કન્યા વિદાય – વિદાય લગ્ન સમયે હોય કે વેકેશન કરવા આવેલી દિકરી પરત જાય ત્યારે આંસુ અને લાગણી તો સરખી જ હોય છે…

કન્યા વિદાય તો વેદ સાથે વાતો કરનાર મહાન કણ્વ જેવા ઋષિ ને ય ભાવભરેલ કરુણામય ફક્ત બાપ બનાવી દે અને ભાન ભૂલી ને… વનના ઝાડવાઓ અને છોડના ફૂલો ને કહે… જેને તમને સહોદર જેવો પ્રેમ કર્યો છે.. એ શકુન્તલા આજે પતિગૃહે જાય છે.. તેને વિદાય આપો..

અને કણ્વ ઋષિ ની સાથે વનઉપવનના એકેક છોડ ને ફૂલ પાન પણ રડી પડે છે !!! જ્યારે તમે ને હું તો …!! આપણી સી વિસાત ?? દીકરી ને પરણાવ્યાં પછી, ” આવો !, આવો !, ક્યારે આવશો અહીં ??” કહીને ને આમંત્રણ આપ્યા કરીએ… એક ખાલીપો ભરવા ગમે તેટલું મથીએ છતાંય એ શૂન્યાવકાશ રહે જ… !! જે ઘરમાં દીકરી જન્મી ને ઉછેરી પાજેરીને યુવાન બની, વિદાય થઈ હોય !!


આ અવકાશ ને ભરવા જ્યારે જ્યારે દીકરી પોતાના પતિ ને સાથે લઈને આવે, ત્યારે ઘર નું સુનાપન … બિસ્તરા પોટલા બાંધી ને ભાગી જાય ..!
દીકરીના મીઠા ટહુકાર થી ઘર ગુંજે… એ ગુંજારવ કોઈ મંદિરના ઘંટારવ થી કમ ન લાગે ! ઘરનો ખૂણેખૂણો… દીકરીની નજર બહાર ન રહે હો .. !! એનો હાથ કદાચ બધે ન ફરે પણ, પ્રેમ ભરેલી અને નિસ્પૃહતા ની પરાશીશી સમ દીકરી ની દ્રષ્ટિ એકેએક ચીજ પર ફરી વળે !! એમાંય જ્યારે એ, મા ની આંખોમાંથી થઈને દિલના દ્વારેથી સડસડાટ આત્મા ને ઝંઝોળી …

એવા ખાંખાખોળા કરી ને મા નું દિલ ખોલી લે !! બધી જ નવાજુની જાણી લે ! મા કદાચ કોઈ વાત છુપાવવા મથે … તો પણ બધા જ પ્રયત્નોમાં સાવ નાપાસ થાય !! કઈ જ પૂછ્યા વગર.. ઘરની દરેક વ્યક્તિ … જેમ.. રેડ પડી હોય… અને સરન્ડર કરી દે.. એવી જ રીતે.. બધું એને … બતાવી દે બધી વાતો કહી દે !!!રાવ પણ એને જ કરે ..!”


મમ્મી કહે,.. આ જો, ભઇલો રોજ બટેટાનું જ શાક ખાય છે..! જો ને સાવ બેદરકાર છે..! “આને કૈક કહેજે !!”

ભાઈ ફરિયાદ કરે, ” દી, તું ગઈ પછી તો ઘરે કોઈ દિ ચાઈનીઝ કે પંજાબી ફૂડ નથી બનાવતું…!” પપ્પા ય બોલે, ” ઘરમાં કાઈ નવી ખરીદી કે સજાવટ મારી દીકરી વગર કોણ કરે ??” આમ, બધાની જુદી જુદી ફરિયાદ હોય ! જુદી જુદી ફરમાઈશ હોય !!! દીકરી પિયર આવે એટલે… મજા જ મજા.. એય ને… આખો આખો દિવસ વાતો ચાલે અને તોય રાતના ડાયરો જામે એ તો.. ઓર જ હોય !! સવારે ઉઠવાથી માંડીને રાતનું સુવાનું … બધું જ ટાઈમટેબલ જડબેસલાક…( ! ) ખોરવાય જાય !! તોય મજા મજા જ આવ્યા કરે !!


રોજરોજ બહાર ફરવા જવાના પ્રોગ્રામ થાય… ! જમવાના પણ જલ્સા ગોઠવાય જાય !! મામા-માસી ના ઘરેથી અને ફોઈ-કાકાના આમંત્રણ આવી જાય !! જલ્સા જ જલ્સા… એક દિવસ બે દિવસ કે પછી ચાર… જેટલો દીકરી ને સમય હોય .. એ પૂરો થાય કે.. તરત હવે, જવાનો દિવસ આવી જાય … કેમ કરવું ??

ખબર જ છે.. એક વખત દીકરી ને પરણાવી અને વિદાય આપી કે… પણ, કાળજું કોરાય જાય છે… કેમ કે… દીકરીની વિદાય… હરવખતે વસમી વેળા લાગે છે… હસતાં હસતાં “આવજો” કહેવા મોં ખુલે અને આંખો પણ… બોલ્યા વગર નથી રહેતી … આંસુની ધારા.. રોકીએ પણ,, ભીની આંખો.. !! જીભ તો કહે… દીકરી સુખી છે પોતાના ઘરે !! એટલે અમારે કાઈ દુઃખ નથી… પણ, આ આંખો.. સાવ નબળી .. !!, જીભ આવું સરસ , કેટલી શક્તિ ભેગી કરીને સ્ટેટમેન્ટ આપે… એણે આજુબાજુ વિખરાયેલા શબ્દો વીણી વીણી ને એકઠા કર્યા હોય !!


અને.. આ આંખો ?? સાવ બોલકી…!! મહામહેનતે આંસુ રોક્યા હોય.. જમાઈની સાથે વાતો કરતા હોય … ” ઘરે બધાને યાદી આપજો.. અહીં આંટો દેવા મોકલજો… નાના ટબુકલાઓને…!” પણ, જેવી નજર થી નજર મળે… દીકરી સાથે !! કે ચોર આંખો આડા અવળું જોવા લાગે અને જીભનો સહારો લ્યે હો !! “… કાંઈ ભુલાતું નથી ને ?? બધું લઈ લીધું ??? પાણી ની બોટલ ભરી ??”કાંઈ ન મળે તો… ભઈલો તો.. વાહનના ટાયર ને પગ મારતો પૂછવા લાગે, “…હવા બરાબર છે ને ??” પપ્પા કહેવા લાગે, ” રસ્તા માં હોલ્ટ કરો.. ત્યારે.. આમ.. તેમ..!!” સાવ ખોટે ખોટા !!


ઓહ ..!! . સાચું કહું ?? લગ્ન વખતે ની જેમ દર વખતે મમ્મી, પપ્પા કે ભઈલો… રડી નથી શકતા.. પણ, વિદાય તો.. દર વખતે એટલી જ પીડાદાયક બની રહે છે… !!

લેખક : દક્ષા રમેશ

આ શબ્દોસુમન ..મારી દીકરી જાનકી ને .. જેણે અમારી જીન્દગીમાં આવીને અમારું આંગણું જ નહીં પણ હ્ર્દયમન પણ મ્હેંકાવ્યા છે.