“અલોવેરા જેલ”બ્યુટી નિખારવામાં આજકાલ ઘણી પ્રચલિત છે.. શું તમે જાણો છો એના ઉપયોગ વિશે ?

એનાથી સ્કિન હંમેશાં શાઇન, ગ્લો અને સ્મૂધ રહે છે. એમાં પાણીની માત્રા પણ વધારે હોવાથી એ શિયાળામાં મૉઇશ્ચરાઇઝરનું કામ કરે છે

aloe vera forms and uses

શિયાળો આવતાં જ આપણને મૉઇશ્ચરાઇઝરની જરૂર પડે છે. ઘણી વિન્ટર-ક્રીમ આપણી સ્કિનને સૂટ નથી થતી અને સ્કિન પર રૅશિસ થઈ જાય છે. એટલે મૉઇશ્ચરાઇઝર તરીકે આજકલ અલોવેરા જેલ ખૂબ પ્રચલિત છે. એ સિવાય અલોવેરા જેલ નૉર્મલ સ્કિનકૅર માટે પણ ઘણી પસંદીદા બ્યુટી-પ્રોડક્ટ છે. અલોવેરાની લગભગ ૨૫૦ ઉપજાતિઓ છે જેમાંથી જે સૌથી પ્રભાવશાળી છે

એ છે બાર્બે‍ડેન્સિસ મિલર, જેને અલોવેરા પણ કહેવામાં આવે છે. અલોવેરા જેલ દરેક સ્કિન-ટાઇપને સૂટ થાય છે. ડર્મેટોલૉજિસ્ટ ડૉ. ખલીલ મુકાદમ કહે છે, ‘અલોવેરાને મિરૅકલ પ્લાન્ટ પણ કહેવામાં આવે છે જેના હેલ્થ અને સૌંદર્યની દૃષ્ટિએ ઘણા ફાયદા છે. આ પ્લાન્ટમાં એક જેલ હોય છે જેને અલોવેરા જેલ કહેવાય છે જે નૅચરલ કૉસ્મેટિકનું કામ કરે છે. એના લીધે તમારા સ્કિનના ઘણા પ્રૉબ્લેમ જેમ કે ડાર્ક સ્પૉટ, પિમ્પલ્સ, ઍક્ને વગેરે દૂર થાય છે. અલોવેરા જેલ સ્કિન પર લગાવવાથી તમને સ્કિન પર ગ્લો અને ફેરનેસ જોવા મળે છે. એ સ્કિન માટે સૌથી સારા મૉઇશ્ચરાઇઝરનું કામ કરે છે. એનાથી સ્કિનની આખી કાયાપલટ થઈ જાય છે અને તમારી સ્કિનની ફ્રેશનેસ એવી ને એવી રહે છે.’

શિયાળામાં અલોવેરા જેલ મૉઇશ્ચરાઇઝરનું પણ કામ કરે છે. અલોવેરા જેલથી સ્કિન ઑઈલી નથી રહેતી, ઊલટાની વધુ સોફ્ટ થાય છે, જેના લીધે સ્કિનનું વૉટર ખતમ નથી થતું અને રિન્કલ્સ નથી થતાં.

અલોવેરા જેલથી કોઈ સાઇડ-ઇફેક્ટ થાય છે? એનો જવાબ આપતાં ડૉ. ખલીલ મુકાદમ કહે છે, ‘અલોવેરા જેલનો એક પ્લસ પૉઇન્ટ જ એ છે કે એની કોઈ સાઇડ-ઇફેક્ટ નથી, કેમ કે એની જે જેલ છે એ નૅચરલ પ્રોડક્ટ છે. જો તમને અલોવેરા જેલથી બનાવેલા ફેસપૅકથી કોઈ પણ સાઇડ-ઇફેક્ટ થઈ તો એ અલોવેરા જેલથી નહીં પણ એની સાથે મિક્સ કરેલી સામગ્રીથી થશે. તમે અલોવેરા જેલને કોઈ પણ સામગ્રી સાથે મિક્સ કરો તો એ વાતનું ધ્યાન રાખવું કે એમાં અલોવેરા ૯૦ ટકા હોવું જોઈએ અને બીજી પ્રોડક્ટ એના કરતાં ઓછી હોવી જોઈએ. જો તમને કોઈ સાઇડ-ઇફેક્ટ થાય તો એ અલોવેરા જેલ સાથે મિક્સ કરેલી બીજી પ્રોડક્ટથી થઈ શકે છે, અલોવેરા જેલથી નહીં.’

અલોવેરા વિશે જેટલી જાણકારી આપીએ એટલી ઓછી છે. તો જાણીએ કે અલોવેરા જેલને સ્કિનકૅર માટે કઈ રીતે ઉપયોગમાં લઈ શકાય. એમાં કઈ-કઈ વસ્તુઓ મિક્સ કરીને સ્કિન પર લગાવવી જોઈએ જેનાથી તમને સ્કિન પર એનું પ્રૉપર રિઝલ્ટ મળે. જાણીએ આપણે ડૉક્ટર મુકાદમ પાસેથી કે તેમના મતે અલોવેરામાં કઈ-કઈ સામગ્રી મિક્સ કરીને પેસ્ટ બનાવી શકાય અને એ પેસ્ટને કેટલો સમય ફેસ પર રાખી શકાય.

