ઝરૂખામાં તું એવી રીતે બેઠી છું જાણે હોય રૂપની મહારાણી – સાચો પ્રેમ તો આખરે સફળ થાય જ છે…

પક્ષીઓ કલબલાટ કરી રહ્યા છે અને સુરજ નારાયણ ધીરે ધીરે ઉપર આવી રહ્યા છે. મંદ મંદ પવન પણ આવી રહ્યો છે. સવારના સમયે યુવાન નિલેશ ઘરેથી લટાર મારવા માટે નિકળે છે અને તેની નજર વિશાળ હવેલી જેવા વૈભવી મકાનના ઝરુખામાં બેઠેલી યુવતી પર પડે છે. આ યુવતીના લાબા લાબા વાળ, નમણો ચહેરો, નશીલી આંખો, હસતા ચહેરા સાથે કોઇની રાહ જોતી હોય તેવું લાગી રહ્યુ છે. નિલેશની નજર ઝરૂખામાં બેઠેલી યુવતી મિત્તલ પર પડતા ચાલતા પગ આપો આપ થંભી જાય છે અને તે યુવતીની સામે જ જોયા કરે છે. મિત્તલની નજર પણ નિલેશ પર પડે છે. બન્નેની એક નજર થઇ જાય છે અને આંખોના ઇશારે સંવાદ પણ થાય છે. એટલામાં જ મિત્તલની સહેલી આવે છે અને બન્ને ઝરૂખામાં બેસીને વાતો કરે છે.

નિલેશ ત્યાંથી જ સીધો પોતાના ઘરે આવી જાય છે અને ઝરૂખામાં જોયેલી યુવતીના વિચારો કર્યા કરે છે. તો બીજી બાજુ ઝરૂખામાં મિત્તલ પણ નિલેશના વિચારોમાં ખોવાયેલી રહે છે. તેનું મન પણ ક્યાંય કામમાં લાગતુ નથી. રાત્રે નિલેશ અને મિત્તલને ઉંઘ પણ આવતી નથી અને એકબીજાના વિચારો કર્યા કરે છે. નિલેશ બીજા દિવસે સવારે વહેલો ઘરેથી બહાર નિકળે છે અને વૈભવી હવેલીના ઝરૂખા સામે આવીને ઉભો રહી જાય છે. આજ સમયે મિત્તલ પણ ઝરૂખામાં આવી જાય છે અને બન્નેની નજર મળી જાય છે. ઝરૂખામાં બેઠેલી મિત્તલ વિજળી વેગે સડસડાટ સીડીઓ કુદતી કુદતી નીચે આવે છે. બન્ને કદમ થી કદમ મિલાવીને સાથે ચાલવા લાગે છે.

નિલેશ મિત્તલને પુછે છે કે તમે ઝરૂખામાંથી નીચે કેમ આવ્યા? ત્યારે મિત્તલ પણ કહે છે કે તમે બોલાવી એટલે હું આવી ગઇ. વાત વાતમાં મિત્તલ અને નિલેશ એક બીજાને દિલ આપી બેસે છે અને સાથે જીવવાના પ્રણ લે છે. નિલેશ અને મિત્તલ નિયમીત એકબીજાને મળતા રહે છે અને પ્રેમ વધુ ગાઢ બનતો જાય છે ત્યારે એકા એક જ આ પ્રેમી પંખીડાઓને કોઇની નજર લાગી હોય તેવી ઘટના બને છે. એક દિવસ વહેલી સવારથી જ મિત્તલના ઘરે કોઇ ખાસ મહેમાન આવવાના હોય તેવી તૈયારીઓ શરૂ થઇ જાય છે.

