કંકુ પગલાને મળ્યો ન્યાય – આખરે એ માતાને ન્યાય મળ્યો… આખરે એ દિકરીને ન્યાય મળ્યો…

કોર્ટ-કચેરીના સતત ધક્કા.. વકીલો સાથેની માથાકૂટ.. તારીખ ઉપર મળતી તારીખ અને સમાજની ચાર થઇ ગયેલી આંખો..!!!

તારિણી આ બધાથી ત્રાસી ગઈ હતી.. આમ પણ આખી જીંદગીમાં તેને ક્યારેય સુખ નોહ્તું મળ્યું.. તેનો જન્મ થયો ત્યારે તે પોતાના ઘરમાં પાંચમી દીકરી હતી.. તેના માં-બાપ માટે બસ તે બોજ બનીને રહી ગઈ.. ગુજરાતના છેવાડે આવેલા એક ગામડામાં રહેતા લોકોની માનસિકતા આમ પણ પાંચમી દીકરીના જન્મ વખતે કેવી હોય..!! તારિણી અઢાર વર્ષની થઇ ત્યારથી જ તેના માં-બાપે તેના માટે છોકરો શોધવાનું શરુ કરી દીધેલું..

તારિણીની લગ્ન કરવાની ઈચ્છા ના હોવા છતાં પણ તે જ્યારે ચોથા છોકરા તરીકે ત્વરીતને મળી ત્યારે તેને લાગ્યું કે કદાચ આ છોકરો તેના અઢાર વર્ષથી વંચિત રહેલા પ્રેમના પુષ્પને સીંચીને બગીચો બનાવી દેશે..!!!!! તેના માં-બાપે કોઈ જ પ્રકારની તપાસ કર્યા વગર પંદર જ દિવસમાં તારિણીના લગ્ન ત્વરિત સાથે કરી દીધા.ત્વરીતે કોઈ દહેજ નોહ્તું માગ્યું એ જ કારણ હતું કે તારિણીના માં-બાપે તેને પસંદ કર્યો હતો.. પરંતુ આજે દસ વર્ષ પછી એ બધું જ ફક્ત ઉપરછલ્લું હતું એ જાણ્યા પછી તારિણીને દુખ થતું હતું.. તેને રડવું આવતું હતું.. રાડો પાડી-પાડીને તેને ત્વરીતને બધા સામે ઉઘાડો પાડવો હતો.. પરંતુ તે ચુપ હતી.. તેના નાનકડા દીકરા માટે થઈને તેણે મૌનવ્રત ધારણ કર્યું હતું. તીર્થ તેના લગ્નના પાંચ વર્ષ બાદ જન્મ્યો હતો.. લગ્ન પછી ક્યારેય તારિણીને ત્વરિત સાથે શરીરસંબંધ બાંધવાની ઈચ્છા નોહતી થઇ.. ને આમ પણ ત્વરિત વળી ક્યારે વહેલો આવ્યો હતો.. રાતના ત્રણ-ચાર વાગ્યે ઘરે આવે ત્યારે તેના મોમાંથી આવતી દારૂની વાસને લીધે, તેની ગંધાતી ઉલટીઓથી પરેશાન થઈને તારિણી મોટેભાગે તો હોલમાં સુવા ચાલી જતી.. પરંતુ એક રાત્રે ત્વરિતે જબરજસ્તી કરી અને તેના પરિણામે તીર્થનો જન્મ થયો..!!

તીર્થના જન્મ બાદ તારિણીને જીવવાનું કારણ મળી ગયું.. નાનકડા તીર્થને નવડાવવામાં, તેની મીઠડી ભાષામાં ખોવાઈને આખો દિવસ તેને સાંભળવામાં, તેને સ્તનપાન કરાવામાં, તેની નાની આંગળીઓને પોતાની મુઠીમાં જકડીને તેના વાળમાં હાથ ફેરવતા ફેરવતા તેના લીસા ગાલને ચૂમવામાં તારિણીનો આખો દિવસ પસાર થઇ જતો.. ત્વરિતના પરિવારમાં કોઈ નહોતું.. અમુક દુરના સગા સિવાય કોઈ જ નહી.. તીર્થના જન્મ બાદ તારિણીએ ઘણી કોશિશ કરી, ત્વરિતનું ઘર છોડીને જતા રહેવાની.. તીર્થને લઈને ભાગી જવાની.. પણ એ ક્યારેય શક્ય ના બન્યું.. ને એની જિંદગી એમ જ ચાલતી રહી.. વર્ષો વીતતા ગયા..

