કાચી કેરી – ફુદીનાનું શરબત – આ શરબત ઉનાળામાં લૂ સામે રક્ષણ આપે છે ઉપરાંત સ્વાદિષ્ટ ને પૌષ્ટિક પણ છે …

કાચી કેરી – ફુદીનાનું શરબત

કાચી કેરી ખાવાના અગણિત ફાયદાઓ છે. કાચી કેરી માં વિટામિન A અને E આવેલું હોય છે. જે હોર્મોન્સ ના બેલેન્સ માં મદદરૂપ છે. કાચી કેરી અને મીઠું જોડે ખાવાથી શરીર માં પાણી નું પ્રમાણ પણ જળવાય રહે છે. સૌથી મોટો ફાયદો એ છે કે ઊંચા તાપમાને શરીરમાં થતા નુકસાન ને અટકાવે છે. એટલે જ કહેવાય છે કે ઉનાળા માં બને એટલો કાચી કેરી નો ઉપયોગ કરો.

ફુદીનો ગરમી માં રાહત આપે છે અને પેટની બધી તકલીફો દૂર કરે છે.ખડી સાકર ગરમી માં ખૂબ જ ઠંડક આપે છે. કાચી કેરી – ફુદીના શરબત ની રેસિપી આજે લઈ ને આવી છું જે ખડી સાકર નો ઉપયોગ કરી ને બનાવ્યું છે. રોજ આ શરબત પીવાથી ગરમીમાં લૂ ક્યારેય નહીં લાગે… ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક એવા શરબત માટે ની

સામગ્રી:- (4 ગ્લાસ માટે )

1 કાચી કેરી,

1 કપ ફુદીના ના પાન,

ખડી સાકર સ્વાદાનુસાર ( તમે ઈચ્છો તો ખાંડ કે ગોળ પણ લઈ શકો છો.),

1/2 ચમચી શેકેલા જીરા નો ભુકો,

1/2 ચમચી સંચળ.

રીત:-

સૌ પ્રથમ કાચી કેરી ને ધોઈ ને સાફ કરી ને 1/2 ગ્લાસ જેટલું પાણી ઉમેરી ને કુકર માં 1 સીટી વગાડી ને બાફી લો. ઠંડુ થાય એટલે છાલ નીકાળી લો અને ગોટલા માંથી બધો પલ્પ નિકાળી લો. બાફેલું પાણી પણ એમાં જ ઉમેરી દો.

હવે  ખડી સાકર ને પાણી માં પલાળી રાખો અથવા મિક્સર માં ક્રશ કરીને 1/2 ગ્લાસ પાણી માં ઓગાળી લો.

ત્યારબાદ હવે મિક્સર બાઉલ માં કેરી નો પલ્પ, ખડી સાકર નું પાણી , ફુદીનો , જીરા નો ભુકો અને સંચળ ઉમેરી ને એક ગ્લાસ ઠંડુ પાણી ઉમેરીને

બરાબર ક્રશ કરી લો. સૂપ ની ગરણી થી ગાળી લો અને બીજું 2 ગ્લાસ ઠંડુ પાણી ઉમેરી દો. તમે ઇચ્છો તો બરફ ના ટુકડા પણ ઉમેરી શકો.

ગ્લાસ માં નિકાળી ને ઠંડુ સર્વ કરો…

નોંધ:- તમે ઇચ્છો તો ખાંડ માં પણ બનાવી શકો. પરંતુ સાકર વધુ ગુણકારી છે. ખટાશ ઓછી લાગે તો લીંબુ પણ ઉમેરી શકાય કે કેરી વધુ લેવી. આ શરબત બનાવીને ફ્રીઝ માં 2-3 દિવસ માટે સ્ટોર પણ કરી શકાય છે. ફુદીના વિના બનાવેલા આ શરબત ને બાફલો કે આમ પન્ના કહે છે.

રસોઈની રાણી : જલ્પા મિસ્ત્રી (અમદાવાદ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

 

 

 

 

 

 

 

 

 

 

ટીપ્પણી