જલ્સા કરોને જેંતીલાલ

જિંદગી, હજારો રાતોની એક કહાણી! – ખૂબ લાગણીસભર વાર્તા…હ્રદય દ્રવી ઉઠશે તમારું…

જિંદગી, હજારો રાતોની એક કહાણી!

આજે સવારથી જ સ્વરા પરેશાન હતી. શું કરવું શું ન કરવું એ એને કશું જ સમજમા નહોતું આવી રહ્યું. અત્યાર સુધી તો બધું ઠીક ઠાક ચાલી રહ્યું હતું. માંડ માંડ મેનેજ કરી રહી હતી. પણ, હવે આગળ શું કરવું એ જ એની સમજની બહાર હતું. આટલાં વર્ષોની જિંદગી એને એક દિવસ જેવી લાગતી હતી. જેમ સૂર્યોદય થતાં સવાર પડે છે. એમ એ એનાં મીઠા મધુર બાળપણને એની જિંદગીની સૌથી ઉતમ સવાર માનતી હતી.


એકદમ નિર્દોષ જીવન. ના કશા ગુનાની સમજણ ને જીવનના સત્યથી ભવિષ્યથી એકદમ અજાણ….પોતાની મસ્તીમાં તલ્લીન થઈ ને જ હરપળ જીવવાની, હરક્ષણ માનવાની. જે મનમાં આવે એવાં તોફાનો કરવાના ના કોઈ ડર કે પછી ના કોઈ અભાવ. વસ્તુઓ પામવા માટેની જીદ. મનમાં આવે ત્યારે સુવાનું, મન પડે ત્યાં દોડીને રમવા ભાગી જવું…..

રડવાનું મન થાય તો મોટે મોટેથી રડી લેવાનું. ને એ રડવાની પણ કેવી મજા આવતી…મમ્મી મનાવે, દાદી મનાવે સૌ કોઈ કેવું પ્યારથી મનાવ્યા કરે…નહિ ? ને યુવાન થતા જ…..! બધું જ બદલાઈ જાય…..અફસોસ ! આવું કેમ ?


બચપણ યાદ આવતાં જ સ્વરા એકદમ ઉદાસ થઈને જમીન પર ઢસડાઈ પડે છે….આંખોમાંથી આંસુઓ વહી રહ્યાં છે ને ગળે ડૂમો ભરાઈ પડે છે. ને અંદર ખાને છાના ડૂસકાઓ ભરી ભરીને રડી પડે છે. આજે સ્વરાની આંખોના આંસુઓમાંથી યુગોની વેદનાઓ સહી સહીને થાકીને વહી રહી હોય એવો એને અહેસાસ થઈ રહ્યો હતો. એક એક આસુઓ એક એક વેદનાને આજે જીવંત કરી રહ્યા હતા.

આ પહેલું આંસુ મારા લગ્ન થયાં એ વખતનું……! મારા લગન વખતનો સમય હું કેમ ભૂલી શકું ? મારું બાળપણ , મારી ખુશી, મારું અસ્તિત્વ આ લગ્નના એક એક ફેરામાં હોમાતું ગયું. આફ્રિકન આદિવાસી જેવા યુવાન સાથે એનો પૈસો ને પ્રતિષ્ઠા જોઇને મારો હાથ મને મારી ઈચ્છા જાણ્યા વગર, મારી પસંદ શું છે એ પૂછ્યા વગર ને મારા ભવિષ્ય માટે મેં વિચારેલા મારા સપનાઓની પરવા કર્યા વગર એ હબસી જેવો દેખાતા યુવાન સાથે માત્ર સતર વર્ષની ઉમરમાં જ મને પરણાવી દીધેલ.


મારી આશાઓ, મારા સપનાઓ બધું જ ભૂલીને મેં એનો સ્વીકાર કર્યો. લગ્ન જીવનના શરૂઆતના વર્ષમાં મને થોડું નહિ પણ વધારે દુખ થયું પરંતુ મન મનાવી મેં એ બધું જ નશીબ માની સ્વીકારી લીધું. સમય જતા એક દીકરાનો જન્મ થયો…એટલે બધું જ દુખ ભૂલીને એનાં યોગ્ય ઉછેરમાં હું દિવસો પસાર કરવા લાગી…દિવસો ક્યા વીતવા લાગ્યા એની મને ખબર જ ના પડી. ને એ….અફસોસ!!!!!!!!

હું મારી દુનિયા મારા દીકરાને બનાવીને જીવવા લાગી ને એ એમની દુનિયા મયખાનાને સમજી બેઠા….ચોવીસ કલાકમાંથી અઠાર કલાક નશામાં ધૂત રહેવા લાગ્યાં. એમને એક પત્ની અને બાળક છે…એ થકી એક સુંદર કહી શકાય એવું એક ઘર છે..એ બધું તો એ નશાની સાથે ક્યારનાય પી ને ભૂલી જ ગયેલાં.
કરોડો રૂપિયાની આવક, તો એટલો બધો પૈસો વાપરેય ક્યાં? ડાન્સ ક્લબ, દારૂની મહેફિલ અને રૂપાળી લલનાઓનાં શોખીન…પછી તો શું ઘટે ?


