કાચી કેરીનું સ્ટોરેજ શરબત – એકવાર બનાવો અને આખું વર્ષ આનંદ માણો કેરીના શરબતનો…

ઉનાળાની સીઝનમાં તનમનને ટાઢક આપે તેવા ઠંડા પીણા, આઈસ્ક્રિમ, શરબત પીવાં સૌને ખુબ જ ગમે છે. આજકાલ માર્કેટમાં પણ જાત-જાતના પીણાં મળે છે પણ તેમાં શરીર માટે હાર્મફુલ તેવા કલર્સ તેમજ કેમિકલ્સ ઉમેરવામાં આવે છે. માટે જ આજે હું પ્રિઝર્વેટિવ્ઝ અને કેમિકલ્સ વગર કાચી કેરીનું શરબત કઈ રીતે આખું વર્ષ સ્ટોર કરી રાખવું અને કાચી કેરીનો પલ્પ યુઝ કરીને શરબત કેમ બનાવવું તે બતાવવા જઈ રહી છું.

સામગ્રી :

ઇન્ગ્રેડિયન્ટ્સ તરીકે કાચી કેરી અને ખાંડ લેવાની છે.

રીત :


સૌ પ્રથમ કેરીને સાફ પાણીથી ધોઈ કોરી કરી લેવી અને ત્યારબાદ કેરીની છાલ ઉતારી લો. છાલ ઉતારતી વખતે ઉપરનો ગ્રીન ભાગ બરાબર દૂર કરી લેવો. ત્યારપછી કેરીને નાનકડા ટુકડામાં કાપી લો. કેરીના આ ટુકડાઓની મિક્સરમાં પેસ્ટ બનાવવાની છે. એક કપ કેરીના ટુકડા સાથે અડધો કપ ખાંડ નાંખી સ્મૂથ પેસ્ટ બનાવી લો. પેસ્ટ બનાવતી વખતે કેરીના ટુકડા આખા ના રહી જાય તેનું ધ્યાન રાખવું. ખાંડ અને કેરીના ટુકડા સાથે પીસવાથી ખુબ જ ઝડપથી સ્મૂથ પેસ્ટ બની જાય છે. આ સ્મૂથ પેસ્ટને એર-ટાઈટ કન્ટેનર અથવા ઝિપલોક બેગમાં ભરી ફ્રીઝરમાં મૂકી દો. એક વર્ષ સુધી આ પલ્પ આરામથી યુઝ કરી શકાય. જયારે પણ આપણે શરબત બનાવવું હોય ત્યારે કેરીનો પલ્પ લઈ તેનાથી અડધી માત્રામાં પાણી ઉમેરો. સાથે ચપટી છાશ અથવા ચાટ મસાલો ઉમેરો અને થોડા તુલસીના પત્તા તથા થોડા ફુદીનાના પત્તા ઉમેરી બ્લેન્ડર ફેરવી સરસ મિક્સ કરી લો. આદુનો સ્વાદ પસંદ હોય તો આદુ પણ ખમણીને નાખી શકાય. તૈયાર છે કાચી કેરીનું શરબત જેને ઠંડુ-ઠંડુ સર્વ કરો.
મિત્રો, કાચી કેરીની સિઝન પૂર-બહાર છે તો હવે શેની રાહ, આજે જ બનાવી લો. આખું વર્ષ મહેમાનોનું સ્વાગત કરી શકાશે આ ખાટા મીઠા કાચી કેરીના શરબતથી. કાચી કેરીનું શરબત ઘણી રીતે બનાવવામાં આવે છે. તેમાં ચાસણી બનાવવાની ઝંઝટ હોય છે પણ આ સાવ આસાન અને ઝડપી રીત છે, તો જરૂર ટ્રાય કરજો.

નોંધ :

સ્ટોરેજ શરબત બનાવવા માટે આપણે મનપસંદ કેરી લઈ શકીએ પણ કેસર કેરી વધારે સ્વાદિષ્ટ લાગે છે. આપણે જે કાચી કેરી પકાવવા માટે લાવીએ છીએ તે બેસ્ટ વિકલ્પ છે જે વધુ ખાટી ન હોતા સહેજ મીઠાશ ઘરાવે છે.

સ્ટોર કરવા વપરાતા કન્ટેનર તેમજ બેગ એકદમ સાફ હોવા જરૂરી છે.

પલ્પ કાઢતી વખતે જે ચમચો યુઝ કરીએ તે બરાબર સાફ હોવો જરૂરી છે.

છાશ મસાલાના ઓપ્શનમાં મીઠું, સંચળ, મરી તથા શેકેલા જીરુંનો પાવડર લઈ શકાય.

રસોઈની રાણી : અલ્કા સોરઠીયા

આ રેસિપીનો વિડીયો જોવા અહીં ક્લિક કરો :