એક દિવસ ત્વરિત રાતના બહુ મોડો આવ્યો.. તારિણી તીર્થના ઓરડામાં સુતી હતી.. આમ પણ તીર્થના જન્મ બાદ તેણે પોતાનો ઓરડો અલગ કરી નાખ્યો હતો.. જેમાં તે અને તીર્થ બન્ને સુતા.. ત્વરિત અચાનક જ સીધો તેના ઓરડામાં ધસી આવ્યો.. તેના મોમાંથી સખ્ત દારૂની વાસ આવતી હતી.. રાતના અગિયાર વાગ્યા હશે.. તીર્થ શાંતિથી પલંગમાં સુતો હતો.. ત્વરિત આવીને સીધો કબાટ ફંફોસવા લાગ્યો..

“ત્વરિત, શું જોઈએ છે તમારે?? આ મારો અને મારા દીકરાનો કબાટ છે.. આમાં તમારું કઈ નથી..!!” તારિણીએ સહેજ ચીડ સાથે ત્વરીતને કહ્યું. તેની વાત સાંભળી જ નાં હોય તે રીતે ત્વરિત કબાટ ફંફોસતો રહ્યો..

તારિણીને ગુસ્સો આવી રહ્યો હતો.. ત્વરિત કબાટમાંથી બધી વસ્તુઓ જેમતેમ ફેંકતો હતો. એ બધી વસ્તુઓનો અવાજ પણ એટલો આવતો હતો.. જો તીર્થ આમ જ બધું ફંફોસતો રહેશે તો હમણાં તીર્થ જાગી જશે.. છેલ્લા અમુક અઠવાડીયાથી બીમાર રહેલા તીર્થને આજે માંડ માંડ બે દિવસ પછી શાંતિની ઊંઘ મળી હતી.. તેના દીકરાની ઊંઘ બગડે તે જરાય નોહતી ઈચ્છતી તારિણી એટલે તેણે ત્વરીતનું શર્ટ પાછળથી ખેંચીને તેને સહેજ હલબ્લાવ્યો અને ઓરડાની બહાર કાઢ્યો..

ત્વરિત તારિણીની આ હરકતથી છંછેડાઈ ગયો.. તેની આંખો લાલ થઇ ગઈ અને ગુસ્સા સાથે તેણે તરત જ તારિણીના વાળ ખેચીને દીવાલ સાથે તેનું માથું ભટકાવ્યું..

“સાલી કુતરી.. શું સમજે છે તારા મનમાં?? મને હતું કે લગન થશે એટલે બાયડી આવીને ઘર સંભાળશે.. મને શાંતિથી રખડવા મળશે.. મારા બધા કામ થઇ જશે ને કોઈ ચિંતા નહિ રહે.. હું શાંતિથી દારુ પીશ… ને રાતના કોલ સેન્ટરમાં જઈને રોકડા કમાઈશ.. તને પટાવવા માટે તો મળવા આવ્યો ત્યારે સંસ્કારીનું નાટક કર્યું હતું.. અને આને સાલીને ખબર નહિ કેવો વર જોઈતો હતો.. દર રવિવારે પિક્ચર ને રોજ રાતના સાથે જમવાનું, વળી રોજ દસ-બાર ફોન કરવાનાં, મહિનામાં એકાદ સાડી લેવાની ને અહા… બેનના સપના તો જોવો..”

