જલ્સા કરોને જેંતીલાલ

કાંટિયુંવરણ – વાતુંના વડાં કરવાનું રહેવા દે રમલી. તું બાઇ માણસ અને પાછું કાંટિયુંવરણ. બહુ શેખી રહેવા દે. તારા લફરાના દસ્‍તાવેજને મારે વાંચવા નથી.

પાળિયાદગઢ પોલીસ સ્‍ટેશનમાં હજી આજ સવારે જ હાજર થયેલા પોલીસ સબ ઇન્‍સ્‍પેક્ટર જાડેજા અને અહીંથી બરવાળા પોલીસ સ્‍ટેશનમાં પી.એસ.આઇ. તરીકે ટ્રાન્‍સફરથી હાજર થવાને માટે છૂટા થયેલા જાની, પોલીસ સ્‍ટેશનના ગ્રાઉન્‍ડમાં સામસામે ખુરશીઓ ઢાળીને ખાખી વર્દીના અનુભવની વાતોમાં મશગૂલ હતા કે અત્‍યાર લગી મનમાં જ ઊગીને ઊભો થતો અને છેક હોઠોના દરવાજા સુધી આવીને અટકી જતો પ્રશ્ન જાડેજાએ અંતે હોઠ પરથી પડતો જ મૂક્યો:

‘જાની સાહેબ, પછી તમે જે આપણી મુખ્‍ય વાત છે તે તો કહી જ નહીં…‘ ‘…બોલોને સાહેબ.‘ ‘પાળિયાદગઢ થાણાની આવક બાબત.‘ ‘એ બધું જ રાઇટર ખુમાનસંગ જાણે છે. એ તમને બધી જ બાબતોથી વાકેફ કરશે.‘

‘છતાં પણ તમે મને થોડુંકેય જણાવો તો એ મારે માટે ઘણી અગત્‍યની બને…‘ જાડેજાએ સિગારેટનો ગલ ખંખેર્યો ને પછી મોબાઇલની ભાષમાં વાત કરી : ‘આવકનું ઇનકમિંગ કેટલુંક?‘ ‘યે મીન… એ તો તમારા બાવડાંના બળ ઉપર આધારી છે સાહેબ. તમે જેવો સોટો ફેરવો એટલી ઉઘરાણી થાય. આપણે ખાખી વર્દીવાળા એટલું તો સમજી શકીએ જ ને ?‘

‘એ તો બધું સમજી ગયો અને વખત આવ્‍યે એ બધું તો મારી રીતે ફોડી પણ લઇશ. પણ મને જરા થોડાં ઠેકાણાં બતાવો. થોડા સોર્સ બતાવો. ક્યાં કેટલી ઇન્‍કમની શક્યતા છે. કોની રગ આપણા હાથમાં છે, ક્યાં કઇ ચોટલી સલવાણી છે ! આઇ મીન, ચાર્જ દેતી વખતે આ બધી જ ડિટેઇલ્‍સ પણ તમારે મને ચાર્જમાં દેવી પડે કે નહીં?‘ જાડેજા ખડખડાટ હસીને બોલ્‍યા કે જાનીએ કહ્યું :

‘આપીશ. એ પણ આપું જ છું. જુઓ, આપણું નેટવર્ક બધું થઇને લાખ દોઢ લાખનું થાય છે. એમાં સૌનો ભાગ પડતાં પડતાંય નેવું થી પંચાણું હજાર જેવું વધે છે. આમ પણ હું બ્રાહ્મણનો દીકરો. હાયહોય મેં કરી નથી. છતાં માણસો સામે ચાલીને બધું આપી જાય. ‘જાડેજા! કમાણી આપણી રાખરખાવટ ઉપર પણ ડીપેન્‍ડ કરે છે. મને બહુ સોટાવાળી ગમતી નથી.‘ કહી જાનીએ મોઘમ સ્મિત કર્યું : ‘આ બધો પૈસો એની મેળે આવે એમાં જ મજા છે. ઝૂંટવીને ખાવામાં બહુ માલ નહીં‘. કહી એમણે ખિસ્‍સામાંથી પાન કાઢ્યું. પેકિંગ ખોલ્‍યું અને પછી ‘જુઓ…‘ કહેતા એણે દેશી જાફરા તૂફાનવાળું કલકતી પાન ગલોફામાં દબાવ્‍યું ને રેપર તરીકે ઉપયોગ થયેલા ખાખરાના પનની .પર દોરી વીંટીને આઘેરે‘ક ઘા કરતાં, પાકા સરવૈયાની આવક બાજુ ખોલતા કહ્યું

