જે લોકો ભાગ્યના ભરોસે જીવે છે તેઓ માટે સદ્દગુરુ જણાવે છે ખાસ વાતો…

જીવનમાં “ભાગ્ય” શું ભૂમિકા ભજવે છે? સદગુરુ ભાગ્ય અથવા તો “અદ્રિશ્ટમ” વિષે ધ્યાન દોરે છે જે ભારતીય ભાષાઓમાં ખુબ પ્રચલિત છે. અને સમજાવે છે કે ભાગ્યની વાત એ જ કરે છે જેમની પાસે દિર્ઘ દ્રષ્ટિ નથી.


સદગુરુ : જે લોકો ભાગ્યના ભરોસે જીવે છે, તે લોકો હંમેશા તારાઓ, ગ્રહો, લક્કી સ્થળો, લક્કી બુટ-ચંપલ, લક્કી સાબુ, લક્કી નંબરો જેવી બધાજ પ્રકારની સામગ્રીની શોધખોળ કરે છે. ભાગ્યના ભરોસે બેસી રહી અને ભાગ્ય ચમકવાની પ્રતીક્ષામાં લોકો જે કામ સરળતાથી પોતાની માટે કરી શકતા હોય છે તે કરવાની તક પણ ગુમાવી બેસે છે. તમારા જીવનની કોઈ પણ બાબત હોય, તે બધાનો આધાર તમારા પર છે. તમારા જીવનની શાંતિ – અશાંતિ, તમારું સુખ-ચેન, તમારૂ ગાંડપણ, તમારો આનંદ, તમારો દુઃખ એ બધું જ તમારા પર નિર્ભર કરે છે અને બધું તમારા કારણે જ છે.

પોતાની ઉર્જાનો પોતાની પુરેપુરી ક્ષમતા મુજબ ઉપયોગ કરવાને બદલે, પોતાની અંદર અને બહાર સારું વાતાવરણ બનાવવાના બદલે, દુર્ભાગ્યવશ આપણે એવી વસ્તુની શોધમાં હોઈએ છીએ જે આ બધું આપણી માટે આપોઆપ કરી આપે.


આજે સવાર થી સાંજ સુધી તમારો દિવસ કેવો રહ્યો, તે સંપૂર્ણપણે તમારા પર નિર્ભર કરે છે. તમારી નિકટના લોકો સાથે તમારું કેટલું ઘર્ષણ થાય છે તે એ વાત પર નિર્ભર કરે છે કે તમે તમારી આજુબાજુના લોકો, તેમની પરિસ્થિતિ, મર્યાદાઓ અને સંભાવનાઓને સમજવામાં કેટલા અસંવેદનશીલ રહો છો. આ એ વાત પર તો બિલકુલ પણ નિર્ભર નથી કરતું કે તમારી પાસે કયું લક્કી ચાર્મ હતું. આ માત્ર એ જ વાત પર જ નિર્ભર કરે છે કે તમે કેટલા બુદ્ધિશાળી છો, કેટલી સંવેદના અને જાગરૂકતા સાથે તમારા આજુબાજુના જીવનને જુઓ છો અને જીવો છો.

એક દિવસ બે માણસો એરપોર્ટ પર મળ્યા. તેમાંથી એક ખરેખર ખૂબ જ દુઃખી અને પીડિત જણાતો હતો. તો બીજાએ પૂછ્યું “તમને શું થયું છે? કેમ આવી હાલતમાં છો?”


ત્યારે પહેલાભાઈએ ઉત્તર આપતા કહ્યું “મારે તમને શું કહેવું? મારી પહેલી પત્ની કેન્સરથી મરી ગઈ, બીજી પત્ની પાડોશી સાથે ભાગી ગઈ અને મારો પુત્ર જેલમાં છે કારણ કે તેણે મને મારવાનો પ્રયાસ કર્યો. અને મારી 14 વર્ષની દીકરી ગર્ભવતી છે. મારા ઘરે વીજળી ત્રાટકી અને શેર બજારમાં મારા બધા જ શેરોના ભાવ ઘટી ગયા. અને મારી આજે મેડિકલ રિપોર્ટ આવતા ખબર પડી કે મને એઈડ્સ છે.

બીજા માણસે કહ્યું “અરે! કેટલું દુર્ભાગ્ય..! ખૈર તમે કરો છો શું?” તેણે જવાબ આપ્યો “હું નસીબ ચમકાવવાના સાધનો વહેચું છું.”

અહીં વાત માત્ર એટલી જ છે કે તમે કોઈ ખાસ પ્રકારના છો તો કોઈ ખાસ પ્રકારની બાબતો તમારી તરફ આકર્ષિત થશે. અને તમે કોઈ બીજા પ્રકારના છો તો તે પ્રકારની બાબતો તમારી તરફ આકર્ષિત થશે. જો એક બાજુ ફૂલો વાળી ઝાડી છે, અને બીજી બાજુ સુકી, કાંટાળી ઝાડી, તો સ્વાભાવિક પણે બધી મધમાખીઓ ફૂલોવાળી ઝાડી તરફ જશે. ફૂલોવાળી ઝાડી ભાગ્યશાળી નથી, તેની પાસે માત્ર સુગંધ છે, જે તમને દેખાતી નથી, પણ બધાને પોતાની તરફ આકર્ષિત કરે છે. લોકો કાંટાળી, સુકી ઝાડીઓથી દૂર રહે છે, કારણકે તે અલગ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ કરે છે. કદાચ તેમને ખબર નથી કે તે શું કરી રહી છે, પણ થઈ તે જ રહ્યું છે જે થવું જોઈએ.