જોરજોરથી રાડો પાડતા ત્વરિત પર તારિણીને ગુસ્સો આવી રહ્યો હતો.. હમણાં તીર્થ જાગી જશે તેવા ભયથી તેણે ત્વરીતના મોઢા પર હાથ મૂકી દીધી ને મોઢું સહેજ તેનું દબાવ્યું.. ને ત્વરિતના હોઠમાંથી લોહી નીકળી ગયું..

આ જોઈ ત્વરિતનો મગજ છટક્યો અને તેણે તારિણીને દીવાલ તરફ ધક્કો માર્યો.. તારિણી સીધી દીવાલમાં જઈને અથડાઈ અને તેના માથામાંથી લોહીની ધાર નીકળી પડી…. ને તે બેભાન થઇ ગઈ.. ત્વરિતને અચાનક ભાન થયું કે તેણે ગુસ્સામાં શું કરી નાખ્યું છે.. લોહીની ધાર વહીને તારિણીએ પહેરેલા સફેદ ડ્રેસ પર થઈને આખા ઓરડામાં ફેલાઈ રહી હતી.. તેનો દુપટ્ટો ઉડી ગયો.. ત્વરીતે તરત જ હોસ્પિટલ પર ફોન કર્યો.. ને થોડી જ વારમાં એમ્બ્યુલન્સ આવી ગઈ.. બીજા દિવસે વહેલી સવારે તારિણીને હોશ આવ્યો ત્યારે તે હોસ્પીટલમાં હતી… તેની બાજુમાં નર્સ બેઠી હતી..

“અરે બહેન.. તમે ભાનમાં આવી ગયા.. કેવું લાગે છે તમને? હું ડોક્ટરને બોલાવીને આવું..” એટલું કહીને નર્સ બહાર નીકળી અને તારિણીને બધું યાદ આવવા લાગ્યું.. ડોકટરે આવીને તેને તપાસી અને તે દિવસે સાંજે જ રજા મળી જશે તેવી જાણ પણ કરી દીધી.. “ડોક્ટર, મારો દીકરો?”

તારિણીએ તીર્થ વિશે જાણવાનો પ્રયાસ કરતા ડોક્ટરને પૂછ્યું.. “બેન તમને અહી તમારા પતિ લાવ્યા હતા.. તેમણે કહ્યું કે તમને ચક્કર આવેલા ને તમે અચાનક દીવાલ સાથે અથડાઈને બેભાન થઇ ગયા.. તમારા દીકરા વિશે અમને ખબર નથી.. તમારા પતિ બહાર ગયા છે.. હમણાં જ આવશે.”

તારિણી આ સાંભળી મનોમન ધૂંધવાઈ ગઈ.. ત્વરીતે કેવી ચાલાકીથી ડોક્ટરને જુઠું બોલી દીધું હતું.. આ બધાથી પણ વધારે ચિંતા તેને તીર્થની થઇ રહી હતી.. બે દિવસ પહેલા થયેલી એ વાત તેને અત્યારે અચાનક યાદ આવી ગઈ..

“ત્વરિત પ્લીઝ સુધરી જા… દસ વર્ષ થયા છે લગ્નને હવે.. આપનો તીર્થ પાંચ વર્ષનો થયો.. એને ખાતર સુધરી જા.. બાકી સમજી લેજે હું એને લઈને અહીંથી ચાલી જઈશ.. ને ક્યારેય તને તારા દીકરાનું મો જોવા નહિ મળે એ વિચારી લેજે..!!” આ સાંભળતા જ ત્વરીતે તારિણીની બોચી પકડીને કહેલું..

“ભૂલી જજે સાલી.. વિચારતી જ નહી એવું.. તીર્થ મારા ઘડપણની લાકડી છે.. હું જયારે નહિ કમાતો હોવ ને ત્યારે એ કમાય ને મને ખવડાવશે.. એની વહુ મને જમાડશે.. હું એની ઓફીસ પર જઈને રૂઆબ કરીશ.. એ મને વિદેશી દારુ પીવા આપશે.. એટલે મારા છોકરાને મારાથી દુર કરવાનું સપનામાંય વિચાર્યું ને તો તને ઉભી ને ઉભી ચીરી નાખીશ હા…!!”

