જન્માષ્ઠમીનો પ્રસાદ આ વખતે બનાવો એક યુનિક રેસિપી સાથે, પંજીરી બરફી અને ડ્રાયફ્રુટ પંચામૃત…

જન્માષ્ઠમીએ ધરાવાતી પંજીરીનું નવું વર્જન જરૂર બનાવવા ટ્રાય કરજો આ વખતે, સાથે પંચામૃત અને માખણ મીશ્રી પણ કેમ કાનાને ભોગમાં ધરાવવામાં આવે છે, જાણો… જન્માષ્ઠમીનો પ્રસાદ આવ વખતે બનાવો એક યુનિક રેસિપી સાથે, પંજીરી બરફી અને ડ્રાયફ્રુટ પંચામૃત…

આપણે ગુજરાતી પંચાંગ અનુસાર શુક્લ પક્ષની અષ્ટમીના રાતે બાર વાગ્યે કૃષ્ણ જન્મોત્સવનો ઉત્સાહભેર ઉજવીએ છીએ. દિવસ દરમિયાન પૂજા અને ભજન કિર્તન કરીએ છીએ અને આખો દિવસ નિર્જળા કે ફરાળી ઉપવાસ કરી છીએ. આ દિવસ હિન્દુ વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ વર્ષના દસમા મહિનાનો ત્રેવીસમો દિવસ છે, જ્યારે શ્રાવણ માસ વિક્રમ સંવત મુજબ વર્ષના દસમા મહિનાનો ત્રેવીસમો દિવસ છે. ભગવાન શ્રી વિષ્ણુના આઠમા અવતાર શ્રી કૃષ્ણના જન્મને આપણે અનેરી રીતે ઉજવવા માટે ઉમળકા સાથે પારણાંનો અને ગોકુળના ગામડાનું દ્રશ્ય ઊભું કરવામાં આવે છે. આ ઉત્સવની તૈયારીઓમાં લાલાને ઝૂલાવવા માટે પારણાંનું ડેકોરેશન કરવામાં આવે છે. ભજન મંડળીઓ અને પૌરાણિક પાત્રો સાથેના નાટ્ય ભજવવામાં આવે છે. દરમિયાન છેક મધ્યરાતે કનૈયાનો જન્મ કરાવાય છે… નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી… ધૂન સાથે આખું પરિસર ગુંજી ઊઠે છે.

અડોસપડોસના સૌ કોઈ સાથે મળીને કૃષ્ણ જનમની ઉજવણી કરે છે. ત્યારે જનમની ઉજવણી બાદ પ્રસાદમાં સૌ કોઈને પ્રસાદ વહેંચવામાં આવે છે. લાલાના પારણાં પાસે અનેક મીઠી વાનગીઓ અને માખણ મીશ્રી પણ ધરાવવામાં આવે છે. તેની સાથે પંજીરી પણ ધરાવાય છે. આ બધી જ પ્રસાદીની સાથે પંચામૃત ધરાવવાનો પણ એટલો જ ખાસ મહિમા છે… આ જન્માષ્ઠમીએ એક જુદીજ રીતનું પંચામૃત અને પંજીરીનું નવું જ સ્વાદિષ્ટ વર્જન બનાવતાં શીખવાડીએ, આપને જરૂર પસંદ આવશે…

ઓરિજીનલ પંજીરી બનાવવા માટે આખું ધાણાજીરું, ધી, વરિયાળી, એચલી, કોપરાનું ખમણ અને બુરુ સાકર કે ગોળ અને પેડા જેવી મીઠી વસ્તુઓ ઉમેરીને બનાવવામાં આવે છે. આજે આપણે નવી રીતે પંજીરીની બરફી બનાવવાની રીત જાણીએ.

પંજીરીની બરફી બનાવવાની રીત…

સામગ્રી…

૧ કપ ધાણાજીરું પાઉડર,

૨ કપ નારિયેળનું પાઉડર,

૧ નાની ચમચી એલચી પાઉડર

૪ મોટા ચમચા મગતરીના બીજ

૨ મોટા ચમચા ઘી

અડધો કપ પાણી, ચાસણી બનાવવા માટે સપ્રમાણ ખાંડ લેવી…

બનાવવાની પદ્ધતિ…

સૌથી પહેલાં ઘી કડાઈમાં ગરમ કરવું અને ધાણાજીરું પાઉડરને ધીમી આંચે શેકી લેવું. ધાણાજીરું શેકાવાની ખૂબ જ સરસ સોડમ આવે છે. તેને એક વાટકીમાં કાઢી લો. હવે એજ ઘીવાળી ગરમ કડાઈમાં વારાફરથી નારિયેળનું ખમણ અને મગજતરીના બીજને પણ એક – એક મિનિટ માટે શેકી લેવું અને તેને પણ એક બીજી વાટલીમાં કાઢીને ઠંડું થવા રાખી દેવું. સાથે સાથે બીજી તરફ પાણી અને ખાંડ લઈને ચાસણી બનાવવી. હવે, ચાસણી તૈયાર થઈ જાય એટલે તેમાં શેકેલ ધાણાજીરું, કોપરું, એલચી અને મગતરીના બીનો પાઉડર ઉમેરીને ધીમી આંચે શેકવા લાગો. એને હલવાની જેમ જ જામવા લાગે ત્યારે એક ઘી લગાડેલી થાળીમાં થાબડી લો. થોડું ઠરી જાય એટલે આપની પસંદ મુજબના ચોસલાં પાડી લો. તેની ઉપર ડ્રાયફ્રુટની કતરણ પણ ભભરાવી શકો છો.

