સસરિયાઓના ત્રાસથી સાબરમતી નદીમાં આપઘાત કરનારી આયશા મકરાણી અમદાવાદના વટવા માં રહેતી હતી અને
રાજસ્થાનના ઝાલોર ખાતે પરણાવી હતી.

આ સમગ્ર બાબતના મુખ્ય અપરાધી આરીફની સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે રાજસ્થાનના પાલીથી ધરપકડ કરી હતી. પોલીસે આરિફને આજે મેટ્રો કોર્ટમાં રજૂ કર્યો હતો. આરિફને કોર્ટમાં રજૂ કર્યો એ પહેલાં આયશાને ન્યાય મળે તેના માટે આયશાના પિતા સવારે આઈશાની કબર પર દુઆ માગીને આવ્યા હતા.

આયશાના પિતાના વકીલ ઝફરખાન પઠાણના જણાવ્યા અનુસાર આયશા અને આરિફ વચ્ચે છેલ્લે જે 70થી 72 મિનિટની વાત થઈ હતી, તેમાંથી છેલ્લી દસ મિનિટની વાતચીતમાં આયશાના ગર્ભમાં જે બાળક હતું એ એના પતિ આરિફનું નહીં, પરંતુ આસિફનું હોવાની વાત થઈ હતી અને એ જ કારણે આરીફ અને તેના પરિવાર જનો આયશાની મારઝૂડ કરતા હતા.
તમને જણાવી દઈએ કે આયશાએ તેના પતિ આરિફ બાબુખાન ગફુરજી અને આરીફના માતા-પિતા તેમજ આરીફની બહેન વિરુદ્ધ વટવા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેથી એક વર્ષથી આયશા તેના પિતાના ઘરે જ રહેતી હતી.
આયશાના પિતાના વકીલ ઝફરખાનને જણાવ્યું હતું કે મૃતક આયશાની કબર પરથી હજી ફૂલ હટ્યા નથી, એમાં એની મોટી બહેનને આઘાતમાં બ્રેન સ્ટ્રોક આવ્યો છે.
નાની દીકરી આયશાને ગુમાવવાના દુઃખમાંથી પરિવાર હજી બહાર નથી આવ્યો ત્યાં મોટી દીકરી પિંકી હોસ્પિટલમાં છે

આ ઘટનાના મુખ્ય આરોપી આરિફના રિવરફ્રન્ટ પોલીસે પાંચ દિવસના રિમાન્ડની માગ કરી હતી. કોર્ટમાં પોલીસે રજૂઆત કરી હતી કે આરોપી આમિરનો ફોન રિકવર કરવાનો બાકી છે અને આપઘાત કર્યાના દિવસથી અત્યાર સુધી એ કોને કોને મળ્યો હતો, તેમજ કોણે કોણે આયશાનો વીડિયો વાઇરલ કર્યો હતો તે અંગે જાણકારી મેળવવાની છે.

એ પછી કોર્ટે દલીલો માન્ય રાખી ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ મામલે આગામી દિવસમાં કોર્ટમાં વધુ રિમાન્ડની પણ માગ કરવામાં આવશે કારણ કે ફરીયાદમાં ભલે ફક્ત આરિફનું નામ જ છે પણ આરીફના માતા પિતા અને બહેન બધા ભેગા મળીને આયશાને ત્રાસ આપતા હતા.
પોલીસ આરિફને 2 માર્ચના રોજ રાજસ્થાનથી અમદાવાદ લઈ આવી છે. તમને જણાવી દઈએ કે જ્યારે લોકઅપમાં પૂછપરછ કરવામાં આવી ત્યારે આરિફના ચહેરા પર આયશાના મોતનો જરા સરખો પણ રંજ દેખાતો ન હતો એટલું જ નહીં તેની આંખમાંથી એક આંસુ પણ સર્યું ન હતું.
પોલીસે જ્યારે આરીફને પકડ્યો ત્યારે એ જાણે કશું બન્યું જ ન હોય તેમ પોલીસની સાથે ચાલવા લાગ્યો હતો. પોલીસની પૂછપરછમાં આરિફે આયશાના મોતનો જરા પણ અફસોસ વ્યક્ત કર્યો ન હતો.
ખુદ પોલીસ પણ આરિફના આવા વર્તનથી ચોંકી ગઈ હતી. આયશાના ગર્ભપાત બાદથી જ બંને વચ્ચે ઝગડો વધ્યો હોવાનું તેને કબુલ્યું હતું.

