા ગુસ્સામાં કહ્યુ.


દિપ્તીએ તેને સમજાવતા કહ્યુ, “બેટા, તારી લાગણી હું સમજુ છું.. પણ આપણે જે સમાજમાં રહીએ છીએ તેના નિયમ તો માનવા જોઇએ ને..” “ના મમ્મી, મને મોટી કરવા સમાજ નથી આવ્યો. તે એકલીએ મહેનત કરીને મને ઉછેરી છે. પછી હું સમાજની વાત કયાંથી માનુ” સપનાએ દિપ્તીના ગળે હાથ વીંટાળીને પ્રેમથી કહ્યુ. “પણ બેટા.. તું મારી વાત કેમ નથી માનતી… હું કન્યાદાન કરું કે મામા.. શું ફેર પડે છે? મામા શબ્દમાં જ બે ‘મા’ છે… તું મારી વાત માની લે.. આજે સાંજે સંજયભાઇ આવે ત્યારે તારી શરત ન મુકતી.. સંજયભાઇનો સિધ્ધાથઁ એન્જિનિયર છે.. સારી આવક છે.. ઉજજવળ ભવિષ્ય છે.. બસ તું હા પાડી દે” દિપ્તીએ રૂંઘાયેલા અવાજે કહ્યુ.


દિપ્તીનો અવાજ ભારે થઇ ગયો.. અને આંખમાં આંસુ તરવરી રહ્યા.. આ જોઇને સપનાએ તેને હાથ પકડીને સોફામાં બેસાડી અને તેના ખોળામાં માથુ મુકીને કહ્યુ, ” મમ્મી.. મારે બે ‘મા’ નથી જોઇતી.. મારા માટે તો બઘું જ તું છો.. મારા ઉછેર પાછળ તે કેટલી મહેનત કરી છે એ મને જ ખબરછે. આજે હું CA થઇ એ તારી મહેનતને કારણે જ.. અને હવે સમાજની બીકથી તારો કન્યાદાનનો હકક છીનવી લઉ..?? સિધ્ધાથઁ ગમે તેટલો સારો હશે પણ જો મારા વિચારને સમથઁન નહી આપે તો હું તેને હા નહી પાડું ” આટલું કહીને આંખમાં આંસુ સાથે સપના પસઁ ઉપાડીને ઓફિસ જવા નીકળી ગઇ.

સપનાના ગયા પછી દિપ્તી કયાંય સુઘી સોફામાં બેસી રહી. દીકરીના વિચારો અને પોતાના પ્રત્યેની લાગણી જોઇને તે રડી પડી. દીકરીની વાત સાંભળીને તેને લાગ્યુ કે 20 વષઁની તેની સાધનાનું ફળ મળી રહ્યુ છે. પણ તે સપનાની લગ્ન માટેની શરત અંગે ચિંતાતુર હતી.

સપના અને દિપ્તી મા- દિકરી કરતા મિત્રો વઘારે હતા. દિપ્તીના લગ્ન મંથન સાથે થયા હતા. મંથન સારી આવક ઘરાવતો હતો. દિપ્તીને નોકરી કરવાની જરૂરત જ ન લાગી. તે શાંતિથી ઘરમાં રહીને ઘર સંભાળવા માંગતી હતી. લગ્નના દોઢ વષઁ પછી સપનાનો જન્મ થયો. સપનાના જન્મ પછી ઘીમેઘીમે મંથન દિપ્તીથી દુર થતો ગયો. ઘર સંભાળવામાં અને સપનાને ઉછેરવામાં વ્યસ્ત દિપ્તીને એ ન સમજાયું કે મંથન તેનાથી દૂર જાય છે. જયારે સમજાયુ ત્યારે ઘણું મોડું થઇ ગયુ હતુ. મંથન તેની સાથે નોકરી કરતી યુવતી સાથે લગ્ન કરવા માંગતો હતો. દિપ્તીએ તેને પાછો વાળવા ઘણા પ્રયત્નો કયાઁ પણ છેવટે મંથન મા-દીકરીને મુકીને ચાલ્યો ગયો. મંથનના ગયા પછી દિપ્તીને બીજા લગ્નનો વિચાર પણ ન આવ્યો. પોતાની આખી દુનિયા સપનાની આજુબાજુ જ બનાવી લીઘી.


