જલ્સા કરોને જેંતીલાલ

કાળું ટપકું – તેની માતા લોકોથી બચાવવા માટે કરતી હતી કાળું ટપકું, પણ જયારે હકીકત આવે છે સામે…

“ગંગા, ઉભી રે તો.. કાળું ટપકું કર્યું કે નહિ તે? મને જોવા દે લાવ.. હું આવું છું..!”

પાર્વતીબહેન તેમની દીકરી ગંગાને કહી રહ્યા હતા. ગંગા અને પાર્વતિબહેન શહેરના સીમાડે આવેલી એક ઓરડીમાં રહેતા.. ગંગાના પિતાજી શંકરભાઈનું પાંચ વર્ષ પહેલા હ્રદયરોગના હુમલાથી અવસાન થયેલું.. તે પછી પાર્વતીબહેન ઘરે ઘરે રસોઈ કરવા જાય અને ઘર ચલાવે.. ગંગાને કોઈ ભાઈ-બહેન નહોતા એટલે બેય માઁ-દીકરીની જરૂરિયાતો પુરી થઇ રહેતી. ગંગાના પિતાજી અવસાન પામ્યા ત્યારે તે બારમા ધોરણમાં હતી. આજે પાંચ વર્ષ પછી તે એમ.કોમ કરીને એક ખાનગી કંપનીમાં રીસેપ્નીશ્ટ તરીકે કામ કરી રહી હતી. રોજ સવારે તે નવ-સવા નવ વાગ્યે નીકળે અને રાતના નવ વાગ્યે ઘરે પાછી આવે.

દસ વર્ષ પહેલા શંકરભાઇ હયાત હતા ત્યારે આ ઓરડી તેમણે પોતાની બચતમાંથી ખરીદી હતી. ઓટલો હતો ને રોટલા જેટલું હવે ગંગા કમાઈ લેતી.. પરંતુ પાર્વતીબહેનને ગંગાની ચિંતા બહુ રહે. જમાનો ખરાબ છે એમ કહીને તેઓ તેને નજર ના લાગે તેથી કાળું ટપકું ફરજીયાત કરવાનું કહેતા.. જમણા કાનની પાછળ એક રૂપિયાના સિક્કા જેવડું ગોળમટોળ કાળું ટપકું પાર્વતીબહેન હંમેશ કરાવીને જ ગંગાને ઓફિસ મોકલતા.

આછા રંગની સાડીના પાલવે હળદર વાળા હાથ લૂછતાં લૂછતાં પાર્વતીબહેન ગંગા પાસે આવ્યા અને કાનની પાછળ નજર કરીને બોલ્યા, “કેમ??? તને કહ્યું છે ને કાળું ટપકું કર્યા વગર ઘરની બહાર નહિ જવાનું.. કેમ નથી કર્યું? અહીં આવ ચાલ.. હું કરી દઉં છું…” પાર્વતીબહેને પોતાની આંખે કરેલા આંજણમાંથી આંગળી ઘસીને ગંગાના કાન પાછળ ટપકું કરી દીધું..!! કટાણું મોં કરીને ઉભેલી ગંગા ચિડાઈ ગઈ અને તેની માઁને વઢતા કહેવા લાગી,

“માઁ શું છે આ તારું યાર રોજનું..! છેલ્લા સાત-આઠ વર્ષથી આપણે અહીં રહેવા આવ્યા ત્યારથી તું આ કાળા ટપકાની લપ નથી છોડતી. હવે હું મોટી થઇ ગઈ છું. ઓફિસે બધા જુએ તો કેવું લાગે તને ખબર છે?? આજે તો તું મને આ કાળા ટપકાનું રહસ્ય કહી જ દે…!” ત્રેવીસ વર્ષની દીકરીની વાત સાંભળી પાર્વતીબહેનનું મોઢું પડી ગયું.. તેમને લાગ્યું દીકરી બહુ મોટી થઇ ગઈ છે. માઁની લાગણી અને મમતાની જાણે હવે તેને ફિકર જ નથી…!

“બસ દીકરી. આટલો જ વિશ્વાસ ને તને મારા પર..?! આ કાળું ટપકું હું કઈ શોખથી નથી કરતી… મનેય ખબર છે તમને આજકાલના જુવાનિયાઓને આ બધું ના ગમે પણ દીકરી આ તને ખરાબ નજરથી બચાવવા માટેનો સહેલો ઉપાય છે. આપણે જે વસ્તીમાં રહીયે છીએ ત્યાં નેવું ટકા મુસલમાન જ રે છે. એમાંય શેરીના નાકે બધાય રાતના પોતાના બાઈક લઈને લઠ્ઠાની જેમ બેઠા હોય ને તું એવા ટાઈમે ઘરે આવ ને ત્યારે મારો જીવ ગભરાતોહોય.. આ બધા મુલ્લાઓનો કઈ ભરોસો ના કરાય…! ક્યારે શું કરી લે ખબર નહિ.. એમાં આ કાળું ટપકું તને એ બધાની ખરાબ નજર ને વિકૃત બુદ્ધિથી બચાવી રાખે. આપણી સ્ત્રીજાત વળી બહુ ભોળી.. ને એમાંય તું તો જુવાન છોકરીની જાત.. ઝટ કોઈ મુસલાની વાતમાં આવી જા ને કઈ ના થવાનું થઇ જાય તો હું ક્યાં જઈને માથું ભાંગું..?!?!?”

ગંગાને માઁની વાત બહુ અજુગતી લાગી.. આજના જમાનામાં આવો જાતિવાદ ને આવી જુનવાણી વાતોનો કોઈ મતલબ નથી તેવું તેને લાગ્યું.. પણ માઁની લાગણીને ઠેસ પહોંચાડવી ઉચિત ના લાગતા તેની વાતમાં સુરપુરાવીને તે ઘરેથી નીકળી ગઈ..

ગંગાની ઓફિસ છેક શહેરના બીજા છેડે આવી હતી. રોજ સવારે સવા નવે નીકળે ત્યારે દસ વાગ્યે પહોંચે.. રાતના પણ આઠ વાગ્યે છુટ્ટીને બસમાં આવે એટલે તેને ઘરે પહોંચતા નવેક વાગી જ જાય.. પાર્વતીબહેન સ્વભાવે બહુ રૂઢિચુસ્ત.. એમાંય વાત જો મુસલમાનની આવે તો તો એમને અણગમો જ થઇ જાય.. મોઢું તરત વંકાઈ જાય ને આંખો લાલ થઇ જાય.. શઁકરભાઈએ અહીં આ મુસ્લિમ વસ્તીમાં ઓરડી લીધી ત્યારે એક મહિના સુધી પતિ સાથે અબોલા રાખ્યા હતા.. હવે વધતા જમીન-મકાનના ભાવમાં અહીંથી બીજે જવું પોસાય તેમ નહોતું એટલે બંને માઁ-દીકરી આ ઓરડીમાં જેમતેમ રહી લેતા..

જે દિવસે માઁએ કાળા ટપકાનું રહસ્ય કહ્યું એ દિવસ પછીથી ગંગા તે ટપકું કરવા માટે કોઈ જાતની આનાકાની ના કરતી.. માઁને ખુશ રાખવામા ધીરે ધીરે હવે તેનો મગજ પણ વહેમીલો થઇ ગયો હતો કે એ કાળું ટપકું તેને મુસલમાનની ખરાબ નજરથી બચાવે છે.

એકાદ મહિનો વીતી ગયો… તે દિવસે ગંગાને ઓફિસમાં કામ હોવાથી ઘરે આવવામાં મોડું થવાનું હતું.. માઁને ચિંતા ના થાય તેથી તેણે ફોન કરીને સુઈ જવાનું કહેલું. ઓફિસનું બધું કામ પતાવીને છેલ્લી બસમાં બેસીને ભૂખ્યાપેટે ગંગા પોતાના એરિયાના બસ-સ્ટોપ પર ઊતરી ત્યારે રાતના અગિયાર વાગ્યા હતા. ડિસેમ્બર મહિનાની કડકડતી ઠંડીનો માહોલ હતો.. અગિયાર વાગ્યાનું અંધારું એટલે જાણે રાતના ત્રણ વાગ્યા હોય તેવું ભાસે.. બસ-સ્ટોપથી ગંગાનું ઘર માંડ 300 મીટર હતું. પણ આવા સમયે તેને એ ત્રણસો મીટર બહુ આકરા લાગી રહ્યા હતા. “હનુમાન ચાલીસા“ ના પાઠ કરતી કરતી ગંગા ધીમે ધીમે ઘર તરફ જઈ રહી હતી કે અચાનક એક બાઈકવાળાએ તેનો રસ્તો રોક્યો..