દિવસ એક પણ એમની અયાસીમાં સાથ આપવા માટે જેટલી કલાકો દિવસની એટલી એમને અપ્સરા જેવી લલનાઓ મળી રહેતી. મારા આલીશાન ઘરનાં બે ભાગ, એક બાજુનો આખો ભાગ એમાં બે બેડરૂમ,હોલ અને ગાર્ડનવાળો ભાગ એમની આ લીલાઓ કરવા માટે જ વાપરવામાં આવતો…ને ઘરનો સામેની બાજુનો ભાગ મારા અને મારા દીકરા રહેતો. હું કે મારો દીકરો ક્યારેય ભૂલથી પણ એ મયખાનામાં હજી સુધી પગ નથી મૂક્યો. હું નથી ઈચ્છતી કે હું જે નર્ક જેવી યાતના ભોગવી રહી છું એ મારા દિકરાના સંસારમાં ભાગરૂપ થવા વાળી કોઈ દીકરી ભોગવે.

હું મારા દીકરાને પૈસાના જોરે નહિ પણ મારા સંસ્કારનાં જોરે મોટો કરવા માંગુ છું.એટલે હું આ તમામ દ્રીધાથી પર રહીને મેં એક મારા સ્વપ્નની અલગ જ દુનિયા વસાવી લીધી હતી. ક્યારેક તો મને થતું કે, “સારું છે ભગવાને રૂપ નથી આપ્યું….જો પૈસાનાં જોરે એ આટલી હદ વટાવી શકતા હોય તો રૂપના જોરે તો કેટલીય બિચારીની જિંદગી ખરાબ કરી દેત આ વ્યક્તિ.”


ને આટલું જ મનમાં યાદ કરી ફરી સ્વરાની આંખો નદીનાં પૂરની જેમ વહેવા લાગી. આજે અત્યાર સુધીની એની જિંદગીમાં બાજી ગહેલો ડૂમો એ આંસુઓના સહારે વહાવીને હળવી થઈ રહી હતી. “મને યાદ છે મેં ક્યારેય મારા પિયરમાં આ વિષે કોઈને ખબર પણ નથી પડવા દીધેલી…મારા દુઃખની એક ભણકનો અણસાર મેં ક્યારેય મારા મમ્મી કે પપ્પાને નથી આવવા દીધી.”

“જો એ લોકોએ મારા લગ્ન પહેલાં આ બધી તપાસ કરી દીધી હોત, તો મારે આ નર્ક જેવી યાતનાઓ ન ભોગવવી પડેત!, આ રોજ રોજના અંધકાર ભરેલાં જીવનથી હું મુક્ત રહી શકેત….,હું આ બધી જ યાતનાઓ, વેદનાઓને હું મારા માતા પિતા તરફથી મળેલી ભેટ સમજી સ્વીકાર કરી અપનાવી રહી છું ને જ્યાં સુધી સહન થશે ત્યાં સુધી અપનાવીશ.” મનમાં ને મનમાં આટલું બોલી સ્વરાએ આંસુઓ લૂછ્યાં.

હવે એને જે યાદ આવી રહ્યું છે..એમાં એને આંસુઓ નહિ પણ ખુશી થઈ રહી છે…..મનમાં એ હાશ્શ્શ……અનુભવી રહી છે….કેટલાય વર્ષો પછી એના જીવનમાં સૂર્યના પહેલા કિરણનો અહેસાસ એ મહેસુસ કરી રહી છે ને એ પૂર્ણ સ્વરૂપે અનુભવેલાં પ્રકાશને માણી રહી છે પ્રફુલ્લિત મનથી. જે એના ચહેરાનાં ભાવ પરથી સ્પષ્ટ જણાઈ આવે છે.


એ છોકરી…! “હા, મને યાદ છે એ છોકરીનાં કહેલાં એક એક શબ્દો, એક એક યાતના….હજી બરોબર યાદ છે જે એને મારા ના ના એવો હબસી જેવો દેખાતો એ મારો પતિ નથી…હું એને મારો પતિ તો નહિ જ કહું….” “એક દિવસ એક અઠાર વર્ષની દીકરી મારા ઘરે આવી ને મને પૂછ્યું તમે જ સ્વરાં મેમ છો?” “હા, આવોને, હું જ સ્વરા છું.”, મેં હળવેથી આવકાર આપ્યો.