જો તમારી સાથે કઈ વિશેષ થઈ રહ્યું છે અને તમને તેનું કારણ જ ખબર નથી, તો હું કહીશ કે તમે વાસી ખોરાક જમી રહ્યા છો. તમે તમારું ભોજન ક્યાંક બીજે બનાવ્યું હતું, અને એ પણ ઘણા સમય પહેલા, પણ વાસી અને તે હજુ વાસી થતું જાય છે. પરંતુ જો તમારી સાથે સારી વસ્તુઓ થઈ રહી છે અને તમે તેનું કારણ જાણો છો તો તેનો અર્થ એ છે કે તમે તમારું ખાવાનું આજે બનાવ્યું છે અને એ પણ જાગૃત અવસ્થામાં. જો તમારી સાથે ખરાબ બાબતો થઇ રહી છે અને તમે તેની પાછળનું કારણ નથી જાણતા તો તમે વાસી જમી રહ્યા છો અને એ સડી પણ ગયું છે.

અદ્રિશ્ટમ : જયારે તમે જોઈ નથી શકતા


ભારતીય લોકભાષાઓમાં, ભાગ્યશાળી માટે શબ્દ છે “અદ્રિશ્ટ” અથવા તો “અદ્રિશ્ટમ”. દ્રષ્ટિનો અર્થ છે જોવું, “અદ્રિશ્ટ” નો અર્થ છે – ન જોયેલું. તમારી દ્રષ્ટિ જતી રહી છે. જો તમે જોઈ શકતા તો તમે જાણી શકતા કે જે કઈ થઇ રહ્યું છે તે કેમ થઇ રહ્યું છે. જયારે તમે જોઈ નથી શકતા ત્યારે તમને એવું જ લાગે છે કે બધું એમ જ થઇ રહ્યું છે અથવા તો કોઈ આકસ્મિક ઘટના છે. તમને આ સૌભાગ્ય કે દુર્ભાગ્ય લાગે છે. તેને જ આપણે ભાગ્ય કહીએ છીએ.

આધ્યાત્મિક હોવાનો અર્થ છે કે તમારું ૧૦૦% જીવન તમે તમારા હાથમાં રાખ્યું છે. જ્યારે તમે તમારું ૧૦૦% જીવન તમારા હાથમાં રાખો છો ત્યારે જ તમે સંપૂર્ણ જાગરુક વ્યક્તિ બનો છો અને તમારા જીવનમાં દિવ્યતાની સંભાવનાઓ ઉદભવે છે.

આ સમય છે જયારે તમે તમારું જીવન હોશ પૂર્વક બનાવી શકો છો. ભાગ્ય, તારાઓ, ગ્રહો પર નિર્ભર ના રહો. એ નિર્જીવ વસ્તુઓ છે. શું નિર્જીવ વસ્તુઓએ માણસનું ભાગ્ય નિશ્ચિત કરવું જોઈએ કે માણસે નિર્જીવ વસ્તુઓનું ભાગ્ય નિશ્ચિત કરવું જોઈએ? શું થવું જોઈએ ? માણસે નિશ્ચિત કરવું જોઈએ કે નિર્જીવ વસ્તુઓનું શું થવું જોઈએ. હવે જો કોઈ ગ્રહ નક્ષત્ર તમારું ભાગ્ય નિશ્ચિત કરી રહ્યા છે તો તેનો અર્થ એ કે નિર્જીવ વસ્તુઓ તમારું ભાગ્ય નિશ્ચિત કરી રહી છે.


પોતાની જાતને આ બધી બાબતોથી પ્રભાવિત ન થવા દેજો કારણકે જો તમે આ બધી બાબતોમાં પડી ગયા તો તમે આમાં ફસાઈ જશો. અને જો એક વાર તમે આવામાં ફસાઈ ગયા તો તમે ઘણું બધું કરવાની પોતાની ક્ષમતાઓને સીમિત કરી લેશો. અમુક કામો સંજોગો અનુસાર થાય છે. પરંતુ જો તમે તે સંજોગો ની રાહ જોઇને બેસી રહો છો, તો તે કામ કદાચ ત્યારે જ થશે જયારે તમે તમારી મરણશૈયા પર હોવ. કારણકે આ બધી બાબતો એનો સમય લે છે.


જયારે તમે ભાગ્ય અને સંજોગો પર આધાર રાખી જીવો છો, ત્યારે તમે ભય અને ચિંતામાં જીવો છો. જયારે તમે ઉદ્દેશ્ય અને ક્ષમતાના આધારે જીવો છો તો તમને કોઈ ફરક નથી પડતો કે તમારી સાથે શું થઇ રહ્યું છે અને શું નથી થઇ રહ્યું. તમારું ઓછામાં ઓછું તમારી જાત પર નિયંત્રણ રહે છે. અને આવું જીવન વધુ સ્થિર છે.

સૌજન્ય : ઈશા ફાઉન્ડેશન – સદગુરુ
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