ગભરુ ગંગા બાઇકવાળાને જોઈને બેભાન થવાની અવસ્થામાં પહોંચી ગઈ. મોઢે રૂમાલ બાંધેલો તે છોકરો ગંગાનો દુપટ્ટો ખેંચી તેની સામે વિકૃત નજરે જોવા લાગ્યો.. ગંગા ખુબ ગભરાઈ ગઈ.. શું કરવું સમજ ના પડતા દોડવા લાગી. ઘર તરફ જવાને બદલે ઉંધી દિશાએ દોડતી ગંગાની પાછળ પાછળ જ તે બાઇકવાળો આવી રહ્યો હતો..ગંગાની બિલકુલ નજીક પહોંચીને તે બાઇકવાળો તેના ખભાને અડકવા ગયો કે ત્યાં જ કોઈએ તેને મુક્કો મારીને બાઈક પરથી ઉથલાવ્યો અને બે-ચાર અડબોથ લગાવી દીધી.. ને ત્યાં તો બાઈક રેઢું મૂકીને પેલો ચાલ્યો ગયો.. બાઈકવાળાને ઉભી પૂંછડીએ ભાગતો જોઈ ગંગાના જીવમાં જીવ આવ્યો.. પોતાને મદદ કરનાર અને તે બાઇકવાળાને ભગાડનાર તે માણસનો આભાર માની, તેના વિશે જાણી ગંગા તેને પોતાના ઘરે લઇ ગઈ.. સમજોને કે હવે તે માણસ ગંગાને એકલી નહોતો જવા દેવા માગતો..

દુપટ્ટા વગરની, દયનીય હાલતમા દરવાજાની અંદર દાખલ થતી દીકરીને જોઈને પાર્વતીબહેન આકુળવ્યાકુળ થઇ ગયા. તેમાં પણ દીકરી સાથે આવેલા આંગતુકને જોઈને આશ્ચર્ય વધારે થયું.. પાણીનો ગ્લાસ ભરીને દીકરીને આપ્યો અને પૂછ્યું, “ગંગા, શું થયું??? કેમ તું ડરેલી લાગે છે?? તારો દુપટ્ટો ક્યાં? વાળ તો જો તો તારા કેવા અસ્તવ્યસ્ત થઇ ગયા છે.. અને આ ભાઈ કોણ છે? ઘરે કેમ આવ્યા છે? બધું ઠીક તો છે ને??”

માઁના દરેક સવાલનો જવાબ આપતા ગંગાએ પોતાની સાથે બનેલું સઘળું કહ્યું અને ઉમેર્યું કે “આ ભાઈ ના હોત તો આબરૂ લૂંટાઈ ગઈ હોત..!” તરત જ પાર્વતીબહેન બોલ્યા, “જોયું હું નહોતી કહેતી કે આ મુસલમાનની નજર બહુ ખરાબ હોય.. નક્કી આ કોઈ મુલ્લાનું કામ છે. જોવા દે તો કાળું ટપકું કર્યું છે કે નહિ તે???” કહીને પાર્વતીબહેન ગંગા પાસે ગયા અને તેના કાન પાછળ જોઈને બોલ્યા,

“હા આ જો આજે ભૂલી ગઈ ને.. એટલે જ એટલે જ આ પરચો બતાવ્યો માતાજીએ… કાળા ટપકાની તાકાત ખબર પડી ને તને?? મુસલમાન આજ સુધી તારી નજીક નથી આવ્યા.. એ આ કાળા ટપકાને લીધે.. અને આજે આબધું બન્યું કારણકે તું કાળું ટપકું કરતા જ ભૂલી ગયેલી..!” ધૂંધવાતા મને પાર્વતીબહેન ગંગાને મુસલમાન વિશે એલફેલ બોલતા હતા કે ગંગાએ તેમને અધવચ્ચેથી અટકાવ્યા અને કહ્યું,

“બસ માઁ…. હવે નહિ..! હું હવે આ જાતિવાદ ને ધર્મના નામે થતા ભેદભાવ વિરુદ્ધ એકપણ શબ્દ નહિ સાંભળું.. હા મેં નહોતું કર્યું કાળું ટપકું..! પરંતુ મારી આબરૂ જે આજે બચી ગઈ તે આ કાળા રંગના લીધે જ.. કાળું પઠાણી પહેરીને આવેલા આ સલીમભાઈએ જો મારી આબરૂ ના બચાવી હોત તો અત્યારે તું ને હું કોઈને મોં બતાવવા લાયક ના રહ્યા હોત..! જે મુસલમાનની તું બદબોઈ કરે છે ને એ જ મુસલમાને ખુદાના ફરિશ્તા બનીનેમને બચાવી છે..! મને નથી ખબર જે માણસ મારી આબરૂ લૂંટવા માગતો હતો તે ક્યાં ધર્મનો હતો.. પરંતુ એટલું ખાતરીથી કહી શકું કે જેણે બચાવી તે મુસલમાન છે.. કાળું ટપકું તો ત્યારે પણ હતું જ.. સલીમભાઈના સ્વરૂપે…!” ગંગાની વાત સાંભળી અવાક પાર્વતીબહેન ઘડીક સલીમને તો ઘડીક દીવાલ પર લગાવેલા માતાજીના ફોટાને જોવા લાગ્યાં…!!!

લેખક : આયુષી સેલાણી

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version