જલ્સા કરોને જેંતીલાલ

જીંદગી તો હવે શરુ થઈ છે – એક માતાએ દિકરાને લખેલ પત્ર…

ડીઅર સન બિહાગ,

હું તારી મમ્મી, ઓળખાણ એટલા માટે કે અક્ષર વાંચીને નહી ઓળખી શકાય ક્યાંથી ઓળખાય તે ક્યારેય એ જોયાજ નથી, આત્યાર સુધી મને એવો વિચાર પણ ક્યાં આવ્યો કંઈ લખવાનો અને સમયે કદાચ મને ફુરસદ પણ નહોતી આપી. આ પત્ર વાંચીને ઘણા પ્રશ્ન થતા હશે તારા મનમાં, જાણું છું હું કે આપણે એકજ ઘરમાં રહીએ છીએ પણ પત્ર દ્વારા તને થોડી વાતો કરવી છે જે કદાચ હું મોઢા મોઢ ના કરી શકુ આજ સુધી ક્યારેય કોઈને કંઈ કહેવાની આદત નથી ને કદાચ એટલે…


દીકરા અમને વર્ષોથી વહેલા ઉઠી જવાની આદત છે અને આટલે વર્ષે એ હવે થોડી બદલાય હું સવારે ઉઠીને ચા-પાણી કરું તો સીમાવહુ ની ઊંઘ બગડે છે હું ધીરે ધીરે કામ કરું પણ એનું કહેવું છે કે હું સવારમાંજ ખટખટ શરુ કરી દઉ છું. સવારે તારા પપ્પા છાપું વાંચે તો તું કહે કે તમે શુ સવાર સવારમાં લઈને બેસી જાવ છો મને આપો મારે ઓફીસ જવાનું હોય તમે તો આખો દિવસ ઘરમાંજ છો ને અને તારી વાત પણ સાચી છે, સાંજે તમે લોકો ગ્રીન ટી પીવો પણ મને અને તારા પપ્પાને ના ફાવે એટલે અમારે તો કડક ઉકાળેલી ચા જ જોઇએ વળી આ ઉંમરે અમને ઊંઘની તકલીફ પણ રહે બપોરે ટીવી જોઇએ કે રેડીઓ સાંભળીએ તો પાછો સીમાનો સુવાનો સમય હોય રાત્રે તમારે બંનેએ પણ એકલા સમય વિતાવવો હોય એ બરાબર પણ અમે પણ કેટલો સમય અમારા રૂમમાં પુરાઈને કે ઘરની બહાર રહી શકિએ …


ગયા મહીને આપણે તારા પપ્પાના ફ્રેન્ડ વિનોદભાઈની ષષ્ટિપૂર્તિમાં ગયેલા યાદ છે તને ત્યારે અમે બનેએ થોડો ડાન્સ પણ કર્યો અને તમને નહોતું ગમ્યું તમે કહેલું આ શું માંડ્યું છે આં ઉમરે ડાન્સ કરતા તમે કેવા વિચિત્ર લગતા હતા બેઉ… તારા પપ્પાએ હમણાં દાર્જીલિંગ ફરવા જવાનું કહ્યું ત્યારે સીમાએ કહ્યું શું તમે લોકો પણ હરિદ્વાર જવાની ઉંમરે દાર્જીલિંગનું વિચારો છો… તારા પપ્પા રીટાયર્ડ થયા એટલે અમે સવારે સાથે ચાલવા જવાનું શરુ કર્યું છે ગયા અઠવાડીએ સવારે અમારા ઘરે આવતાની સાથેજ તે અમને કડક શબ્દોમાં કહેલું આ ટ્રેક અને ટી-શર્ટ પહેરીને બહાર ગામમાં ઉપડી જાવ છો કેવા વરવા લાગો છો ઉંમર તો જુઓ, તમારું નહીતો અમારું તો વિચારો આ લોકો જુએ તો અમને શરમ આવે છે..


ગઈકાલે સાંજે તું ઓફિસથી આવ્યો ત્યારે હું અને તારા પપ્પા હિંચકે બેઠા હતા અને સાથે રેડીઓ પણ ચાલતો હતો તારા પપ્પાનું ફેવરીટ ગીત આવ્યું તો સાથે સાથે અમે બંને પણ ગાઈ રહેલા… ત્યારે સીમા વહુએ તને કહ્યું કે જોયું જવાની ફૂટી છે તમારા માં-બાપને કેવા બાલ્કનીમાં બેસી રોમેન્ટિક થઈ રહ્યા છે… હા હા એ એણે તને ધીરેથી જ કહેલું પણ અમે બંનેએ એ સાંભળ્યું ..