: ‘પાળિયાદગઢ એ ફરતાં બાવીસ ગામનું હટાણાનું સેન્‍ટર છે. એક ગામમાંથી નાખી દો તોય પંદર-વીસ ટેમ્‍પા, છકડા આવે છે. બધા થઇને પાંત્રીસેક હજાર છકડાવાળાના હપતાના આવે. સિતેરહજાર જેટલી અડ્ડાની આવક. વીસેક હજાર આંકડા-મટકાવાળાના. બાકી ચોરી ચપાટીને હાથ નહીં લગાડવાના વીસ-બાવીસ. હા, વચ્‍ચે કોઇ ખૂનકેસ આવ ગયો હોય તો લાપસી તો ગોળ નાખો એટલી ગળી જરૂર થાય. જેવો કેસ! પણ આ બધો ભાદરકાંઠો! કસ બધો લીલી નાઘેરમાં. અહીંયા તો બધું સુક્કું. આ તો પંચાળ કહેવાય. પંચાળ! અહીંયા તો ખડ પાણી ને ખાખરા, પાણાંનો નહીં પાર… વગર દીવે વાળું કરે ઇ દેવ કો પાંચાળ… જાડેજા, લૂંટી લૂંટીને અહીં કેટલુંક લૂંટશો?‘

‘એ તો બધું ઠીક છે પણ…‘ જાડેજાના મગજમાં ગણતરીઓ ચાલુ થઇ ગઇ. પ્‍લસના બટન દબાવા લાગ્‍યાં. અડ્ડો અને પીઠું- આ બે સોર્સીસમાં જો લાલ આંખ થાય તો અઢી-ત્રણ જેટલા લક્ષ્‍યાંકને ચોક્કસ પહોંચી જ શકાય. જોઇએ, વેઇટ એન્‍ડ વોચ. બાકી લાખ-દોઢ લાખમાં તો શું થાય?

જાની વાત કરતાં કરતાં જાડેજા સામે જોઇ રહ્યા ને પછી બોલ્‍યા :‘શું વિચારમાં પડી ગયા સાહેબ ? અહીં તમને જુનાગઢ જેવું નહીં જામે. ડેફિનેટલી.‘ હા, જાની સાહેબ. હું એમ વિચારું છું કે આ અડ્ડાને પીઠામાં લાલ આંખ કરવી જોઇએ. બાય ધ વે, આ બધા ચોપડે ચડી ગયા છે કે નહીં?‘ ‘એકાદ-બે છે. બાકી બધું નોન-ઓફિશિયલ.‘ ‘અચ્છા, બધું નિયમિત પતી જાય. ‘એકાદ-બે વાર કહેવરાવવું પડે.‘

‘લાહડિયા, એમ જ કહો ને.‘ ‘હા,‘ અચાનક જાનીની આંખો ઝીણી થઇ ગઇ : ‘એક હપતો નિયમિત આવી જાય. નિયમિત એટલે પહેલી તારીખે ઊઘડતી ઓફીસે.‘ ‘હોય નહીં.‘ ‘હા. એ બાબતે પ્રોમિસ આપું તમને અને એ હપતાની એક વિશિષ્‍ટતા કહું તમને તો, ધેટ ઇઝ સરપ્રાઇઝ કે એ અડ્ડો એક બાઇ ચલાવે છે, બાઇ…‘ જાડેજા ખુરશીમાંથી ઊભા થઇ ગયા : ‘જાની, મોર વન્‍સમોર, ધેટ વોટ યુ સે?‘

‘હા જાડેજા. બાઇ છે પણ સવાશેર કાળજાની છે. હું એક-બે વાર મળ્યો છું પણ ભાઇ ભાઇ! મહેમાનગતિ તો એની. અછોવાનાં કરે અને તમે ભૂલી જાવ કે આ કોઇ કાંયિવરણની બાઇ હશે. તમને ઉજળિયાત જ્ઞાતિની જ ઓરત લાગે. નાકનકશે નમણી એવી ને એની બોડી લેંગ્‍વેજની તો શું વાત કરું? તમારી જુનાગઢની નાગરાણિયું ય આવી સુંદર ભાષામાં વાત નહીં કરી શકતી હોય.‘ જાની બોલતા હતા ને જાડેજા, એ સ્‍ત્રીના સુંવાળા ખયાલોમાં ખોવાતા જતા હતા. તે ઘેનમાં હોય એમ બોલ્‍યા : ‘તેની ઉંમર?‘ ‘આફ્ટર ફોર્ટી, પણ લાગે અન્‍ડર થર્ટી. ફિગરેય જાળવી રાખ્‍યું છે…‘ ‘રમલી…‘ ‘એનો ધણી?‘