લિયાકતઅલી મકરાણી કે જે આયશાના પિતા છે એમને આરિફ સામે ગંભીર આરોપ મુકતા કહ્યું હતું કે લગ્નના થોડા સમય પછી આયશા પ્રેગ્નેન્ટ થતાં તેને આશા હતી કે તેનો પતિ આ સાંભળીને ખુશ થશે, પરંતુ આરિફે તેને પિયરમાંથી રૂપિયા લઈ આવવા દબાણ કર્યું હતું, આથી આઈશાને મનમાં ખૂબ રંજ થયો હતો, અને પરિણામે તેની તબિયત લથડતાં તેનું મિસ્કેરેજ થયું હતું. એ પછી સમાજના વડીલોની મધ્યસ્થી અને દોઢ લાખ રૂપિયા આપ્યા બાદ આરિફ આઈશાને તેડી ગયો હતો. તેમ છતાં થોડા થોડા દિવસે આરિફ અને તેનાં માતા-પિતા તથા બહેન દહેજ મામલે આયશાને હેરાન કરતાં હતાં અને અવારનવાર પિયરે મોકલી દેતાં હતાં. વારંવાર આવું બનવાના કારણે આખરે આયશાએ તેના પતિ આરીફ અને સાસરિયાં વિરુદ્ધ વટવા પોલીસ સ્ટેશનમાં ગત 21 ઓગસ્ટે ફરિયાદ નોંધાવી હતી.
આપઘાત કર્યો એ પહેલાં આયશાએ આરિફ સાથે લગભગ 72 મિનિટ સુધી વાતચીત કરી હતી, જેમાં આરિફે તેની સામે કરેલી ફરિયાદ ખેંચવા આયશા પર દબાણ કર્યું હતું એટલું જ નહીં આયશાને પાછી સાસરે તેડી જવાની સ્પષ્ટ ના પાડી હતી. ફોનમાં જ્યારે આયશાએ આત્મહત્યા કરી લઈશ તેમ કહયું ત્યારે આરિફે ‘કાલે મરતી હોય તો આજે મરી જા, મને કોઈ ફરક પડતો નથી, પરંતુ તું મરતાં પહેલાં વીડિયો બનાવી મોકલજે, જેથી મારા પર આરોપ ન આવે.’ એમ કહ્યું હતું. ત્યાર બાદ આયશાએ માતા- પિતા સાથે વાત કરી નદીમાં કૂદકો મારી દીધો હતો.

અમદાવાદના વટવામાં રહેતી અને રાજસ્થાનના ઝાલોર ખાતે પરણેલી આયશા નામની યુવતીએ 25 ફેબ્રુઆરીએ હસતાં-હસતાં પોતાની પીડા વ્યક્ત કરીને સાબરમતી નદીમાં કૂદકો મારી આપઘાત કરી લીધો હતો. એ પહેલાં તેને પોતાના માતા પિતા સાથે ફોન પર વાત કરી હતી, એ દરમિયાન ફોન પર માતા-પિતા તેને કસમ આપે છે છતાં યુવતી આપઘાત કરી લે છે.
માતા-પિતા સાથે યુવતીની છેલ્લી વાતચીતનો ઓડિયો સામે આવ્યો છે, જે ખૂબ જ હૃદયદ્રાવક છે. એમાં યુવતી તેનાં માતા-પિતાને કહે છે કે અબ બહુત હો ગયા, અબ નહીં જીના, બચ ગઈ તો લે જાના, મર ગઈ તો દફન કર દેના.