કામદા એકાદશી વ્રત છે ખાસ, કરે છે સૌની મનોકામનાઓ પૂરી. વ્રતની વિધિ અને કથા જરૂર જાણી લો…

હિન્દુ કેલેન્ડર મુજબ ચૈત્ર મહિનાના નોરતાં પછી આવેલ આ એકાદશીનું ખૂબ જ મહત્વ છે. તે નવા વર્ષ પહેલાં આવતી પહેલી એકાદશી છે. માન્યતા છે કે તે દિવસની અગિયારસ જે કોઈ ભક્ત ભાવપૂર્ણ કરે છે તેમની બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ વ્રતની રીત અને કથા પણ એટલી અનોખી અને રસપ્રદ છે. કહેવાય છે કે આ વ્રત કરવાથી બ્રહ્મ હત્યા જેવા મહાપાપોથી પણ મુક્તિ મળી શકે છે.


વ્રતની અનોખી રીત


જોવા જઈએ તો દરેક માસની એકાદશીનું મહત્વ છે અને તે દિવસે ઉપવાસ અને પૂજા – પાઠ કરવા જોઈએ એવું “એકાદશ્યાં ન ભૂંજીત પક્ષયોરૂભયોરપિ” પૂરાણોમાં કહેવાયું છે. કામદા એકાદશીનું મહત્વ અનેરું છે. આ અગિયારસના દિવસે ઉપવાસ કરવાનો રહે છે. જેમાં આખો દિવસ કોઈ જ ધાન્ય ખાવાનું હોતું નથી તેથી તેના આગલે દિવસે દસમના મગ, જવ કે ઘઉંથી બનેલ કોઈ વાનગી ખાઈ લેવી જોઈએ. એવું વ્રતની રીતમાં કહેવાયું છે. પુરાણોમાં આ વ્રત અને તેની કથા ખૂબ જ સરસ રીતે જાણાવાયેલ છે જે સનાતનકાળથી ભક્તો અનુસરે છે.


વ્રતનો સંકલ્પ


આ વ્રત રાખીને સવારે સ્નાનાદિ કાર્યો પતાવીને ભગવાન શ્રી નારાયણની પૂજા કરાય છે. તેમની મૂર્તિ કે છબીને પારણાંમાં ગોઠવીને ધૂપ – દીપ – નૈવેદ્ય અને કથા વંચાય છે. સાથે જે કોઈપણ મનોકામના મનમાં હોય તે વિચારી લઈને સંકલ્પ કરાય છે. સંકલ્પમાં “મમ અખિલપાપક્ષયપૂર્વક પ્રીતિકામનયા કામદા એકાદશી વ્રત કરિષ્તે” બોલીને જળ સમર્પિત કરાય છે. કહેવાય છે કે મારા આ જન્મે અને દરેક ભવના સઘળાં પાપોનો નાશ કરીને મારી દરેક મનોકામનાઓની પૂર્તિ થાય તેવું કરજો.


વિધિ


કથા વાંચીને પૂજા અર્ચન કર્યા બાદ ફળાહાર કરી શકાય છે. અને રાતે ભજન – કિર્તન – સ્તવન ઇત્યાદિ પાઠ કરીને જાગરણ કરવાનું રહે છે. બીજે દિવસે સવારે સ્નાન કરીને ભગવાનના દર્શન કર્યા બાદ પારણું કરવાનું રહે છે.


વ્રતની કથા


પૌરાણિક કાળમાં કહેવાયેલ આ વ્રતની કથા સાંભળવી કે વાંચવી ભક્તોને માટે એક રસપ્રદ અનુભવ છે.


પુરાણોમાં દર્શાવેલી કથા મુજબ આ એક દંપતીની વાર્તા છે. જેઓની મનોકામના સાથે અગિયારસનું મહત્વ સદાય માટે વધ્યું હતું.


યુગો પહેલાં ભોગાવતી નામની નગરીમાં પુંડરીક નામે રાજા હતો. તે રાજાની યશ કિર્તી અપરમપાર હતી. તેમના રાજમાં યક્ષો, અપ્સરાઓ, ગાંધર્વો અને કિન્નરો આદરથી રહેતાં હતાં. તેમના દરબારમાં ગાયક તરીકે સ્થાન પામેલા લલિત નામે એક સ્વરૂપવાન ગાંધર્વ હતા. લલિતા નામે તેમને અતિ સુંદર પત્ની. બંને કાયમ એકમેકના પ્રેમમાં અતિ આસક્ત રહેતાં.


