જાણો કર્મના સિદ્ધાંતને, સુધારો આ જન્મના કર્મને…

આપણે સૌ નાનપણથી એક વાત સાંભળતાં આવ્યા છીએ અને સમજણ આવ્યા બાદ બોલતાં થયા છીએ કે આ ભવમાં સહન કરવા પડતાં દુ:ખ ગયા ભવના કર્મનું ફળ હોય છે. આ સામાન્ય સમજણનું કારણએ પણ છે કે આપણી આસપાસ બનતી ઘટનાઓ કર્મના ફળના સિદ્ધાંત અનુસાર જ ચાલે છે. જ્યારે કોઈપણ વ્યક્તિના જીવનમાં સમસ્યાઓ આવે ત્યારે તેના મોઢે એક જ વાત સાંભળવા મળે છે કે કર્મનું ફળ ભોગવી રહ્યા છે. કર્મની વાતો તો ઘણી સાંભળી હશે પરંતુ આજે જાણો ખરેખર કર્મનો સિદ્ધાંત છે શું ?


કર્મના સિદ્ધાંત માટે ગીતાજીમાં કરેલા વર્ણનનો એક અંશ

“કર્મ એટલે ખાવું, પીવું, સૂવું એ ક્રિયાઓ નહિ; પણ કર્મ એટલે સ્વધર્માચરણ, ચિત્તસંશોધન માટે જે કર્મ કર્યે જાય તેને વિકર્મ કહે છે. મન સાથે ઝૂકવું એ વિકર્મ. અંતરભાવથી કરવું એ વિકર્મ. આંતર બાહ્ય ક્રિયા એક ભાવથી થાય તો સફળતા મળે. એકબીજા મેળ ન ખાય તો વ્યર્થ. અભિષેક જો આંતર બાહ્ય એકરૂપ થઈને ન થાય તો શિવપિંડ પથ્થર ને અભિષેક કરનાર પણ પથ્થર.


નિષ્કામ કર્મયોગ સિદ્ધ ત્યારે જ થાય કે જ્યારે બાહ્ય કર્મની સાથે અંદરથી ચિત્તશુદ્ધિરૂપી કર્મનો સંયોગ થાય. લોકસેવા કરતાં જો મનમાં શુદ્ધ ભાવના ન હોય તો લોકસેવા ભયાનક નીવડે. આથી કર્મની સાથે મનનો મેળ ખાવો એને ગીતામાં વિકર્મ કહે છે. કર્મની સાથે વિકર્મ ભળે ધીરે ધીરે નિષ્કામતા આવે.

ભક્તિયોગમાં બહારથી તપ ને ભીતરથી જપ કરવાનો છે. ઉપવાસ શબ્દની ભાવના પણ એ જ છે કે, પ્રભુની પાસે બેસવું. અકર્મ એટલે કર્મ કરતાં છતાં ન કરવાપણું. સૂર્યની ગતિ, સાગરની ગતિ, સંતનો વિકાસ, પ્રવૃત્તિ વગેરે. શ્રીકૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે, બહુ સૂણવાથી તારી બુદ્ધિ ચક્રમાં પડી જાય છે, તેથી યોગપ્રાપ્તિ સંભવિત નથી. સંતોનું શરણ એ જ ખરો ઇલાજ છે.


ગુરુઓનું મૌન વ્યાખ્યાન સંશયો છેદવા માટે પૂરતું છે. સૂણવું, પઢવું બંધ કરીને સંતોનું શરણ લે. ત્યાંથી જીવનગ્રંથ શીખવા માટે મળશે. સેવાકર્મ કરવાથી અત્યંત શાંતિ મળશે. પાંચમા અધ્યાયમાં સંસારને સમુદ્રની ઉપમા આપી છે. ભારે ભયાનક વસ્તુ છે. કર્મ જ્યારે સહજ થઈ જાય, ત્યારે તે અકર્મ બની જાય છે. સહજ કર્મ એટલે જ અકર્મ. સેવાકર્મ જ્ઞાનીઓ માટે સહજ કર્મ છે.


યોગી અને સંન્યાસી બંને લોકસંગ્રહ કરે છે. શુક્ર, યાજ્ઞવલ્ક્ય સંન્યાસી છે. જનક કર્મયોગી છે. યાજ્ઞવલ્ક્યના શિષ્ય જનક અને જનકના શિષ્ય શુક્ર. સંન્યાસી પછી કર્મયોગી, પછી સંન્યાસી એવી માલિકા છે. એટલે કે સંન્યાસ ને યોગ ભિન્ન ભિન્ન નથી, પણ યોગ ને સંન્યાસ એક છે…”

કર્મના સિદ્ધાંતનું વર્ણન મર્યાદિત શબ્દોમાં કરવું શક્ય નથી તેથી આ વર્ણના કેટલાક અંશ અહીં રજૂ કરવામાં આવ્યા છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ સવારમાં વાંચો અનેક ધાર્મિક અને સમજવા જેવી વાતો ફક્ત અમારા પેજ પર.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