સાચુ કહું દીકરા મનેતો પહેલાથી આ બધાની આદત છે પણ આવું બધું સાંભળી તારા પપ્પાને ખુબ દુઃખ થાય છે એ ખુબ સ્વમાની માણસ છે અને આમ જોઇએ તો સીધી કે આડકતરી રીતે આ અપમાન જ કહેવાયને?, હા એ ભલે ક્યારેય કંઈ કહેતા નથી પણ એમના હસતા ચહેરા પાછળ છુપાયેલા દુખને પણ હું સારી રીતે ઓળખી શકું છું.

તને ખબર છે બેટા હું લગ્ન કરીને આવી ત્યારે ૨૧ વર્ષની હતી અને તારા પપ્પા ૨૩ વર્ષના અરે હું પણ શું?, તને ક્યાંથી કંઈ ખબર હોય તું તો ત્યારે હતો પણ નહી આ તો ૩૫ વર્ષ પહેલાની વાત થઈ અમારે તો દિયર જેઠ સાસુ સસરા નણંદ બધાથી હર્યોભર્યો પરિવાર હતો બધા ખુબ સંપીને સુખેથી જ રહેતા મને અને તારા પપ્પાને રાત સિવાય ક્યારેય સાથે બોલવાનો પણ સમય ના મળતો. પછી ધીરે ધીરે દરેક ના લગ્ન થવા લાગ્યા એમ બધા પોત પોતાની રીતે સેટ થઈ ગયા. ના કોઈને કોઈના પ્રત્યે કોઈ વાંધો નહોતો પણ પછી સભ્યો વધ્યા એમ એ ઘર નાનું પડવા લાગ્યું પછી તારો જન્મ થયો અને પપ્પા એ આ ઘર લીધું અને આપણે અહિયા રહેવા આવ્યા.


તું તારા પપ્પાને ખુબ વ્હાલો હતો અને હજી પણ છે તારા પપ્પાએ મને પહેલેથીજ કહેલું કે આપણને જે તકલીફો પડી છે એ આપણે આપણા દીકરાને ક્યારેય નહી પડવા દઈએ એની માટે ભલે મારે વધારે મહેનત કરવી પડે… તારો પ્રેમ બીજા બાળક સાથે વહેંચાય નહી અને તને સારામાં સારો ઉછેર તેમજ સવલતો આપી શકીએ એવું વિચારી અમે ક્યારેય બીજા બાળક માટે વિચાર્યુંજ નહી, તને કદાચ જાણ નહી હોય પણ આટલી મોટી દુનિયા વચ્ચે દરેક સ્ત્રી પોતાના પતી બાળકો અને ઘરમાં પોતાની એક નાનકડી દુનિયા વસાવતી હોય છે એની માટે વિશ્વ ની વ્યાખ્યા એટલે એનો પરિવાર.


એમ મારી દુનિયા પણ મારા પરિવારમાં સમાઈ ગઈ… સમયને જતા ક્યાં વાર લાગે છે જોત જોતામાં તું મોટો થવા લાગ્યો તારા પપ્પાને હંમેશા થતું કે સવારનો ચા-નાસ્તો હું એમની સાથે બેસીને કરું પણ સવારમાં તારા પપ્પાનુ ટીફીન તૈયાર કરવાનું, તને સ્કુલ માટે તૈયાર કરવાનો અને બીજા કામોએ મને ક્યારેય એ ફુરસદ ના આપી… જેમ જેમ તું મોટો થવા લાગ્યો તારા સ્કુલ, ટ્યુશન અને બીજા કલાસીસ મુજબ અમારું શીડ્યુલ્ડ સેટ થવા લાગ્યું..

દિવસે ને દિવસે વધતી જતી મોંઘવારી સાથે ખર્ચાઓ પણ વધવા લાગ્યા, ઘર ચલાવવાનો, ઘરની લોનનો હપ્તો, તને ભણાવવાનો, તારી જરૂરિયાતોનો એ વખતે પગાર પણ બહુ નાનો હતો સાથે દાદા-દાદીને મહીને ચોક્કસ રક્મ મોકલવાની … પરિવારમાં કોઈનેય તકલીફ ના પડે એટલે તારા પપ્પાએ ઓફિસથી ઘરે આવી સાંજે બીજી કંપનીના એકાઉન્ટ લખવાનું શરુ કરેલું… પૈસાની અછતને પહોંચી વળવા શક્ય એટલી કરકસર કરવી પડતી.. મને અને તારા પપ્પાને ફરવાનો પણ બહુ શોખ એ જેવું કોઈ પ્રવાસ વર્ણન વાંચે કે તરત મને કહેવા લાગતા આપણે અહિયા ફરવા જઈશું ત્યાં ફરવા જઈશું પણ ક્યારેક સામાજિક કારણોસર તો ક્યારેક પૈસાની અગવડના કારણે શોખ કલ્પનામાંજ રહી ગયા…ઈચ્છાઓ બધી મનમાંજ રહી ગઈ.