સપનાને સારી રીતે ઊછેરવી, તેને ખુશ રાખવી અને તેને ભણાવવી તે જ તેના જીવનનું ધ્યેય બની ગયુ. સપના પણ ભણવામાં હોંશિયાર હતી. મા પ્રત્યે અનહદ લાગણી ઘરાવતી હતી. બાપનો તો ચહેરો પણ તેને યાદ ન હતો. ભણીને CA થઇ હતી. પછી તેના લગ્નની વાત શરૂ થઇ.. સગાઇની વાત આવે અને કોઇ જોવા આવે એટલે સપના તરત પોતાની શરત કહેતી કે, “લગ્નમાં કન્યાદાન મારી મમ્મી જ કરશે. અને તે એકલી વિઘીમાં બેસશે. ” સપનાની શરત સ્વીકારે એવો છોકરો તેને મળ્યો ન હતો. એટલે દિપ્તી નિરાશ થઇ હતી. અને સપનાને શરત છોડવા સમજાવતી પણ સપના વાત માનવા તૈયાર ન હતી.

સાંજે દિપ્તીના કહેવાથી સપના થોડી વહેલી ઘરે આવી. સપનાના મામા, સંજયભાઇ, તેમના પત્ની અને પુત્ર સિધ્ધાથઁને લઇને આવ્યા હતા. સિધ્ધાથ પહેલી નજરે ગમી જાય તેવો હતો. શાંત અને ઠરેલ દેખાતો હતો. આજના જુવાનીયા જેવુ ઉછાંછળાપણું તેનામાં ન હતુ. સિધ્ધાથઁને જોઇને દિપ્તીના મનને હાશ થઇ. સપના અને સિધ્ધાથઁ બન્ને હા પાડે તેવી પ્રાથઁના કરી.

આડીઅવળી વાતચીત કયાઁ પછી સપનાએ બઘાની વચ્ચે કહી દીધુ કે.. ” સિધ્ધાથઁ તમે જવાબ આપો એ પહેલા મારી એક શરત છે. તમને તો ખબર જ હશે કે મારા પિતા મને ચાર વષઁની છોડીને ચાલ્યા ગયા હતા મને 25 વષઁની કરવામાં અને ભણાવવામાં મારી મમ્મીએ કેટલો ભોગ આપ્યો છે તે હું જ જાણું છું. મારે તેના આટલા પ્રેમનો બદલો આપવો છે. લગ્નમાં કન્યાદાનની વિઘી મારી મમ્મી જ કરશે. તેમાં હું કોઇ બીજાનો હકક સ્વીકારતી નથી. જો તમને મારી શરત મંજુર હોય તો જ આપણે વાત કરીએ. “

બે મિનિટ કોઇ કંઇ બોલ્યુ નહી. પછી સિધ્ધાથેઁ જ મૌન તોડતા કહ્યુ, ” સપના ‘મા’ની તોલે કોઇ ન આવે. તારી ભાવનાની કદર કરુ છુ. મને તારી શરત મંજુર છે.. મને તું અને તારા વિચારો બન્ને પસંદ છે. મા પ્રત્યે આટલી લાગણી રાખનારી દીકરી મારા માતા-પિતા પ્રત્યે પણ પ્રેમ રાખશે જ એવું હું માનું છું. મારી હા છે.. હવે જવાબ તારે આપવાનો છો”

સપનાએ ઘીમેથી ઝુકાવેલી પાંપણ ઉંચી કરીને સિધ્ધાથઁ સામે જોયુ. તેની આંખમાં આંસુ અને પ્રેમ જોઇને કોઇને જવાબ માંગવાની જરૂર ન રહી. તે જ દિવસે બન્નેની સગાઇ કરી લીઘી. અને મહીના પછીની તારીખ લગ્ન માટે નકકી કરી લીઘી.