આ રીતે ચોસલા પાડેલી પંજીરી ખાવાની ખૂબ જ મજા આવશે. કોરી પંજીરીને તો લાંબો સમય સુધી સાચવીને પણ રાખી શકાય છે અને તેને કોઈપણ વ્રતમાં ખાઈ શકાય છે. તે ફરાળી પ્રસાદમાં વપરાતી વાનગી છે. વધુ એક પ્રસાદીમાં મૂકવાની મહત્વની વાનગી છે પંચામૃત. તેમાં આપણે થોડો ડિફરન્ટ ટ્વીસ્ટ આપીએ…

ડ્રાયફ્રુટ પંચામૃત…

સામગ્રી…

દહીં, દૂધ, સાકર, બુરુ ખાંડ, ડ્રાયફ્રુટની કતરણ, મધ, ધી અને એલચી પાઉડર…

બનાવવાની રીત…

વધારે પ્રમાણમાં દહીં લેવું અને તેમાં સાવ ઓછા પ્રમાણમાં દૂધ ઉમેરવું. તેમાં સાકર અને જરૂર પડે તો બુરુ ખાંડ ઉમેરવું. એલચી પાઉડર અને સપ્રમાણ મધ પણ રેડવું. આખા મિશ્રણને બરાબર હલાવવું. પાંચ શુદ્ધ અને પવિત્ર તત્વોને મેળવી લીધા બાદ ઉપરથી કાજુ, બદામ, અખરોટ અને પિસ્તાની કતરણ કરેલ મિશ્રણ ભભરાવવું અને ઉપરથી કિસમીસ પણ નાખી શકાય છે. સાદું અને કાયમ બનાવતાં હોઈએ એવા પંચામૃતમાં આ રીતે ડ્રાયફ્રુટ ઉમેરીને નવો સ્વાદ લાવી શકાય છે. આ જન્માષ્ઠમીએ આ બંને પ્રસાદની નવી રીત જરૂર બનાવી જોજો… તમારા ઘરના સૌ કોઈને ભાવશે અને પારણાંમાં ઝૂલતા કનૈયાનેય ચોક્કસ પસંદ પડશે…

માખણ – મીશ્રીના પ્રસાદનું ખાસ મહત્વ છે, જાણો…

બાલ ગોપાલને પંજીરી અને પંચામૃતની સાથે માખણ – મિશ્રી જરૂર ધરાવાય છે. કહેવાય છે કે ૫૬ ભોગ બરાબર માખણ – મિશ્રીની એક વાટકી છે. ભગવાન શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપને માખણ મિશ્રી ખૂબ જ પ્રિય છે. પ્રસાદમાં તેનું ખાસ સ્થાન છે. તેની પાછળની વાત કૃષ્ણ જનમના યુગની સાથે જોડાયેલ છે, આવો જાણીએ એ શું છે…

ગોકુલમાં ભરવરસાદે નંદના કાંધેથી યમુના નદી પાર કરીને પહોંચેલ બાલ કનૈયા ધીમે ધીમે મોટા થયા અને ત્યાંના સૌ ગોપ – ગોપીઓ સાથે બાળપણમાં ખૂબ જ બાળલીલાઓ કરી. તેઓ ખૂબ નટખટ હતા. અનેક તોફાનો કરવાની કથાઓ તેમની સાથે જોડાયેલી છે, તેમાં શેષ નાગ સાથેની યમુના નદીમાં જઈને યુદ્ધ કરવાની વાત હોય કે ગોપીઓના વસ્ત્રો છુપાવવાની વાત હોય. તેઓ જશોદા માતાને પણ બહુ જ પરેશાન કરતા અને તેઓ સૌ ગોપાલોની સાથે મળીને મટકીમાં સંઘરીને લટકાવી રાખેલ માખણને ચોરીને ખાતા. માતા યશોદા તેમને થાંભલા સાથે બાંધી દેતા અને માતાને દુખ પણ થતું લાડલા પુત્રને સજા કરવાને કારણે… ખૂબ જ રસપ્રદ અને બોધથી ભરપૂર કાનુડાના બાળ પ્રસંગો સાથે માખણ – મિશ્રી પણ જોડાયેલ છે. તેથી લાલાના જન્મ સમયે માખણ – મીશ્રીનો ભોગ જરૂર ચડાવવો જોઈએ.

૫૬ ભોગ કરતાં પણ વધારે મહત્વ છે માખણ – મીશ્રીના પ્રસાદનું…

ભગવાનના જન્મ સમયે પારણાંમાં ઝૂલતા બાલગોપાલની શોભામાં પ૬ ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવે છે. ૫૬ ભોગમાં અનાજ – ધાન્ય બનેલ રોટલી, પૂરી પરોઠા, અનેક જાતના તળેલાં ફરસાણ, શાક, દાળ, ભાત, અથાળા, પાપડ, ચટણી, પીણાં અને જાત – જાતની મીઠાઈઓ તેમજ દરેક પ્રકારના સુકા મેવા ધરાવવામાં આવે છે. આ દરેક વસ્તુઓની સાથે માખણ – મીશ્રીની પણ એક વાટકી રાખવામાં આવે છે. તેની સાથે પંચામૃત અને પંજીરી પણ જરૂર રાખવામાં આવે છે.

જે લોકો આર્થિક સ્થિતિને આધિન થઈને ૫૬ ભોગ ન પણ ચડાવી શકે તેઓ માખણ – મિશ્રી જરૂર ચડાવી શકે છે. જેઓ વ્રત – ઉપવાસ કરતાં હોય જન્માષ્ઠમીને દિવસે તેઓ જન્મ થયા બાદ માખણ – મિશ્રીનો પ્રસાદ મોંમા લઈને પછી તેમના વ્રતનું પારણું કરે છે. તેની માખણ – મિશ્રી આરોગવાનું પણ ખાસ મહત્વ છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