જલ્સા કરોને જેંતીલાલ

કાચી કેરી- ફુદીના નું શરબત, આવી ગરમીમાં તમારા પ્રિયજન અને પરિવારજનોને બનાવી આપો આ શરબત…

કાચી કેરી ખાવાના અગણિત ફાયદાઓ છે. કાચી કેરી માં વિટામિન A અને E આવેલું હોય છે. જે હોર્મોન્સ ના બેલેન્સ માં મદદરૂપ છે. કાચી કેરી અને મીઠું જોડે ખાવાથી શરીર માં પાણી નું પ્રમાણ પણ જળવાય રહે છે. સૌથી મોટો ફાયદો એ છે કે ઊંચા તાપમાને શરીરમાં થતા નુકસાન ને અટકાવે છે. એટલે જ કહેવાય છે કે ઉનાળા માં બને એટલો કાચી કેરી નો ઉપયોગ કરો.

ફુદીનો ગરમી માં રાહત આપે છે અને પેટની બધી તકલીફો દૂર કરે છે… ખડી સાકર ગરમી માં ખૂબ જ ઠંડક આપે છે. કાચી કેરી – ફુદીના શરબત ની રેસિપી આજે લઈ ને આવી છું જે ખડી સાકર નો ઉપયોગ કરી ને બનાવ્યું છે. રોજ આ શરબત પીવાથી ગરમીમાં લૂ ક્યારેય નહીં લાગે..

ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક એવા શરબત માટે ની સામગ્રી:- (4 ગ્લાસ માટે)


1 કાચી કેરી

1 કપ ફુદીના ના પાન

ખડી સાકર સ્વાદાનુસાર ( તમે ઈચ્છો તો ખાંડ કે ગોળ પણ લઈ શકો છો.)

1/2 ચમચી શેકેલા જીરા નો ભુકો

1/2 ચમચી સંચળ

રીત:-


સૌ પ્રથમ કાચી કેરી ને ધોઈ ને સાફ કરી ને 1/2 ગ્લાસ જેટલું પાણી ઉમેરી ને કુકર માં 1 સીટી વગાડી ને બાફી લો. ઠંડુ થાય એટલે છાલ નીકાળી લો અને ગોટલા માંથી બધો પલ્પ નિકાળી લો. બાફેલું પાણી પણ એમાં જ ઉમેરી દો. હવે ખડી સાકર ને પાણી માં પલાળી રાખો અથવા મિક્સર માં ક્રશ કરીને 1/2 ગ્લાસ પાણી માં ઓગાળી લો. ત્યારબાદ હવે મિક્સર બાઉલ માં કેરી નો પલ્પ, ખડી સાકર નું પાણી , ફુદીનો , જીરા નો ભુકો અને સંચળ ઉમેરી ને એક ગ્લાસ ઠંડુ પાણી ઉમેરી ને બરાબર ક્રશ કરી લો. સૂપ ની ગરણી થી ગાળી લો અને બીજું 2 ગ્લાસ ઠંડુ પાણી ઉમેરી દો. તમે ઇચ્છો તો બરફ ના ટુકડા પણ ઉમેરી શકો. ગ્લાસ માં નિકાળી ને ઠંડુ સર્વ કરો…
નોંધ:-

તમે ઇચ્છો તો ખાંડ માં પણ બનાવી શકો. પરંતુ સાકર વધુ ગુણકારી છે.

ખટાશ ઓછી લાગે તો લીંબુ પણ ઉમેરી શકાય કે કેરી વધુ લેવી.

આ શરબત બનાવીને ફ્રીઝ માં 2-3 દિવસ માટે સ્ટોર પણ કરી શકાય છે.

ફુદીના વિના બનાવેલા આ શરબત ને બાફલો કે આમ પન્ના કહે છે.

રસોઈની રાણી : જલ્પા મિસ્ત્રી (અમદાવાદ)

Exit mobile version