‘હતો, હવે નથી. તરણેતરના મેળામાં તેની જ ન્‍યાતની એક છોકરી લઇને ભાગી ગયો. મહિનો, બે મહિના, ચાર મહિના, વરસ… રમલીએ બહુ રાહ જોઇ, પણ એનું દુ:ખ મનમાં નથી રાખતી.‘ ‘ચુંવાળણ છે. કોઇ ગોતી કાઢ્યો હશે. એ તો નાતરિયું વરણ…‘ ‘એના જવાબમાં ‘હા‘ અને ‘ના‘ બંને ઓપ્‍શન છે. એમ તો એને એક દીકરો અને દીકરી પણ છે.. હવે તો બંને જુવાન થઇ ગયા છે. પરંતુ વાત બહુ વિચિત્ર છે. ‘મોણ નાખો મા જાની. વાતનો તંત કરો મા.‘

‘સજુભા કરીને આપણો એક કોન્‍સ્‍ટેબલ હતો. એની સાથે એને સંબંધ હતો , પણ સબંધ કેવો? પતિ-પત્‍ની જેવો. સજુભાય અસ્સલ ગરાસિયો અને દિલનો એવો ઓલદોલ કે રમલીના છોકરાંને પોતાના છોકરાં હોય એમ જ રાખ્‍યા. રમલીને અડધો પગાર આપી દેતો. રમલીની વિપતવેળાએ સાચવી લીધી અને રમલીએ પોતાનું તન અને મન સજુભાને સરન્‍ડર કરી દીધું.‘

-ઇન્‍સ્‍પેક્ટર જાડેજાની સામે રમલીની કાલ્‍પનિક મુખાકૃતિ દેખાઇ રહી. તંગ કમખામાં કેદ થયેલું અને ભર્યુંભાદર્યું જોબન જાણે નજર સામે જ નૃત્‍ય કરી રહ્યું. એનાં ઘાટીલાં અંગો ઉપર હળવે હળવે હાથ ફેરવવાની તાલાવેલીએ જાડેજાની નસો ફાટફાટ થવા લાગી અને સિગારેટના ફિલ્‍ટર ઉપર જોરથી હોઠ ચંપાઇ ગયા…. ‘જાડેજા એના હસબન્‍ડ વિશે ડિટેલ્‍સ આપું તો…‘ જાનીએ જાડેજાને હલબલાવ્‍યા. ‘ઓહ નો… આયમ ટ્રલી મિસ ધિસ ફેક્ટર્સ…‘ ‘એનો વર ? એનું પ્રોફેશન ?‘ ‘આ મૂળ અડ્ડો જ એનો, પણ મોહન એટલે સાવજ જેવો. જેવાતેવાને તો એ દાદ જ ન આપે….‘

‘સ્‍ટોપ સ્‍ટોપ જાની. પ્‍લીઝ ઇન્‍ફર્મ મી આઉટ સજુભા.‘ જાડેજાએ વાતને કાપાતાં અધવચ્‍ચેથી જ કહ્યું : ‘સજુભા છે ક્યાં?‘ ‘હવે તો બિચ્‍ચારો…‘ જાની ઊંડો નિ:શ્વાસ નાખી બોલ્‍યા : ‘૨૦૦૨ની સાલમાં થયેલા કોમી રમખાણોમાં એ અમદાવાદ બંદોબસ્‍તમાં મૂકાયો હતો. એમાં ફસાઇ ગયો. બે કોન્‍સ્‍ટેબલને જીવતા સળગાવ્‍યા ને એમાં આપણો સજુભાય ગયો. ‘ ‘ઓહ, તો એનું ફેમિલી?‘ ‘વતનમાં ! પણ એક હારે બે ચૂડલી નંદવાણી. એક તો એનાં ઘરવાળાંની, બીજી રમલીની…‘ ‘ધીસ ઇઝ ઇન્‍ટરેસ્‍ટીંગ ફેક્ટર્સ.‘

