ટ્રેડિશનલ રીતથી કાચી કેરીનું ખાટુ અથાણું…

મિત્રો, કાચી કેરીનું ખાટુ અથાણું દરેક ગુજરાતી ઘરોમાં બનતું સૌનું ફેવરીટ અથાણું છે. આ અથાણું આખું વર્ષ ચાલે તેટલું બનાવીને સ્ટોર કરી રાખવામાં આવે છે. માટે આજે હું કાચી કેરીનું ખાટુ અથાણું બનાવવાની રેસિપી શેર કરવા જઈ રહી છું જે આપણે ટ્રેડિશનલ રીતથી જે આપણા દાદી અને નાની બનાવતા એ રીતથી બનાવીશું. અને અંતમાં હું એ પણ બતાવીશ કે અથાણું બનાવતી વખતે કઈ-કઈ બાબતોની ચોકચાઈ રાખવી જેથી અથાણું આખું વર્ષ સારું રહે. તો ચાલો બતાવી દઉ કાચી કેરીનું અથાણું બનાવવાની રીત.

સામગ્રી :

4 કિલો તાજી દળદાર કાચી કેરી

400 ગ્રામ રાઈના કુરિયા

400 ગ્રામ મેથીના કુરિયા

200 ગ્રામ ધાણાના કુરિયા

100 ગ્રામ વરિયાળી

1 લિટર તેલ

1/2 કપ મીઠું

8 ટેબલ સ્પૂન હળદર

6 ટેબલ સ્પૂન લાલ મરચું ( અડધું કાશ્મીરી લાલ મરચું )

2 ટેબલ સ્પૂન હિંગ

1 ટેબલ સ્પૂન મરી

4-5 નંગ લવિંગ

3-4 સ્ટિક તજ

તૈયારી :

કેરીને સાફ પાણીથી ધોઈ, લૂછીને કોરી કરી નાનકડા ટુકડા કરી લો. જો માર્કેટમાંથી જ ટુકડા કરીને લાવો તો ચાર થી પાંચ પાણીથી ધોઈને નિતાર્યા બાદ કોટનના સાફ કપડાથી લૂછીને દસેક મિનિટ પંખા નીચે સૂકવીને સાવ કોરી કરી લો.

અથાણામાં વપરાતા મસાલા તડકામાં તપાવી ચાળીને સાફ કરી લો. મીઠામાં રહેલો ભેજ દૂર કરવા તેને સ્લો ફ્લેમ રાખી એકાદ મિનિટ શેકી લો. વરિયાળી અને મરીને આખા-ભાંગા ખાંડી લો જેથી અથાણામાં તેનો સરસ સ્વાદ અને સુગંધ આવે.

રીત :


1) સૌ પ્રથમ એક મોટા વાસણમાં કેરીના ટુકડાઓ લઈ તેના પર બે ટેબલ સ્પૂન હળદર અને બે ટેબલ સ્પૂન મીઠું છાંટીને બરાબર મિક્સ કરો. ત્યરબાદ આ ટુકડાઓને 10 થી 12 કલાક સુધી ઢાંકીને રહેવા દો જેથી કેરીના ટુકડાઓમાં હળદર-મીઠું બરાબર ચડી જાય. વચ્ચે વચ્ચે ત્રણ થી ચાર વાર હલાવીને ઉપર નીચે કરીને મિક્સ કરવા.


2) દસ થી બાર કલાક પછી આ ટુકડાઓને પાણી નિતારી દસેક કલાક કોટનના સાફ કપડાં પર રૂમમાં જ સુકવી દો. કેરીના ટુકડાને બંને છેડે પકડીને વાળીએ અને પાણી ના દેખાય ત્યાં સુધી સુકવવાના છે. સ્લો ફેન રાખીને સૂકવીએ તો લગભગ દસેક કલાક જેટલો સમય લાગે છે. કેરીના ટુકડાઓને નિતારીને જે ખાટુ પાણી નીકળે તેને સ્ટોર કરી શકાય અને બીજા અથાણાઓ બનાવવા માટે યુઝ કરી શકાય.

કેરીના ટુકડાઓને સૂકવીને તુરંત અથાણાનો મસાલો બનાવી લેવો જેથી કેરીના ટુકડા સુકાય ત્યાં સુધીમાં અથાણાનો મસાલો પણ ઠંડો પડી જાય.


3) અથાણાનો મસાલો બનાવવા માટે સૌ પ્રથમ તેલ ગરમ કરો. તેલ ધૂમાડા નીકળે ત્યાં સુધી ગરમ કરો. એક મોટા વાસણમાં ચિત્રમાં બતાવ્યા પ્રમાણે રાઈ, મેથી અને ધાણાના કુરિયા લો. વચ્ચે હિંગ રાખો, હિંગ પર તજ અને લવિંગ મુકો.


4) તેલ થોડું ઠંડુ પડવા દો અને પછી આ તેલ બરાબર વચ્ચેથી રેડીને મસાલા પર ધીમે ધીમે થોડું-થોડું રેડો, જેથી બધું જ સરસ રીતે મિક્સ થઈ શકે. કુરિયા પર તેલ થોડું ગરમ નાખવાથી કુરિયા શેકાઈ જાય છે જેથી સરસ ટેસ્ટ આવે છે. બરાબર મિક્સ કરીને મસાલાને ઠંડો પડવા દો.


5) ઠંડુ પડી ગયા બાદ તેમાં મીઠું, હળદર, લાલ મરચું, વરિયાળી અને મરી ઉમેરી બરાબર મિક્સ કરી લો.


6) ત્યારપછી તેમાં સુકવેલા કેરીના ટુકડાઓ ઉમેરીને મિક્સ કરી લો.


7) તો તૈયાર છે કાચી કેરીનું ખાટુ અથાણું જેને સાફ, કાચની એર-ટાઈટ બોટલમાં ભરી લો. અથાણું દબાવીને ભરવું જેથી તેલ ઉપર આવી જાય. આ અથાણાંને ત્રણ ચાર દિવસ પછી ખાઈ શકાય.

માર્કેટમાં સરસ તાજી, દળદાર કેરીઓ આવે છે તો આજે જ બનાવીને આખા વર્ષ માટે સ્ટોર કરી લો.

અથાણું બનાવતી વખતે નીચે મુજબની ચોકચાઈ રાખવામાં આવે તો અથાણું લાંબા સમય સુધી સારું રહે છે.


Ø હંમેશા કાચી, તાજી અને દળદાર કેરી જ ખરીદવી. અથાણું બનાવવા માટે ” રાજાપુરી ” કેરી વધુ પસંદ કરાય છે.

Ø અથાણું બનાવવા માટે વપરાતા વાસણો, ચરી, કપડાં હંમેશા સાફ અને કોરા વાપરવા.

Ø અથાણું ભરવા માટે હંમેશા કાચની એર-ટાઈટ બરણી જ વાપરવી, જેને સાફ કરીને તડકે તપાવી લેવી.

Ø મીઠું એક મિનિટ માટે ધીમા તાપે શેકી લેવું જેથી તેમાં રહેલ ભેજ દૂર થાય.

Ø અથાણામાં વપરાતા બધા જ મસાલા ચાળી, સાફ કરીને તડકે તપાવી લેવા.

રસોઈની રાણી : અલ્કા સોરઠીયા

આ રેસિપીનો વિડીયો જોવા અહીં ક્લિક કરો :