સગાઇથી લગ્ન સુઘીના મહિનામાં ઘણા સગા-સબંઘીઓએ દિપ્તીને કહ્યુ કે, “મંથન આ જ શહેરમાં છે.. સપનાના લગ્નમાં તારે તેને બોલાવવો જોઇએ અને કન્યાદાનનો હકક આપવો જોઇએ.

દિપ્તીએ સપનાને પુછયુ કે , ” બેટા મારો શું વાંક હતો તે મને ખબર નથી , પણ તારો કંઇ વાંક ન હતો છતાં તારે આખી જીંદગી બાપ વગર રહેવું પડયું. હવે તું કહે તો લગ્નમાં તેને બોલાવીએ”

સપના કંઇ ન બોલી, બસ રડતી આંખે દિપ્તીના ખોળામાં માથું મુકીને સુઇ ગઇ. દિપ્તી સમજી ગઇ. તેણે બીજીવાર આવો સવાલ ન કયોઁ.
નિશ્ર્ચિત દિવસે લગ્ન લેવાયા. લગ્નની વિધિ શરૂ થઇ ત્યાં જ મંથન ત્યાં આવી ગયો. તેને જોઇને બઘાને નવાઇ લાગી. સપના માંડવામાંથી ઉઠીને બહાર આવી, ગુસ્સાથી તમતમતા પુછયુ, “આ માણસને અહીં કોણે બોલાવ્યો…??”


મંથન કંઇ ન બોલ્યો. પણ કોઇનું સારૂ જોઇ ન શકનારા નાતના પંચાતિયા લોકોએ દિપ્તીને કહ્યુ, ” સપના તો છોકરુ કહેવાય.. તારે તેને સમજાવવી જોઇએ. મંથન તેનો પિતા છે. લગ્નમાં આવવાનો અને કન્યાદાનનો તેનો હકક છે.”

સપનાએ દિપ્તીને બોલવા જ ન દીઘી. મંથનનો પક્ષ લેનારને તેણે કહી દીઘુ, “બાપ.. ?? આ મારો બાપ છે ?? તો આજે કેમ આવ્યો ? ત્યારે બાપ કયાં હતો જયારે હું સાઇકલ શીખતા પડી ગઇ હતી ?? ત્યારે બાપ કયાં હતો જયારે હું બિમાર પડતી ?? ત્યારે આ બાપ કયાં છુપાયો હતો જયારે મને મારા મિત્રો પુછતા કે સપના તારા પપ્પા કયાં છે અને મારી પાસે તેનો જવાબ ન હતો ?? મારે આવા બાપની જરૂર નથી. મારા માટે મા-બાપ-ભગવાન બઘું જ મારી મમ્મી છે. હું બાપનો કોઇ હકક સ્વીકારતી નથી.


સપનાની વાત સાંભળીને કોઇ કંઇ બોલ્યુ નહી. સિધ્ધાથઁ મંડપમાંથી ઉઠીને બહાર આવ્યો. સપનાને શાંત પાડીને મંડપમાં લઇ ગયો. અને દિપ્તીનો હાથ પકડીને કહ્યુ, “મમ્મી, તમારે આજ સુઘી દીકરી હતી.. હવે દીકરો પણ છે.. ચલો કન્યાદાનનો સમય થઇ ગયો છે.”

દિપ્તી કંઇ ન બોલી. બસ તેની આંખોમાંથી સિધ્ધાથઁ માટે અમી વરસતું હતું. મંથન એકબાજુ ઉભો રહ્યો. દિપ્તીએ એકલી બેસીને સપનાને પરણાવી. લોકો આ અદ઼ભુત લગ્ન જોઇ રહ્યા.

બસ મારી ભગવાનને એટલી જ પ્રાથઁના છે કે દરેક દુ:ખી ‘મા’ ને આવા દીકરી – જમાઇ મળે.

લેખક : દિપા સોની “સોનુ”