“એ છોકરી એકીધારી નજરે મારી સામું જોતાં એકી શ્વાસે બોલતી ગઈ,” ક્યાદેવી સ્વરૂપા ને પવિત્ર તમે ને ક્યા એ નરાધમ રાક્ષસ!, તમે આવી વ્યક્તિ સાથે રહી જ કેમ શકો છો ? જે વ્યક્તિને સ્ત્રી એક વસ્તુ લાગે છે..એ સ્ત્રીને પોતાની વાસનાઓ છૂપાવવા માટેનું જ સાધન સમજે છે..પછી એ સ્ત્રી ભલે ને એમની દીકરીની ઉમરની જ હોય!”……આટલું બોલતા જ એ દીકરી ત્યાં જ જમીન પર ઢફાક્ક્ક્કક્ક્ક્કક …..કરતી બેસી જાય છે ને રડવા લાગે છે.”

“તું શું કહી રહી છે એ મને કશું સમાજમાં નથી આવતું? લે આ પાણી પી લે થોડી સ્વસ્થ થઈ જા પછી એકદમ શાંતિથી મને તારી બધી જ વાત કહે.”, એ છોકરીને આશ્વાસન આપતાં સ્વરા બોલી.

“ હું શું કહું મારા વિષે ? મારી જિંદગી તમારા એ સ્ત્રીઓનાં શોખીન પતિએ પતાવી દીધી છે…હું મારા મમ્મીનાં કેન્સરનાં ઈલાજ માટે સવારે કોલેજ જાવ ને ટ્યુશન કરું છું ને રાત્રે ડાન્સબારમા ડાન્સ કરવા જાવ છું..જે પૈસા મને મળે છે એમાંથી હું મારા મમ્મીનો ઈલાજ કરાવું છું. મારી મજબુરીનો ફાયદો ઉઠાવી, મને ભોળવી, ફસાવીને એક દિવસ એ રાક્ષસે મને તમારા જ ઘરે મળવા બોલાવી…હું આવી પહેલીવાર તો મને ખુબ જ સરસ રીતે વાત કરી પછી કહ્યું, આ લેતી જા પૈસા, હવે તારે નાચવાની જરૂર નથી..તું તારી મમ્મીનું ઓપરેશન કરાવી નાખ….” “હું તો એમને ભગવાન સમજવા લાગી……કે આ દુનિયામાં પણ કોઈ માનવ સ્વરૂપે ભગવાન રહે છે…મારા મમ્મીનું ઓપરેશન થયું….એ પણ સાજા થઈ ગયા…પરંતુ” “શું પરંતુ ……”


“ જેમ જેમ દિવસો જતાં ગયા એમ એમ મારી જિંદગી નર્ક બનતી ગઈ….રોજ એક મેસેજ આવે ને મારે એ મેસેજમાં આવેલા સમય મુજબ તમારા ઘરે આવવાનું….ને મારે એ રાક્ષસની વાસનાઓ પૂરી કરવી પડતી..જયારે જ્યારે એને મન થતું ત્યારે ત્યારે એ મારો ઉપયોગ કરવા લાગ્યો…” “હું પૈસા આપીને છૂટી શકું આ યાતનામાંથી. પરંતુ મારી પાસે પૈસા છે નહિ ને હું ખુબ જ મુંજાઈ રહી હતી…ત્યાં મને તમે યાદ આવ્યાં કે તમે મારી હેલ્પ કરી શકશો!”

“આ સાંભળી સ્વરાની આંખો ફાટી જ રહી, પગ નીચેથી જમીન સરકી ગઈ હોય એવું લાગ્યું…..ને એણે તરત જ એક ઝેરની બોટલ જે વર્ષો પહેલાં એના માટે લાવેલી હતી..એ આખે આખી ઝેરની બોટલ એને એ નરાધમની દારૂની ભરેલી બોટલમાં એ છોકરીનાં હાથે જ નખાવ્યું…” ને સવાર પડતાં જ એ રાક્ષસ આ દુનીયામાથી વિદાય થયો..


કેટલાં વર્ષો પછી ને આખી જિંદગીની હજારો રાત્રી પછી એનાં જીવનમાં આજે સૂર્યોદય થયો હતો….કેમકે એને આજે એક નિર્દોષને અંધકાર ભર્યા વાતાવરણથી રોશની આપી હતી…ને એ દીકરીને એના દીકરાની વહુ તરીકે સ્વીકારવાનું મનોમન નક્કી કરી એને એ દીકરીનાં જીવનમાં પણ પ્રકાશ પાથર્યો.

“અંતે એક સ્ત્રીની પીડા તો એક સ્ત્રી જ સમજી શકે છે એ વાત સ્નેહાએ સાચી કરી બતાવી આજે”

લેખિકા : તૃપ્તિ ત્રિવેદી

દરરોજ આવી લાગણીસભર વાર્તા વાંચો ફક્ત અમારા પેજ પર.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version