કાચી કેરીનો છૂંદો બનાવવાની સરળ રીતનો જુઓ વિડીયો અને સ્ટેપ બાય સ્ટેપ રેસીપી વિથ ફોટા સાથે….

કાચી કેરીનો છૂંદો

ઉનાળાની સિઝન એટલે વિવિધ અથાણાની સિઝન, આ સિઝનમાં આખું વર્ષ ચાલે એટલા જાત-જાતના અથાણાં બનાવીને સ્ટોર કરવામાં આવે છે તો પછી કાચી કેરીનો છૂંદો કઈ રીતે ભૂલાય ?

છૂંદો સ્વાદમાં સ્વીટ તેમજ તીખો હોય તેમજ મસાલા જેવાકે તજ, લવિંગ, એલચી અને મરી તેમને મનમોહક સ્વાદ સાથે સુગંધ આપે છે જેથી સૌને ટેમ્પટિંગ લાગે છે. વળી, તેનો સ્વીટ ટેસ્ટ બાળકોને ખુબ જ પસંદ આવે છે. રોટલી, ભાખરી, થેપલા, પરાઠા અને પૂરી સાથે ખાવાની મજા પડી જાય છે. તો ચાલો જોઈએ કઈ રીતે બનાવીશું કાચી કેરીનો છૂંદો.

સામગ્રી :

  • Ø 1 કિલો કાચી કેરી
  • Ø 1 કિલો ખાંડ
  • Ø 7 – 8 નંગ મરી
  • Ø 5 – 6 એલચી
  • Ø 2 -3 તજ
  • Ø ચપટી હળદર
  • Ø ચપટી મીઠું
  • Ø ચપટી લાલ મરચું ( ઓપ્શનલ )

તૈયારી :

તજ, લવિંગ, એલચી અને મરીનો પાવડર બનાવી લો.

રીત :

1) કેરીને સાફ પાણીથી ધોઈ, સાફ કપડાથી લૂછીને કોરી કરી લો. ત્યારપછી કેરીની છાલ ઉતારીને ખમણી લો. ખમણ થોડું જાડું રાખવું સાવ ફાઈન ના કરવું.

2) ત્યારબાદ આ કેરીના ખમણને એક તપેલી કે બાઉલમાં લઈ તેમાં ચપટી મીઠું અને ચપટી હળદર અને ખાંડ નાખી સરસ મિક્સ કરી લો.

3) બરાબર મિક્સ કરી ઢાંકીને એકાદ દિવસ છાંયડે ઘરની અંદર જ રહેવા દો જેથી ખાંડ બરાબર ઓગળીને મિક્સ થઇ જાય. જો છૂંદાનો ખટાશ પડતો સ્વાદ પસંદ ના હોય તો કેરીના ખમણમાંથી સહેજ ખાટું પાણી કાઢયા બાદ બધું મિક્સ કરી શકાય.

4) એક દિવસમાં ખાંડ ગળીને સરસ મિક્સ થઈ જશે. હવે આ બધું બરાબર હલાવીને, છૂંદા ના વાસણ પર સાફ આછુ કપડું બાંધીને તડકે રાખો. છૂંદાને દિવસ દરમિયાન તડકે રાખવો અને સાંજે અંદર લઈ લેવો. આ રીતે 7 થી 8 દિવસ રોજ તડકે રાખવું અને દરરોજ હલાવીને બરાબર મિક્સ કરવું.

5) એક તારની ચાસણી બને ત્યાં સુધી તડકે રાખવું. તડકો સારો હોય એટલે સાતેક દિવસમાં છૂંદો તૈયાર થઈ જાય છે. હવે તેમાં લાલ મરચું, તજ-લવિંગ-મરી અને એલચીનો પાવડર ઉમેરી સરસ મિક્સ કરી લો અને એર ટાઈટ કાચની બરણીમાં ભરી દો. એક વર્ષ સુધી આરામથી ખાઈ શકાય. આ રીતે બનાવેલો છૂંદો લાંબા સમય સુધી સારો રહે છે જેને રેફ્રિજરેટરમાં રાખવાની જરૂર નથી.

6) ફ્રેન્ડ્સ, તો તૈયાર છે કાચી કેરીનો, મીઠો મધ જેવો છૂંદો. કેરીની સિઝન પૂરબહાર છે, તો બનાવીને સ્ટોર કરી લો. પિકનિકમાં થેપલા સાથે ખાવાની મજા પડી જશે તેમજ બાળકોને પણ ટિફિન બોક્સમાં રોટલી, થેપલા સાથે રોલ વાળીને આપી શકાય. તો આજે જ બનાવી લો આવો સરસ મજાનો કાચી કેરીનો છૂંદો.

નોંધ :

કાચી કેરીનો છૂંદો બનાવવા કેરી પરથી જે જાડી છાલ ઉતારીએ તેમને ફેંકી ના દેતા, તેમાં આદુ-મરચું, લસણ, કોથમીર, મીઠું અને ધાણાજીરું નાંખીને ટેસ્ટફૂલ ચટણી બનાવી શકાય.
કેરી ખરીદતી વખતે હંમેશા કેરી તાજી, સફેદ અને દળદાર જ ખરીદવી.

આ રેસીપીનો વિડીયો જોવા અહીં ક્લીક કરો : 

બીજાને ખવડાવવું એ આપણા દેશની સંસ્કૃતિ છે, એ મુજબ મને નાનપણથી અવનવી વાનગીઓ બનાવીને ખવડાવવાનો શોખ છે. જે હું ” રસોઈની રાણી ” ના માધ્યમથી આપની સાથે શેર કરુ છું. આઈ હોપ આપને મારી આ રેસિપી પસંદ પડશે.

રસોઈની રાણી: અલકા સોરઠીયા (રાજકોટ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી