તમારા બાળકને લગભગ દર મહિને શરદી-ઉધરસ રહે છે? તો આ ખાસ વાંચવાનું ચૂકશો નહી

એકથી પાંચ વર્ષનાં બાળકોને જ સૌથી વધુ પ્રૉબ્લેમ

child
તમે પ્રી-સ્કૂલના એક ક્લાસમાં જાઓ તો ખ્યાલ આવશે કે ૪૦ બાળકોનો એક ક્લાસ હોય એમાં લગભગ ઍવરેજ ગમે ત્યારે જાઓ ત્યારે ૧૫-૨૦ બાળકો ખાંસી ખાતાં હોય કે કોઈનું નાક વહેતું હોય તો કોઈને જોર-જોરથી છીંકો આવતી હોય છે. મહિનામાં ૨-૪ દિવસ તો ઓછામાં ઓછી રજા મોટા ભાગનાં બાળકોની હોતી જ હશે અને જ્યારે કારણ પૂછો ત્યારે એ જ કે વાઇરલ થઈ ગયું હતું કે શરદી-તાવ હતાં એટલે રજા લીધી હતી. ખાસ કરીને એકથી પાંચ વર્ષનાં બાળકોમાં જે સૌથી સામાન્ય તકલીફ કહો કે રોગ છે એ છે શરદી, ખાંસી અને તાવ. નિષ્ણાત ડૉક્ટરો કહે છે કે આજે આપણે ત્યાં સમાજમાં ઘણાં બાળકો એવાં છે જેમને દર મહિને શરદી-ખાંસી થતી જ હોય છે અને એ લગભગ અઠવાડિયું ચાલે છે. થોડાં મોટાં થાય ત્યારે એક મહિનાને બદલે બે મહિનામાં થાય પરંતુ રેસ્પિરેટરી સિસ્ટમ પર અસર બાળકોને ખૂબ જલદી થાય છે. સતત થતી અસર પાછળ ઘણાં જુદાં-જુદાં કારણ જવાબદાર છે જેના પર આજે નજર દોડાવીએ.

ઋુતુ બદલાય ત્યારે 

મુંબઈમાં હમણાં જ સીઝન બદલાઈ. ઠંડી ગઈ અને એકદમ ગરમીની શરૂઆત થઈ. આ વર્ષે ઠંડી પણ ડિસેમ્બરમાં પડવાને બદલે જાન્યુઆરીમાં વધુ પડી અને અચાનક ફેબ્રુઆરી અડધો પણ પત્યો નહીં ત્યાં તો ૩૪ ડિગ્રી જેટલી ગરમી શરૂ થઈ ગઈ. દરેક સીઝન બદલાય એટલે પ્રકૃતિમાં ફેરફાર આવે અને પ્રકૃતિમાં ફેરફાર આવે એટલે એની અસર પ્રકૃતિના ભાગ એવા માણસોને ચોક્કસ થાય છે. એમાં સૌથી વધુ અસર બાળકોને થાય છે. સીઝન ચેન્જ થઈ નથી કે તેઓ માંદા પડ્યાં નથી. સીઝન ચેન્જ થાય ત્યારે શું થાય છે એ સમજાવતાં ચિયર્સ ચાઇલ્ડ કૅર ક્લિનિક, કેમ્પ્સ કૉર્નરના પીડિયાટ્રિશ્યન ડૉ. પંકજ પારેખ કહે છે, ‘સીઝન ચેન્જ થાય ત્યારે બૅક્ટેરિયા અને વાઇરસમાં પણ બદલાવ આવે. અમુક પ્રકારના વાઇરસ અમુક સીઝનમાં વધુ ઉત્પન્ન થાય એટલે કે દરેકને માફક આવતી સીઝન જુદી-જુદી છે. જેમ કે રેસ્પિરેટરી ટ્રૅકને અસર કરતા વાઇરસ શિયાળામાં વધુ ઉત્પન્ન થાય અને ફેલાય. ગરમીમાં ચિકનપૉક્સના બૅક્ટેરિયા વધુ ફેલાય અને ચોમાસામાં પાણીજન્ય બૅક્ટેરિયા અને વાઇરસ જેમ કે રોટા વાઇરસ કે ડાયેરિયા માટે જવાબદાર બૅક્ટેરિયા ફેલાય. આમ જ્યારે સીઝન ચેન્જ થાય અને વાતાવરણમાં અમુક પ્રકારના વાઇરસ કે બૅક્ટેરિયા વધે એટલે બાળક પર એ અસર કરે.’

પૉલ્યુશન 


જો તમે બીજાં શહેર કે નાની જગ્યાઓ સાથે સરખામણી કરો તો મુંબઈ જેવા મેટ્રો સિટીમાં બાળકો વધુ ને વધુ માંદાં રહેતાં હોય છે. એનું કારણ સમજાવતાં ડૉ. પંકજ પારેખ કહે છે, ‘આપણે ત્યાં સીઝન ચેન્જ થાય એને કારણે જે બાળકો માંદાં પડતાં હોય છે એનાં કારણોમાં પૉલ્યુશન પણ એક મોટું પરિબળ છે. શિયાળામાં હવામાં ભેજનું પ્રમાણ ઘણું ઓછું થઈ જાય છે અને ઠંડીને કારણે પૉલ્યુશનનો ધુમાડો વાતાવરણમાં નીચે જ રહે છે, ઉપર જતો નથી એટલે શ્વાસમાં ઘણું વધારે પૉલ્યુશન જતું રહે છે. એને લીધે બાળકો માંદાં પડે છે. ગરમીમાં હવા પાતળી હોય છે અને પૉલ્યુશન ઉપર જતું રહે છે. બાળકોને અત્યારે આપણે હવા, પાણી અને ખોરાક દરેક વસ્તુ પ્રદૂષિત આપી રહ્યા છીએ જેની અસર તેમના શરીર પર થવાની જ છે.’

