ઘૂમટૉમાં આઝાદી – આ બંનેમાંથી કોને સાચી આઝાદી મળી એ તો તમે જ નક્કી કરો…

પાસપોર્ટ સેવા કેન્દ્ર પર ભીડ હતી. સિક્યુરિટી ગાર્ડ નો અવાજ આવ્યો 10:30 વાળા લાઇન લગાવે અને ત્યાં ઊભેલા લોકો રવિવારે ખાઉંગલીમાં જેમ ટેબલ ખાલી થાય ને દોડે એમ દોડીને લાઇનમાં ઉભા રહેવા લાગ્યા. કેટલાક લોકો સરકારી કામમાં વહેલા જઇ લાઇનમાં ઉભા રહી જાય તેમ આપોઈંટ્મેંન્ટ લીધી હોવાં છત્તા વહેલા આવી ગયા હતાં અને જયરાજ તેમાંનો જ એક હતો. જયરાજ ફોટોગ્રાફર હતો અને ક્ષણોને કેદ કરવા હંમેશા આવી જગ્યાએ વહેલો જતો. લોકો ના નેચરલ હાવભાવ કેમેરામાં કેદ કરવા તેને ગમતા. એ એનાં મોબાઇલ કેમેરા સાથે રમતો હતો ત્યાંજ પાર્કિંગમાં એક બ્લેક મર્સીંડીઝ એન્ટર થઈ ઊભી રહી. ડ્રાયવર દોડીને આવ્યો. ડિકીમાંથી વ્હીલચેર કાઢી દરવાજા પાસે મુકી,દરવાજો ખુલ્યો અને એક 60ની આસપાસનાં કાકા એમનું હાડપિંજર ઘૂમટો તાણેલિ એક સ્ત્રીના સહારે વ્હીલચેરમાં ગોઠવ્યું. એ ઘૂમટા વાલી સ્ત્રી એ સુકાયેલા થડની બહુ સંભાળ લેતી હતી. જયરાજ ને લાગ્યું કે એ એની દિકરી હશે. પણ પછી થયુ દિકરી હોય તો ઘૂમટૉ કેમ તાણે? નક્કી એની પુત્રવધુ હશે. પણ જે રીતે એ સંભાળ લેતી હતી પુત્રવધુ પણ ન્હોતી લાગતી. એનો ચહેરો ન્હોતો દેખાતો પણ એનાં હોઠ એનાં હાથ અને ઘાટીલું શરીર એની તરફ જોવા આકર્ષતુ હતું. એમનો વારો આવવાને પણ વાર હતી. એ સ્ત્રી એની પાસે માથે છત્રી ધરીને ઊભી રહી. જયરાજ એમનાં રિલેશન ને નામ આપવાની કોશિષ કરી રહ્યો હતો ત્યાંજ પેલા હાડપિંજર ને પાણી પીવડાવતાં અને છત્રી સાચવતા ગ્લાસ એનાં હાથમાંથી પડી ગયો. એ ગ્લાસ લેવાં નીચે વળી ને પેલા બૂઢ્ઢાએ એને ગાળની સાથે લાત પણ આપી. અને પહેલીવાર એ ધુમટાવાળી સ્ત્રીનો મધુર દર્દથી કણસતો અવાજ સંભળાયો “મારી ભુલ થઈ, સોરી.”

એ અવાજ સાંભળતા જ જયરાજની આંખોમાં ચમક આવી ને એનાં મોંમાંથી નીકળ્યું “ખુશાલી” ને પેલી ઘૂમટૉ વાલી સ્ત્રી એ ઝટકાથી જયરાજ તરફ જોયું. જયરાજને વર્ષો પહેલા કૉલેજ કેન્ટીનમાં સાંભળેલું વાક્ય યાદ આવી ગયુ ” મારી ભુલ થઈ કે મેં તારી સાથે દોસ્તી કરી તું સૌરાષ્ટનાં નાના ગામડા માંથી આવે છે અને તારું કોઈ ફ્યુચર નથી. તારા જેવો ફટીચર મારા શોખ પૂરા નહીં કરી શકે. મને મારી આઝાદી પ્યારી છે.”
ત્યાંજ ગાર્ડે બુમ પાડી 11:45 વાળા લાઇન લગાવો. જયરાજનો ટાઈમ એજ હતો અને એટ્લે જયરાજે બીજીવાર એપોઇન્ટમેન્ટ લેવાનું નક્કી કર્યું એનાં કાનમાં શબ્દો ગુંજી રહ્યાં હતાં ” તારા જેવો ફટીચર મારા શોખ પૂરા નહીં કરી શકે. મને મારી આઝાદી પ્યારી છે”. શોખ અને આઝાદીની કિંમત આજે બન્નેને સમજાઈ રહી હતી. જયરાજનાં ચહેરા પર સ્મિત હતું ને ખુશાલીનાં ચહેરા પર? ઘૂમટૉ હતો જોઇ શકાયું નહીં.

લેખક : જીગર બુન્દેલા

આપના પ્રતિભાવ કોમેન્ટમાં જણાવો, દરરોજ આવી અનેક વાર્તાઓ વાંચો ફક્ત આપણા પેજ પર.

ટીપ્પણી