શું તમારી ડ્રીમ જોબમાં તમારું બેડોળ શરીર આડખીલી રૂપ છે ? તમે એવું માનો છો કે વધુ પડતુ જાડાપણુ તમને તમારી નોકરીમાં તકલીફ આપે છે ? તો આ જાડાપણુ દૂર કરવા શું કરશો ? તમે ઓફિસમાં કામ કરતાં હોવ કે, બહાર ફીલ્ડ પર અથવા સ્કુલમાં કે પછી હોસ્પિટલમાં – વજન ઉતારેલું રાખવું અને કામ કરવું એ એક અઘરૂ કામ છે.
ચાલો ઓફિસ દરમિયાન વજન ઉતારવા માટે આટલું કરીએ:-
ગ્રીન ટી પીવોઃ- ચાલુ ઓફિસે વારંવાર ચા કોફી પીવો છો ? ચામાં આવતાં મલાઈવાળા દૂધ અને ખાંડ તમારું વજન વધારી શકે છે માટે જ ગ્રીન ટી પીવાનું શરૂ કરો વળી, રીસર્ચ જણાવે છે કે ગ્રીન ટી પીવાથી તમારું મેટાબોલીઝમ વધે છે અને તમે દિવસની 78 કેલરી વધુ બાળી શકો છો. વળી ગ્રીન ટીના પેકેટ ઓફિસમાં જ રાખીને બનાવવાથી બીજી આડીઅવળી વસ્તુઓ જેમ કે બીસ્કીટ, કે નાસ્તા પણ ઓછા લેવાય છે.
દિવસની શરૂઆત બ્રેકફાસ્ટથી કરોઃ- અવારનવાર દરેક સ્ટડીમાં એવું જાણવા મળ્યું છે કે જો દિવસની શરૂઆત નાસ્તાથી કરવામાં આવે તો દિવસ દરમિયાન ખોટી ભૂખ લાગતી નથી અને જરૂર વગરની વસ્તુઓ ખાવાનું મન પણ થતું નથી. ઘણીવાર એમ લાગે છે કે જો સવારનો નાશ્તો ના કરીએ તો દિવસ દરમિયાન નાસ્તાની બચાવેલી કેલેરી કરતાં વધુ કેલેરી લેવાઈ જાય છે.
ડાયટ ફુડ ચકાસીને લોઃ- ફક્ત વસ્તુઓની ઉપર ડાયટ ફુડનું લેબલ મારવાથી તે ડાયટફુડ બનતું નથી. ઘણીવખત તેને સ્વાદિષ્ટ બનાવવા વધુ પડતું મીઠું અને ખાંડનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. વળી મોણ પણ વધુ નાખવામાં આવે છે. વળી ડાયટફુડ ખાવાના વિચારથી જ વ્યક્તિ વધુને વધુ ખાધા કરે છે. માટે ઘણીવાર ડાયટફુડ ખાવાથી ફાયદો થવાને બદલે વધુ નુકસાન થાય છે.
લીઝા શાહ (ડાયેટીશ્યન)