જે ઘરમાં મા-દિકરી વચ્ચે લગ્ન પછી લાંબી લાંબી વાતો થતી હોય ત્યાં દિકરીની પિયરમાં પરત આવવાની પુરી શક્યતા…

ગઈકાલે ટૂંકા લગ્નજીવન વિષે મેં પોસ્ટ મૂકી હતી જેમાં દીકરીની ક્યાં ભૂલ થાય છે એ વાતનો ઉલ્લેખ કર્યો હતો. કેટલાક મિત્રોને પોસ્ટ સામે સખત વિરોધ હતો અને હું એનો સ્વીકાર પણ કરું છું. બધા તમારી પોસ્ટના વખાણ જ કરે એવું ના હોય યોગ્ય વિરોધ પણ થવો જ જોઈએ. પણ હા જે લખ્યું હતું એ નરી વાસ્તવિકતા હતી અને એ તો જેને અનુભવી હોય એને જ સમજાય. લગ્નબાદ બહુ ટૂંકા સમયમાં થતા છુટા છેડા માટે બીજું જવાબદાર તત્વ છે છોકરીનો સાસરિયાં પક્ષ. કેટલાક પરિવારમાં વહુને દીકરીની જેમ રાખવામાં આવે છે પણ મોટા ભાગના પરિવારમાં એને પારકા ઘરની દીકરી ગણવામાં આવે છે.


જે છોકરી 20 વર્ષ પિયરમાં લાડકોડથી ઉછરી હોય એના પર સીધું જ બંધન આવે ત્યારે એ બંધન સ્વીકારવા માટે એને હૂંફ અને પ્રેમની ખુબ જરૂર હોય છે. મોટાભાગના પરિવાર ઘરમાં આવેલી વહુને હૂંફ અને પ્રેમ આપવામાં ઉણા ઉતારે છે. વહુ સાથે જાણે કે અજાણે એવું વર્તન થાયછે જે એને યાદ અપાવે કે તું દીકરી નહિ વહુ છે.


એક પરિવારમાં મેં પ્રત્યક્ષ જોયેલું કે પરિવારના બધા સભ્યો બેઠા હતા. મહેમાન માટે નાસ્તો લાવવાની વાત આવી એટલે વગર કહ્યે વહુ ઉભી થઇ. સસરાએ તુરંત જ કહ્યું, “બેટા, તું આ ઘરમાં નવી આવી છો. તું બેસ જેથી મહેમાન સાથે વાતો થાય અને પરિચય થાય.” આ ભાઈએ વહુને વાતો કરવા બેસાડી અને દીકરીને નાસ્તો લાવવા કહ્યું. દીકરીએ પણ હસતા હસતા આ કામ કર્યું. જો આવું વાતાવરણ સર્જાય તો વહુ સરળતાથી નવા પરિવારમાં ભળી જાય.

કોઈ છોડને એક જગ્યાએથી ઉખાડીને બીજી જગ્યાએ રોપવાનો હોય ત્યારે બહુ ધ્યાન રાખવું પડે. નવી માટી એને અનુકૂળ ના આવે એટલે અનુકૂળ આવે એવી માટી લાવવી પડે. શરૂઆતના સમયમાં પૂરતું ખાતર પાણી પણ આપવું પડે. જો આ બધું યોગ્ય રીતેથાય તો નવી માટીમાં પણ છોડ મહોરી ઉઠે અને સમય આવ્યે યોગ્ય ફળ પણ આપે. મને લાગે છે કે દીકરીને નવા ઘરમાં સેટ કરવાનું યોગ્ય વાતાવરણ તૈયાર કરવામાં આપણે નિષ્ફળ નીવડ્યા છીએ. છોડે પણ એડજસ્ટ થવાના પ્રયાસ કરવા જોઈએ પણ સામે પક્ષે માટીએ અને વાતાવરણે પણ સાથ આપવો જોઈએ.


કદાચ સાસુ સસરા હજુ જુનવાણી વિચારસરણી વાળા હોય એટલે જાતને બદલવામાં મુશ્કેલી થાય પણ પતિ અને નણંદ જો મિત્ર બનીને રહે તો પણ વહુ સાસુ સસરાની ટકટકને સહન કરી લે. લગ્ન પછી નવા પરિવારમાં પતિ એક જ એવું પાત્ર છે જેની પાસે પત્ની પેટખોલીને વાત કરી શકે. જો પતિને વાત સાંભળવાનો કે સમજવાનો સમય ના હોય તો પછી પત્ની બીજા કોઈ સાથે વાત કરવાની જ છે.

આપણે બંને પક્ષે સમજણપૂર્વકની સજાગતા રાખીએ અને પરિવર્તન લાવીએ તોલગ્નજીવન મધુર બની રહે. ઘરસંસાર છે એટલે પ્રશ્નો તો રહે જ પણ એનો ઉકેલ શોધવાનો પ્રયાસ થવો જોઈએ. દોરીમાં ગાંઠ પડે તો દોરી કાપી નાખવાની ના હોય ગાંઠ ખોલવાનો પ્રયાસ કરવાનો હોય !