મિત્તલ પોતાના રૂમમાંથી ઉઠીને બહાર આવે છે ત્યાં જ પરીવારના સભ્યો દ્વારા મિત્તલને ઝડપથી તૈયાર થઇ જવા સુચના આપવામાં આવે છે. મિત્તલ પુછે છે કે ઘરમાં કોઇ મહેમાન આવવાના છે કે શુ? ત્યારે પરીવારના સભ્યો કહે છે કે તને જોવા માટે છોકરાવાળા આવવાના છે. આ શબ્દો સાંભળતા જ મિત્તલ સ્તબ્ધ થઇ જાય છે અને હવે શુ કરવું તે અંગે વિચારમાં ખોવાઇ જાય છે. પરીવારના સભ્યોના કહેવાથી મિત્તલ તૈયાર તો થઇ જાય છે પણ ચહેરો નિસ્તેજ બની જાય છે. સદાય હસતી મિત્તલ આજે ચુપચાપ બની જાય છે. પરીવારના સભ્યોને લાગે છે કે મિત્તલને છોકરો જોવા આવે છે એટલે તે ચુપચાપ બની ગઇ લાગે છે.

પરંતુ સચ્ચાઇ કઇક અલગ જ છે. મિત્તલ તો પહેલેથી જ નિલેશને દિલ આપી બેઠી છે અને સાથે જીવવાના પ્રણ પણ લઇ ચુકી છે ત્યારે કોઇ અન્ય છોકરો તેને જોવા માટે આવે તે મિત્તલને મંજુર ન હતુ. પરંતુ મિત્તલમાં એટલી હિમ્મત પણ નથી કે તે પરીવારના કોઇ સભ્યને પોતાના પ્રેમ વિશે વાત કરી શકે. મિત્તલ મનમાં ને મનમાં મુંજાયા કરે છે અને એક યુક્તિ બનાવે છે. મિત્તલ પોતાની સચ્ચાઇ જોવા માટે આવનાર યુવકને ખાનગીમાં કહેવાનું મનોમન નક્કી કરી લે છે. મિત્તલે પોતાના રૂમમાં જઇને ઝડપથી એક કાગળ પર પોતાની પ્રેમ કહાની લખવાની શરૂઆત કરી હોય છે ત્યાં જ અવાજ આવે છે કે મિત્તલ કેટલી વાર? છોકરા વાળા ઘરે પહોચવાની તૈયારીમાં જ છે. તું ઝડપ કર.

આ શબ્દો સાંભળતા જ મિત્તલ એકલી એકલી રડી પડે છે. મિત્તલના ભાભી તેના રૂમમાં આવે છે અને મિત્તલને રડતી જોઇને સમજાવે છે કે દરેક છોકરીએ એક દિવસ પિતાનું ઘર છોડીને સાસરે જવાનું જ હોય છે અને આ અત્યારે ક્યાં આપના લગ્ન છે આપને ફક્ત છોકરા વાળા જોવા જ આવે છે. મિત્તલ તેની ભાભી ને કહે છે કે દરેક છોકરીએ પોતાના પિતાનું ઘર છોડીને સાસરે જવાનું જ હોય છે એ હું જાણુ છુ. ભાભી મને સાસરે જવાની બીક નથી લાગતી પરંતુ અત્યારે હું કોઇ છોકરાને જોવા નથી માંગતી. હું પહેલાથી જ કોઇ બીજાની બની ચુકી છુ તેવું મિત્તલે ધીમા અવાજે કહ્યુ.

આ સાંભળતા જ મિત્તલના ભાભીની આંખો મોટી થઇ જાય છે અને કહે છે કે તો તારે મને પહેલા કહેવું જોઇએ ને? હું તારા ભાઇને સમજાવત. હવે હું કઇ નહિ કરી શકુ. મિત્તલ આ આપણા પરીવારની આબરૂનો પ્રશ્ન છે. આપણા ઘરે મહેમાન આવે ને તું છોકરાને જોવા પણ બહાર ન આવે તો સારૂ ન લાગે તેવુ મિત્તલના ભાભીએ કહ્યુ. એટલા માં જ મિત્તલના ઘરની બહાર એક સફેદ કલરની કાર આવે છે અને તેમાંથી એક યુવક અને બે વડીલો નીચે ઉતરે છે. ઘરમાંથી અવાજ આવે છે કે છોકરાવાળા આવી ગયા. આ શબ્દો સાંભળતા જ મિત્તલ અવાક બની જાય છે અને પોતે શુ કરવું, શુ ન કરવું તેની પણ કઇ જ ભાન રહેતી નથી.

