જલ્સા કરોને જેંતીલાલ

જેઓ પોતે રડીને દુનિયાને હસાવવાનો કિમિયો આપી ગયા એવા ચાર્લી ચેપ્લિનની જન્મજયંતિએ કેટલી અજાણી વાતો…

આખી દુનિયામાં ચાર્લી ચેપ્લિનની 130 મી જન્મજયંતિ ઉજવાઈ રહી છે. તેમનો જન્મ 16 એપ્રિલ 1889ના રોજ થયો હતો. ચાર્લી ચેપ્લિને તેમના અભિનયથી દુનિયાના દરેક ખૂણાના લોકોને પાગલ બનાવ્યા હતા. તેમની ફિલ્મો બેસ્ટ કોમિક દ્રશ્યો માટે જાણીતા છે. ચાલો ચાર્લી ચેપ્લિન વિશેની કેટલીક જાણી – અજાણી અનૌપચારિક વાત જાણીએ.


“મને વરસાદમાં ઊભા રહીને રડવું ગમે છે, કારણ કે એ સમયે કોઈને મારા આંસુ નથી દેખાતા.” આ ઉક્તિ છે સૌને પેટ પકડીને હસાવનારા ઉમદા કલાકાર ચાર્લી ચેપ્લિનની. તેઓનો અભિનય એવો હતો કે લોકોના ચહેરા પર આપોઆપ હાસ્ય આવી જતું. નફિકરો અંદાજ અને અલ્હડ અદાકારી તેમની સૌને હસાવી જતી. એકદમ નિખાલસ અને સહજ અભિનયને લીધે આજે સો વર્ષે પણ અબાલ – વૃદ્ધ સૌના ફેવરિટ છે.

કહેવાય છે કે એમની આ સાયલન્ટ એકટિંગ શરૂઆતના સમયમાં હોલિવૂડના અગ્રણીય લોકોને મૂર્ખામી લાગતી અને નોનસેન્સ કહીને વખોડાઈ પણ હતી. જેઓ પોતે રડીને દુનિયાને હસાવવાનો કિમિયો આપી ગયા એવા ચાર્લી ચેપ્લિનની જન્મજયંતિએ કેટલી અજાણી વાતો છે જે વાંચવું ગમશે. સાથે તેમના જીવનમાંથી એક બાબત જરૂર પ્રેરણારૂપ મેળવી શકાય કે જીવનમાં ગમે તેવી ચહેરા પરનું હાસ્ય ક્યારેય ન હટવું જોઈએ.

ચાર્લી ચેપ્લિન આજે સો વર્ષે પણ સૌના મોસ્ટ ફેવરિટ છે; જન્મદિવસે એમના અંગત જીવનની અનેક રસપ્રદ વાતો જાણીએ.

તેમનું અંગત જીવન

લંડનમાં તેમનો જન્મ થયો હતો. તેઓને પરિવાર સાથે ખૂબ જ સંઘર્ષ કરવો પડ્યો હતો કેમ કે તેમના માતા પિતા સાથે નહોતાં રહેતાં. માતાએ એકલા હાથે તેમનો અને તેમના ભાઈબહેનનો ઉછેર કર્યો હતો. તેમની સ્થિતિ અત્યંત ગરીબ અને દયાજનક હતી. અભિનેતા બન્યા બાદ પણ તેમનો સંઘર્ષ ઓછો નહોતો થયો. તેમનો પરિવાર ખૂબ જ મોટો હતો. તેમને ૪ પત્ની હતી અને ૧૧ બાળકો હતાં.

તેમની બાયોપીક

આજકાલ અનેક મહાનુભાવોની બાયોપીક બને છે. તેમ સન ૧૯૯૨માં, તેમની બાયોપીક બની હતી. તેમાં ચાર્લીની પુત્રી ગેરાલ્ડિન ચૅપ્લિને જ હેન્નાહ ચેપ્લિન તેમની માતાની ભૂમિકા ભજવી હતી.

ચાર્લી ચેપ્લિનની ફિલ્મોમાં ભૂમિકા

ચાર્લી એકદમ મનમૌજી હતા. તેઓને માટે અભિનય કરવો એ સર્વસ્વ હતું. પોતાની ફિલ્મોની સ્ક્રીપ્ટ લખવી, નિર્માણ અને નિર્દેશન તો કરતા જ હતા પરંતુ પોતાની ફિલ્મોમાં તેઓ સંગીત પણ પોતે જ આપતા હતા. તેઓ બહુમુખી પ્રતિભા ધરાવતા હતા. કદાચ એટલે જ એમની સો વર્ષ પછી પણ લોકચાહના નથી ઘટી.

ચાર્લી ચપ્લિનના મૃત્યુ સાથે જોડાયેલ રસપ્રદ વાત

તેમનું મૃત્યુ ૨૫ ડિસેમ્બર ૧૯૭૭ના દિવસે ૮૮ વર્ષની ઉંમરે થયો હતો. તેમના મૃત્યુ સાથે એક રસપ્રદ વાત એ છે કે તેમના મૃત્યુ પછી ૨ મહિના રહીને તેમના કોફિનની ચોરી થઈ ગઈ હતી. થોડા સમય બાદ ચોરોએ તેમના કોફિનને પરત કરવાના ૬૦૦,૦૦૦ સ્વીઝ ફ્રેક્સ માગ્યા હતા. આટલી મોટી રકમ માગ્યા બાદ ચાર્લીની પત્નીએ એવો જવાબ આપ્યો કે મારા પતિ મારા હ્રદયમાં અને સ્વર્ગમાં નિવાસ કરે જ છે. તેમણે કોફિન પરત લેવાની ચોખ્ખી ના પાડી દીધી હતી!

ચાર્લીનું ઘર

સ્વીત્ઝરલેન્ડમાં તેમનું ઘર હતું. તેને હાલમાં, ૧૯ એપ્રિલ ૨૦૧૬માં મ્યૂઝિયમમાં ફેરવી મૂક્યું હતું. ચાર્લી ચેપ્લિનના દુનિયામાં એટલા ચાહકો છે કે એજ વર્ષે ૩૦૦,૦૦૦ લોકો દ્વારા એ સ્થળની મુલાકાત લેવાઈ હતી.

સોશિયલ મીડિયાના જમાનામાં આજે કોઈપણ વ્યક્તિ પોતાના વિડિયો શેર કરીને અભિનયની ઝલક દુનિયાભરમાં દેખાડી શકે છે. ચાર્લી ચેપ્લિન એ જમાનામાં અભિનય અને કોમેડીના બેતાજ બાદશાહ રહ્યા છે અને નામના અને લોક ચાહના મેળવી છે જ્યારે કોઈ જ પ્રકારની ફિલ્મી ટેકનોલોજી કે પબ્લિસીટી માટેની સગવડો પણ નહોતી.

Exit mobile version