કાજુ કારેલા નું શાક – અમદાવાદથી જલ્પાબેન લાવ્યા છે, કાજુ કરેલાનું શાક બાળકો પણ રાજી રાજી ખાઈ લેશે…

આમ તો મોટાભાગે કારેલા નું નામ સાંભળીને જ કડવું લાગી જાય છે. ઘણા ના ઘર માં કારેલા નું શાક બનતું છે જ નથી. પરંતુ જો શાક ટેસ્ટી હશે તો એની કડવાશ ભૂલી બધા ને એ ખૂબ ભાવશે.

કારેલા સ્વાસ્થય માટે ખૂબ જ ગુણકારી હોય છે અને પોષકતત્વો થી ભરપૂર હોય છે. કારેલામાં પાલક કરતા બમણું કૅલ્શિય અને કેળા કરતા બમણું પોટેશિયમ હોય છે. તેમજ ફાયબર , આર્યન , મેગ્નેશિયમ અને બીજા વિટામિન્સ થી ભરપૂર એવા કારેલા ને ચોક્ક્સ થી તમારા રસોઈ માં સ્થાન આપો.

ખૂબ જ સરળ અને સ્વાદ માં ટેસ્ટી એવા કાજુ કારેલા ના શાક ની રેસિપી આજે લાવી છુ.

સામગ્રી:-

5-7 નંગ કુણા હોય તેવા કારેલા

12-15 નંગ કાજુ

2 ચમચા ગોળ

1 ચમચો તલ

1 ચમચો સૂકા ટોપરાનું છીણ

1 ચમચો તેલ

1/8 ચમચી જીરું

1/8 ચમચી હળદર

ચપટી હિંગ

1 ચમચી લાલ મરચું

1 ચમચી ધાણાજીરું

મીઠું સ્વાદાનુસાર

કોથમીર ગાર્નીશ કરવા માટે

રીત:-

એક કડાઈ માં ટોપરાનું છીણ અને કાજુ એક મિનીટ માટે શેકી ને બાજુમાં રાખી દો.

સૌ પ્રથમ કારેલા ને ધોઈ ને સાફ કરી લો. તેના નાના ગોળ એકસરખા કટકા કરી લો. ( મે કારેલા ની છાલ નથી ઉતારી . કેમકે તે ખૂબ જ પૌષ્ટિક હોય છે . કુણા કારેલા લીધા હોવાથી શાક જલ્દી થઈ પણ જશે. હવે કારેલા ના કટકા માં સ્વાદાનુસાર મીઠું ઉમેરી ને બરાબર મિક્સ કરી લો .હવે આ મીઠું થી ચોળેલા કારેલા ને 10-15 મિનિટ નો રેસ્ટ આપો . ત્યારબાદ કારેલા ને હાથેથી દબાવી ને મીઠા નું પાણી નીકાળી લો. જેથી તેની કડવાશ ઓછી થઈ જાય છે.

હવે એક કડાઈ માં તેલ ગરમ કરો તેમાં જીરું અને તલ ઉમેરી થાય એટલે હિંગ , હળદર અને કારેલા ઉમેરી ને મિક્સ કરો. અને ધીમા તાપે શાક ને થવા દો. જ્યારે કારેલા બરાબર ચઢી જાય એટલે તેમાં ટોપરા નું છીણ, કાજુ , ગોળ ,ધાણાજીરું અને મરચું ઉમેરી ફરી થી બધું 2-3 મિનીટ માટે થવા દો. બધા મસાલા એકરસ થાય અને રસો થાય એટલે કાજુ કારેલા નું શાક તૈયાર છે.
હવે ગેસ બંધ કરી સમારેલી કોથમીર ઉમેરીને ગરમા ગરમ શાક રોટલી, ભાખરી કે પરોઠા જોડે સર્વ કરો.

નોંધ:-

કારેલા કુણા હોય તેવા લેવા જેથી તેમાં બી ઓછા હોય.
તમે અડધી ખાંડ અને અડધો ગોળ પણ લઈ શકો.
મસાલાઓ તમારા સ્વાદ મુજબ વધુ ઓછા કરી શકો.
વધારમાં ડુંગળી પણ ઉમેરી શકાય છે.
મીઠું ઓછું લાગે તો પાછળ થી ટેસ્ટ કરી ને ઉમેરી શકો .
તલ અને ટોપરા ના છીણ ના લીધે સ્વાદ ખૂબ જ સરસ આવે છે.

રસોઈની રાણી : જલ્પા મિસ્ત્રી (અમદાવાદ)