કાચી કેરીના ક્રિસ્પી પકોડા – ગરમા ગરમ પકોડા ચા સાથે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે, તો બનાવો આજે સાંજે ને ખવડાવો ઘરના દરેક સભ્યોને……

કાચી કેરીના ક્રિસ્પી પકોડા

ઉનાળામાં કાચી કેરીનો અલગ અલગ રીતે બને એટલો ઉપયોગ કરવો જોઈએ.. કેરી સ્વાદમાં તો ઉમેરો કરે જ છે સાથે તે શરીર માટે ખૂબ ફાયદાકારક છે…

કાચી કેરી ખાવાના અગણિત ફાયદાઓ છે. કાચી કેરીમાં વિટામિન A અને E આવેલું હોય છે. જે હોર્મોન્સના બેલેન્સમાં મદદરૂપ છે. કાચી કેરી અને મીઠું જોડે ખાવાથી શરીરમાં પાણીનું પ્રમાણ પણ જળવાય રહે છે. સૌથી મોટો ફાયદો એ છે કે ઊંચા તાપમાને શરીરમાં થતા નુકસાનને અટકાવે છે. એટલે જ કહેવાય છે કે ઉનાળામાં બને એટલો કાચી કેરીનો ઉપયોગ કરો.

ચા અને પકોડા એકબીજાના પર્યાયી કહી શકાય એવા શબ્દો છે. પકોડા ઘણી પ્રકારના હોય છે અને તેમાં પણ ડુંગળીના, મગની દાળના, ચણા દાળના , મિક્સ દાળના ઘણા પ્રખ્યાત છે.

આજે હું કાચી કેરીનો ઉપયોગ કરીને ચણાદાળના સુપર ક્રિસ્પી અને સ્વાદિષ્ટ પકોડાની રેસિપી લાવી છું..
સાંજે ચા જોડે અથવા કોઈ પણ ટાઈમ પર બનાવી શકાય એવા કાચી કેરીના પકોડા બનાવામાં ખૂબ જ સરળ છે.

પકોડા માટેની સામગ્રી:-

  • 1 મોટો કપ ચણાદાળ,
  • 2-3 લીલાં મરચાં,
  • 3 ચમચા કોથમીર,
  • 1 કાચી કેરી છીણેલી,
  • 1 ડુંગળી ઝીણી સમારેલી,
  • 1/2 ચમચી લાલ મરચું,
  • મીઠું સ્વાદ અનુસાર,
  • ચપટી હિંગ અને હળદર,
  • 1 ચમચી ધાણાજીરું.

રીત:-

સૌ પ્રથમ એક કપ ચણા દાળ લો. અને 2-3 વાર પાણી થી ધોઈ લો અને 3-4 કલાક પાણી માં પલાળી રાખો. ત્યારબાદ હવે દાળ માંથી પાણી નીતારી લો. એક મિક્સર બાઉલ માં થોડી પલાળેલી ચણા દાળ ઉમેરો. હવે તેમાં લીલાં મરચાં અને કોથમીર ઉમેરો.હવે ફરી થી બાકી રહેલી ચણા દાળ ઉમેરો. ત્યારબાદ મિક્સર માં દાણાદાર ક્રશ કરી લો. (પેસ્ટ નથી કરવાની) પાણી નિતારી ને કોરી જ ક્રશ કરવાની છે.

એક નાની કાચી કેરીને છાલ નીકાળીને છીણી લો.

હવે આ ચણા દાળના મિશ્રણમાં કાચી કેરીનું છીણ, લાલ મરચું, હળદર, ધાણા જીરું, હિંગ , હળદર ઉમેરી ને બધું બરાબર મિક્સ કરો. છેલ્લે ડુંગળી અને મીઠું ઉમેરો અને મિશ્રણ બરાબર મિક્સ કરો.હવે હાથેથી મિશ્રણ ને થોડું થોડું ભેગું કરી ને નાના પકોડા ગરમ તેલ માં મુકો. તમને ગમે તો કોઈ શેપ પણ આપી શકો છો. તેલમાં મુક્યાં પછી 3-4 મિનીટ તેને જારા થી હલાવશો નહીં.ત્યારબાદ સાઈડ બદલીને થવા દો. મધ્યમ આંચ પર 5-7 મિનિટ લાગશે બ્રાઉન કલરના થાય બન્ને બાજુ પછી નીકાળીને પેપર નેપકિન પર મૂકો. સ્વાદિષ્ટ ક્રિસ્પી પકોડા તૈયાર છે. ગરમ ગરમ પકોડાને ચા કે ચટણી અને સોસ સાથે સર્વ કરો.

નોંધ:-

જો બહુ ટાઈમ ના હોય તો તમે ચણા દાળ થોડા ગરમ પાણી માં 2 કલાક માટે પણ પલાળી શકો.

ચણા દાળને પીસવામાં પાણી બિલકુલ નથી ઉમેરવાનું .અને મિક્સરમાં અટકી અટકી અમે ચર્ન કરવાનું જેથી કરકરું પીસાય. મેં અહીં તોતા કેરી નો ઉપયોગ કરો છે કેમકે એની ખટાશ મધ્યમ હોય છે. તમેં ઈચ્છો તો લાલ મરચાંની બદલે અધકચરો મરીનો ભુકો પણ ઉમેરી શકો. મીઠું અને ડુંગળી પકોડા તળતી વખતે જ ઉમેરો . 

મધ્યમ આંચ પર જ પકોડા તળવા એટલે અંદરથી પણ ક્રિસ્પી બને.. આ પકોડાનું મિશ્રણ છૂટું હોય એવું લાગશે. ખીરા જેવું નહીં હોય એટલે અને થોડું હાથેથી ભેગું કરીને તળો.

પકોડા બને એટલા નાની સાઈઝના બનાવો જેથી વધુ ક્રિસ્પી થાય .

મેં કોઈ શેપ નથી આપ્યો આમ જ નાની સાઈઝના ભજીયાની જેમ તેલમાં મુક્યા છે.

રસોઈની રાણી : જલ્પા મિસ્ત્રી (અમદાવાદ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી