જલ્સા કરોને જેંતીલાલ

જમીનમાં ધરબાયેલી 1700 વર્ષ જૂની ઇમારત મળી આવી, સ્થાનિક લોકોમાં કૂતુહલ…

આપણને ભવિષ્યના ભુગર્ભમાં શું પડેલું છે તે ક્યારેય ખબર નથી હોતી અને આપણને એવો વહેમ હોય છે કે આપણે ભૂતકાળને પણ સારી રીતે જાણીએ છીએ પણ તે પણ પૂર્ણ સત્ય નથી. આપણે આપણો એટલે કે માનવજાતિનો કે પછી આપણી આસપાસની જગ્યાઓનો કે પછી સમગ્ર પૃથ્વિનો 25 ટકા ભૂતકાળ પણ નથી જાણતા.


પણ આધુનિક વિજ્ઞાને હંમેશા પોતાના સંશોધનો દ્વારા ભૂતકાળમાં દ્રષ્ટિ કરવાનો એક પણ મોકો નથી છોડ્યો અને તેમના આ સંશોધનોના કારણે જ અવારનવાર આપણા ભૂતકાળ વિષે આપણને કંઈકને કંઈક નવીન જાણવા મળે છે અને આપણે તે જાણીને અભિભૂત થઈ જઈએ છીએ.


તાજેતરમાં રશિયાના પૌરાણિક શહેર ડર્બેન્ટમાં મળી આવી છે એક પુરાણકાળની ઇમારત. જો કે વૈજ્ઞાનિકો તે વિષે કંઈ વધારે ખુલાસો નથી કરી શક્યા. અને આશ્ચર્યની વાત એ છે કે આ બિલ્ડિંગ કોઈ નવી જ જગ્યાએથી નહીં પણ ડર્બેન્ટ શહેરના કાસ્પિયન કિનારા નજીક આવેલી વર્લ્ડ હેરીટેજ સાઇટની અંદર જ જાણે કોઈ ખજાનાની જેમ જમીનની અંદર છૂપાયેલી મળી આવી હતી.


તમને જણાવી દઈએ કે ડર્બેન્ટ પોતે જ એક પૌરાણિક શહેર છે. આજે ભલે તે રશિયા પ્રાંતમાના રિપબ્લીક ઓફ ડાગેસ્ટેનમાં આવેલું હોય પણ આ શહેર મૂળે તો એક ઇરાનિયન શહેર હતું. અહીંનો ઇતિહાસ જણાવે છે કે ઇસા પૂર્વેની 8મી સદીથી લઈને ઇસા બાદની ચોથી સદી સુધી અહીં પર્શિયન શાશકનું રાજ હતું.


વૈજ્ઞાનિકોએ આ બિલ્ડિંગને મ્યૂઓન રેડિયોગ્રાફી ઉપકરણ દ્વારા સ્કેન કરીને કેટલીક જાણકારી મેળવી છે. જો કે તે વિષે આગળ તપાસ કરી શક્યા નથી. આ બિલ્ડિંગ ખૂબ ઊઁડે ધરબાયેલી પડી હતી. વૈજ્ઞાનિકોએ આ બિલ્ડિંગના ઉદ્દેશ બાબતે ઘણી બધી ધારણાઓ લગાવી છે તેમાંથી એક ધારણા પ્રમાણે આ કોઈ મંદીર હોઈ શકે છે તો વળી બીજી શક્યતાઓ એવી પણ છે કે આ કોઈ પારસી અગિયારી પણ હોઈ શકે. એમ પણ તમે ઉપર વાંચ્યુ કે આ જગ્યાનો ઇતિહાસ પર્શિયા સાથે જોડાયેલો છે. તો અહીં અગિયારી હોવાની શક્યતાને નકારી ન શકાય.


આ બિલ્ડિંગ 11 મીટર એટલે કે લગભગ 33 ફૂટ ઉંચી છે. જે નાર્યન-કાલા નામના નાનકડા કિલ્લાની ઉત્તર પૂર્વ તરફ આવેલી છે. આ બિલ્ડિંગ લગભગ અંડરગ્રાઉન્ડ જ છે જે ત્રીજી સદીમાં બની હોવાનું માનવામાં આવી રહ્યું છે. એટલે કે અત્યારથી 1700 વર્ષ પહેલાંથી આ બિલ્ડિંગ અસ્તિત્ત્વમાં છે.


આ બિલ્ડિંગ પર વધારે સંશોધન થઈ શકે તેમ નથી કારણ કે આ જે વર્લ્ડ હેરિટેજ સાઇટ એટલે કે નાર્યન-કાલાના કિલ્લામાંથી મળી આવી છે તે યુનેસ્કો દ્વારા સુરક્ષિત સાઇટ ઘોષિત કરવામાં આવી છે અને અહીં જરા પણ ખોદકામ થઈ શકે તેમ નથી. અને માટે જ ડર્બન્ટના વૈજ્ઞાનિકોએ નોન-ઇનવેસિવ ટેક્નિક એટલે કે જેને મ્યુઓન રેડિયોગ્રાફી કહેવાય છે તેના ઉપયોગ દ્વારા બિલ્ડિંગનું એક ચિત્ર ઉભું કર્યું છે.


જો તેમને આ સ્ટ્રક્ચરને સમજવા મળે તો તેઓ તેના ઉપયોગને પણ નક્કી કરી શકશે. જો કે તેની રેડિયોગ્રાફી કર્યા બાદ જાણવા મળ્યું કે તેનો આકાર ક્રોસ જેવો છે, માટે એવું પણ માનવામાં આવે છે કે તે કોઈ ચર્ચ પણ હોઈ શકે. આ જગ્યાની ઉંચાઈ 11 મીટર લંબાઈ 15 મીટર અને પહોળાઈ 13 મીટર છે.


જો કે એક ભુવૈજ્ઞાનિક નતાલિયા પોલુખિનાનું તો એવુ પણ કહેવું છે કે આ જ જગ્યાએ એટલે કે નાર્યન કાલાના કિલ્લામાં આવું જ એક સ્ટ્રક્ચર આ પહેલાં પણ મળી આવ્યું હતું અને પુરાણ સમયમાં તેનો ઉપયોગ કોઈ જળાશય એટલે કે પાણીની ટાંકી તરીકે કરવામાં આવતો હતો. અને તેની ઉંચાઈ 10 મીટર હતી. જો કે તે કોઈ જળાશય હોઈ શકે તે બાબતે પણ ઘણી બધી શંકાઓ છે. માટે હવે ખરેખર આ બિલ્ડિંગ કયા સમયની, કયા શાસન કાળની કે કયા ધર્મની છે તેની જાણકારી ત્યારે જ મળી શકે જ્યારે તેના પર સઘન સંશોધન કરવામાં આવે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version