મહેમાનને પરીવારના સભ્યો દ્વારા આવકારવામાં આવે છે અને એક વિશાળ રૂમમાં બેસાડવામાં આવે છે. મિત્તલની ભાભી તેને મહેમાન માટે પાણી લઇને જવાનું કહે છે પરંતુ મિત્તલ તૈયાર થતી નથી અને એક જ રટણ કર્યા કરે છે કે જે છોકરા સાથે મારે સબંધ બાંધવાનો જ નથી તેને હું શુ કામ જોવા માટે જઉ, પાણી આપવા માટે જઉ? મિત્તલના ભાભી સમજાવે છે કે જો તમે બીજા કોઇ વ્યક્તિને પ્રેમ કરતા હોય તો હું તમારા ભાઇને વાત કરીશ પરંતુ તમે અત્યારનો સમય સાચવીલો.

આખરે મિત્તલ તૈયાર થાય છે અને ગભરાયેલી, ધીરેધીરે ડગલા ભરતી ભરતી, નિસ્તેજ ચહેરાના હાવભાવ સાથે મિત્તલ આગળ વધી રહી છે. મિત્તલના ભાભી પણ ગભરાઇ જાય છે. મહેમાન જે રૂમમાં બેઠા હતા ત્યા પહોચે છે ત્યા તો છોકરાને જોઇને મિત્તલના હાવભાવ બદલાઇ જાય છે, મિત્તલના ચહેરાની રોનક પાછી આવી જાય છે અને ચહેરા પર મંદ મંદ સ્મિત જોવા મળી રહ્યુ છે. મિત્તલ અને જોવા આવેલ યુવકની આંખો એક થઇ જાય છે અને બન્ને એકબીજામાં ખોવાઇ જાય છે. એક બીજાને એક નજરે જોયા કરે છે. મિત્તલ મહેમાનને પાણી આપીને પાછી આવે છે કે તરત જ તેના ભાભી પુછે છે કે મિત્તલ તું તો મહેમાનને પાણી આપવા પણ જવાની ના પાડતી હતી અને હવે શું જાદુ થઇ ગયો કે તારા ચહેરાની રોનક પાછી આવી ગઇ અને તું હસવા લાગી છું.

મિત્તલ કોઇ પણ બોલ્યા વગર હસ્યા જ કરે છે અને બીજી બાજુ ભાભીની મુંઝવણ વધી રહી છે કે મિત્તલ આવું કેમ કરતી હશે. ભાભી ફરીથી પુછે છે કે મિત્તલ તું જવાબ તો આપ? આમ ચુપચાપ રહીને મને વધુ ન મુંઝવીશ. ત્યારે મિત્તલ ધીમા આવાજથી કહે છે કે ભાભી આ જ તો મારો પ્રેમ છે, મારો નિલેશ છે કે જેની સાથે મે જીવવાના પ્રણ લીધા છે. આ સાંભળતા જ ભાભી પણ હરખાઇ જાય છે અને બોલી ઉઠે છે કે પ્રેમ તો પ્રેમ છે. સાચા પ્રેમની હંમેશા જીત થાય છે. નિલેશે પણ મિત્તલને કહ્યા વગર તેના ઘરે પરીવારની સાથે આવી જઇને મિત્તલને પણ ચોંકાવી દીધી. આખરે મિત્તલ અને નિલેશ પોતાના ઘર સંસારની શરૂઆત કરે છે અને પ્રેમથી સુખી દાંપત્ય જીવન વિતાવે છે.

લેખક : નીલકંઠ વાસુકિયા

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