પોટેટો સ્માઇલી – ટીવીમાં જાહેરાત જોઇને બાળકો જિદ્દ કરે છે? તો હવે ઘરે જ બનાવી આપો…

બાળકો ટીવી માં આવતી જાહેરાત જોઈ ને અવનવી ડિમાન્ડ કરતા હોય છે. એમાં પણ આજકાલ બાળકો ને ગમતા સ્નેક્સ માં સ્માઇલી ☺️ ખૂબ જ લોકપ્રિય છે. બર્થડે પાર્ટી હોય કે બાળકો ની કોઈ ઇવેન્ટ પોટેટો સ્માઈલી ચોક્ક્સ થી મળતા હોય છે.

ફ્રોઝન પેકેટ માં તૈયાર મળતાં સ્માઇલી ☺️ જેટલા સ્વાદ માં ટેસ્ટી હોય છે એટલા દેખાવ માં પણ સુંદર હોય છે. નામ મુજબ સ્માઇલ કરતું પોટેટો સ્માઇલી જોઈ ને બાળકો ચોક્કસ થી ખુશ થઈ જશે.

આજે એ જ પોટેટો સ્માઇલી ☺️ ની રેસિપી લાવી છું. જે ચોક્કસ થી ઘરે બનાવો અને બધા ના ચહેરા પર સ્માઇલ લઈ આવો.

સામગ્રી:-

2 કપ છીણેલા બાફેલા બટેટા

1/2 કપ બ્રેડ ક્રમબ્સ

1/4 કપ કોર્ન ફ્લોર

1/4 કપ છીણેલું ચીઝ

1/2 ચમચી મિક્સ હર્બ્સ

1/2 ચમચી લાલ મરચું

2 ચપટી હિંગ

મીઠું સ્વાદાનુસાર

તેલ તળવા માટે

રીત:-

સૌ પ્રથમ બાફેલા બટેટા ને છાલ નીકાળી છીણી લો. હવે બ્રેડ ક્રમબ્સ, કોર્નફ્લોર, ચીઝ, મિક્સ હર્બ્સ , લાલ મરચું , હિંગ અને મીઠું ઉમેરી ને બધુ બરાબર મિક્સ કરી લો. આ મિશ્રણ ને ફ્રીઝ માં 1 -2 કલાક ઠંડુ કરવા મૂકી દો.આ સ્ટેપ કરવું ખૂબ જ જરૂરી છે. જેથી તળવા માં સ્માઇલી ક્રન્ચી અને ઓઇલ ફ્રી બને છે. હવે ફ્રીઝ માંથી નીકાળી ને સહેજ તેલ વાળા હાથ કરી ને મીડિયમ સાઈઝ ના બોલ્સ બનાવી ને બે પ્લાસ્ટિક વચ્ચે મધ્યમ જાડું વણી લો. એક નાના ગોળ આકાર નું ડબ્બા નું ઢાંકણ કે પછી ગોળ આકાર ના મોલ્ડ થી રાઉન્ડ શેપ કરો . તેમાં સ્ટ્રો થી બે આંખ અને ચમચી ની મદદ થી સ્માઇલ બનાવો. હવે આ રીતે બધા સ્માઇલી તૈયાર કરો. અને 10 -15 મિનિટ માટે ફ્રીઝર માં મુકો. એક કડાઈ માં તેલ ગરમ થાય એટલે મધ્યમ થી તેજ આંચ પર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સ્માઇલી તળી લો. તળતી વખતે સ્માઇલી ને એક વાર તેલ માં ઉમેર્યા પછી જારા થી વધુ ફેરવવા નહીં જેથી તે તૂટે નહીં કે શેપ ખરાબ ના થાય. તેલ માંથી નીકાળી ને પેપર નેપકિન પર મૂકો જેથી વધારા નું તેલ નીકળી જાય.. તૈયાર છે તમારા સ્વાદિષ્ટ સ્માઇલીસ ☺️☺️☺️☺️..
આ સ્માઇલીસ ☺️☺️☺️ ને સોસ, ચટણી કે ચીઝ ડીપ સાથે સર્વ કરો.

નોંધ.

બાફેલા બટેટા બિલકુલ પાણી પોચા ના હોવા જોઈએ.. બને તો વરાળે બાફો.

બટેટા નો માવો બનાવતી વખતે હળવા હાથે મસળો જેથી ચીકાશ ના પકડે. માવો બિલકુલ ચીકાશ ના પકડવો જોઈએ. નહીં તો સ્માઇલી માં તેલ ભરાશે..

સ્વાદાનુસાર મસાલા માં ફેરફાર કરી શકો.

સ્માઇલીસ ને અગાઉ થી ફ્રીઝર માં બનાવી ને મૂકી શકાય અને જરૂરત મુજબ વાપરી શકાય..

બટેટા નો માવો 1-2 કલાક રેફ્રિજરેટર માં અવશ્ય મુકો.

રસોઈની રાણી : જલ્પા મિસ્ત્રી