‘રમલીએ પછી ચૂડીચાંદલો કાઢી નાંખ્‍યા.‘ ‘જવા દોને યાર જાની. એ બધું તો થોડાક દિવસ. દેખાડા પૂરતું કરી બાકી પાછલે બારણે તો બધુંય ચાલતું જ હોય. હવે કાંટિયાવરણને લાગઠું થતાં કેટલી વાર ? પણ આ બધાની તમને ખબર ન હોય જાની..‘ ‘તો જોઇ આવજો. બાદલગઢમાં કૂવા પાસે જ રહે છે.‘ કહી જાની પોતાના ક્વાટર્સ તરફ વળ્યા.

એક મહિનામાં તો જાડેજાએ આસપાસના પંથકમાં બોકાહો બોલાવી દીધો. ગુનેગારો થરથર ધ્રુજવા લાગ્‍યા. ગુંડાગરદી ઓછી થઇ ગઇ. પાળિયાદગઢના વાયડાઓની વતિી ઓછી થઇ ગઇ. મહાજન ખુશ થયું ને એક દિ‘ સવાર સવારમાં જ જાડેજા પોતે જીપ ડ્રાઇવ કરીને બાદલગઢ પહોંચ્‍યા. એક જણને પૂછવું પડ્યું. રમલીના ઘરની ભાળ મળી ગઇ. પણ ખડકીમાં જ્યાં જાડેજા પ્રવેશ્યા ત્‍યાં જ સડક થઇ ગયા. રમલી માથાબોળ નાહીને પછી ભીના વાળ ઝાટકતી હતી.

સઘ:સ્‍નાતા શકુંતલા જેવું જ લાવણ્ય અત્‍યારે રમલીના ગોળ મુખડા ઉપર પ્રતિબિંબિત થતું હતું. તેના ભીના વાળનો કેટલોક હિસ્‍સો માંસલ પીઠ ઉપર પથરાયો હતો. કેટલોક હિસ્‍સો ભરાવદાર વક્ષ:સ્‍થળને ઢાંકવાનો મિથ્યા પ્રયત્‍ન કરતો હતો. તે ઓસરીમાં હતી પણ તેનો ડાબો પગ ઓસરીથી નીચે ઊતરી પહેલા પગથિયા પર ઠહેર્યો હતો. એટલે જમણી તરફ કમર લચકાઇ ગઇ હતી. જાડેજાએ જોયું તેની માંસલ પીઠને કેદ કરી લેવા મથતી કમખાની દો ગાંઠ તેના જોબનને તંગ કરી દેવા મથતી હતી. આટલી બધી તાણીને કોણ એના કમખાની કસ ઉપર ગાંઠ ચડાવતું હશે? જાડેજા રમલીને તાકી રહ્યા : છાસિયા ઘઉં જેવો વાન, સુડોળ બાંધો, સપ્રમાણ માંસસભર કાયા, પાંચ ફૂટ સાત ઇંચની ઊંચાઇ, ગોળચટ્ટું રતુંબલ મુખડું, કમળપત્ર જેવી અણીયાળી આંખો અને અરવલ્‍લીની ટેકરીઓ જેવો ઉતુંગ વક્ષ:પ્રદેશ.

-જાડેજા ત્‍યાં જ ઊભા રહી ગયા હતા. ત્‍યાં જ રમલીની નજર આવતલ ઉપર પડી. તેણે રૂમાલ ખાટે મૂક્યો. જમણા હાથે ભીની જુલ્‍ફો સંવારી, થોડી પાછળ, થોડી આગળ આવી. તેણે હસીને આવકારો આપ્‍યો : ‘આવો આવો જાડેજાસાહેબ, ત્‍યાં કેમ ઊભા રહી ગયા? આ મારું જ ઘર છે.‘ જાડેજાને તેની શિષ્‍ટ ભાષા સ્‍પર્શી ગઇ. એ ઓસરીનાં પગથિયાં ચડતાં બોલ્‍યા : ‘હા, પણ મને ઓળખી લીધો એટલે થયું કે…‘ ‘દોઢ મહિના પહેલાં જ ખબર પડી‘તી કે આપનો ઓર્ડર થવાનો છે. તમારી રાહ તો પંદર દિવસથી છે. આજે મારું આંગણું પાવન કર્યું.