તમને ખબર છે ? શા માટે દિકરીને સાસરે વળાવ્યા પછી મા-બાપ દિકરીના ઘરનું જમતા નથી ?


આપણે ત્યાં એક પરંપરા હતી કે દિકરીને સાસરે વળાવ્યા પછી મા-બાપ દિકરીના ઘરનું જમતા નહોતા કે પાણી પણ નહોતા પીતા. કોઇને આ બાબતમાં વેવલાવેળા લાગે પણ વડવાઓએ શરુ કરેલી આ પરંપરા પાછળ કુટુંબને ટકાવી રાખવાની ઉદાત ભાવના હતી. દિકરીના ઘરનું ના જમવુ એવું નથી પણ જ્યાં સુધી દિકરીને ત્યાં સંતાન ન થાય ત્યાં સુધી દિકરીના ઘરનું ન જમવું એવી શાસ્ત્રોની આજ્ઞા છે.

દિકરી જ્યારે પરણીને સાસરે જાય ત્યારે પિયરીયા જેવુ જ વાતાવરણ સાસરીયામાં ન હોય તે સ્વાભાવિક છે. નવી પરણેલી દિકરી શરુઆતમાં સાસરીયે થોડી અકળાતી હોય. આ સમય દરમ્યાન માતા-પિતા મળવા માટે આવે એટલે દિકરી સાસરીયાની બધી વાતો કરે અને દિકરીને દુ:ખી જોઇ મા-બાપનું હૈયુ ભરાઇ આવે. શક્ય છે કે મા-બાપ અને દિકરી વચ્ચેનો વાર્તાલાપ દિકરીનું ઘર તોડવામાં નિમિત બને.


આવુ ન બનવા દેવું હોય તો મા-બાપ અમુક સમય સુધી દિકરીને ન મળે એવું કંઇક કરવું પડે. દિકરીના ઘરનું જમવાની અને પાણી પિવાની જ મનાઇ કરવામાં આવે તો મા-બાપ દિકરીને મળવા જાય જ નહી અને જાય તો પણ લાંબુ રોકાઇ નહી. એકાદ વર્ષ પછી દિકરીને ત્યાં સંતાન જન્મે પછી મા-બાપ એના ઘરનું જમી શકે. આ એક વર્ષ દરમ્યાન દિકરી નવા વાતાવરણને અનુકુળ થઇ ગઇ હોય વળી સંતાનનો જન્મ પણ થયો હોય એટલે હવે દિકરીને થોડી ઘણી તકલીફ હોય તો સંતાનને રમાડવામાં જ એ તકલીફ ભૂલી જાય અને પરિણામે એ સાસરીયે સેટ થઇ જાય.


આ વાત આજે આપણને સાવ વાહીયાત લાગે પણ વડીલોની ભવિષ્યને પારખવાની અદભૂત શક્તિ આ પરંપરામાં છુપાયેલી છે. બહુ દુ:ખ સાથે કહેવુ પડે કે આજે છુટાછેડાનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યુ છે. તમારી આજુ બાજુ જોજો તમને દેખાશે કે લગ્નજીવન બહુ લાંબુ ટકતું નથી કારણકે સ્વતંત્રતાના નામે આપણે દિકરી મટીને વહુ બનવા તૈયાર જ નથી.

સ્ત્રીની સ્વતંત્રતા જળવાવી જ જોઇએ પણ દિકરી અને વહુ વચ્ચેના ફરકની પણ એને ખબર હોવી જોઇએ. લગ્નજીવન ઢીંગલા-પોતીયાના ખેલ હોય એવી રીતે ‘મને એમની જોડે નથી ફાવતુ એમ કહીને છુટા થઇ જાય છે.’ હમણા મને એકભાઇએ કહ્યુ, ” સાહેબ હજુ 6 મહીના પહેલા અમારા ગામમાં 5 લગ્ન થયેલા જેમાંથી ત્રણના છુટાછેડા થઇ ગયા અને એકની વાત ચાલે છે.”


યાદ રાખજો જે ઘરમાં મા-દિકરી વચ્ચે લગ્ન પછી લાંબી લાંબી વાતો થતી હોય ત્યાં દિકરીની પિયરમાં પરત આવવાની પુરી શક્યતા છે. દિકરીને વહાલ જરૂર કરીએ પણ એટલું વહાલ ન કરવું કે એનું ઘર ભાંગી જાય. આ વાતો થોડી કડવી જરૂર છે પણ ભારોભાર વાસ્તવિકતા છે એ પણ ન ભૂલતા.

લેખક : શૈલેશ સગપરીયા

મિત્રો, આપ સૌ ને શું લાગે છે ?? લેખક ના વિચારો સાથે તમે કેટલા સહમત ???