ઍલર્જી 

જે બાળકને વારંવાર કે કહી શકાય કે સતત શરદી-ખાંસી કે શ્વાસમાં પ્રૉબ્લેમ રહેતા હોય તેના આ પ્રૉબ્લેમ પાછળ ઇન્ફેક્શનની શક્યતા ઓછી અને ઍલર્જી‍ હોવાની શક્યતા વધુ રહે છે. એ વિશે જણાવતાં ડૉ. પંકજ પારેખ કહે છે, ‘એકથી પાંચ વર્ષનાં બાળકો આજકાલ ભરપૂર ચૉકલેટ, પીપરમિટ, આર્ટિફિશ્યલ કલર અને સુગંધવાળી વસ્તુઓ, બેકરી પ્રોડક્ટ્સ, ઠંડાં પીણાં વગેરે લે છે અને એનાથી તેમને ઍલર્જિક રીઍક્શન્સ આવતાં હોય છે. જોકે ૯૦ ટકા ઍલર્જિક તકલીફો ૫-૬ વર્ષ પછી એની મેળે જતી રહે છે, પરંતુ અમુક ઍલર્જી‍ જતી નથી, રહી જાય છે. જો બાળકને સતત આવું રહેતું હોય તો દવા લેવાથી ઓછો ફરક પડે છે, પરંતુ આ બધી આર્ટિફિશ્યલ વસ્તુઓ, દૂધ, ઠંડાં પીણાં બંધ કરવાથી ચોક્કસ મોટો ફરક પડે છે.’

ઇન્ફેક્શન અને ઍલર્જી એકસાથે 

ઘણી વખત પરિસ્થિતિ ગંભીર થઈ જાય છે કે બાળકને ઍલર્જિક પ્રૉબ્લેમ તો હોય જ, પરંતુ સાથે ઇન્ફેક્શન પણ લાગે જેને લીધે તેની હાલત વધુ ખરાબ થતી હોય છે. ઍલર્જીને લીધે શરદી-ઉધરસ તો હોય જ એની સાથે ઇન્ફેક્શન પણ જોડાઈ જાય છે. આવી પરિસ્થિતિમાં ડૉક્ટર માટે થોડું મૂંઝવણભર્યું થઈ જાય છે, કારણ કે ઇલાજ કરવામાં થોડી મુશ્કેલી નડી શકે છે.

ચેપ 

સ્કૂલ જતાં બાળકો વારંવાર માંદાં પડતાં હોય છે, કારણ કે સ્કૂલમાં એક વ્યક્તિને ચેપ લાગે તો બાળકની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાને લીધે તરત જ બીજા બાળકને પણ ચેપ લાગી શકે છે. જોકે આ પ્રૉબ્લેમનું કોઈ નિવારણ નથી. બાળકને સ્કૂલ મોકલવાનું બંધ તો કરાતું નથી. એવું ચોક્કસ થઈ શકે કે જેનું બાળક માંદું હોય તે પોતાની જવાબદારી સમજીને પોતાના બાળકને સ્કૂલ ન મોકલે જેથી બીજાં બાળકો માંદાં ન પડે.

બાળકો જ કેમ?

એકથી પાંચ વર્ષનાં બાળકો જ બદલાયેલું તાપમાન હોય, ચેપી રોગ હોય કે ઍલર્જી‍ હોય એનો વધુ શિકાર બને છે એનું કારણ એ છે કે આ વર્ષો તેમના જીવનનાં શરૂઆતનાં વર્ષો છે. બાળકની રોગપ્રતિકારક શક્તિ આ વર્ષ દરમ્યાન ડેવલપ થતી હોય છે. પૂરી રીતે ડેવલપ થઈ ચૂકી હોતી નથી. માટે તેમને અવારનવાર ઇન્ફેક્શન થાય છે. બદલાયેલી આબોહવાની અસર તેમને જલદી થાય છે, કારણ કે તેમનું શરીર હજી નબળું છે. એ સિવાય આજકાલનાં બાળકોની ખોટી આદતો, નબળો ખોરાક પણ તેમના પર ખૂબ અસર કરે છે. જોકે મહત્વની વાત એ છે કે મોટા ભાગનાં બાળકોને આ તકલીફ પાંચ વર્ષ સુધી રહે છે અને પાંચ વર્ષ પછી એ એની મેળે જતી રહે છે અથવા તો કહીએ કે ઘટી જાય છે, કારણ કે ત્યાં સુધીમાં તેમની રોગપ્રતિકારક શક્તિ ડેવલપ થઈ જાય છે અને તે નાના ઇન્ફેક્શનનો સામનો સારી રીતે કરી શકે છે.

સંકલન : જીગીષા જૈન 

સૌજન્ય : મીડ ડે 

હેલ્થ, લાઈફ સ્ટાઈલ તેમજ અન્ય માહિતી મેળવાવા માટે આજે જ અમારું ફેસબુક પરનું પેજ “જલ્સા કરોને જૈંતિલાલ” આજે જ લાઇક કરો, ને જો આ માહિતી ગમે તો તમારા મિત્રોને પણ લીંક શેર કરીને આજે જ વંચાવો.

ટીપ્પણી