‘તમારી રાહ…‘ શબ્‍દો જાડજાને સાકર જેવા મીઠા લાગ્‍યા. એને થયું કે જાનીએ રમલીના દિલનો તાગ નથી લીધો. એનું મેથેમેટિક્સ અહીં ખોટું પડ્યું. જો તાગ લીધો હોત તો એમની ભાષની કેમેસ્‍ટ્રી જુદી હોત. એમણે રમલીને ઉદેશીને જ કહ્યું : ‘હા રમલી, તારી વાત સાચી છે. આવવું હતું તો કેટલાય દિવસથી પણ ખૂબ બિઝી હતો. પણ પછી સંજોગો જ એવા હતા કે આવવું પડ્યું એટલે આવ્‍યો છું રમા…‘ કહી ખાટ ઉપર બેઠા ને હીંચકવા લાગ્‍યા.

‘હપતો મળી ગયો હશે. મેં જોગીદાસને મોકલ્‍યો હતો.‘ કહેતી પાણીનો ગ્‍લાસ લાવી. ચોળાફળી જેવી પાતળી આંગળીઓ જાડેજાને સ્‍પર્શી અને દેહદિમાગમાં ઝણઝણાટી ઊભરાઇ વળી. જાડેજાએ બે ઘૂંટડા પાણી પીધું. ગ્‍લાસ પાછો આપતાં કહે ‘રમુ, તારા ઘરનું પાણી તો ટોપરા જેવું મીઠું કે પછી તારા હોઠની મીઠાશેય ગોળામાં ભળી ગઇ છે કે શું?‘ ‘કામની વાત કરો સાહેબ,‘ રમલી હસી પડી મોગરાની કળી જેવું. પછી કહે, ‘ચા બનાવું કે ઠંડું?‘ ‘કશું નહીં.‘ ‘એમ ન ચાલે., કંઇક તો લેવું જ પડશે. એમ કરો હું ચા બનાવું છું મજા આવશે.‘

દસેક મિનિટમાં તો ચા લઇને આવી. એ દરમિયાન જાડેજા ખાટ ઉપર હિંચકતા-હિંચકતા રસોડાની જાળીમાંથી ચા બનાવતી રમલીને તરસી નજરથી તાકી રહ્યા હતા. ચા પીધી. ખરેખર ટેસ્‍ટી હતી. જાડેજાને થયું : ચા તો ખૂબ ટેસ્‍ટી જ છે. રમલી કેવીક ટેસ્‍ટી હશે? એ ટેસ્‍ટ જો ચાખવા મળી જાય તો જિંદગી ધન્‍ય બની જાય… ! જાડેજા થોડીવાર પછી ઊભા થતાં બોલ્‍યા : ‘હું જાઉં છું રમલી…‘ ‘કામકાજ ફરમાવજો સાહેબ. હપતો તો નિયમિત મારો માણસ આપી જ જશે.‘

પરંતુ રમલીના ‘મારો માણસ‘ શબ્‍દ જાડેજાને જરા પણ ન ગમ્‍યા. એક પૌરૂષસહજ ઇર્ષ્‍યા ઊભરાઇ આવી. એટલે જ એ થોડા વ્‍યંગમાં બોલ્‍યા : ‘ના રમલી, કામકાજ તો વખતે વાત. તારા હપતાનો હું મોહતાજ નથી. તારા હપતાની મને પડી નથી. તું હપતો મોકલવામાં આટલી બધી સેન્સિટિવ ન બન. સેન્સિટિવિટી તારા રૂપને બાળી દેશે. તારા હપતાનો મને ખપ પણ નથી. ખપ પડે એ માગીશ.‘ ‘ફરમાવજો સાહેબ…‘ જાડેજા ગયા.

પંદર દિવસ પછી સમાચાર આવ્‍યા, ‘રમલીને કહેજો હું આવું છું.‘ રમલીએ રાહ જોઇ પણ જાડેજા આવ્‍યા નહીં. રમલી વાટ જોતી રહી. -ઉનાળો પૂરો થયો હતો ને એક દિ‘ અષાઢની મેઘલી રાત જામી હતી. ગોરંભો જામ્‍યો હતો. વીજળી સબાકા લેતી હતી. જળેય જંપી ગયા હતા. વરસાદ કહે મારું કામ. બરાબર એવે ટાણે જાડેજાએ છાંટોપાણી કરીને રમલીના ઘરની ખડકી ખખડાવી. ‘કોણ?‘ રમલી ટહુકી. ‘એ તો હું જાડેજા…‘ જાડેજાએ કહ્યું. રમલીએ ખડકી ખોલી. જાડેજા અંદર આવ્‍યા. પણ હજી અંદર પગ મૂક્યો ને પગ લપસ્‍યો. તેમણે રમલીનો ખભો પકડી લીધો.