તને અને પરિવારને સાચવવામાં, જવાબદારીઓ નિભાવવામાં ક્યારેક લાગે છે કે જીંદગી માત્ર પસાર થઈ ગઈ એને જીવવાની તો બાકી જ રહી ગઈ… સંગાથ અને નવરાશની પળો શું હોય એનો અનુભવ ક્યારેય માણ્યો જ નહી… અરે જોજે હા આ વાતોથી અમે તારા માટે કેટલું કર્યું છે કે તારા પર કોઈ ઉપકાર કર્યો છે એવું તને જણાવવાનો કે તને એવું કંઈ સંભળાવવાનો મારો કોઈ ઈરાદો નથી અરે આ બધું તો અમારી ફરજ હતી એક દીકરો પોતાના પરિવાર માટે અને એક માતા-પિતા પોતાના સંતાન માટે જે કરે એ જ અમે કર્યું છે એમાં કોઈ નવી વાત નથી કે ના એની માટે અમે દુખી છીએ કે ના અમને કોઈ અફસોસ છે… અમને તો એ વાતનો ગર્વ છે કે અમે અમારી ફરજો પૂરી કરવામાં સફળ રહ્યા…


હવે તારા પપ્પા રીટાયર્ડ થઈ ગયા છે અને હવે હું પણ મારી જવાબદારીઓમાંથી થોડી મુક્ત થઈ છું… અત્યાર સુધી હું મારા કામોના કારણે અને તારા પપ્પા એમના નોકરીના કારણે એકબીજાને પુરતો સમય જ નથી આપી શક્યા… કેટલીયે ઈચ્છાઓ મનમાંથી બહાર ડોકિયા કરી રહી છે પુરી થવા… આંખની કીકી પાછળ દટાયેલા કેટલાય સપના અને મોજ શોખ સમયની ધૂળ ખંખેરી ને ધીરે ધીરે બેઠા થઈ રહ્યા છે.. વર્ષો વીતી ગયા પણ ઘણી ક્ષણો હજી બાકી રહી ગઈ છે જીવવાની, નવરાશની પળો અમારી રાહ જોઈ રહી છે… ટૂંકમાં હું તને કહેવા માંગું છું કે તારા માટેની અમારી દરેક જવાબદારી હવે પૂરી થઈ ગઈ છે હવે તું પગભર થઈ ગયો છે તારા પોતાનો પણ એક પરિવાર છે..


તમે તમારી રીતે સાચા છો દરેકને પોતાની એક સ્પેસ જોઇએ અમે તમને તમારા જીવનમાં ક્યાંય નડવા નથી માંગતા. તમે અમારા સંતાનો છો અમને ખુબ વ્હાલા છો અને અમારા લીધે તમને કોઈ તકલીફ પડે એ પણ અમને નહી ગમે એટલે મે નિર્ણય લીધો છે કે તમે હવે વહેલામાં વહેલી તકે આ ઘર છોડી તમારુ પોતાનું ઘર વસાવો.. તમે તમારી સ્વતંત્ર જીંદગી જીવી શકો અને અમે પણ, હા આમા તમને ઘરેથી દુર કરવા કે ઘરેથી કાઢી મુકવા જેવી કોઈ વાતજ નથી તમે ઈચ્છો ત્યારે અહી આવી શકો છો રહી શકો છો ક્યારેક અમે પણ ત્યાં આવીશું. રોજ સાથે રહીને દુર રહેવું એકબીજાને દુઃખ પહોચાડવું એના કરતા દુર રહીને સાથે રહેવું અમને વધુ ગમશે… પત્ર વાંચ્યા બાદ આ બાબતે મારી સાથે કોઈ પણ વાતચીત કરવાની જરૂર નથી કારણકે આ મારો આખરી નિર્ણય છે.


અમારી જિંદગીને અમે અમારી રીતે અમારા સમયે અમારી ઈચ્છા મુજબ જીવવા માંગીએ છીએ, હવેનું જીવન અમે બીજા કોઈ માટે નહી માત્ર એકબીજા માટે જીવવા માંગીએ છીએ. સાચું કહું, તો હવે સમજાય છે આજ સુધી જીવ્યા એતો માત્ર જવાબદારી અને ફરજો હતી, ખરેખર જીંદગીતો હવે શરુ થઈ છે.

લિ. જેના જીવનમાં જિંદગીની શરૂઆત થઈ છે એવા બે જીવ

લેખક : સ્વાતિ સીલ્હર

આપનું શું માનવું છે આ માતા પિતાએ જે નિર્ણય કર્યો એ બરોબર કર્યો કે નહિ? કોમેન્ટમાં જરૂરથી જણાવજો, દરરોજ આવી અનેક વાર્તાઓ અને પત્રો વાંચો ફક્ત આપણા પેજ પર.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version