આ વાત યાદ આવતા જ તારિણી તેના બેડ પરથી ઉભી થઇ.. હજુ થોડી અશક્તિ તો હતી જ તેનામાં.. પરંતુ તીર્થની વાતને લઈને તે કઈ વધારે વિચારવા નહોતી માગતી.. તે બહાર નીકળવા જતી જ હતી કે ડોક્ટર આવ્યા.. પરંતુ પોતાની તબિયતની જવાબદારી પોતાના પર લઈને તે નીકળી ગઈ..

ઘરની ચાવી બાજુવાળાને ત્યાં જ હતી.. એ લઈને તે ઘરમાં અંદર પહોચી ત્યારે ત્વરિત ઘરમાં નોહ્તો.. હા તીર્થ ત્યાં જ હતો.. પલંગ પર સૂતેલો.. તારિણીને સહેજ નવાઈ લાગી કે ત્વરિત તીર્થને એકલો મુકીને ક્યાં ગયો હશે..! પરંતુ વધારે નાં વિચારતા તેણે પોતાનો સમાન બાંધ્યો.. કારણકે આ જ સમય હતો ત્યાંથી ભાગી નીકળવાનો.. ફક્ત એક જ બેગ અને તેમાં પોતાના અમુક કપડા. અને બીજી થોડી વસ્તુઓ.. ને તીર્થના કપડા.. બધું લઈને તે નીકળી ગઈ.. પોતાના માં-બાપ પાસ જવાનો મતલબ નોહ્તો.. તે લોકો તેને સાથ નહિ જ આપે એ વાત તારિણી જાણતી હતી..!

તે સમાન લઈને તે શહેરમાં રહેતા તેના એક સ્કુલ ટીચરના ઘરે પહોચી.. બધી વાત કર્યા બાદ તે રેણું મેડમે જ તારિણીને કોર્ટમાં કેસ કરવાનો સુજાવ આપ્યો હતો.. અને તેને એક શાળામાં શિક્ષિકા તરીકે નોકરી પણ અપાવી દીધી. તારિણી એક જગ્યાએ મકાન ભાડે લઈને રહેવા લાગી.. ત્વરિત ઘણી વખત આવી આવીને તેને ધમકી આપી જતો. તેનાથી તારિણી ત્રાસી ગઈ હતી.

આ વાતને આજે છ મહિના થવા આવ્યા હતા.. અને હવે તારિણી થાકી ગઈ હતી. ત્વ્રીતની ધમકીઓ અને તેના રીઢા સ્વભાવથી હવે તેને ડર લાગતો હતો. રોજ રોજ તે કોર્ટમાં જતી.. તેણે ફાઈલ કરેલા ડિવોર્સ માટે થઈને હિયરીંગ સાંભળવા.. પરંતુ ત્વરિત દર વખતે નવા નવા જાતજાતના મુદ્દાઓ લાવીને પોતાની સચ્ચાઈ સાબિત કરતો.. લોકોને હવે તારિણી ખોટી લાગવા લાગી હતી.. આજે તેને કોર્ટ તરફથી છેલ્લી તારીખ મળી હતી.. સાબિત કરવા માટે કે ત્વરિત પોતાના અને બાળક માટે યોગ્ય નથી.. અઠવાડિયા પછીની એ તારીખ હતી.

આજે આખરે એ દિવસ આવી ગયો.. આજે કદાચ છેલ્લું હિયરીંગ હતું. “શું સાબિતી છે આજે તમારી પાસે કે તમારા ક્લાઈન્ટે ત્વરિત મહેતા પર છૂટાછેડા માટે મુકેલો આરોપ સાચો છે..”