‘હં…હં… હળવે સાહેબ હળવે… વરસાદ આવે છે. ચીકણી માટી છે. લપસી પડશો…‘ ‘હા રમલી…‘ જાડેજાના અવાજમાં અફીણી ઘેન ટપકતું હતું . ‘‘એવો વખત આવે છે ત્‍યારે લપસી પડાય છે! પણ ના… અત્‍યારે નહીં લપસું..‘ જાડેજાએ ભીંજાયેલા વસ્‍ત્રોથી લથબથ રમલીની કાયા માથે નજરની રેશમી પીંછી ફેરવતાં હસીને કહ્યું : ‘તારો સહારો છે ને એટલે નહીં લપસું.‘ ‘સાહેબ…‘ કહેતી રમલી મીઠું હસીને બોલી : ‘ચાલો અંદર આવતા રહો…‘

જાડેજા અંદર આવ્‍યા. ઓરડામાં જોયું. ઢોલિયો પાથરેલો હતો. ઉપર કચ્છી ભરત ભરેલો ઓછાડ પાથર્યો હતો. રેશમી હીરની દોરીમાં મરૂન રંગનો ઓછાડ ઓરડાને ચાર ચાંદ લગાવતો હતો. આંગતે બે ઓશિકાં ગોઠવ્‍યા હતાં. પાંગતે રેશમી રજાઇ હતી. આખા ઘરમાં રમલી એકલી જ હતી કે શું? જાડેજા ઢોલિયા ઉપર બેઠા. રમલી અંદર આવી. ફાનસના અજવાળામાં તે ‘રંભા‘ જેવી માદક લાગતી હતી.

‘બોલો સાહેબ…‘ તેણીએ પોતાના બંને હાથ પાછળ વાળીને ભીના વાળ ઝાટક્યા. તો એક-બે બૂંદ જાડેજાના ચહેરા ઉપર જઇને પડ્યા. જાડેજાનું લોહી ગરમ થઇ ગયું. ‘રમલી‘ જાડેજાએ મનમાં ઘોળાતો પ્રશ્ન રજૂ કર્યો : ‘તું એકલી? તારાં છોકરાંવ?…‘ ‘એ ગયા છે તરવાણીનો મેળો માણવાય. આજ એ ત્‍યાં જ ભાવગર બાપુના આશ્રમે રોકાઇ જાશે. છેક કાલે સાંજે પાછાં આવવાનાં છે.‘

પળ-બે પળ મૌન પથરાઇ ગયું. રમલી ઢોલિયાના આ છેડે બેઠી. જાડેજાએ હાથ લંબાવ્‍યો. ‘રમલી…‘ કહેતાં જીભ અચકાય છે. શબ્‍દો તૂટુંતૂટું થાય છે. ‘પણ આજ… આજ હું આવ્‍યો છું તારી સાથે રંગ ભરીને રમવાઆવ્‍યો છું. તું મને રમાડીશને? આજ હું રહી શકું એમ નથી રમલી… આજ મને સમાવી લે. આજ મને…‘

-પણ જાડેજાના શબ્‍દો પૂરા થાય એ પહેલાં તો રમલીનો ચહેરો ફરી ગયો. પોતાના હાથ ઉપર મુકાયેલા જાડેજાના હાથને ઝાટકો મારીને તે ઊભી થઇ ગઇ. : ‘નહીં જાડેજાસાહેબ, નહીં. તમે ઘર ભૂલી ગયા. હું એ ‘રમલી‘ નથી જે પરપુરૂષ સાથે રમી શકે! હું તમારી પત્‍ની પણ નથી કે તમે આવી બીભત્‍સ માગણી કરી શકો. તમે ખોટે સરનામે આવી ગયા.‘

