કહ્યા વગર લેવાતી કાળજી એટલે પ્રેમ – Must Read For All Couple !!

દિશા અને અનુજ રંગેચંગે પરણી પધાર્યાં. અનુજના પિતા વર્ષોથી પથારીવશ હતા. આથી માતા દામિની ઘરનાં સર્વેસર્વા બની ગયાં હતાં. પિતાને સારું એવું પેંશન મળતું અને અનુજ પણ ઠીકઠાક કમાતો હોવાથી, સુખસાહેબીમાં કોઈ કમી નહોતી.

અનુજ સવારે નોકરીએ જતો રહેતો. ઘરમાં નોકર અને રસોઈ માટેનો મહારાજ, રોજ પોતપોતાના કામ સંભાળતાં. બીમાર સસરા અને દમદાર સાસુ વચ્ચે દિશા મેગેઝીનો ઉથલાવી સમય પસાર કરતી. ટીવીનું હોય કે ઘરનું, રિમોટ કંટ્રોલ દામિનીના હાથમાં રહેતું. લગ્ન પછીના થોડા દિવસો મહેમાનો વગેરેને લીધે નીકળી ગયા. દિશાને પોતાના ઉપર થતા સીધા અન્યાય અંગે કોઈ ખ્યાલ ન આવ્યો.

એક દિવસ બપોરે જમતી વખતે, ટેબલ પરથી દામિનીએ ભાતનો કટોરો ઉપાડી, મોટા ભાગના ભાત બીજા વાસણમાં કાઢી, પોતાની પાસે મૂકી રાખ્યા. ચપટી ભાત દિશાના ભાગ્યમાં આવ્યા.

બીજા એક દિવસે સવારે, અનુજનો ડબ્બો ભરાઈ ગયા બાદ, દામિની મહારાજને કહેતાં સંભળાયાં :” ગણી ને છ રોટલી બનાવજો. પરમદિવસના ભાત અને કાલ સવારની રોટલીઓ પડી છે તે દિશા ખાશે.” મહારાજનું કામ શેઠાણીના હુકમનું પાલન કરવાનું હતું. થાળીઓ પીરસાઈ. દિશાની થાળીમાં વાસી રોટલીનો થપ્પો પડ્યો.

ન ગણાય ન થૂંકાય, તેવી પરિસ્થિતિમાં દિશાને જેમતેમ ભાણું પતાવવું પડ્યું. દામિનીની બાજ નજર સતત તેના પર હતી. દિશાની હાલત કતલખાને લઇ જવાતાં ઢોર જેટલી જ કફોડી હતી.

આવા ખોરાકનું પાચન થવું અશક્ય હતું. અવારનવાર પેટના દુખાવાને લીધે દિશાએ નિશ્ચય કર્યો કે તે વાસી જમવાનું નહીં જમે, ભલે પછી ભૂખ્યા રહેવું પડે. અને તેની ધારણા સાચી પડી. જે દિવસે વાસી રોટલી ખાવા ના પાડી તે દિવસે દામિનીએ એક શબ્દ બોલ્યા વગર, એની થાળીમાં માત્ર થોડું શાક અને ભાત જ પીરસાય તેનું ધ્યાન રાખ્યું ! દિશા સુકાતી ચાલી. દિશાની માં ચિંતામાં ગરકાવ હતી, પરંતુ દિશાને પૂછતાં તે ખાસ બોલી નહીં.

આદતથી મજબૂર દામિનીએ એક રવિવારે, અનુજ સાથે જમવા બેસેલી દિશાને આગલી રાતનું પડેલું શાક આપ્યું. અનુજનું ધ્યાન પડ્યું. તેણે સવાલ કર્યો : ” દિશા ! તું રોટલી કેમ ખાતી નથી ??!! ” દિશાએ સજળ નેત્રે જવાબ આપ્યો : ” વાસી રોટલીથી મને પેટમાં દુખે છે. ” અનુજ પોતાની ચાલાક માંનો પેંતરો સમજી ગયો. દામિની ત્યારે નોકર પર હુકમ ચલાવવામાં વ્યસ્ત હતાં.

મોકાનો લાભ લઇ અનુજે દિશાની થાળી દૂર મૂકી પોતાની થાળી બંનેની વચ્ચે મૂકી. દામિની ફરી રસોડામાં આવ્યાં તો જોયું કે નવી બનેલી રોટલી અને શાક, દીકરો અને વહુ એક જ થાળીમાંથી જમતાં હતાં. હવે આ રોજનો ધારો બની ગયો.

અનુજે ડબ્બો લઇ જવો બંધ કરી, સવારે જમીને જવું શરુ કર્યું. રોટલીઓ કેટલી બનાવવી, ન બનાવવી વગેરે સૂચનાઓ આપવામાંથી દામિનીને હવે નિવૃત્તિ મળી.

આ વાતને હવે નવ વર્ષ થયાં છે. અનુજના માતાપિતા બંને અવસાન પામ્યાં છે. હજુ કુટુંબ અથવા મિત્રમંડળ વચ્ચે પણ દિશા સાથે એક જ થાળીમાં જમતાં અનુજ અચકાતો નથી. એટલું જ નહીં, લોકોના મીઠાં મહેણાં પણ વહોરે છે કે બંને વચ્ચે બહુ ‘ પ્રેમ ‘ છે.

આપણે ત્યાં વેલેંટાઈન ડે અથવા તો લગ્નની એનિવર્સરી પર રિસાઈને અથવા તો પતિને ડરાવીને, મોંઘીદાટ ભેંટસોગાદો લેતી પ્રેમિકાઓ/પત્નીઓનો ટૂટો નથી. હકીકતે પ્રેમ શબ્દમાં કાળજી સમાયેલી જ હોય છે. ‘I love you’ કહેવાથી પ્રકટ થતો પ્રેમ જ સાચો એવું કોણે કહ્યું ..! કહીને અથવા તો કહ્યા વગર લેવાતી કાળજી, પ્રેમ જ તો છે.

લેખક : રૂપલ વસાવડા (બેંગ્લોર)

આપ સૌ ને મારી આ સ્ટોરી કેવી લાગી ? અચૂક જણાવજો !!

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