એક વખત ગાંધર્વ લલિત પુંડરિક સભામાં ગાયન રજૂ કરી રહ્યા હતા. એવામાં એમને પત્ની લલિતાનું સ્મરણ થઈ આવ્યું અને ગીત ગાતાં પત્નીની યાદમાં ખોવાઈ ગયા અને ભૂલો કરવા લાગ્યા. સભામાં હાજર કર્કોટક નામનો નાગ તેના મનની સ્થિતિ જાણી ગયો અને તેણે પુંડરિક રાજાને જઈને હકીકત જણાવી દીધી.


આ સાંભળતાં રાજા પુંડરિક ખૂબ ગુસ્સે થયા અને તેને તરત જ સજા સંભળાવતાં શ્રાપ આપી દીધો. તેમણે કહ્યું, “હે ગાંધર્વ ! હે પાપાત્મા ! હે કામી ! તું તત્કાલ રાક્ષસ બની જા…” જોતજોતાંમાં તે હિમાલય જેવો વિરાટ અને કાળો – બિહામણો રાક્ષસમાં ફેરવાઈ ગયો. તેના નેત્રો રાતાચોળ અને ભયાનક લાગતાં હતાં.


બીજી તરફ, લલિતાને આ બાબતની જાણ થતાં તે ખૂબ દુઃખી થઈ. તે સતત વિચારવા લાગી કે મારા પ્રેમાળ પતિને ફરી મૂળ સ્વરૂપમાં કઈ રીતે પાછા લાવવા. તે રાક્ષસની પાછળ પાછળ એ જ્યાં જાય ત્યાં જતી. દરેક પ્રકારના પ્રયત્નો અને યુક્તિ કરતી જેથી તે પતિને ફરીથી મેળવી શકે. એ સમય દરમિયાન વિકરાળ રાક્ષસ જે મળે તે ખાઈ લેતો અને આગળ ચાલતી પકડતો. તેઓ વિચરતાં વિચરતાં વિંદ્યાચલ પ્રદેશની પર્વતમાળામાં આવી ચડ્યાં.


ત્યાં તેમણે ૠષ્યશૃંખ ઋષિનો આશ્રમ જોયો. આ દુઃખી દંપતીને તેમની સમસ્યાનું સમાધાન મળવાની આશા જાગી. બંને ઋષિ પાસે પહોંચીને પ્રણામ કર્યા અને આપવીતી જણાવી. મુનિએ તેમને એક ઉપાય બતાંવતાં ચૈત્ર મહિનાની કામદા એકાદશીનું વ્રત કરવા કહ્યું. તેઓ બંને ઋષિ મુનિના કહેવા મુજબનું વ્રત કર્યું અને તેનું તમામ પૂણ્ય ફળ ભગવાન શ્રી વિષ્ણુને અર્પણ કરી દીધું.


પરિણામે ગાંધર્વ લલિતનું દેહ સ્વરૂપ પહેલાં કરતાં પણ વધુ તેજસ્વી થઈ ગયું અને પત્ની લલિતાનું પણ સૌંદર્ય ઇન્દ્રાણી સમું શોભાયમાન બન્યું. આ દંપતી ઇશ્વરનો પાડ માનીને તેમની નગરી ભોગાવતી પાછાં ફર્યા અને રાજા પુંડરિકને જઈને મળ્યાં. તેમણે રાજાને સઘળી કથની કહી. ઋષિના અશીર્વાદ અને વ્રતનું પૂણ્ય ફળ વિશે જાણીને તેઓ ખૂબ ખુશ થયા અને દરબારમાં એજ સન્માન સાથે ગાંધર્વ લલિતને સ્થાન આપ્યું.


વ્રતનું ફળ


આ દિને વ્રત કર્યું હોય ત્યારે સંયમિત અને સાત્વિક દિવસ પસાર કરવો તથા ભગવાન વિષ્ણુને પૂજા કરીને પૂણ્ય ફળ સ્વરૂપે લવિંગ જરૂર ચડાવવા જોઈએ. કપરી પરિસ્થિતિમાં પણ મનોકામના પૂર્ણ થાય તેવી પૌસાણિક સમયથી આ એકાદશીના સંદર્ભે ભક્તોને આસ્થા છે.