‘રમલી…‘ જાડેજા મોટેથી ત્રાડી ઊઠ્યા કે રમલી પણ ત્રાડી ઊઠી : ‘આ પોલીસ સ્‍ટેશન નથી. આ રમલીનું ઘર છે અને આ ઘર ગામ વચ્‍ચે છે. અવાજ ઓછો કરો.‘ ‘વાતુંના વડાં કરવાનું રહહેવા દે રમલી. તું બાઇ માણસ અને પાછું કાંટિયુંવરણ. બહુ શેખી રહેવા દે. તારા લફરાના દસ્‍તાવેજને મારે વાંચવા નથી.‘ ‘હું લફરાબાજ નથી સાહેબ. તમે વાત કરવામાં સભ્‍યતા રાખો.‘ ‘હવે સભ્‍યતાની પૂંછડી થા મા. તારો ધણી તને મૂકીને ચાલી ગયા પછી તું સજુભાને આખી રાત શું શોખથી રાખતી‘તી તારા ઘરમાં?‘ ‘ઇ સજુભા હતો. જેણે બે વાર મારી આબરૂ અખંડ રાખી‘તી અને એની હાર્યે મેં પ્રીત કરી હતી.‘

‘તો એ પ્રીત મને પણ કર રમલી…‘ જાડેજાએ રમલીનું બાવડું પકડ્યું. રમલીએ એક જ ધક્કા સાથે બાવડું છોડાવીને ગજવેલ જેવા રણકદાર અવાજે કહ્યું : ‘પ્રીત એકની હારે જ થાય. બધા હારે ન થાય, જાડેજાસાહેબ. મારી કાયા કાંઇ બજાર નથી અને મારું દલ એ કાંઇ વેચાઉ માલ નથી. મારી પ્રીત હતી એક સજુભા હાર્યે. આખા પોલીસ સ્‍ટેશન સાથે નહીં! અને હવે કહી દઉં કે એ મરનારો ગયો, એની ચિતા સાથે મારી પ્રીત પણ બળીને ખાક થઇ ગઇ. આ ઠેકાણે ફક્ત પાંચસોનો હપતો જ મળશે. રમલી નહીં સમજ્યા?‘

‘હું જોઇ લઇશ.‘ જાડેજા ધગી ગયા. ‘જોઇ લેવાની છૂટ છે. બાકી આટલું કીધું સાનમાં સમજી લેજો. નહીંતર બે-ચાર વરસ પહેલાં આવેલા બાલાણીસાહેબનેય પૂછી લેજો કે શું થયું‘તું? હું ચૂંવાળણ છું અને ચૂંવાળણનું બીજું નામ નાગણ પણ છે. તમને ડંખી લઇશ, પણ દુનિયાને ખબરેય નહીં પડે…‘

પણ એનું વાક્ય પૂરું થાય એ પહેલા જાડેજાએ બેખખબર રમલીને પોતાની નાગચૂડશી બાથમાં લઇને ઢોલિયામાં નાખી. ઘાયલ હરણી માથે સાવજ ઝળુંબે એમ જાડેજા રમલી માથે ઝળુંબી રહ્યા. પણ રમલી કાંડા બળુકી હતી. કેડ્ય બળુકી હતી. કાયાના એક જ ઉલાળે જાડેજાને ભફ્ફ કરતો‘કને ઢોલિયામાંથી ઉલાળીને ઉંબરામાં નાનાખ્‍યો ને કમાડ પાછળ ટીંગાતી જોટાળી હડપ કરતીકને હાથમાં લઇ લીધી ને જાડેજાને કપાળે ટેકવી દેતાં કહ્યું : ‘નીચ! તારી મને ખબર જ હતી. તારી આંખ મને જોઇને ફરકી ગઇ‘તી તે દિ‘ની હું સાવધ હતી કે એક દિ‘ તું તારી ઔકાત દેખાડીશ. હાલ્‍ય હવે તારી ઘરવાળીનો ચૂડીચાંદલો અખંડ રાખવો હોય તો બહાર નીકળ…‘

-જાડેજાનો નશો ઉતરી ગયો. એ એક શબ્‍દ પણ બોલ્‍યા વગર ઊભો થઇને ખડકી બહાર નસકળી ગયો!!! ત્‍યારે વીજળીને ચમકારે આકાશમાં પોઢેલો સજુભા, રમલીની હિંમત જોઇને મંદમંદ મલકતો હતો.

લેખક : યોગેશ પંડ્યા

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version