જીવતો જાગતો પ્રેરણા સ્રોત : ઉમ્મુલ ખૈર એક દિવ્યાંગ આઈએએસ…

માણસના જીવનમાં થતી ઘટનાઓ પર કોઈનો કોઈ જ કાબૂ નથી હોતો. આજની યુવા પેઢી અરે યુવા પેઢી શું વૃદ્ધ પેઢીમાં પણ નિરાશાનું પ્રમાણ વધી ગયું છે. લોકો પોતાની કારકીર્દીને લઈને તો પોતાના સંબંધોને લઈને તો પોતાની એકલતાને લઈ તો પોતાના દેખાવને લઈને ડીપ્રેસ થવા લાગ્યા છે. પણ આ બધામાંથી તેમણે બહાર આવવું હોય તો એ તેઓ પોતે જ કરી શકશે. ઘણા લોકો આ ડીપ્રેશનનો સામનો નથી કરી શકતા અને ખોટા પગલાં ભરી લે છે. પણ ઘણા લોકો પોતાના જીવનમાં આવેલી કપરી પરિસ્થિતિમાંથી પાઠ ભણી પોતાની જાતને લોઢા જેવા નક્કર બનાવતા જાય છે અને જીવનનો મુશ્કેલમાં મૂશ્કેલ પહાડ ચડીને ટોચ પર પહોંચી જાય છે. અને અશક્યને શક્ય બનાવી દે છે.

આજની આપણી પોસ્ટ એવી જ એક યુવતિની છે. તેણે પણ પોતાના જીવનના કપરામાં કપરામાં સમયને માત આપી છે અને અડગ રહીને જીવનમાં આગળ વધી છે અને આજે એક આઈએએસ બની છે. વર્ષ 2016ની બેચમાંથી પ્રથમ જ પ્રયાસે 420મું સ્થાન મેળવનારી ઉમ્મુલ ખેર જન્મજાત વિકલાંગ છે. અને તેમણે પોતાની આ નબળાઈને નબળાઈ નહીં પણ પોતાની શક્તિ માનીને સફળતા સર કરી છે.

ઉમ્મુલને જન્મથી જ નાજુક હાડકાંવાળો રોગ છે જેને અજેલ બોન ડિસઓર્ડર કહેવામાં આવે છે. માટે તેનું જીવન જન્મથી જ અઘરું હતું વધારામાં તેણી એક ગરીબ ઘરની દીકરી હતી. તેના પિતાની કોઈ જ વ્યવસ્થિત કે નિયમિત આવક નહોતી. તે રસ્તા પર સીંગ વેચીને ગુજરાન ચલાવતા. મૂળે તો તેણી રાજસ્થાનના પાલી મારવાડની હતી પણ તેનો પરિવાર દિલ્લીની ઝુપડપટ્ટીની એક ઓરડીમાં રહેતો હતો. થોડા વર્ષો બાદ ઝુપડપટ્ટીને તોડી પાડવામાં આવી અને આખો પરિવાર રઝળી પડ્યો તેમણે દિલ્લીના બીજા વિસ્તારમાં આશરો લીધો.

ખુબ જ નાની ઉંમરમાં ઉમ્મુલને સમજાઈ ગયું હતું કે શિક્ષણ સીવાય તેની ગરીબીનો બીજો કોઈ ઉપાય નથી. પણ કુટુંબના લોકોને શિક્ષાનું મહત્ત્વ નહોતું અને તેઓને તેણીની આ ઇચ્છા સાથે જાણે કોઈજ નિસબત જ નહોતો. તેણીને એક માત્ર તેની માતાનો જ સહારો હતો પણ એક દિવસ તેના પર આભ તૂટી પડ્યું. કસમયે તેણીની માતાનું અવસાન થયું અને તેણી નિરાધાર થઈ ગઈ. તેના પિતાએ બીજા લગ્ન કરી લીધા અને નવી માતા સાથે તેણીને જરા પણ ન બન્યું. છેવટે તેણીએ પોતાનું ઘર છોડવું પડ્યું. અને શારીરિક રીતે નિઃસહાય હોવા છતાં એકલા રહેવા મજબૂર થઈ ગઈ. તેણીએ મહાપરાણે એક ઓરડી ભાડે લીધી અને પોતાના જ્ઞાનના જોરે બાળકોના ટ્યૂશન કરવાનું શરૂ અને કપરી આર્થિક સ્થિતિમાં તેણીએ પોતાનો અભ્યાસ ચાલુ રાખ્યો.

તેણીએ પોતાનું પ્રાથમિક શીક્ષણ વિકલાંગ શાળામાં પૂર્ણ કર્યું અને ત્યાર બાદ કોઈ ચેરીટેબલ ટ્રસ્ટમાં અભ્યાસ કર્યો. તેણી અભ્યાસમાં નિપૂણ હોવાથી તેણીને સ્કોલરશીપ મળવા લાગી અને તેણી આગળ અભ્યાસ કરી શકી. શિષ્યવૃત્તિના પ્રતાપે તેણી એક પ્રાઇવેટ શાળામાં અભ્યાસ કરવા લાગી. તેણીએ દસમું અને બારનું ધોરણ 90 ટકા સાથે પાસ કર્યું. અને પછી તેણીએ સાઇકોલોજી અભ્યાસ સાથે ગ્રેજ્યુએશન કર્યું. આ દરમિયાન તેણે પોતાનો ખર્ચો કાઢવા માટે ટ્યુશન તો ચાલુ જ રાખ્યા.


તે સંઘર્ષના દિવસોમાં તેણીના મનમાં આઈએએસ બનવાનું સ્વપ્ન જાગ્યું. તેને ખ્યાલ હતો કે સરકારી નોકરી માટેની આ અઘરામાં અઘરી પરીક્ષા હોય છે. પોતાના વધારાના અભ્યાસ માટે તેણી જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં માસ્ટર ડીગ્રી માટે ફોર્મ ભર્યું અને તેણી તેમાં સારી ટકાવારીએ ઉતિર્ણ થઈ ત્યાર બાદ તેણીએ એમફીલ શરૂ કર્યું. આ દરમિયાન તેણી જાણે પોતાના આઈએએસ બનવાના સ્વપ્નને જ ભૂલી ગઈ હતી. છેવટે તેણે આઈએએસ પર કેન્દ્રિત થવાનું નક્કી કર્યું. અને તેણીએ યુપીએસીની પરીક્ષા માટે ફોર્મ ભર્યું અને દીવસ રાત મહેનત કરવા લાગી. તેણીએ પ્રથમ પ્રયાસે જ પરીક્ષા પાસ કરી લીધી અને 420મું સ્થાન મેળવ્યું. અને તેણી આઈએએસ બની ગઈ.

આજે તેણે પોતાના કુટુંબને માફ કરી પોતાની પનાહમાં લઈ લીધો છે. આજે તેણે જગતને બતાવી દીધું કે વિકલાંગ હોવું તે કંઈ નબળાઈ નથી. જો હોત તો તેણી અહીં સુધી ન પહોંચી શકી હોત. ઉમ્મુલ પ્રેરણાનું એક જીવતું જાગતું ઝરણું છે.