જુવાર ની ચકરી – ચોખા અને ઘઉંના લોટની ચકરી તો બનાવતા જ હશો આજે બનાવો આ હેલ્ધી ચકરી…

હેલો ફ્રેન્ડઝ, આપણા દરેક ના ઘરો મા વિવિધ પ્રકારના નાશતા બનતા જ હોય છે તેમા ખાસ કરીને બાળકો ના મનપસંદ નાશતા એટલે ચેવડો, ગાંઠિયા, પુરી ચકરી વગેરે જેવા ફરસાણ આપણે ઘરમા રાખવા જ પડે, તમે બધા અલગ અલગ ચકરી તો બનાવતા જ હશો, જેવી કે, ચોખા ના લોટ ની ચકરી, ઘઉ ના લોટ ની ચકરી, આજ હું તમને જુવાર ના લોટ ની ચકરી બનાવતા શીખવાડીશ.

આપણે ત્યાં જુવાર ના રોટલા અને ભાખરી બનતા જ હોય છે પરંતું બાળકો આ જુવાર ના રોટલા કે ભાખરી પસંદ નથી કરતા, જુવાર સ્વાસ્થ માટે ખુબ જ ઉપયોગી છે, જુવાર કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસ મા ખૂબ ફાયદાકારક સાબિત થઇ રહ્યું છે એટલે તેનો જેટલો બને એટલો વધારે ઉપયોગ રોજીંદા ખોરાક મા સમાવેશ કરવો જરૂરી છે.

બાળકો ને જુવાર ખવડાવવા માટે નો ઉતમ આઇડિયા છે, આ જુવાર ની ચકરી. આ ચકરી ખુબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ બને છે. તમે બાળકો ને ટિફીન મા પણ આપી શકો છો, સાતમ આઠમ કે દિવાળી ના નાશતા મા પણ બનાવી શકો છો. તો ચાલો આજ આપણે બનાવીશું જુવાર ની ચકરી આ ચકરી બનાવવા માટે ની સામગ્રી નોંધી લો.

* સામગ્રી –


* 500 ગ્રામ જુવાર નો લોટ

* 50 ગ્રામ અમુલ બટર

* 1 કપ દહીં

* 1 ટેબલસ્પૂન આદુ મરચા ની પેસ્ટ

* 1- ટેબલસ્પૂન તલ

* સ્વાદ અનુસાર મીઠું

* તળવા માટે તેલ

* રીત —


1–સૌ પ્રથમ એક વાસણ મા જુવાર ના લોટ ને ચાળી લેવો અને તેમા બટર, આદુમરચા ની પેસ્ટ, તલ, દહી અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરીને તેને બરાબર હાથ થી મિકસ કરી લો.તમને તીખાશ પસંદ હોય તો આદુ મરચા ની પેસ્ટ વધારે નાખી શકો છો.

2– હવે તેમા થોડુ થોડુ પાણી ઉમેરતા જાવ અને લોટ બાંધતા જાવ, ધ્યાન રાખવું કે એક સાથે પાણી ના નાખવુ. અને રોટલી કરતા પણ ઢીલો લોટ બાંધવો. લોટ જરા પણ કડક હશે તો ચકરી પાડતી વખતે તૂટતી જશે ,લોટ સોફ્ટ હશે તો ચકરી સહેલાઈથી પડી શકશે.


3– ત્યાર બાદ એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી દો, તેલ ગરમ થાય ત્યાં સુધી મા ચકરી પાડવા ના સંચા મા અંદર સ્ટાર વાળી ચકરી મુકી અને તેલ લગાવી ને લોટ ભરી લો, અને એક પ્લેટ મા મીડિયમ સાઇઝ અથવા તમને ગમતી સાઇઝ ની ચકરી પાડી લો.


4– તેલ ગરમ થઈ જાય એટલે તવીથા થી એક એક ચકરી ઉપાડી ને હળવે થી તેલ મા મૂકી દો અને તેને મિડિયમ ફ્લેમ પર તળો એક બાજુ થી ગોલ્ડન થઈ જાય એટલે તેને બીજી બાજુ ફેરવી લો અને અને બંને બાજુ થી ગોલ્ડન થઈ જાય એટલે તેને ટિશ્યૂ પેપર પર કાઢી લો જેથી તેમા રહેલૂ તેલ નીકળી જાય .આવી રીતે બધી જ ચકરી તળી લો, ચકરી ઠંડી પડી જાય એટલે તેને એક એરટાઇટ ડબામાં પેક કરી લો.


* ધ્યાનમાં રાખવા ની બાબત —

* જુવાર ની ચકરી બનાવવા માટે જુવાર નો લોટ તાજો જ લેવો, બહુ જુનો હશે તો ચકરી બનાવતી વખતે તે તુટતી જશે અને તેનો સ્વાદ પણ બરાબર નહીં થાય.

* આદુ મરચા ની પેસ્ટ ને બદલે તમે સુકા મસાલા હળદર અને લાલ મરચુપણ નાંખી શકો છો.

* તળતી વખતે ગેસ ની ફ્લેમ મિડિયમ કરી લો નહીં તો ચકરી ઉપર થી કડક અને અંદર થી નરમ રહેશે.

* ટીપ —


તમે તળેલુ ના ખાતા હોય તો આ ચકરી તમે ઓવન મા કે એરફ્રાયર મા બેક કરી ને પણ કરી શકો છો ચકરી ઉપર બ્રશ થી તેલ લગાવીને 180 ડીગ્રી તાપમાન પર 12-15 મિનીટ સુધી બેક કરવુ, બેક કરેલી ચકરી નો સ્વાદ તળેલી ચકરી કરતા પણ વધારે સ્વાદિષ્ટ લાગે છે.

તો ચાલો આ સાતમ આઠમ ના નાશતા મા આ વખતે આ જુવાર ની ચકરી જરૂર બનાવજો અને હા તમારો ફીડબેક આપવાનુ ભુલતા ફરી એકવાર એક નવી રેસીપી લઇ ને આવુ ત્યા સુધી બાય….


રેસિપીનો સંપૂર્ણ વિડિઓ જુઓ અહીંયા


રસોઈની રાણી : અલ્કા જોષી (મુંબઈ)