હોટલ રૂમમાંથી કઈ વસ્તુઓ તમારે તમારી બેગમાં રાખીને લઇ જવી જોઈએ અને કઈ વસ્તુઓ નહિ એ તમે જાણો છો?

તાજેતરમાં બાલી ફરવા ગયેલા એક ફેમિલિને હોટેલમાંથી વસ્તુઓ ચોરતું રંગે હાથ પકડવામાં આવ્યું હતું. જેના કારણે તેમનું તો અપમાન થયું જ પણ સાથે સાથે વૈશ્વિક રીતે ભારતીયોની છાપને પણ એક ધબ્બો લાગ્યો છે. અને હવે જે કોઈ ભારતીય વિદેશ કે પછી ભારતમાં જ કોઈ હોટેલમાં જશે તો તેમને ત્યાંથી એક નાની વસ્તુ લેતા પણ ડર લાગશે કે ક્યાંક તેમને પકડી લેવામાં ન આવે અને તેમનું પણ આ રીતે અપમાન ન થાય.


આ ફેમિલિએ હોટેલમાંથી વસ્તુઓ લીધી તેમાં કોઈ જ વાંધો નથી પણ જે પ્રકારની વસ્તુઓ તેમણે લીધી છે તેને ચોરી જ કહી શકાય બીજું કંઈ જ ન કહી શકાય. તમે ચોક્કસ હોટેલમાંથી અમુક વસ્તુઓ પોતાની સાથે લઈ જઈ શકો છો પણ અમુક વસ્તુઓ પર તમારો કોઈ જ હક્ક નથી તેને તમારે હોટેલના રૂમમાં જ છોડી દેવાની હોય છે.

જો કે તે બાબતે તમારે ગભરાવાની કોઈ જ જરૂર નથી અહીં આ ભારતીય ફેમિલિ પકડાયું અને તેનો વિડિયો વાયરલ થયો છે પણ ભારતીયો જ નહીં અમેરિકા, યુરોપ, ચીન વિગેરે દેશના કેટલાક લોકો આવું કૃત્ય કરતા હોય છે તેમાં કંઈ કોઈ પુરા દેશનો વાંક નથી હોતો માત્ર આવા લોકોની મનોદશાનો વાંક હોય છે.

આજના આ લેખમાં અમે તમારે હોટેલમાંથી કઈ વસ્તુઓ લેવી જોઈએ અને કઈ વસ્તુઓ ન લેવી જોઈ તે વિષે જણાવીશું જેથી કરીને તમે નિર્ભય રીતે હોટેલનો સામાન વાપરી શકો અને તમારી સાથે લઈ પણ શકો.

આ વસ્તુઓ તમે હોટેલના રૂમમાંથી લઈ શકો છો અને પોતાની પાસે રાખી શકો છો

હોટેલમાં આપવામાં આવતા નાહવાના સાબુનો જો તમે ઉપયોગ ન કર્યો હોય તો તેને તમે તમારી બેગમાં મુકી શકો છો અને તમારી સાથે ઘરે લઈ જઈ શકો છો.

આ ઉપરાંત ઘણી બધી લક્ઝરી હોટેલમાં તમને બોડીલોશન પણ આપવામાં આવે છે તો આ લોશનને પણ તમે વાપર્યા બાદ તમારી સાથે લઈ જઈ શકો છો.

ઘણી બધી હોટેલોના રૂમમાં સામાન્ય વ્યવહાર માટે ટુરિસ્ટ માટે પરબિડિયા એટલે કે એનવેલપ્સ મુકવામાં આવ્યા હોય છે જેને તમે ન વાપર્યા હોય તો સાથે લી જઈ શકો છો.

હોટેલમાં ટુરીસ્ટની સગવડ માટે તેમને કોઈ લીસ્ટ બનાવવું હોય તેમને કંઈક લખવું હોય તો તે માટે પેન અને પેપરની સુવિધા આપવામા આવે છે એટલે કે રૂમમાં એક નોટપેડ મુકવામાં આવે છે તો તેને પણ તમે સાથે લઈ જઈ શકો છો.

હોટેલમાં તમારા નાહવા માટે કેટલીક પ્રોડક્ટ બાથરૂમમાં મુકવામા આવી હોય છે જેમાં સાબુ, શેમ્પુ, કન્ડીશનર પણ હોય છે તો આ કંડીશનર અને શેમ્પુ પણ તમે સાથે લઈ જઈ શકો છો.

હોટેલમાં તમારી સગવડ માટે તમને રૂમમાં રોકાયેલા સભ્યો પ્રમાણે ટૂથ બ્રશ પણ આપવામાં આવતા હોય છે. પણ જો તમે તમારું ટુથ બ્રશ સાથે લઈ ગયા હોવ અને તે ટુથ બ્રશ ન વાપરવાના હોવ તો તેને પણ તમે ઘરે સાથે લાવી શકો છો.

