ભોજનને વધારે સ્વાદિષ્ટ બનાવતી કાચી કેરીની ચટપટ્ટી ચટણીની સ્ટેપ બાય સ્ટેપ રેસિપી નોંધી લો ને બનાવો…

કાચી કેરીની ચટપટ્ટી ચટણી

મિત્રો, ચટણી ખાવાના શોખીન માટે આજે હું ચટણીની મજેદાર રેસીપી લઈને આવી છું. રૂટીન જમવામાં આપણે જાત-જાતની ચટણી બનાવીએ છીએ, ચટણી ભોજનને વધારે સ્વાદિષ્ટ બનાવે છે. એમાંય વળી, વાત ફરસાણ અને નાસ્તાની આવે તો? ચટણી વિના તો ચાલે જ નહિ. માટે જ આજે હું કાચી કેરીની ખાટી-મીઠી ચટણી બનાવવાની રેસીપી શેર કરું છું. અત્યારે કેરીની સીઝન શરૂ થઇ ગઈ છે તો આજે જ બનાવજો આ ચટપટ્ટી ચટણી. જે આપ સૌને ખૂબ જ ભાવશે.

 • સામગ્રી :250 ગ્રામ કાચી કેરી,
 • 1/2 પૂળી કોથમીર,
 • 20 – 25 લસણની કળીઓ,
 • 1 ઇંચ આદુ,
 • 8 – 10 નંગ લીલા મરચા,
 • 1 ટી/સ્પૂન નાળિયેરનું ખમણ ( સૂકું અથવા લીલું ),
 • 2 ટી/સ્પૂન ખાંડ,
 • 1 ટી/સ્પૂન ધાણાજીરું,
 • નમક સ્વાદ મુજબ
 • તૈયારી :.
 •  કેરીની ગોઠલી કાઢી નાના ટૂકડા કરી લેવા.,
 • મરચાને બીજ કાઢી કાપી લો,
 • કોથમીરને ડાંડલી સાથે કાપી લો,
 •  લસણના પણ નાના ટૂકડા કરી લેવા,
 • આદુને ખમણી લો જેથી બરાબર મિક્સ થઇ જાય.

રીત :
1) એક મોટા વાસણમાં કાપેલી કેરી, આદુ, મરચા, લસણ અને કોથમીર નાખો.2) તેમાં મીઠું, ખાંડ, ધાણાજીરું અને કોપરું નાખી મિક્સ કરી લો.3) મિક્સર જારમાં લઇ ગ્રાઈન્ડ કરી લો. સરસ સ્મૂથ પેસ્ટ બનાવી લેવી.4) તૈયાર છે કાચી કેરીની ખાટી મીઠી ચટણી, મનપસંદ ડીશ સાથે સર્વ કરો.
મિત્રો, મારી આ ફેવરીટ ચટણી છે. હું કેરીની સીઝનમાં અવારનવાર બનાવું છું, બધાને ખુબ જ ભાવે છે. તમે પણ બનાવજો. જો આવી મજેદાર ચટણી બનાવીને સર્વ કરશો તો, જમવાની ઈચ્છા નહિ હોય તે પણ હોંશે હોંશે જમી લેશે. બાળકોને પણ રોટલી, થેપલા, પરોઠા, પુડલા કે પછી પુરી સાથે રોલ બનાવીને આપવાથી નહિ જમવાની જીદ કરતા બાળકો પણ હોંશે હોંશે ખાઈ લેશે.

નોંધ :

* કોપરું નાખ્યા વગર પણ ચટણી બનાવી શકાય છે.
* ટેસ્ટ વેરિયેશન માટે થોડા સીંગદાણા પણ નાખી શકાય.
* માત્ર લીલું અથવા માત્ર સૂકું લસણ પણ નાખી શકાય. લસણ નાખ્યા વગર પણ ચટણી બનાવી શકાય છે.
* ઇન્ગ્રેડિયન્ટ્સ તરીકે દેશી કેરી લીધી હોય તો ખાંડનું પ્રમાણ વધારી શકાય, દેશી કેરી સ્વાદમાં વધુ ખાટી હોય છે.
આ રેસિપીનો વિડીયો જોવા અહીં ક્લિક કરો :

રસોઈની રાણી: અલકા સોરઠીયા (રાજકોટ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી