જલ્સા કરોને જેંતીલાલ

24 વર્ષના છોકરાનું સાહસી કૃત્ય, જીવ જોખમમાં મુકી કર્યો કીડની રેકેટનો પર્દાફાશ..

પેતાનો જીવ જોખમમાં મુકી ખતરનાક કિડની રેકેટનો ભાંડો ફોડનાર 24 વર્ષના વિદ્યાર્થીની સાહસકથા

તેણે પોતાનો જીવ જોખમમાં મુક્યો. તેણે લાખોની કમાણી કરવા અને ચુપ રહેવાની જગ્યાએ પોતાનો જીવ હથેળી પર રાખી લાખો લોકોના જીવનને બચાવવા માટે ખુબ જ મોટું જોખમ ખેડવાનું પસંદ કર્યું. ખાસ કરીને તેને પોતાના ગામના ભોળા લોકો યાદ આવી ગયા હતા. કારણ કે જ્યારે તેના ગામના લોકોએ જોયું કે તે અભ્યાસમાં ખુબ સારો છે ત્યારે તે જ ગામના લોકોએ તેને ખુબ બધા આશિર્વાદ આપ્યા અને આશાઓ બંધાવી હતી અને તેને પુણેની નામાંકિત સિમ્બાયોસિસ સ્કૂલ ઓફ મેનેજમેન્ટમાં ઉચ્ચ શીક્ષણ મેળવવા માટે પ્રેર્યો હતો.


કેરિયર, પોતાની સેફ્ટી અને પૈસા કમાવા તે તેના માટે વધારે મહત્ત્વનું બની શકે તેમ હતું, પણ ઘર-કુટુંબ અને ગામના લોકોના મૂલ્યો અને તેની લાગણી તે ભૂલ્યો નહોતો. પોતાના લોકો માટે સંઘર્ષ કરવા માટે તે ક્યારેય પીછે હઠ નહોતો કરતો. રાજસ્થાનના સદિયા જિલ્લાના સીકર રામપુરામાં જન્મેલો જયદીપ હજુ માત્ર 24 વર્ષનો જ છે અને આજે તેણે માત્ર પોતાના ગામનો નહીં અને માત્ર રાજ્યનો પણ નહીં પણ સંપૂર્ણ દેશ અને માનવતાનો લાડીલો હીમ્મતવાન હીરો બની ગયો છે.


જયદીપ ફાઈનલ ઇયરનો સ્ટુડન્ટ છે. એક દિવસ તેને એક અપરિચિત નંબરથી ફોન આવ્યો. કોલરે પોતાનું નામ ઇમ્તિયાઝ અલી જણાવ્યું હતું તેણે જયદીપને પોતાની કીડની વેચવા અને તેના માટે 20 લાખ રૂપિયા ઓફર કર્યા હતા. તેણે તેને નરી નફ્ફટાઈથી જણાવ્યું હતું કે તેણે તેનો નંબર સોશિયલ મિડિયા પરથી મેળવ્યો હતો.

શક્ય છે કે મેનેજમેન્ટનો મોંઘો અભ્યાસ કરી રહેલા ગામડાંના આ સાધારણ છોકરામાં તે એજન્ટને એક સંભવિત ગ્રાહક દેખાયો હતો. તેને એ પણ ખ્યાલ હતો કે ગામડાના ગરીબ લોકો સાથે જોડાયેલો આ છોકરો તેને વધારે ગ્રાહક લાવી આપે તેમ હતો. જયદીપે ખુબ જ કડક રીતે તેને ના પાડી દીધી.


પણ, સામાન્ય રીતે જેમ થાય છે તેમ આવા ગુનેગાર પ્રથમવારમાં જ પોતાનો ધંધો થઈ જાય તેના માટે મેદાનમાં નથી ઉતરતા. તેઓ જાળ પાથરે છે. તે કોલરે પોતાનું ઇમેઇલ જયદીપને આપ્યું અને તેને જ્યારે પણ કીડની વેચવાની ઇચ્છા થાય ત્યારે ‘હું કિડની વેચવા માગું છું’ સબ્જેક્ટમાં નાખી મેઈલ કરી દેવા કહ્યું. જયદીપે પીછો છોડાવ્યો અને તેણે વિચાર્યું કે તે કદાચ સ્પામ પણ હોઈ શકે છે.

પછી તે બધું ભૂલી ગયો. પણ, થોડા જ સમયમાં જયદીપને ઝાટકો લાગ્યો, કારણ કે તેના એક મિત્રને પણ તેવો જ એક કોલ આવ્યો હતો અને તે છેલ્લા ત્રણ મહિનાથી ગાયબ હતો. તેના મનમાંથી અવાજ આવ્યો કે બને કે ના બને પણ તેના મિત્રના ગાયબ થવાનું કારણ આ કિડની રેકેટ જ લાગે છે.