મધ અને બ્રાઉન શુગર 


અલોવેરા જેલ સાથે તમે મધ અને બ્રાઉન શુગર મિક્સ કરી શકો છો. બે ટેબલસ્પૂન અલોવેરા જેલમાં એક ટેબલસ્પૂન મધ અને એક ટેબલસ્પૂન બ્રાઉન શુગર મિક્સ કરો. ફેસ-સ્ક્રબને મોઢા પર લગાવતાં પહેલાં ફેસને હૂંંફાળા પાણીથી ધોઈ નાખો અને પછી ફેસ-સ્ક્રબથી ફેસને બે મિનિટ સુધી સ્ક્રબ કરો. એનાથી સ્કિન સ્મૂધ થશે અને બ્લૅક હેડ્સ અને વાઇટ હેડ્સ પણ નીકળી જશે.

મુલતાની માટી અને કાકડી

ઠંડીમાં સ્કિનને મૉઇશ્ચરાઇઝરની બહુ જરૂર હોય છે. તમારે જો ઘરે જ મૉઇશ્ચરાઇઝર બનાવવું હોય તો તમે અલોવેરા જેલનો ઉપયોગ કરી શકો છો. બે ટેબલસ્પૂન અલોવેરા જેલમાં એક ટેબલસ્પૂન મુલતાની માટી અને એક કાકડીની છાલ ઉતારી એનો જૂસ મિક્સ કરી પેસ્ટ બનાવો. એ પેસ્ટને મોઢા પર લગાવો. ૩૦ મિનિટ સુધી રાખો અને પછી મોઢું ધોઈ નાખો. આ ફેસપૅક તમારી સ્કિન માટે મૉઇશ્ચરાઇઝરનું કામ કરે છે.

કેળું અને મધ

એક નાના કેળાને સ્મૅશ કરી એમાં બે ટેબલસ્પૂન અલોવેરા જેલ અને બે ટેબલસ્પૂન મધ નાખો. આ બધાને મિક્સ કરીને જે પેસ્ટ બનશે એને તમે ફેસ અને ગળા પર લગાવીને ૨૦ મિનિટ સુધી રહેવા દો. નાના ગોળાકારમાં મસાજ કરીને પેસ્ટને ફેસ અને ગળા પરથી રિમૂવ કરો અને એ પછી હૂંફાળા પાણીથી ધોઈ નાખો. આ ફેસપૅકને તમે ડ્રાય અને સેન્સિટિવ સ્કિન પર પણ અપ્લાય કરી શકો છો.

બદામ


પલાળેલી બદામને પીસીને તમે જરૂર હોય એટલી માત્રમાં અલોવેરા જેલ મિક્સ કરો. એ પેસ્ટને તમે ફેસ અને ગળા પર લગાવી ૧૫ મિનિટ સુધી રાખો અને પછી ધોઈ નાખો. આ પેસ્ટ ડ્રાય સ્કિનવાળા વાપરી શકે છે.

કાકડીનો રસ, યોગર્ટ અને રોઝ ઑઇલ

અલોવેરા જેલની પેસ્ટ બનાવો અને એમાં કાકડીનો જૂસ અને યોગર્ટ મિક્સ કરો. એ પછી રોઝ ઑઇલનાં અમુક ટીપાં નાખો અથવા બીજું કોઈ એસેન્શિયલ તેલ નાખો. આ મિક્સ્ચરને ૧૫ મિનિટ સુધી ફેસ પર લગાવીને પછી ઠંડા પાણીથી ધોઈ નાખો. આ પેસ્ટથી તમારી સ્કિનમાંથી ડસ્ટ, ઑઇલ અને સ્કિનની ગંદકી સાફ થઈ જાય છે અને તમને ફ્રેશ ફીલ કરાવે છે. આ ફેસપૅક સેન્સિટિવ સ્કિન માટે છે.

ગુલાબજળ

અલોવેરાની જેલમાં થોડું ગુલાબજળ મિક્સ કરીને એની પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને ફેસ પર અને આંખોની આસપાસની સ્કિન પર લગાવો. એનાથી તમારી સ્કિન પરની મૃત ત્વચા નીકળી જશે.

હેરઑઇલ

અલોવેરા સ્કિન સાથે વાળ માટે પણ સારો ઑપ્શન છે. હેરઑઇલમાં અલોવેરા જેલ મિક્સ કરી એક કલાક પછી વાળ ધોઈ નાખવાથી વાળમાં થતો ખોડો મટશે અને વાળ લીસા અને કાળા બનશે.

સંકલન : જીગીષા જૈન 

સૌજન્ય : મીડ ડે 

ગ્લેમર, બ્યુટી હેલ્થ, લાઈફ સ્ટાઈલ તેમજ અન્ય માહિતી મેળવાવા માટે આજે જ અમારું ફેસબુક પરનું પેજ “જલ્સા કરોને જૈંતિલાલ ” આજે જ લાઇક કરો, ને જો આ માહિતી ગમે તો તમારા મિત્રોને પણ લીંક શેર કરીને આજે જ વંચાવો.

ટીપ્પણી