વકીલને પૂછવામાં આવેલા જજ સાહેબના આ સવાલથી તારિણી હવે કંટાળી ગઈ હતી.. સબુત.. સબુત અને સબુત.. એના સિવાય કોઈ વાત નથી..!!! તે પોતાની જગ્યાએથી ઉભી થઇ અને જજસાહેબ પાસે બોલવાની સંમતિ લઈને કઠેડામાં આવી.. તેના હાથમાં બે કપડા હતા.. કોર્ટમાં હાજર સહુની, ખાસ તો ત્વરિતની નજર તેના પર ચોટી ગઈ.. “સર.. સાબિતી વગર તમે નિર્ણય નથી લઇ શકતા એ હું પણ જાણું છું. એટલે જ આજે હું પુરતી સાબિતી લઈને આવી છું.. કે જેથી તમે મને હવે તારીખ નાં આપો..!!” તારિણી પોતાની વાત આગળ વધારતા બોલી..

“સર, તમને દેખાય છે મારા હાથમાં આ બે કપડા છે.. બન્ને સફેદ છે. બંનેમાં લાલ નિશાન છે.. લાલ ડાઘ છે.. એક જે કપડું છે તેમાં મારા કંકુપગલાના નિશાન છે.. પવિત્ર એવા લગ્નની નિશાની સમાં કંકુથી થયેલા પગલા…!!! બીજા કપડામાં લાલ રંગ છે એ મારા લોહીનો રંગ છે..!!! મારી સગાઇ થઇ ને ત્યારે આ સફેદ કપડું પાથરીને ત્વરિતના અમુક સગાઓએ મારા કંકુ પગલા કરાવ્યા હતા તેના ઘરમાં.. ત્યારથી મેં આ સાચવીને રાખ્યું છે.. મને કહ્યું હતું સાચવવાનું.. કારણકે હું ઘરની લક્ષ્મી છું.. ને મારા પગલા શુભ કહેવાય.. એવું મને ત્વરીતે અને તેના સગાઓએ કહેલું..!!” હતાશાની મુસ્કાન સાથે તારિણીએ આગળ કહ્યું..

“બીજી તરફ આ સફેદ દુપટ્ટો છે તેમાં લાગેલા લોહીના નિશાન ત્વરીતે મને દીવાલ તરફ ધક્કો માર્યો ત્યારના છે.. સાહેબ આ બંનેનો રંગ લાલ છે.. પણ એક અશુભ છે અને શુભ.. મારી જિંદગી પણ કંઇક આવી જ છે.. તેમાં ખુશી તો છે પરંતુ ત્વરીતના એકલાની.. મારા બાળક પાસે માંનું વહાલ તો છે.. પરંતુ પિતાનો પ્રેમ નથી.. આ સફેદ દુપટ્ટામાં લાલ નિશાન તો છે પણ તે શુભતાનું નથી.. મારી નબળાઈનું છું.. ત્વરિતના મારા પરના અત્યાચારનું છે..

આ લોહીના નિશાન મારા પગલમાં ભળીને મને પાછી વળવાનું કહી રહ્યા છે.. સાહેબ મહેરબાની કરીને આ કંકુપગલાને ન્યાય આપો…!!” તારિણીની વાત આખી કોર્ટના લોકો સ્તબ્ધ બનીને સાંભળી રહ્યા.. જ્જ્સાહેબની આંખમાં આંસુ હતા અને તારિણીના ચહેરા પર કંકુપગલાને સાચી રીતે સાબિત કર્યાનો સંતોષ..

એક જ મહિનામાં તારિણીને છુટ્ટાછેડા મળી ગયા..!! તે દિવસે તે તીર્થને લઈને નદીકિનારે ગઈ.. તેની સાથે કંકુપગલાં વાળું સફેદ કપડું પણ હતું.. એ કપડાને ત્યાં નદીમાં વહાવીને પોતાની પાછલી જિંદગીને પણ ભૂલી જવા માગતી હોય તેમ તેણે એ કપડાને અને કંકુપગલાને વિદાય આપી દીધી..!

લેખક : આયુષી સેલાણી

દરરોજ આવી અનેક લાગણીસભર વાર્તાઓ વાંચો ફક્ત અમારા પેજ પર.