જયદીપ ભયભીત થઈ ગયો હતો. તેણે વિચાર્યું કે આ લેકો ચોક્કસ ખુબ જ ખતરનાક હશે. એકવાર તો તેના મનમાં આવ્યું કે છોડ આપણે શું લેવા દેવા. પણ જયદીપના મનમાં એક વાત એકધારી ખટકતી હતી કે આવા તો કોણ જાણે કેટલાએ ભોળા લોકો આવી જાળમાં ફસાઈ જતા હશે. કેટલાએ જરૂરિયાતવાળા લોકો એવા હોય છે જે થોડા જ રૂપિયા માટે પોતાનું ગમે તે અંગ વેચવા તૈયાર થઈ જાય છે.

આવા રેકેટ આવા જરૂરિયાતવાળા લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવે છે. પોતાના ગામના જ કેટલાએ ઓળખીતાના ચહેરા તેની આંખ સમક્ષ ઘૂમવા લાગ્યા. તરત જ જયદીપના મનના ઉંડાણમાંથી એક અવાજ આવ્યો અને તે પોતાના નિર્ણય પર દૃઢ થઈ ગયો કે તે આ મામલામાં આગળ વધશે.


એક ખતરનાક રેકેટ વિરુદ્ધ એક નક્કર પગલું જે જયદીપને સુજ્યું તે એ હતું કે તેણે એક ટેલિવિઝન ચેનલનો સંપર્ક કરવો જોઈએ. પછી તેણે ન્યૂઝ 24 સાથે સંપર્ક કર્યો. ચેનલવાળાએ પોતાના દિલ્લીના સંવાદદાતા રાખેશ પ્રકાશ સાથે તેનો સંપર્ક કરાવ્યો અને તેને દિલ્લી બોલાવી ચાણક્યપુરી સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી દીધી. જયદીપે માત્ર ફરિયાદ નોંધાવીને જ જવાબદારીથી પીછો નહોતો છોડાવી લીધો. દિલ્લી પોલીસ અને ચેનલવાળાએ તેને ઉત્સાહિત કરતા તેણે એક નિર્ણય લીધો કે તે આ રેકેટ વિરુદ્ધ કામગીરી કરીને તેમાં સક્રિય રીતે ભાગ લેશે.

જયદીપ જણાવે છે, ‘હું હિમ્મત ભેગી કરીને ક્રાઈમ-બ્રાન્ચના સબ-ઇન્સ્પેક્ટર ગુરમીત સિંહના નિર્દેશનોને પાળતો ગયો.’ જયદીપે તે રેકેટવાળાને મેઈલ મોકલ્યો. તેમણે પાછો જવાબ આપ્યો. ભાવ-તાલ શરૂ થયો. હવે જ્યારે શિકાર જાળમાં ફસાતો દેખાયો તો તે ગેંગે કિડનીની કીંમત માત્ર 2 લાખ રૂપિયા લગાવી. છેવટે 14 માર્ચના રોજ 4 લાખમાં ડીલ પાક્કી થઈ. જયદીપ સમજી ગયો હતો કે હવે તેણે પોતાનો જીવ દાવ પર લગાવી દીધો છે. તેને બત્રા હોસ્પિટલ આવવા કહ્યું.


પોલીસવાળા સાદી વર્દીમાં અજાણ્યા માણસો બનીને તેની પાછળ પાછળ હતા. જયદીપ જ્યારે હોસ્પિટલ પહોંચ્યો તો તેમણે તેને રીક્ષાનું ભાડું ન ચુકવવા દીધું કારણ કે તે લોકો પાક્કુ કરવા માગતા હતા કે તે ત્યાંથી જ આવ્યો હતો જે જગ્યાનું તેણે સરનામું બતાવ્યું હતું અનેતે ખોટું નહોતો બોલી રહ્યો. પ્રક્રિયા શરૂ કરવામાં આવી. જે પેશન્ટને કીડની આપવામાં આવી રહી હતી તેના કુટુંબીજનો સાથે જયદીપનો પરિચય કરાવવામાં આવ્યો. નિયમ એવો જ છે કે માત્ર કુટુંબનો સભ્ય જ કીડની દાન કરી શકે. માટે જયદીપને પેશન્ટ પી.વી રમણનો દીકરો બતાવવામાં આવ્યો અને નામ નોંધવામાં આવ્યું ફાની કુમાર.


જયદીપને અવારનવાર હોસ્પિટલમાં બોલાવવામાં આવતો. 23 પ્રકારના ટેસ્ટ કરાવવામાં આવ્યા. કુલ 60 ઇન્જેક્શન લેવા પડ્યા જેમાંથી 42 તો માત્ર એક જ દીવસમાં લીધા. એકધારું કેટલાક દીવસો સુધી અરધો-અરધો યુનિટ કરીને લોહી રોજ નીકાળવામાં આવતું તેમ કરીને લગભગ 3 લીટર લોહી નીકાળવામાં આવ્યું. આ બધું કંઈક 41 દિવસ ચાલ્યું. જયદીપે બધી જ તકલીફો સહન કરી.

પોલીસ ઇચ્છતી હતી કે સમગ્ર પ્રક્રિયાને જોવામાં આવે જેથી કરીને રેકેટના દરેક પાસાનો પર્દાફાશ કરવામાં આવે અને તેમાં સંડોવાયેલા દરેક વ્યક્તિને પકડી શકાય. જયદીપના નકલી કાગળિયા બનાવવામાં આવ્યા જેમાં નકલી આધારકાર્ડનો પણ સમાવેશ થતો હતો. જયદીપ તે ગેંગના કહ્યા પ્રમાણે જ બધું હીમ્મતભેર કરતો જતો હતો જેથી કરીને તેમને તેના પર વિશ્વાસ બેસે અને તે લોકો તેમના દરેક ભેદ તેની સમક્ષ છતા કરે. મેડિકલ પ્રક્રિયાઓ પૂર્ણ થયા બાદ મેડિકલ-બોર્ડ સમક્ષ આવવાનો વારો આવ્યો જેની પ્રશ્નોત્તરી માટે જયદીપ પાસે પૂરી તૈયારી કરાવવામાં આવી હતી.


પોલીસે અહીં ખુબ જ બુદ્ધિપુર્વક કામ લીધું. પેલીસને જયદીપના આ સાહસ પર પૂર્ણ વિશ્વાસ થઈ ગયો હતો. ક્રાઈમ બ્રાન્ચે એ તપાસ કરવા માટે કે ક્યાંક ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની આ કમીટી પણ તો આ રેકેટમાં જોડાયેલી નથી તેના માટે જયદીપને પોતાની કેટલીક માહિતીઓ સાચી તો કેટલીક માહિતીઓ ખોટી આપવાનું કહ્યું જેથી કરીને સૂચનાઓમાં તાલમેલ ના બેસે. જયદીપે પોતાનું નામ અને પિતાનું નામ તો એ જ જણાવ્યું જે તેને શીખવાડવામાં આવ્યું હતું પણ શાળાનું નામ અને સરનામું અલગ બતાવ્યું. આ માહિતીમાં વિરોધાભાસ હોવા છતાં તેને ક્લિયરન્સ મળી ગયું. બોર્ડ 23 મે એ મળ્યું હતું અને ઓપરેશનની તારીખ 25 મે નક્કી કરવામાં આવી.


આટલા દિવસ સુધી જયદીપે પોતાની હિમ્મત ટકાવી રાખી હતી અને ઓપરેશનના દિવસે પણ તે સમય પર પહોંચી ગયો. પણ, હવે તેની હિમ્મત અને તેની લાંબી લડતનું પરિણામ આવવાનો વખત હતો. રિઝલ્ટ સામે આવ્યું. પોલીસે રેકેટના બધા જ લોકોને પકડી લીધા. નક્કર કેસ બનાવ્યો અને તેમને જેલ ભેગા કરી દેવામાં આવ્યા. હોસ્પિટલ અને તેના કેટલાએ વિભાગોની શંકાસ્પદ ભૂમિકાની તપાસ ચાલી રહી છે.

દિલ્લી પોલીસે જણાવ્યું કે તેમને જયદીપ જેવા જાગૃત, પ્રતિબદ્ધ અને સાહસુ નાગરિકોની જરૂર છે અને તેઓ તેને શક્ય તેટલા બધા જ અવસર પર સમ્માન અપાવશે. પોલીસ એવું માને છે કે હાલ થોડો સમય જયદીપને સીક્યોરીટીની જરૂર છે. જયદીપનું માથુ ગર્વથી ઉંચું થઈ ગયું છે.

જયદીપનું કહેવું છે કે મેડિકલ પ્રક્રિયામાંથી પસાર થવાનો સમય તેના માટે પીડાદાયક અને ભયજનક હતો, પણ આજે તેના માટે એ લાગણી ખુબ જ કીમતી છે કે તેણે કેટલાએ લોકોને આ રેકેટની જાળમાં ફસાતા બચાવ્યા છે. જયદીપ ઇચ્છે છે કે કેસનું પરિણામ યોગ્ય આવે અને કોઈ પણ ગુનેગાર બચી ન શકે. પોતાના કોલેજના મિત્ર અને ગામના લોકો માટે જયદીપ એક હીમ્મતવાન હીરો છે. જયદીપ સમાજનો હીરો છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version