કાન સાફ કરવાની રૂવાળી સળિયો એટલે કે ઇયરબડ્સને પણ તમે કોઈ પણ જાતના ખચકાટ વગર તમારા પર્સમાં મુકી શકો છો. તેને તમારા ઉપયોગ માટે જ મુકવામાં આવ્યા હોય છે.

હોટેલમાં નાશ્તા-પાણી મંગાવ્યા હોય ત્યારે તેની સાથે તમને ખાંડ તેમજ મીઠાની પડીકીઓ પણ આપવામાં આવે છે તો તે ન વાપર્યા હોય તો તમે તેને પણ તમારી સાથે લઈ શકો છો.

ઉપર જણાવેલી બધી વસ્તુ તમે તમારી સાથે લઈ જઈ શકો છો તેના માટે તમને હોટેલ દોશ નહીં દઈ શકે પણ નીચે જણાવેલી વસ્તુઓ તમારે તમારા સામાનમાં ભૂલે ચુકે પણ પેક કરવી નહીં. જો તેમ થશે તો ફરી કોઈ ભારતીય ફેમિલિનું હોટેલમાંથી સામાન ચોરવા માટે અપમાન થશે.

હોટેલ રૂમમાંથી તમારે શું ન લેવું જોઈએ

હોટેલની એવી વસ્તુઓ કે જેનો પછી આવનારા હોટેલના મહેમાનો પણ યુઝ કરી શકે તેવી વસ્તુઓ તેમજ કેટલીક સ્થાવર વસ્તુઓ હોટેલમાંથી ઉઠાવવી જોઈએ નહીં તેને લેવું નહીં પણ ચોરી કરી તેમ કહેવાશે.

હોટેલ તરફથી તમારી સગવડ માટે આપવામાં આવતા ટુવાલ અને નેપ્કિનને તમે તમારી સાથે ઘરે ન લાવી શકો. તે તમારા ક્ષણિક વપરાશ માટે તમને આપવામાં આવે છે. તેને ફરીથી ધોઈને તેઓ બીજા મહેમાન માટે ઉપયોગ કરી શકે છે.

ઘણી લક્ઝરી હોટેલમાં હોટેલ તરફથી તમારી સગવડ માટે ઇસ્ત્રી આપવામાં આવે છે જેનો તમે ઉપયોગ કરી શકો છો પણ તેને તમારા સામાનમાં પેક નથી કરી શકતા. ભૂલથી પણ નહીં.

મહેમાનની સગવડ માટે સમયસર ઉઠવા માટે ઘણી હોટેલના ઓરડાઓમાં અલાર્મ ક્લોક મુકવામાં આવે છે તો તેને પણ તમારે રૂમમાં જ છોડી જવાની છે ત્યાંથી ઘરે નથી લઈ આવવાની.

ઘણી હોટેલમાં બેડના સાઇડ ટેબલ પર શો પીસ મુકવામાં આવ્યા હોય છે જેમાં નાના પોટ, ફોટો ફ્રેમ સરસ મજાની પેઇન્ટિંગ વિગેરેનો સમાવેશ થાય છે તો તેને તમારે તમારા ઘરની શોભા વધારવા માટે સાથે ન લેવા તેમ કરવાથી તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો.

ઘણી લક્ઝરી હોટેલમાં રૂમમાં ચા-કોફીની સગવડ આપવામાં આવે છે તો ત્યારે તમે આ ચા કોફીના મગને તમારા સામાનની સાથે પેક ન કરી શકો તે ચોરી કહેવાશે.

હવે સામાન્ય હોટેલના ઓરડાઓમાં પણ ટીવી તેમજ એસીની વ્યવસ્થા હોય છે. અને તેની સાથે તેનું રીમોટ પણ આપવામા આવ્યું હોય છે પણ ઘણા લોકોને આવા રીમોટ લેવાની અથવા કહો કે ચોરવાની આદત પણ હોય છે. તો તેમ ન કરવું.

ઘણી હોટેલોના રૂમમાં તેની રૂમની ક્વોલીટી પ્રમાણે તેમાં નાનકડું ફ્રીઝ અને તેની અંદર કોલ્ડ્રીંક કે અન્ય નાશ્તાઓ પણ આપવામાં આવે છે. પણ તે બધું ચાર્જેબલ હોય છે માટે તે વાપરતા પહેલાં તેમજ તેને પોતાના પર્સમાં સરકાવતા પહેલાં એ ચાર્જ વિષે જાણી લેવું.

હોટેલમાંથી વસ્તુઓ લેવી અને વસ્તુઓ ચોરવી આ બન્ને વચ્ચે એક પાતળી રેખા છે. ભગવાને આપણને બધાને સામાન્ય બુદ્ધિ આપેલી છે આપણે તેનો ઉપયોગ કરીને હોટેલમાંથી કઈ વસ્તુઓ લેવી અને કઈ વસ્તુઓ ન લેવી તેનો નિર્ણય લેવો જોઈએ. તેમ છતાં જો તમે મુંઝવણમાં હોવ તો પછી તમારે એક પણ વસ્તુ હોટેલના રૂમમાંથી ઉઠાવવી જોઈએ નહીં.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